ઈશાન કિશનની હાઇટ કેટલી, તેની ગર્લફ્રેન્ડ કોણ છે?:ગૂગલ પર પાકિસ્તાનમાં 3 દિવસથી આ જ સર્ચિંગ, કહ્યું- 5 ફૂટનો છોકરો આખી ટીમ પર ભારે પડ્યો

Last Updated: February 18, 2026By

T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી. આ મુકાબલામાં ઈશાન કિશને 40 બોલમાં 77 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા, જેણે મેચનો સંપૂર્ણપણે ભારત તરફ વાળી દીધો. આ મુકાબલાની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખૂબ થઈ. ખાસ કરીને ઈશાન કિશનની બેટિંગનાં ખૂબ વખાણ કરવામાં આવ્યાં. એટલું જ નહીં, જ્યારે ઈશાન બેટિંગ કરી રહ્યો હતો એ સમયથી લઈને અત્યારસુધી પાકિસ્તાનમાં ગૂગલ પર તેને સૌથી વધુ સર્ચ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, મેચ દરમિયાન અને એ પછી ‘ઈશાન કિશનની ઉંમર’, ‘બેકગ્રાઉન્ડ’, ‘હાઈટ’, ‘ગર્લફ્રેન્ડ/વાઇફ’, ‘ફેમિલી’ અને ‘રિલિજન’ જેવા કીવર્ડ્સ ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યા છે. અહીં સુધી કે ઈશાન કિશનની સંપત્તિ કેટલી છે અને ‘તેની નેટ વર્થ શું છે’ જેવા પ્રશ્નો પણ મોટી સંખ્યામાં શોધવામાં આવ્યા. સોશિયલ મીડિયા પર તેની બેટિંગને લઈને ઘણો પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો. પાકિસ્તાનના યુઝર્સે ઈશાન કિશનની બેટિંગનાં ખૂબ વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, “સવા 5 ફૂટનો છોકરો આખી ટીમ પર ભારે પડ્યો.” ગૂગલ પર સર્ચ- ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ કોણ? ગૂગલ ટ્રેન્ડ્સ અનુસાર, “ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ કોણ છે?” આ સવાલ પણ ઝડપથી ટ્રેન્ડ કરતો રહ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશાન કિશનનું નામ મોડલ અદિતિ હુંડિયા સાથે જોડવામાં આવે છે, જોકે તેણે જાહેરમાં પોતાના સંબંધો વિશે વધુ નિવેદન આપ્યું નથી. તેની ઇનિંગ્સની અસર માત્ર મેદાન પૂરતી સીમિત નહોતી, પરંતુ સરહદ પાર પણ લોકો તેની પ્રોફાઇલ અને અંગત જીવન વિશે જાણવા ઉત્સુક દેખાયા. શોએબ અખ્તરે કહ્યું- મેચનો હીરો ઈશાન કિશન ઈશાનના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું હતું. ટુર્નામેન્ટના ઇતિહાસમાં પાકિસ્તાન સામે રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત હતી. ઈશાનની આ જોરદાર ઇનિંગ્સની ચર્ચા પાડોશી દેશ પાકિસ્તાનમાં ખૂબ થઈ. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર પણ ઈશાન કિશનની બેટિંગના દીવાના થઈ ગયા. તેમણે કહ્યું- આ વાત સ્વીકારવી પડશે કે જ્યાં આટલા બેટ્સમેન સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાં ઈશાને કમાલની રમત બતાવી. આપણે બાકીના ખેલાડીઓની વાત કરતા રહ્યા, અભિષેક શર્માની વાત કરતા રહ્યા, પરંતુ મેચનો હીરો ઈશાન કિશન જ રહ્યો. પાકિસ્તાનના પત્રકાર શહઝાર ઇકબાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “બે મહિના પહેલાં સુધી T20 વર્લ્ડ કપ માટે ઇશાન કિશન પ્લાનનો ભાગ પણ નહોતો, પરંતુ હવે તેણે ભારત માટે પાકિસ્તાનની બોલિંગ એટેકની હાલત ખરાબ કરી દીધી. શું કમાલનું કમબેક છે.” તો બીજી તરફ, ભારતના સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બોરિયા મજુમદારે X પર લખ્યું, ‘હવે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યા પછી ઇશાન કિશન એક સારો ક્રિકેટર બની ગયો છે. ઇશાનને પોતાને ઊંડાણપૂર્વક સમજવું પડ્યું અને નવેસરથી ઓળખવું પડ્યું.’ ઈશાન પોતાની કિટ બેગમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા રાખતો હતો બે વર્ષ પછી ઈશાન કિશનની ભારતીય ટીમમાં કમબેક થયું હતું. તે આ પહેલાં ટીમની બહાર હતો. પોતાનું ખરાબ ફોર્મ અને માનસિક તણાવમાંથી બહાર આવવા દરમિયાન તે પોતાની કિટ બેગમાં ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ની એક નાની પ્રતિકૃતિ સાથે લઈને ફરતો હતો. તેની માતાએ તેને તણાવનો સામનો કરવા માટે ગીતા વાંચવાની સલાહ આપી હતી. આ સલાહ તેના મનમાં વસી ગઈ, જેને વાંચીને તેણે માનસિક સ્પષ્ટતા મેળવી. શાનદાર ફોર્મમાં વાપસી કરી. તાજેતરમાં ઈશાનની કપ્તાનીમાં ઝારખંડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. હવે ઈશાન કિશનના પરિવાર અને ગર્લફ્રેન્ડને જુઓ… 2 વર્ષ પછી T-20 વર્લ્ડકપમાં ઈશાન કિશનની વાપસી ઈશાન કિશન છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો. આ દરમિયાન તે કારકિર્દીના મુશ્કેલ તબક્કામાંથી પસાર થયો, પરંતુ હવે ઈશાને જોરદાર કમબેક કર્યું છે. ઈશાનનું બેટ લગભગ દરેક મેચમાં ચાલતું જોવા મળી રહ્યું છે. તેની દરેક મેચમાં અદિતિ પણ જોવા મળી રહી છે. ઈશાને ક્રિકેટ માટે સ્કૂલ છોડી દીધી હતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ઈશાન કિશને રમત માટે સ્કૂલ છોડી દીધી હતી. ઈશાનની ક્રિકેટ પ્રત્યેની દીવાનગીથી શિક્ષકો પણ પરેશાન હતો. વારંવાર ક્લાસમાં ઊભા રાખવામાં આવતા હોવા છતાં ઈશાન ગ્રાઉન્ડમાં ટકી રહેતો. શિક્ષકે સ્પષ્ટ કહી દીધું કે અભ્યાસ અને ક્રિકેટ એકસાથે ચાલી શકે નહીં, ઈશાનને બંનેમાંથી એક રસ્તો પસંદ કરવો પડશે. ઈશાને શિક્ષકને સ્પષ્ટ કહી દીધું કે તે રમત માટે અભ્યાસ પણ છોડી શકે છે. ઈશાનના બાળપણના મિત્ર યશસ્વી સિંહ જણાવે છે કે ઈશાન જેવો ક્રિકેટનો દીવાનો જોયો નથી. તે ખાવા-પીવાનું બધું ભૂલી જતો. એવું લાગતું હતું કે ઈશાન માટે ક્રિકેટથી વધીને કંઈ જ નથી. તે ક્યારે રમવા માટે પટનાથી રાંચી પહોંચી જતો હતો, કંઈ ખબર જ પડતી નહોતી. સ્કૂલમાંથી કાઢી મૂક્યા પછી પણ ઈશાનને કોઈ તકલીફ નહોતી, કારણ કે તે જાણતો હતો કે તેનું બેટ એક દિવસ ભારત માટે ઇતિહાસ રચશે. યશસ્વી જણાવે છે કે તે ધોરણ 9માં ઈશાન સાથે DPS પબ્લિક સ્કૂલમાં ભણતો હતો. આ સ્કૂલમાંથી ઈશાનને કાઢી મૂકવામાં આવ્યો હતો. પછીથી ઈશાને ફુલવારીની એક પ્રાઈવેટ સ્કૂલમાંથી મેટ્રિક કર્યું હતું. 7 વર્ષની ઉંમરે બેટ પકડ્યું હતું પટનાના બેલી રોડના આશિયાનામાં 7 વર્ષની ઉંમરે જ બેટ પકડનાર ઈશાન શ્રેષ્ઠ વિકેટકીપર અને બેટર છે. તે ઝારખંડ તરફથી રણજી રમતો હતો. ઈશાનની ટેલેન્ટ કોચ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ નિખર્યું અને તેને અંડર-19 ટીમની કેપ્ટનશિપની તક મળી. ઈશાન બાળપણથી જ ક્રિકેટનો દીવાનો રહ્યો છે. ક્રિકેટ પ્રત્યે તેનો જુસ્સો એવો હતો કે તે ભણવા પર ધ્યાન આપી શકતો નહોતો. તેના આ જુસ્સાને કારણે તે ભણવામાં પાછળ રહી ગયો હતો. મિત્રો ‘ડેફિનેટ’ નામથી બોલાવે છે ઈશાનને તેના મિત્રો ડેફિનેટ બોલાવે છે. આ નામ ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં ઝીશાન કાદરી દ્વારા ભજવવામાં આવેલા ડેફિનેટના પાત્ર પરથી આવ્યું હતું. મિત્રોનું માનવું છે કે ઈશાન એકવાર જે નક્કી કરી લે છે, તેને પૂરું કરીને જ રહે છે. તેથી લોકો તેમને આ જ નામથી બોલાવે છે. ઈશાન એડમ ગિલક્રિસ્ટ, રાહુલ દ્રવિડ અને ધોનીનો ખૂબ મોટો ફેન છે. ક્રિકેટ ઉપરાંત, ઈશાનને ટેબલ ટેનિસ અને બિલિયર્ડ્સ રમવું ખૂબ ગમે છે.