Batwara 1947 Movie; Sunny Deol & Preity Zinta Share Shooting Experiences

Last Updated: August 5, 2026By

“હિન્દુસ્તાન ઝિન્દાબાદ થા, ઝિન્દાબાદ હૈ ઔર ઝિન્દાબાદ રહેગા”

.

વર્ષો પહેલાં ‘ગદર’માં સની દેઓલના આ ડાયલોગે દેશભક્તિનો જુસ્સો જગાવ્યો હતો. હવે ફરી એકવાર ભાગલાની પીડા પર આધારિત ફિલ્મ ‘બટવારા 1947’ સાથે તે મોટા પડદા પર પરત ફરી રહ્યા છે. જોકે, આ વખતે તે સ્પષ્ટ કહે છે કે આ ફિલ્મ ‘ગદર’ જેવી લવસ્ટોરી નથી, પરંતુ 1947ના ભાગલા દરમિયાન સામાન્ય લોકો પર શું વીતી હતી તેની માનવીય કહાની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીટિ ઝિન્ટાએ ફિલ્મ, પોતાના પાત્રો અને વ્યક્તિગત અનુભવો વિશે ખુલીને વાત કરી.

‘બટવારા 1947’ ટીઝરનો એક સીન.

‘હું ટોપિક નહીં, સ્ક્રિપ્ટ જોઉં છું’

દેશભક્તિની અનેક ફિલ્મો કર્યા બાદ ફરી એકવાર આ વિષય પસંદ કરવાનું કારણ પૂછતાં સની દેઓલ કહે છે, ‘હું ક્યારેય ફિલ્મનો વિષય જોઈને નિર્ણય લેતો નથી. મારા માટે સૌથી મહત્વની સ્ક્રિપ્ટ હોય છે. જ્યારે કોઈ પાત્ર સ્વીકારું છું ત્યારે હું તેને એટલી ઊંડાણથી જીવું છું કે તે લોકોના મનમાં છપાઈ જાય.’

તે ઉમેરે છે, ‘લોકો મારા ડાયલોગ સાથે એટલા માટે જોડાય છે કારણ કે મેં મારું કામ પ્રામાણિકતાથી કર્યું છે. કેમેરા સામે ઊભો હોઉં ત્યારે હું માત્ર પાત્ર વિશે જ વિચારું છું.’

સની દેઓલ અને કરણ દેઓલની દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત.

સની દેઓલ અને કરણ દેઓલની દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત.

કરણ માટે ફિલ્મ એક શીખવાની તક

ફિલ્મમાં ‘જાવેદ’નું પાત્ર ભજવી રહેલા કરણ દેઓલ માટે ‘બટવારા 1947’ માત્ર બીજી ફિલ્મ નથી, પરંતુ અનુભવોનો ખજાનો છે. તે કહે છે, “શબાના આઝમી, અલી ફઝલ, આમિર અને મારા પપ્પા જેવા સિનિયર કલાકારો સાથે કામ કરવાની તક મળી. ‘જાવેદ’ના પાત્રને સમજવા માટે મેં અનેક વર્કશોપ કરી. આ આજના એવા યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે, જે જીવનનો અર્થ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.’

પિતા સાથે સ્ક્રીન શેર કરવું સરળ રહ્યું

વાસ્તવિક જીવનના પિતા-પુત્ર પહેલીવાર આટલી મોટી ફિલ્મમાં સાથે જોવા મળશે. કરણ કહે છે, ‘મને જરાય નર્વસનેસ નહોતી. ફિલ્મમાં પણ હું તેમના દીકરાનો જ રોલ કરું છું, એટલે અમારી વચ્ચેનો સંબંધ સ્વાભાવિક રીતે સ્ક્રીન પર ઊભરી આવ્યો. હું તો આ રોલ માટે ઘણો જ ઉત્સાહિત હતો.’

