Editor's View: 2050માં દુનિયામાં કયા ધર્મનું રાજ હશે?:વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમો ભારતમાં હશે, નોકરી-ધંધામાં ધરમૂળથી બદલાવ, વસતીનું ગણિત અને ચોંકાવનારી હકિકત

Last Updated: July 17, 2026By

વર્ષ 2026. વોશિંગ્ટનથી લઈને બેઇજિંગ સુધીના ટોચના સત્તાધીશોના હાથમાં 2050નું એક ટોપ ચોંકાવી દેતો રિપોર્ટ લાગ્યો. AC રૂમમાં પણ તેમના કપાળે પરસેવો વળી રહ્યો છે! તમને લાગતું હશે કે આ કોઈ નવા પરમાણુ બોમ્બ કે ત્રીજા વિશ્વ યુદ્ધનો ડર છે? પણ ના! આ ડર છે એક એવા ડેમોગ્રાફિક ટાઈમ બોમ્બનો, જેની સેકન્ડો હવે ઝડપથી ઘટી રહી છે. દુનિયાને એમ હતું કે ભવિષ્યનું વિશ્વ યુદ્ધ કોઈ સરહદ પર કે મિસાઈલોથી લડાશે, પણ અસલી ખેલ તો ક્યારનોય શરૂ થઈ ગયો છે. પડદા પાછળની ચોંકાવનારી વાત એ છે કે આ નવું મહાયુદ્ધ હથિયારોથી નહીં, પણ સીધું પારણામાં એટલે કે ઘોડિયામાં લડાઈ રહ્યું છે! દુનિયા ભલે મોડર્ન થઈ રહી હોય, પણ 2050 સુધીમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની વસ્તી દુનિયામાં પહેલીવાર એકદમ બરાબરી પર આવી જશે. આજે આપણે ડીકોડ કરીશું ધર્મ અને વસ્તીના એવા ભયંકર ગણિતને, જે આવતીકાલે તમારો વેપાર, તમારી નોકરી અને દુનિયાનો નકશો મૂળમાંથી બદલી નાખશે! ચાલો સમજીએ આખો ખેલ… નમસ્કાર… માનવ ઇતિહાસમાં 2050નું વર્ષ એક એવો ટર્નિંગ પોઇન્ટ હશે જેણે ભૂતકાળમાં ક્યારેય કોઈએ જોયો નથી. વૈશ્વિક વસ્તીમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મોનો હિસ્સો લગભગ 30થી 31 ટકાની આસપાસ રહી શકે છે. એટલે કે, દુનિયાના દર 100 લોકોમાંથી 60 લોકો માત્ર આ બે જ ધર્મના હશે. ગુજરાત કે ભારત પર શું અસર?
હવે તમારા મગજમાં સીધો સવાલ એ થશે કે, “આ ગ્લોબલ ડેટાથી મારે શું લેવાદેવા? આનાથી ગુજરાત કે મારા ઘર પર શું અસર પડશે?” ધારો કે તમે સુરત કે અમદાવાદમાં કાપડ, ડાયમંડ અથવા ફૂડનો બિઝનેસ ચલાવતા એક સામાન્ય વેપારી છો. અથવા તમારો દીકરો કે દીકરી આવતા વર્ષે ભણવા માટે કેનેડા, યુરોપ કે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે. તો આ ગ્લોબલ વસ્તી વિસ્ફોટ સીધી રીતે તમારા ખિસ્સા, તમારા બિઝનેસ અને તમારા સંતાનોના કરિયર પર અસર કરશે. કેવી રીતે? કારણ કે દુનિયાનું નવું અર્થશાસ્ત્ર એ જ દિશામાં વળશે જ્યાં યુવા વસ્તી વધુ હશે. જ્યારે યુરોપમાં વિદેશીઓની વસ્તી વધશે, ત્યારે ત્યાંના વિઝાના નિયમો, નોકરીની તકો અને સાંસ્કૃતિક માહોલ પૂરી રીતે બદલાઈ જશે. તમારા સંતાનોએ નોકરી માટે એક નવી જ દુનિયામાં ગળાકાપ સ્પર્ધા કરવી પડશે. આપણે આંકડાઓની બહુ મોટી માયાજાળમાં નથી પડવું. પણ જરા આ સ્પીડ જુઓ: અહીં કોઈ તલવારના