AI સાથેની તમારી વાતો બની શકે છે જોખમી, મેડિકલ રિપોર્ટ્સ શેર કરતા પહેલા સો વાર વિચારજો!

Last Updated: January 25, 2026By

વર્તમાન સમયમાં ChatGPT, Google Gemini અને Grok જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ્સનો ઉપયોગ લોકોના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો છે. ઓફિસના કામથી લઈને હોમવર્ક સુધી આ ટૂલ્સ મદદરૂપ થાય છે, પરંતુ એક તાજેતરના રિપોર્ટે યુઝર્સની ઊંઘ ઉડાવી દીધી છે. ડેટા પ્રાઇવસી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ચેટબોટ્સ સાથે ભૂલથી પણ તમારી વ્યક્તિગત કે મેડિકલ માહિતી શેર કરવી જોઈએ નહીં, કારણ કે તે ભવિષ્યમાં ભારે નુકસાન પહોંચાડી શકે છે.

ચોંકાવનારો આંકડો

23 કરોડ યુઝર્સ જોખમમાં? OpenAI દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ, દર અઠવાડિયે અંદાજે 230 મિલિયન (23 કરોડ) યુઝર્સ હેલ્થ અને વેલનેસ સંબંધિત સલાહ માટે ChatGPT નો ઉપયોગ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે, લોકો પોતાના મેડિકલ રિપોર્ટ્સ, ટેસ્ટ રિઝલ્ટ્સ, દવાઓની વિગતો અને ઇન્શ્યોરન્સ પેપરવર્ક જેવી અત્યંત સંવેદનશીલ ફાઇલો પણ આ ચેટબોટ્સમાં અપલોડ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારનો ડેટા ‘લાઇફ થ્રેટનિંગ’ એટલે કે જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે.

કંપનીઓના દાવા અને વાસ્તવિકતા

જોકે OpenAI એ ‘ChatGPT Health’ પ્લેટફોર્મ લોન્ચ કરતી વખતે દાવો કર્યો છે કે તેઓ યુઝર્સની મેડિકલ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખે છે અને તેનો ઉપયોગ AI મોડલ્સને ટ્રેન કરવા માટે કરવામાં આવતો નથી. તેવી જ રીતે Anthropic નું Claude પણ હેલ્થ એડવાઈઝ આપે છે. પરંતુ, The Verge ના રિપોર્ટ અનુસાર, પ્રાઇવસી એક્સપર્ટ્સ આ દાવાઓ પર શંકા કરી રહ્યા છે. ઇતિહાસ ગવાહ છે કે ટેક કંપનીઓ ગમે ત્યારે પોતાની પ્રાઇવસી પોલિસી બદલી શકે છે. જો ભવિષ્યમાં નીતિ બદલાય, તો તમારી ખાનગી હેલ્થ હિસ્ટ્રી એઆઈ ટ્રેનિંગનો હિસ્સો બની શકે છે અથવા તેનો દુરુપયોગ થઈ શકે છે.

શા માટે સાવચેત રહેવું જરૂરી છે?

1. ડેટા સ્ટોરેજ: તમે જે કંઈ પણ પૂછો છો તે ક્લાઉડ સર્વર પર સ્ટોર થાય છે.

2. ડેટા બ્રીચ: જો કોઈ ટેકનિકલ ખામી કે હેકિંગ થાય, તો તમારી ખાનગી બીમારીની વિગતો સાર્વજનિક થઈ શકે છે.

3. ચોકસાઈનો અભાવ: AI ઘણીવાર ખોટું નિદાન (Hallucination) કરી શકે છે, જે જીવલેણ બની શકે.

 ટેકનોલોજી ચોક્કસપણે ઉપયોગી છે, પરંતુ તે ડોક્ટરનો વિકલ્પ નથી. તમારી મેડિકલ રિપોર્ટ્સ અને અંગત ફાઇલો આ ડિજિટલ મશીનોને સોંપી દેવી એ તમારી ઓળખ અને ગોપનીયતા સાથે ચેડા કરવા સમાન છે. નિષ્ણાતોની સલાહ છે કે AI નો ઉપયોગ માત્ર સામાન્ય માહિતી માટે જ કરો, ક્યારેય પણ તેમાં તમારું નામ, બીમારી કે રિપોર્ટ્સ અપલોડ ન કરો.

આ પણ વાંચોઃ Manali જવાનું વિચારી રહ્યા હોવ તો થોભી જજો!, પ્લાન બનાવતા પહેલા વાંચી લો આ સમાચાર