15 વર્ષના સૂર્યવંશીએ ત્રીજી વખત સચિનનો રેકોર્ડ તોડ્યો!:પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનાર સૌથી યુવા ખેલાડી, 'બેબી બોસ' આ વર્ષે સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય

Last Updated: July 27, 2026By

ભારતે ત્રીજી ટી-20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રનથી હરાવીને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી. સૌથી વધુ 151 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ એવોર્ડ જીતનાર વિશ્વના સૌથી યુવા ખેલાડી બન્યો. હરારેમાં સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન બનાવ્યા. આ સાથે તેણે અત્યાર સુધીમાં ત્રીજી વખત ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. યંગેસ્ટ ડેબ્યૂ, નાની ઉંમરે ફિફટી ફટકારીને હવે તે સૌથી ઓછી ઉંમરમાં પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો. ઉપરાંત ‘બેબી બોસ’ સૂર્યવંશી આ વર્ષે ટી-20માં ભારત માટે સૌથી વધુ 86 છગ્ગા લગાવી ચૂક્યો છે. IND Vs ZIM મેચના ટોપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ… 1. સૂર્યવંશીએ પહેલો પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ જીત્યો સૂર્યવંશી સૌથી નાની ઉંમરે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનાર ખેલાડી બની ગયો. તેણે 15 વર્ષ 121 દિવસની ઉંમરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો. સૂર્યવંશીએ અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાનનો રેકોર્ડ તોડ્યો. મુજીબ 16 વર્ષ 328 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. 2. સૂર્યવંશી પ્લેયર ઓફ ધ મેચ જીતનાર સૌથી યુવા ભારતીય સૂર્યવંશી 15 વર્ષ 121 દિવસની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તે ઇન્ટરનેશનલમાં આ એવોર્ડ જીતનાર સૌથી યુવા ભારતીય બની ગયો. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચિને 17 વર્ષ 112 દિવસની ઉંમરે ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. સૂર્યવંશી આવું કરનાર દુનિયાનો બીજા ખેલાડી પણ બન્યો. સિયેરા લિયોનના એલુસિન તુરે ઇન્ટરનેશનલમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. તેણે 15 વર્ષ 74 દિવસની ઉંમરે આ કારનામું કર્યું હતું. 3. સૂર્યવંશીની ઇન્ટરનેશનલમાં બીજી ફિફ્ટી સૂર્યવંશીએ 16 વર્ષની ઉંમર પહેલા ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે 15 વર્ષ 121 દિવસની ઉંમરે બીજી ફિફ્ટી લગાવી. તેના સિવાય નેપાળના કુશલ મલ્લાએ 16 વર્ષની ઉંમર પહેલા એકવાર 50+ સ્કોર બનાવ્યો હતો. 4. સૂર્યવંશી આ વર્ષે સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય સૂર્યવંશી એક વર્ષમાં સૌથી વધુ ટી-20 છગ્ગા મારનાર ભારતીયોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તે આ વર્ષે તમામ ટી-20 મેચ મળીને 86 છગ્ગા મારીને યાદીમાં ત્રીજા સ્થાને છે. આ મામલે અભિષેક શર્મા પ્રથમ સ્થાને છે. તેણે 2025માં 108 છગ્ગા માર્યા હતા. ટી-20માં ઓછામાં ઓછા 100 છગ્ગા મારનાર ખેલાડીઓમાં સૂર્યવંશીનો પ્રતિ બોલ સિક્સ એવરેજ સૌથી સારો છે. તેઓ સરેરાશ દર 5.21 બોલ પર છગ્ગો મારે છે. બાકીના ખેલાડીઓનો રેશિયો 7થી ઉપર છે. 