જોરે કે બળજબરીથી ધર્માંતરણ નથી કરાવી રહ્યું. આની પાછળનું સાચું ગણિત માત્ર બે જ ફેક્ટર પર ચાલે છે. પહેલું છે ફર્ટિલિટી રેટ એટલે કે પ્રજનન દર. અને બીજું છે મિડિયન એજ એટલે કે યુવા વસ્તી અને ત્રીજું છે પ્રચાર. હવે દુનિયામાં કયા ધર્મના કેટલા લોકો છે તે પણ જાણી લો… ડર નહીં, પણ એક નવી આર્થિક તક મુસ્લિમ મહિલાઓનો સરેરાશ પ્રજનન દર આખી દુનિયામાં સૌથી વધુ એટલે કે 3.1 છે. એટલે કે એક મુસ્લીમ મહિલા 3 બાળકો તો પેદા કરે જ છે. જ્યારે હિન્દુઓમાં આ દર 2.4 છે. યુવાનોની ઉંમરની વાત કરીએ તો મુસ્લિમોની સરેરાશ ઉંમર 24 વર્ષ અને હિન્દુઓની 26 વર્ષ છે. આનો સીધો અર્થ એ થાય કે આ બે ધર્મો પાસે ભવિષ્યમાં સૌથી મોટી વર્કિંગ ક્લાસ એટલે કે કામ કરનારી વસ્તી હશે. આખી દુનિયા અત્યારે આને માત્ર એક મોટા સાંસ્કૃતિક ખતરા તરીકે જોઈ રહી છે, પણ વાસ્તવમાં આ એક બહુ મોટી આર્થિક તક પણ છે. દુનિયાની જેટલી પણ મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ છે, તેઓ હવે યુરોપને બદલે એશિયા અને આફ્રિકાના યુવાનો માટે જ પોતાની પ્રોડક્ટ્સ બનાવશે. ભારત માટે આ સૌથી મોટો પ્લસ પોઇન્ટ બની શકે છે, કારણ કે આપણી પાસે યુવાનોની મસમોટી ફોજ છે. દુનિયાની નવી સત્તા કોના હાથમાં? આજના સમયમાં આપણે જોઈએ છીએ કે જે દેશો પાસે પેટ્રોલ, ડીઝલ કે આધુનિક ટેક્નોલોજી છે તેઓ દુનિયા પર રાજ કરી રહ્યા છે. પરંતુ 2050ની દુનિયા સાવ અલગ હશે. ત્યારે વૈશ્વિક સત્તા એના હાથમાં નહીં હોય જેની પાસે સૌથી વધુ મિસાઈલો હશે, પણ સત્તા એની પાસે હશે જેની પાસે સૌથી વધુ યુવાનો હશે. અમેરિકા અને યુરોપના દેશો આજે ભલે પોતાની ટેક્નોલોજી પર ગર્વ કરી રહ્યા હોય, પણ હકીકત એ છે કે ત્યાંની વસ્તી ખૂબ જ ઝડપથી ઘરડી થઈ રહી છે. ત્યાં યુવાનો કરતા વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે. બાળકો પેદા કરવાનો દર એટલો નીચો જતો રહ્યો છે કે ભવિષ્યમાં તેમની ફેક્ટરીઓ ચલાવવા કે દેશનું અર્થતંત્ર સાચવવા માટે તેમની પાસે પોતાના યુવાનો જ નહીં બચે. આ જ કારણ છે કે પશ્ચિમી દેશોમાં અત્યારથી જ એક મોટો ડર પેસી ગયો છે. તેમને પોતાના અસ્તિત્વ માટે વિદેશીઓ પર નિર્ભર રહેવું પડશે. આ તો થઈ આખી દુનિયાની વાત, પણ શું તમે જાણો છો કે 2050માં આપણા ભારતનું ચિત્ર કેવું હશે? શું ભારતમાં કોઈ બહુ મોટો ધાર્મિક કે રાજકીય બદલાવ આવવાનો છે? આ સવાલનો જવાબ એવો છે જે કદાચ તમારા મગજના તાર ઝણઝણાવી દેશે. 