સની દેઓલ આ વાત આગળ વધારતા કહે છે, ‘જેમ વાસ્તવિક જીવનમાં બાપ-દીકરા વચ્ચે મતભેદ થાય છે, Gen Z પોતાની રીતે જીવવા માગે છે. સામાન્ય રીતે ફિલ્મમાં પણ સમાજમાંથી જ પાત્રો ઇન્સપાયર થઈને લેવામાં આવતા હોય છે. આ. ફિલ્મમાં પણ એ સમયના યુવાનોની મનોદશા વાસ્તવિક રીતે બતાવવામાં આવી છે.’

ટીઝરમાં સની દેઓલનો એક્શન સીન

ટીઝરમાં સની દેઓલનો એક્શન સીન

ભાગલાની પીડા પરિવારની યાદોમાં આજે પણ જીવંત છે

સની દેઓલનો પરિવાર પોતે ભારત-પાકિસ્તાનના ભાગલાનો સાક્ષી રહ્યો છે. કોઈ યાદગાર ઘટના વિશે પૂછતાં તે ભાવુક થઈ કહે છે- ‘મારા નાના-નાનીએ ઘણી વાર્તાઓ કહી છે. ભાગલા દરમિયાન સૈનિકોનો સતત ભય રહેતો. એક બાળકીને જોખમ લઈને બીજા દિવસે બોર્ડર ખુલતાં પરિવાર તેને સુરક્ષિત રીતે પહોંચાડી હતી. આવી અનેક ઘટનાઓ સાંભળી છે. એ સમયે આખું પંજાબ એક હતું, આજે તો તેનો નાનો ભાગ જ આપણા દેશમાં છે.”

રાજકુમાર સંતોષી સાથે 30 વર્ષ પછી પુનર્મિલન

‘ઘાતક’ પછી રાજકુમાર સંતોષી સાથે ફરી કામ કરવાનો અનુભવ શેર કરતાં સની દેઓલ કહે છે, ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટ મેં 2008-09માં સાંભળી હતી અને તરત જ કરવી હતી, પરંતુ પ્રોડ્યુસર મળતા નહોતા. પછી અમે બંને અલગ-અલગ ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા. ‘ગદર 2’ની મોટી સફળતા બાદ નિર્માતાઓ તૈયાર થયા અને આખરે આ ફિલ્મ બની શકી.’

‘ગદર’ અને ‘બટવારા 1947’માં શું તફાવત છે?

ઘણા લોકો આ ફિલ્મને ‘ગદર’ સાથે સરખાવી રહ્યા છે. તેના જવાબમાં સની દેઓલ સ્પષ્ટ કહે છે, ‘બંને ફિલ્મોનો સમયગાળો એક જ હોવાથી લોકોને સમાનતા લાગે છે. પરંતુ ‘ગદર’ એક પ્રેમકથા હતી, જ્યારે ‘બટવારા 1947’ ભાગલા દરમિયાન સામાન્ય લોકો પર શું વીતી હતી તેની કહાની છે. લોકોને ત્યારે ખબર પણ નહોતી કે ભાગલા પછી શું થવાનું છે. એ માનસિક અને સામાજિક સંઘર્ષ આ ફિલ્મમાં જોવા મળશે.’

પ્રીટિ ઝિન્ટાની આઠ વર્ષ બાદ વાપસી

લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરી રહેલી પ્રીતિ ઝિન્ટા કહે છે, ‘મારે રાજકુમાર સંતોષી સાથે કામ કરવાની ઇચ્છા હતી. જ્યારે સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે લાગ્યું કે આ માત્ર ભાગલાની ફિલ્મ નથી, પરંતુ ખરાબ સમયમાં પણ માણસાઈ કેવી રીતે જીવંત રહે છે તેની કહાની છે.’