5. અભિષેક એક સિરીઝમાં સૌથી ઓછા રન બનાવનાર ભારતીય ઓપનર અભિષેક શર્માએ આ સિરીઝમાં માત્ર 11 રન બનાવ્યા. તેઓ ત્રણ મેચની ટી-20 સિરીઝમાં સૌથી ઓછા રન બનાવનાર ભારતીય ઓપનર બની ગયા છે. તેમણે શિખર ધવનનો અનિચ્છનીય રેકોર્ડ તોડ્યો. ધવને 2018માં ઇંગ્લેન્ડ સામે 3 મેચની સિરીઝમાં 19 રન બનાવ્યા હતા. 6. મયંક યાદવે ત્રીજી વખત ઇનિંગ્સના પહેલા બોલ પર વિકેટ લીધી મયંક યાદવ ટી-20માં ઇનિંગ્સના પહેલા બોલ પર સૌથી વધુ વખત વિકેટ લેનારા ભારતીયોમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. તેમણે ભુવનેશ્વર કુમારના રેકોર્ડની બરાબરી કરી. બંને ટી-20માં 3-3 વખત આ કારનામું કરી ચૂક્યા છે. 7. કેપ્ટન સિકંદર રઝા સાતમી વખત શૂન્ય પર આઉટ સિકંદર રઝા T20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ વખત શૂન્ય રન પર આઉટ થનારા ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે. તેઓ કેપ્ટન તરીકે 7મી વખત શૂન્ય રન પર આઉટ થયા. ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચ 8 વખત સાથે પ્રથમ સ્થાને છે. અહીંથી ટોપ મોમેન્ટ્સ… 1. સૂર્યવંશીએ પહેલી જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો ભારતીય ઇનિંગ્સની પહેલી જ બોલ પર વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગો ફટકાર્યો. સિકંદર રઝાએ ફ્લાઇટેડ ડિલિવરી નાખી. સૂર્યવંશીએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલે બેટનો બહારનો કિનારો લીધો અને શોર્ટ થર્ડ મેન પાસેથી બાઉન્ડ્રીની પાર જતી રહી. 2. સૂર્યવંશીએ 102 મીટરનો છગ્ગો ફટકાર્યો 13મી ઓવરમાં વૈભવ સૂર્યવંશીએ સિકંદર રઝાની બોલ પર છગ્ગો ફટકાર્યો. રઝાએ ઓવરની ત્રીજી બોલ શોર્ટ લેન્થ નાખી. સૂર્યવંશી થોડો આગળ નીકળ્યો અને સામેની તરફ 102 મીટર લાંબો સિક્સ ફટકાર્યો. 3. ઇવાન્સે સૂર્યવંશીનો શાનદાર કેચ પકડ્યો ભારતીય ઇનિંગ્સની 15મી ઓવરમાં ઝિમ્બાબ્વેના ફિલ્ડર બ્રેડ ઇવાન્સે ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડ્યો. વેસ્લી મધેવેરેના છેલ્લા બોલ પર સૂર્યવંશીએ સામેની તરફ શોટ માર્યો. ટાઇમિંગ બરાબર ન થયું અને બોલ લોંગ-ઓફ તરફ ગયો. ત્યાં હાજર બ્રેડ ઇવાન્સે આગળની તરફ ડાઇવ લગાવીને શાનદાર કેચ પકડી લીધો. 4. ઈશાને સરળ કેચ છોડ્યો, પછી બોલરની માફી માગી સાતમી ઓવરમાં ભારતીય વિકેટકીપર ઈશાન કિશને સરળ કેચ છોડી દીધો. અશોક શર્માની ઓવરના બીજા બોલ પર બેન કરને સ્લોગ શોટ માર્યો. બેટનો ઉપરનો કિનારો લઈને બોલ હવામાં ઉછળ્યો. ઈશાન બોલ નીચે આવ્યો. જોકે, બોલ તેના ગ્લોવ્ઝમાંથી છટકીને તેના છાતી પર વાગ્યો અને નીચે પડી ગયો. આ જોઈને અશોક ખૂબ નિરાશ થયા. આ દરમિયાન ઈશાને હાથ બતાવીને બોલરની માફી માંગી.