2025 સુધીમાં ભારત એક ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે? સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટીમાં તમે ઘણીવાર આવા ફોરવર્ડેડ મેસેજ વાંચ્યા હશે. ઘણા લોકો ડર ફેલાવતા એવો દાવો કરે છે કે અમુક વર્ષોમાં ભારતમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે અને દેશની ડેમોગ્રાફી આખી બદલાઈ જશે. પણ આજે ડેટા અને રિસર્ચના આધારે આ બહુ મોટો ભ્રમ તોડવાનો સમય આવી ગયો છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના આંકડાઓ એકદમ ચોખ્ખું કહે છે કે આવું કશું જ થવાનું નથી! હા, એક બહુ મોટો બદલાવ જરૂર આવવાનો છે, પણ તે જરાય ડરામણો નથી. વર્ષ 2050માં ઇન્ડોનેશિયાને પાછળ છોડીને આપણો દેશ ભારત દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બની જશે. પૃથ્વી પરની વૈશ્વિક મુસ્લિમ વસ્તીના લગભગ 11.2 ટકા લોકો માત્ર ભારતમાં જ રહેતા હશે. આ લિસ્ટમાં ભારત પછી બીજો નંબર પાકિસ્તાન (9.9%), ત્રીજો ઇન્ડોનેશિયા (9.3%), ચોથો નાઇજીરીયા (8.4%) અને પાંચમો નંબર બાંગ્લાદેશ (6.6%) નો આવશે. પણ હવે ધ્યાનથી સાંભળજો. દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તી ભારતમાં હોવા છતાં, 2050માં ભારત એક પ્રચંડ હિન્દુ બહુમતીવાળો દેશ જ રહેશે. ભારતમાં હિન્દુઓની વસ્તી 1.3 અબજને પાર કરી જશે. આનો સીધો મતલબ એ છે કે દેશમાં 76 ટકાના તોતિંગ આંકડા સાથે હિન્દુઓ જ બહુમતીમાં રહેશે અને દેશનું ધાર્મિક સંતુલન બિલકુલ જળવાઈ રહેશે. ગુજરાત કે ભારતના માણસને શું ફાયદો? હવે સમજીએ આની ગ્રાઉન્ડ રિયાલિટી અને તમારા ખિસ્સા પર થતી અસર. ધારો કે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં કે સુરતની બજારમાં તમારી એક કાપડની કે કરિયાણાની દુકાન છે. અત્યારે તમે દિવાળીના તહેવારમાં મોટી કમાણી કરો છો અને ઈદના સમયે પણ તમારો માલ જબરદસ્ત વેચાય છે. 2050માં તમારી પાસે દુનિયાના સૌથી મોટા બે ગ્રાહક વર્ગ હશે. એક તરફ 1.3 અબજ હિન્દુઓ અને બીજી તરફ દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી. વેપારીઓ માટે આ કોઈ જિયોપોલિટિકલ ખતરો નથી, પણ એક બહુ મોટી આર્થિક તક છે. ગ્લોબલ બ્રાન્ડ્સ, ઇન્ટરનેશનલ કંપનીઓ અને વિદેશી રોકાણકારો ભારતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે પડાપડી કરશે. કારણ સ્પષ્ટ છે, આટલું મોટું ડબલ કન્ઝ્યુમર માર્કેટ તેમને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. ભારતના યુવાનો માટે નોકરીઓ વધશે અને માર્કેટમાં તેજી આવશે. એટલે આ ડેમોગ્રાફિક શિફ્ટને માત્ર વોટબેંકના રાજકીય ડરની નજરે જોવાને બદલે એક પાવરફુલ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી તરીકે પણ જોવું જોઈએ. શું દુનિયા ભગવાનથી દૂર જઈ રહી છે? ભારતની વાત પછી હવે વાત કરીએ પશ્ચિમી દેશોની. એક બહુ મોટો ભ્રમ અને અફવા દુનિયામાં ફેલાયેલી છે કે દુનિયા