2027 ODI World Cup Qualifier Schedule; West Indies Faces Entry Risk

Last Updated: August 5, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

ICCએ 2027 વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરની તારીખો નક્કી કરી દીધી છે. 10 ટીમની આ ટુર્નામેન્ટ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીથી 23 માર્ચ સુધી રમાશે. જોકે, તેની યજમાની કયા દેશમાં થશે, તેનો નિર્ણય હજુ થયો નથી. આ વખતે ટુર્નામેન્ટનું ફોર્મેટ પણ બદલવામાં આવ્યું છે.

નવી વ્યવસ્થામાં વિજેતાને સીધી એન્ટ્રી મળશે

ICCએ જુલાઈમાં 2027 વર્લ્ડ કપનું નવું ફોર્મેટ જાહેર કર્યું હતું. તે અંતર્ગત ક્વોલિફાયર જીતનારી ટીમ 14 ટીમવાળા વર્લ્ડ કપના મુખ્ય ગ્રુપમાં સીધી પહોંચશે.

જ્યારે, બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેનારી ટીમ વર્લ્ડ કપના પહેલા રાઉન્ડ ‘સુપર સિરીઝ’માં રમશે. અહીં ટોચ પર રહેનારી એક ટીમ મુખ્ય સ્ટેજની 12 ટીમમાં સ્થાન બનાવશે.

વર્લ્ડ કપ 4 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી રમાશે

2027 વન-ડે વર્લ્ડ કપનું આયોજન 4 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં થશે. ટુર્નામેન્ટની મેચ 12 અલગ-અલગ સ્ટેડિયમમાં રમાશે.

ક્વોલિફાયરમાં 10 ટીમ રમશે

ક્વોલિફાયરમાં કુલ 10 ટીમ ભાગ લેશે. આમાં, 30 સપ્ટેમ્બર 2026ની કટ-ઓફ તારીખ સુધીની વન-ડે રેન્કિંગમાં યજમાન સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સિવાય સૌથી નીચે રહેલા 2 પૂર્ણ સભ્ય દેશોનો સમાવેશ થશે. આ ઉપરાંત, CWC લીગ-2ની ટૉપ-4 ટીમ અને વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લે-ઑફમાંથી આવનારી 4 ટીમ પણ રમશે.

વેસ્ટ ઇન્ડીઝ પર ફરી ક્વોલિફાયર રમવાનો ખતરો

હાલમાં વેસ્ટ ઇન્ડીઝ વન-ડે રેન્કિંગમાં 10મા સ્થાને છે. ટીમને 30 સપ્ટેમ્બરની કટ-ઓફ તારીખ પહેલાં ભારત સામે માત્ર બે વન-ડે રમવાની છે.

આ ઉપરાંત, અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી વન-ડે સિરીઝના પરિણામો પણ રેન્કિંગ પર અસર કરશે. જો આયર્લેન્ડ 4-1 કે 5-0થી સિરીઝ જીતે છે અને વેસ્ટ ઇન્ડીઝ ભારત સામે બંને મેચ જીતી લે છે, તો તેના ટૉપ-8માં પહોંચવાની સંભાવના રહેશે. પરંતુ જો અફઘાનિસ્તાન શ્રેણી જીતે છે, તો વેસ્ટ ઇન્ડીઝ માટે ક્વોલિફાયર રમવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

2023માં પણ વેસ્ટ ઇન્ડીઝ ક્વોલિફાયરમાંથી બહાર થયું હતું

વેસ્ટ ઇન્ડીઝ 2023 વન-ડે વર્લ્ડ કપમાં પણ સ્થાન બનાવી શક્યું ન હતું. હરારેમાં રમાયેલી ક્વોલિફાયરમાં તેને નેધરલેન્ડ્સે સુપર ઓવરમાં હરાવ્યું હતું. આ પછી પહેલીવાર વેસ્ટ ઇન્ડીઝ વન-ડે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.