તે ઉમેરે છે- ‘વાર્તા સાંભળતાં જ વિચાર આવતો હતો કે જો હું એ સમયમાં જન્મી હોત તો શું થાત? શૂટિંગ દરમિયાન પણ હું સ્વાભાવિક રીતે કંઈક કરવા માગતી, પરંતુ ડિરેક્ટર યાદ અપાવતા કે આ 1947નો સમય છે. મહિલાઓની ભૂમિકા અને આજની મહિલાઓના જીવનમાં કેટલો મોટો તફાવત છે તે મને આ ફિલ્મ દરમિયાન વધુ સારી રીતે સમજાયું.’

પ્રીટિ ઝિન્ટાએ ખાસ વાતચીત

પ્રીટિ ઝિન્ટાએ ખાસ વાતચીત

શૂટિંગના પડકારો

પ્રીટિ માટે ફિલ્મનું શૂટિંગ માત્ર અભિનય નહીં, પરંતુ લાગણીસભર પડકાર પણ હતું. તેણે કહ્યું- શૂટિંગ પહેલા મને માત્ર બાળકોના ડાયપર અને તેને કઈ વસ્તુઓ જોઈ છે તેના વિચારો આવતા પણ જ્યારે મેં ફિલ્મમાં 1947ના સમયગાળાને જીવ્યો ત્યારે સમજાયું કે હાલની પરિસ્થિતિ ઘણી સારી છે. ટ્રેનના એક સીનને યાદ કરતાં તે કહે છે- ‘ડિરેક્ટરે ક્રાઉડને કહ્યું હતું કે બધાએ સાચા જેવી ધક્કામુક્કી કરવી. જ્યારે ખરેખર લોકો ધક્કા મારવા લાગ્યા ત્યારે મને લાગ્યું કે પેનિક એટેક આવી જશે. એ મારા માટે સૌથી પડકારજનક અનુભવ હતો.”

‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે’

ફિલ્મમાં પરિવારના સંઘર્ષ વચ્ચે પત્નીની ભૂમિકા વિશે પૂછતાં પ્રીટિ ઝિન્ટા કહે છે, ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે. કોઈપણ વ્યક્તિને પરિવારનો સાથ ન મળે તો તે પાયા વગરની ઈમારત સમાન છે. સફળતા પાછળ પરિવારનું સમર્થન સૌથી મોટું બળ છે.’

પિતા તરીકે કરણને જોવાનો ગર્વ

કરણને પડદા પર જોઈને કેવું લાગે છે, તે અંગે સની દેઓલ ખૂબ જ ભાવુક થઈ જાય છે. તેઓ કહે છે, “પિતા શું હોય છે તેની સાચી સમજ ત્યારે આવે છે જ્યારે તમારો પોતાનો દીકરો મોટો થાય. પહેલાં મને પણ સમજાતું નહોતું કે મારા પપ્પા કેમ ખીજાતા હતા. પરંતુ સમય સાથે એ દરેક વાત સમજાય છે.”

રેપિડ ફાયર

1. ‘ગદર’ કે ‘બટવારા 1947’?

સની દેઓલ: હાલ માટે ‘બટવારા 1947’

2. જીમ કે ચીટ ડે?

કરણ દેઓલ: જીમ

3. ‘બટવારા 1947’ એક શબ્દમાં?

સની દેઓલ: અનુભવ

કરણ દેઓલ: ઈમોશનલ

‘બટવારા 1947’ માત્ર ઇતિહાસના એક અધ્યાયને પડદા પર રજૂ કરતી ફિલ્મ નથી, પરંતુ એવા સમયની યાદ અપાવે છે જ્યારે લાખો લોકોની જિંદગી પળવારમાં બદલાઈ ગઈ હતી. સની દેઓલના શબ્દોમાં કહીએ તો, આ ફિલ્મ કોઈ એક હીરોની નહીં, પરંતુ ભાગલાની આગમાં બધું ગુમાવી બેઠેલા સામાન્ય લોકોની કહાની છે.