મોડર્ન થઈ રહી છે એટલે નાસ્તિકો એટલે કે કોઈ ધર્મમાં ન માનનારા વધી રહ્યા છે. લોકો ભણેલા ગણેલા અને સાયન્સમાં માનતા થઈ રહ્યા છે એટલે ભગવાનથી દૂર જઈ રહ્યા છે. પણ રિયાલિટી સાવ ઉલટી છે. આવનારા સમયમાં નાસ્તિકોની ટકાવારી વધવાના બદલે દુનિયા લેવલે ઘટવાની છે! પ્યૂ રિસર્ચના આંકડા મુજબ 2010માં દુનિયામાં 16 ટકા લોકો નાસ્તિક હતા, જે 2050માં ઘટીને માત્ર 13 ટકા થઈ જશે. ભલે તેમની સંખ્યા 1.13 અબજથી વધીને 1.23 અબજ થાય, પણ ગ્લોબલ ટકાવારીમાં તેઓ ઝડપથી સંકોચાઈ રહ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે? આની પાછળનું એકમાત્ર સાયન્ટિફિક કારણ છે બાળકો પેદા કરવાનો દર. જે દેશોમાં નાસ્તિકો સૌથી વધુ છે, જેમ કે યુરોપ, ચીન અને જાપાન, ત્યાં બાળકો પેદા કરવાનો દર દુનિયામાં સૌથી ઓછો છે. જાપાનના એક સામાન્ય યુવાનનું ઉદાહરણ લો. તે ભણેલો છે, મોડર્ન છે, પણ તે લગ્ન કરવા કે બાળકો પેદા કરવામાં માનતો જ નથી. જેના લીધે જાપાનમાં આજે સ્કૂલો બંધ થઈ રહી છે અને ત્યાં મોટા પાયે વૃદ્ધાશ્રમો બની રહ્યા છે. નાસ્તિક લોકો નવી પેઢીને જન્મ નથી આપી રહ્યા. તેનાથી દુનિયાના રિલિજિયન ગ્રાફમાં તેમનો હિસ્સો ઘટી રહ્યો છે. બીજી તરફ આફ્રિકા અને એશિયામાં ધાર્મિક લોકો વધુ બાળકો પેદા કરી રહ્યા છે. આ જ કારણ છે કે આધુનિકતા અને ટેક્નોલોજી હોવા છતાં, દુનિયા વધુને વધુ ધાર્મિક બની રહી છે. પણ અહીં એક સવાલ ઊભો થાય છે. જો વસ્તીના ગણિત પ્રમાણે નાસ્તિકો ઘટી રહ્યા છે, તો પછી આજકાલના નવા યુવાનોમાં, ખાસ કરીને જેન-ઝીમાં મંદિરે કે ચર્ચમાં ન જવાનો ટ્રેન્ડ કેમ આટલી ઝડપથી વધી રહ્યો છે? શું આજની નવી પેઢીને ખરેખર ધર્મમાં કોઈ જ રસ નથી રહ્યો? નવી પેઢીને ભગવાન ગમે, પણ ધર્મથી દૂર છે! તમને એવા ઘણા યુવાનો મળશે જેઓ મંદિરે, મસ્જિદે કે ચર્ચમાં જવાનું ટાળે છે. તો આ વિરોધાભાસ કેમ છે? આની પાછળ એક નવો અને અત્યંત પાવરફુલ ટ્રેન્ડ કામ કરી રહ્યો છે, જેને જેનઝી પેઢી SBNR કહે છે. SBNR એટલે Spiritual But Not Religious સાદી ગુજરાતીમાં આધ્યાત્મિક છે, પણ ધાર્મિક નથી. આજની જનરેશન-Z અને સ્માર્ટફોન વાપરતી પેઢીની વિચારસરણી સાવ અલગ છે. અમદાવાદ, મુંબઈ કે લંડનમાં બેઠેલો 22 વર્ષનો યુવાન એમ નથી કહેતો કે ભગવાન નથી. તે કોઈ ઉચ્ચ શક્તિમાં ચોક્કસ માને છે. તે પોતાના રૂમમાં બેસીને મેડિટેશન કરશે, આંતરિક શાંતિ શોધશે, પણ તેને કોઈ એક ચોક્કસ ધર્મના લેબલ નીચે બંધાવું નથી. ધર્મગુરુઓથી કેમ મોહભંગ થયો? ઇન્ટરનેટ અને સવાલો:
ગ્લોબલાઈઝેશનને કારણે આજે માહિતી એક ક્લિક પર છે. યુવા પેઢી હવે આંખો બંધ કરીને જૂની માન્યતાઓ સ્વીકારવા તૈયાર નથી. તેઓ તર્ક અને સવાલો કરે છે.
