તાજેતરના સમયમાં વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રે જો કોઈ બે શબ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હોય, તો તે છે ‘છટણી’ (Layoffs) અને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI). છેલ્લા કેટલાક સમયથી આખા ટેક જગત પર છટણીનો જે કાળો પડછાયો મંડરાઈ રહ્યો હતો, તેની પાછળનું મુખ્ય કારણ AI પ્રત્યેનો અતિશય આંધળો વિશ્વાસ હતો.
છટણી કર્યા બાદ પસ્તાઇ રહી છે કંપનીઓ?
ટેક કંપનીઓના બોર્ડરૂમ્સમાં મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા કે AI હવે માણસોનું સ્થાન લઈ લેશે, જેનાથી કંપનીઓનો સંચાલન ખર્ચ (Operational Cost) અડધો થઈ જશે અને નફો આસમાને પહોંચશે. જો કે આ આંધળી દોટમાં આવીને દિગ્ગજ ટેક કંપનીઓએ લાંબા ગાળાનો વિચાર કર્યા વિના પોતાની સૌથી મોટી મૂડી, એટલે કે લાખો અનુભવી કર્મચારીઓને નોકરીમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. પરંતુ કહેવત છે ને કે સમયનું ચક્ર હંમેશા ફરે છે, અને ટેક કંપનીઓ સાથે પણ એવું જ થયું.
AI નો આ પરપોટો ફૂટવાની અણી પર ?
જે AI ને ખર્ચ ઘટાડવાનો ‘તારણહાર’ માનવામાં આવતો હતો, આજે તે જ કંપનીઓની તિજોરીઓ ખાલી કરનારો સૌથી મોંઘો સોદો સાબિત થઈ રહ્યો છે. સ્થિતિ એવી વણસી છે કે અંધાધૂંધ છટણી કરનારી કંપનીઓ હવે કામની ધીમી ગતિ, વીજળી અને ટોકન્સના તોતિંગ બિલ અને સૌથી વધુ તો અનુભવી માનવ મગજ (Human Intelligence) ની અછતથી ઝઝૂમી રહી છે. ટેકનોલોજીના આ નવા વળાંક પર હવે એક ગંભીર સવાલ ઊભો થયો છે કે શું AI નો આ પરપોટો ફૂટવાની અણી પર છે? શું કંપનીઓએ કર્મચારીઓને કાઢીને બહુ મોટી ભૂલ કરી દીધી છે?
AI નો ઉપયોગ સાબિત થઇ રહ્યો છે ખર્ચાળ
કંપનીઓ સામે હવે એક કડવી વાસ્તવિકતા આવી છે કે AI નો ઉપયોગ માનવ શ્રમ કરતાં ઘણો વધારે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. જેના કારણે કંપનીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે અને તેમને કાઢી મૂકેલા કર્મચારીઓની ખોટ સાલવા લાગી છે.
AI બન્યું મોંઘો સોદો !
કંપનીઓએ જે ટેકનોલોજીને આર્થિક બોજ ઓછો કરવાનું હથિયાર સમજી હતી, તે આજે ‘પૈસા વેડફવાનું મશીન’ બની ગઈ છે. AI મોડલ્સને સતત કાર્યરત રાખવા માટે વિશાળ ડેટા સેન્ટર્સ, હજારો મોંઘી GPU ચિપ્સ અને અસાધારણ માત્રામાં વીજળીની જરૂર પડે છે, જેનો ખર્ચ અંદાજ બહાર જઈ રહ્યો છે.
ઉબેર (Uber) નો કિસ્સો: કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) એન્ડ્રુ મેકડોનાલ્ડે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, ઉબેર દ્વારા વર્ષ 2026 માટે નક્કી કરાયેલું આખું AI બજેટ વર્ષના શરૂઆતના માત્ર ચાર મહિનામાં જ પૂરું થઈ ગયું! કંપની હવે એ મૂંઝવણમાં છે કે AI પાછળ થઈ રહેલા આ આંધળા ખર્ચ સામે તેમને વળતરમાં શું મળી રહ્યું છે.
માઈક્રોસોફ્ટ (Microsoft) ની પીછેહઠ: માઈક્રોસોફ્ટ પણ આ વધતા ખર્ચથી પરેશાન છે. કંપનીએ પોતાના એન્જિનિયરો માટે ‘Claude Code’ નું લાયસન્સ અને એક્સેસ મર્યાદિત કરવાનું શરૂ કરી દીધું છે જેથી ઓપરેશનલ ખર્ચ પર કાબૂ મેળવી શકાય.
દૈનિક કરોડોનો ધુમાડો: અહેવાલો અનુસાર, એક સમયે એક ક્લાયન્ટનું AI બિલ માત્ર એક મહિનામાં 500 મિલિયન ડૉલર (આશરે ₹4200 કરોડ) સુધી પહોંચી ગયું હતું. એટલે કે માત્ર AI મોડલ્સને લાઈવ રાખવા માટે રોજનો અંદાજે 17 મિલિયન ડૉલરનો ધુમાડો થઈ રહ્યો હતો.
કુશળ કર્મચારીઓની ભારે અછત !
AI ના ભરોસે કંપનીઓએ જે વ્હાઇટ-કોલર અને એન્ટ્રી-લેવલના કર્મચારીઓને પાણીચું આપ્યું હતું, હવે તેમની ગેરહાજરી કંપનીઓને સૌથી વધુ નડી રહી છે. AI એટલી સચોટતા કે ઝડપથી કામ નથી કરી શક્યું જેટલી આશા રાખવામાં આવી હતી. પરિણામે, AI દ્વારા તૈયાર કરાયેલા કોડ, કન્ટેન્ટ કે ડેટામાં રહેલી ભૂલોને સુધારવા અને તેને રી-ચેક કરવા માટે હવે કંપનીઓ પાસે પૂરતો અને અનુભવી વર્કફોર્સ જ બચ્યો નથી.
જે ટેક નિષ્ણાતો અગાઉ એવો દાવો કરતા હતા કે ભવિષ્યમાં માણસોની જરૂરિયાત ખતમ થઈ જશે, તેઓ હવે સ્વીકારી રહ્યા છે કે મનુષ્યની કુશળતા, વિવેકબુદ્ધિ (Critical Thinking) અને ટીમવર્કનું સ્થાન દુનિયાની કોઈ પણ ટેકનોલોજી ક્યારેય લઈ શકે નહીં.
Petrol Diesel Price Today: 1 જૂને ક્રૂડ ઓઇલની કિંમત વધી, તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ફેરફાર?