સંસ્થાઓ પરથી ઉઠેલો ભરોસો:
દુનિયાભરના ચર્ચ કે અન્ય ધાર્મિક સંસ્થાઓમાં જે મોટા સ્કેન્ડલ્સ સામે આવ્યા, અને જે રીતે ધર્મનો ઉપયોગ માત્ર રાજકારણ અને વોટબેંક માટે થવા લાગ્યો, તેનાથી યુવાનોને નફરત થઈ ગઈ છે. આ જ કારણ છે કે જ્યારે વસ્તી ગણતરી થાય, ત્યારે આ યુવાનો ફોર્મમાં પોતાને કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તરીકે નોંધાવે છે. તેઓ કટ્ટર નાસ્તિક નથી, તેઓ માત્ર ધર્મની સિસ્ટમથી કંટાળી ગયા છે. હવે જાણો કે દુનિયામાં સૌથી વધુ ખ્રિસ્તી વસ્તી કયા દેશોમાં છે? જિયોપોલિટિકલ ભૂકંપ: યુરોપની મજબૂરી અને સાંસ્કૃતિક ટક્કર હવે આપણે આ વસ્તી ગણિતને ધર્મના ચશ્મામાંથી કાઢીને સીધું ગ્લોબલ પોલિટિક્સ અને અર્થતંત્ર સાથે જોડીએ. આપણે અગાઉ વાત કરી કે યુરોપ અને અમેરિકામાં વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે અને બાળકો પેદા થતા નથી. હવે વિચાર કરો, જો જર્મની કે ફ્રાન્સમાં યુવાનો જ નહીં હોય, તો તેમની મોટી કાર ફેક્ટરીઓ કોણ ચલાવશે? રસ્તા પર બસો કોણ ચલાવશે? અને સૌથી મોટી વાત, ત્યાંના ઘરડા લોકોને જે પેન્શન મળે છે, તેના માટે ટેક્સ કોણ ભરશે? પશ્ચિમી દેશો પાસે હવે કોઈ જ વિકલ્પ બચ્યો નથી. પોતાનું અર્થતંત્ર બચાવવા માટે તેમને લાખોની સંખ્યામાં કામદારો એટલે કે ઇમિગ્રન્ટ્સની જરૂર છે. અને આ કામદારો ક્યાંથી આવશે? એશિયા અને આફ્રિકાના દેશોમાંથી, જ્યાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. અને આ કામદારો મોટેભાગે મુસ્લિમ અથવા અન્ય રૂઢિચુસ્ત ધાર્મિક માન્યતાઓ ધરાવતા હશે. અહીંથી શરૂ થાય છે દુનિયાનો સૌથી મોટો કલ્ચરલ ક્લેશ. લંડન અને પેરિસના રસ્તાઓ પર રમખાણો કેમ છે? ગુજરાતથી કેનેડા કે યુકે ભણવા ગયેલા કોઈ વિદ્યાર્થીને પૂછજો, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. પશ્ચિમી દેશો લિબરલ વેલ્યૂઝ એટલે કે ઉદારવાદી સંસ્કૃતિ અને કડક ધર્મનિરપેક્ષતામાં માને છે. જ્યારે આફ્રિકા કે મિડલ ઈસ્ટથી આવતા માઇગ્રન્ટ્સ પોતાના પરંપરાગત અને ધાર્મિક મૂલ્યો સાથે લઈને આવે છે. જ્યારે આ બે સાવ વિરોધી સંસ્કૃતિઓ એક જ વિસ્તારમાં રહેવા લાગે, ત્યારે ઘર્ષણ થવું નક્કી છે. તમે ન્યૂઝમાં જુઓ છો ને કે બ્રિટનમાં અચાનક ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ રમખાણો ફાટી નીકળે છે, ફ્રાન્સમાં તોડફોડ થાય છે કે જર્મનીમાં તણાવ રહે છે. આ બધું આ ડેમોગ્રાફિક શિફ્ટનું જ પરિણામ છે. ત્યાંની લોકલ ગોરી વસ્તીને હવે કલ્ચરલ ડિસ્પ્લેસમેન્ટની બીક લાગી રહી છે. તેમને ડર છે કે તેઓ પોતાના જ દેશમાં લઘુમતી બની જશે. આ જ ડરને કારણે આજે આખા યુરોપમાં કટ્ટર-જમણેરી અને રાષ્ટ્રવાદી રાજકીય પક્ષો ધમાકેદાર જીત મેળવી રહ્યા છે. શું રાજકારણ અને ચૂંટણીઓ બદલાઈ જશે? માત્ર યુરોપમાં જ નહીં, ભારતમાં પણ 2050 સુધીમાં આ બદલાતી વસ્તી ચૂંટણીના મેનિફેસ્ટો અને રાજકીય મુદ્દાઓ બદલી નાખશે. જ્યારે ભારતમાં મુસ્લિમ વસ્તી 31 કરોડને પાર કરી જશે, ત્યારે વોટબેંકનું સમીકરણ પૂરી રીતે નવું હશે. સિટિઝનશિપ, માઈગ્રેશન અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ આવનારા દાયકાઓમાં કોઈપણ દેશની સરકાર બનાવવા કે પાડવાની તાકાત રાખતા હશે. પણ જરા થોભો! અત્યાર સુધી તમને એમ લાગતું હશે કે ધર્મની આ વસ્તી માત્ર રાજકારણ કે ચૂંટણીઓ જ બદલશે. પણ વાસ્તવિકતા એ છે કે 2050 માં તમારો ધર્મ એ નક્કી કરશે કે તમે કયું શેમ્પુ વાપરશો, કયા રિસોર્ટમાં ફરવા જશો અને શેરબજારમાં કઈ કંપનીઓ ટોપ પર હશે. રિલિજિયનનું અર્થશાસ્ત્ર અને હલાલ ઈકોનોમી દુનિયાના માર્કેટને કેવી રીતે ભરખી જશે? તેનું માથું ચકરાવે ચડાવી દે તેવું ગણિત આપણે હવે સમજીએ. 9 ટ્રિલિયન ડોલરનો નવી હલાલ ઈન્ડસ્ટ્રી તમે હલાલ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. અત્યાર સુધી સામાન્ય લોકો એવું જ માનતા હતા કે હલાલ એટલે માત્ર એક ચોક્કસ રીતે કાપેલું માંસ. પણ હવે આ બહુ જૂની વાત થઈ ગઈ છે. આજે અને ખાસ કરીને 2050 સુધીમાં હલાલ ઈકોનોમી દુનિયાના દરેક મોટા વેપારીને પોતાના નિયમો મુજબ ચાલવા માટે મજબૂર કરી દેશે. મુસ્લિમ વસ્તીના અસાધારણ વૃદ્ધિ દર અને તેમના યુવા મધ્યમ વર્ગના ઉદયને કારણે આજે આ ગ્લોબલ હલાલ માર્કેટ લગભગ અઢી ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે. એક્સપર્ટ્સનો અંદાજ છે કે 2033-2034 સુધીમાં તે વધીને 6થી 9 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે! આ કોઈ નાનો આંકડો નથી. ગુજરાતના વેપારીઓ માટે આમાં શું તક છે? હવે સવાલ એ છે કે આનાથી ભારત કે ગુજરાતના સામાન્ય વેપારીને શું ફાયદો? જો તમે ફાર્મા કંપની ચલાવો છો, કાપડનો બિઝનેસ કરો છો કે ટુરિઝમ સાથે જોડાયેલા છો, તો આ 9 ટ્રિલિયન ડોલરના માર્કેટમાં તમે એક્સપોર્ટ કરીને અઢળક કમાણી કરી શકો છો. આર્થિક બદલાવ માત્ર મુસ્લિમ માર્કેટ પૂરતો સીમિત નથી રહેવાનો. દુનિયાની મોટી મોટી બ્રાન્ડ્સ હવે લોકોની નૈતિક અને ધાર્મિક માન્યતાઓને કેશ કરી રહી છે. યહૂદી ધર્મના ‘કોશર’ ફૂડ સ્ટાન્ડર્ડ્સ આજે એક મસમોટો ઉદ્યોગ બની ગયા છે. પ્લાન્ટ-બેઝ્ડ એટલે કે વનસ્પતિજન્ય દવાઓની કેપ્સ્યુલ, અને વિગન ટ્રેન્ડ માત્ર કોઈ ચોક્કસ ધર્મ જ નહીં, પરંતુ દુનિયાભરના તમામ એથિકલ કન્ઝ્યુમર્સ એટલે કે નૈતિક ગ્રાહકોમાં ખૂબ જ ફેમસ થઈ રહ્યા છે. ધર્મનું નવું સરનામું: આફ્રિકા ખંડ બનશે બેટલગ્રાઉન્ડ દુનિયામાં એક બહુ મોટો ભૌગોલિક ભૂકંપ આફ્રિકામાં આવવાનો છે. અત્યાર સુધી આપણે અમેરિકા કે યુરોપને ખ્રિસ્તી ધર્મનું મુખ્ય કેન્દ્ર માનતા હતા. પણ 2050માં દુનિયાના 10માંથી 4 ખ્રિસ્તીઓ એટલે કે લગભગ 40% માત્ર સબ-સહારન આફ્રિકામાં રહેતા હશે! નાઇજીરીયા, ઇથિયોપિયા અને કોંગો જેવા દેશોમાં વસ્તી એટલી ઝડપથી વધશે કે ત્યાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે સૌથી મોટી અને સીધી હરીફાઈ જોવા મળશે. નાઇજીરીયામાં હાલ બંને ધર્મ સરખા છે, પણ ભવિષ્યમાં ત્યાં મુસ્લિમ બહુમતી થઈ જશે. આફ્રિકા ભવિષ્યનું સૌથી મોટું અને ગરમ ધાર્મિક બેટલગ્રાઉન્ડ બની જશે. પશ્ચિમી દેશો માત્ર પોતાના વૃદ્ધોને સાચવવામાં વ્યસ્ત હશે, જ્યારે દુનિયાની નવી સત્તા આફ્રિકા અને એશિયામાંથી આકાર લેશે. ડેમોગ્રાફી ઈઝ ડેસ્ટિની વર્ષ 2050ની દુનિયા આજના કરતા ભૌગોલિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સાવ અલગ હશે. ધર્મનો ભવિષ્યનો નકશો કોઈ હથિયારોથી કે ઐતિહાસિક યુદ્ધોથી નહીં, પણ વસ્તીવિષયક ગણિતથી લખાશે. આખો રિપોર્ટ ડીકોડ કર્યા પછી એક વાત એકદમ સ્પષ્ટ છે કે જે દેશ પોતાના યુવાનોને યોગ્ય શિક્ષણ અને સાચો રોજગાર નહીં આપે, તે આ વસ્તી વિસ્ફોટના ભાર નીચે દબાઈને ખતમ થઈ જશે. ડેમોગ્રાફી ખરેખર દેશની નિયતિ નક્કી કરે છે. ભારત માટે આખી સ્થિતિ એક જબરદસ્ત ફાયદો બની શકે છે, જો આપણે આપણા લાખો યુવાનોને સાચી દિશામાં વાળી શકીએ. નહીંતર, આ જ વસ્તી વિસ્ફોટ આપણી સામે એક બહુ મોટો આંતરિક પડકાર બની શકે છે. અને છેલ્લે… જરા વિચારો, આજ સુધી દુનિયાના અર્થતંત્ર પર કોનો દબદબો રહ્યો છે? બ્રિટન, ફ્રાન્સ, જર્મની કે અમેરિકા જેવા ત્યારના G8 અને રશિયા બાદ આજના G7 દેશોનો. 1980નો દાયકો હોય કે 2010નો, આ બધા ટોચના શક્તિશાળી દેશો મોટેભાગે ખ્રિસ્તી બહુમતી ધરાવતા હતા. પણ વર્ષ 2050 આવતા સુધીમાં આખી ગેમ પલટાઈ જવાની છે. દુનિયાના ટોચના 5 અર્થતંત્રો કોઈ એક ધર્મના આધારે નહીં, પણ પૂરી રીતે ધાર્મિક વિવિધતા પર ઊભા હશે. તેમાં ભારતમાં હિન્દુ બહુમતી, ચીનમાં નાસ્તિક બહુમતી, ઇન્ડોનેશિયામાં મુસ્લિમ બહુમતી અને અમેરિકામાં ખ્રિસ્તી બહુમતીનો સમાવેશ થતો હશે. એટલે કે, આવનારા સમયમાં ગ્લોબલ વેપાર અને માર્કેટ કોઈ દેશની સરકાર નહીં, પણ લોકોની ધાર્મિક માન્યતાઓ અને તેમની ડેમોગ્રાફી ચલાવશે. માર્કેટ હંમેશા વસ્તીની માંગ મુજબ જ ચાલે છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
(રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment