AI social media : માણસો બહાર, બોટ્સ અંદર! શું AIએ સોશિયલ મીડિયા કબજે કરી લીધું?

Last Updated: February 3, 2026By

આજ સુધી સોશિયલ મીડિયા માણસોની ઓળખ હતું. ફેસબુક, એક્સ (ટ્વિટર), રેડિટ જેવી જગ્યાઓ પર વિચારો, લાગણીઓ અને ચર્ચાઓ માનવો દ્વારા ચાલતી હતી. પરંતુ હવે એક નવી દિશા સામે આવી રહી છે, જ્યાં માણસો નહીં પરંતુ AI બોટ્સ જ એકબીજા સાથે વાતચીત કરે છે. “મોલ્ટબુક” જેવા પ્લેટફોર્મ્સ એનો દાખલો છે. અહીં માણસો યુઝર નથી, પરંતુ AI એજન્ટો જ આખું નેટવર્ક ચલાવે છે. આ પ્લેટફોર્મ દેખાવમાં સામાન્ય સોશિયલ મીડિયા જેવું લાગે છે, પરંતુ અંદરથી તે સંપૂર્ણ રીતે અલગ અને વધુ જટિલ છે.

14 લાખથી વધુ AI બોટ્સ

મોલ્ટબુક પર 14 લાખથી વધુ AI બોટ્સ સક્રિય છે. આ બોટ્સ પોસ્ટ લખે છે, એકબીજાને જવાબ આપે છે, ચર્ચા કરે છે અને પોતાના વિચારો જણાવતા હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આ બધું માણસો વગર થઇ રહ્યું છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે જે AI માણસોએ બનાવ્યું છે, તે AI પોતાની રીતે એકબીજાથી કેવી રીતે વાત કરી શકે?

સત્ય શું છે?

હકીકતમાં, અહીંનો દરેક AI એજન્ટ કોઈ સામાન્ય ચેટબોટ નથી. તેની પાછળ એક મજૂબત ટેકનોલોજી સિસ્ટમ કામ કરે છે. પહેલા એક મોટા ભાષા મોડેલ દ્વારા લખાણ તૈયાર થાય છે. તેના ઉપર એક એજન્ટ ફ્રેમવર્ક હોય છે, જે AIને ઓળખ આપે છે, તેની ભૂમિકા નક્કી કરે છે અને અગાઉની વાતચીત યાદ રાખે છે. આ એજન્ટ પાસે પોતાની મેમરી હોય છે, જેથી તે ભૂતકાળના સંદર્ભને સમજીને આગળ વાત કરી શકે.

AI એજન્ટો ફક્ત પોતાની તાલીમ

આ AI એજન્ટો ફક્ત પોતાની તાલીમ પર આધાર રાખતા નથી. તેઓ બહારના ડેટાબેઝમાંથી માહિતી લાવી શકે છે, જેને RAG કહેવામાં આવે છે. એટલું જ નહીં, એક APIમાંથી માહિતી લઈને બીજા API સુધી પહોંચાડવાની ક્ષમતા પણ તેમની પાસે હોય છે. એટલે કે AI પોતે જ માહિતી શોધે છે, પ્રોસેસ કરે છે અને પછી જવાબ આપે છે.

વેક્ટર ડેટાબેઝનો ઉપયોગ

આવું નેટવર્ક ચલાવવું સહેલું નથી. મોટા GPU, ક્લાઉડ સર્વર, માઇક્રોસર્વિસિસ અને વેક્ટર ડેટાબેઝનો ઉપયોગ કરવો પડે છે. દરેક AI કેટલો ડેટા વાપરે છે, કેટલા શબ્દો જનરેટ કરે છે, તે બધું માપવામાં આવે છે. એટલે આવા પ્રોજેક્ટ્સ મોટા ભાગે સંશોધન અથવા ભંડોળ આધારિત હોય છે.

સોશિયલ મીડિયા ઘણા ફાયદા

આ AI-ઓનલિ સોશિયલ મીડિયા ઘણા ફાયદા આપે છે. વૈજ્ઞાનિકોને સમજવામાં મદદ મળે છે કે AI એકબીજા સાથે કેવી રીતે સંકલન કરે છે અને નવા વર્તન કેવી રીતે ઊભા થાય છે. જોખમી પ્રયોગો માણસોથી દૂર રહીને કરી શકાય છે, જેથી નુકસાન ઓછું થાય. ભવિષ્યમાં કંપનીઓ માટે ઓટોમેશન અને AI વર્કફ્લો ટેસ્ટ કરવા માટે પણ આ પ્લેટફોર્મ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જોખમો પણ નાની બાબત નથી

પરંતુ જોખમો પણ નાની બાબત નથી. જો AI એકબીજામાં ખોટી માહિતી કે વિચારો વિકસાવે, તો તે એક બંધ દુનિયામાં ફેલાઈ શકે છે અને પછી માનવ સમાજ સુધી પહોંચે એવી શક્યતા રહે છે. બોટ્સને ઓળખવું વધુ મુશ્કેલ બનશે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જવાબદારી કોની રહેશે? પ્લેટફોર્મની, AI બનાવનારની કે મોડેલ પૂરો પાડનારની?

માણસો મુખ્ય ભૂમિકા ગુમાવી બેસે

આથી સુરક્ષા અને નિયમન અત્યંત જરૂરી બની જાય છે. AI દ્વારા બનેલી સામગ્રી ઓળખી શકાય તેવા નિશાન, મજબૂત લોગ સિસ્ટમ, માનવ દેખરેખ અને સ્વતંત્ર ઓડિટ વગર આ ટેકનોલોજી ખતરનાક સાબિત થઈ શકે છે. અંતમાં એટલું કહી શકાય કે AIનું પોતાનું સોશિયલ મીડિયા ભવિષ્યની ઝલક છે. તે તક પણ છે અને ચેતવણી પણ. જો સમયસર સમજદારી ન દાખવીએ, તો કદાચ ઇન્ટરનેટ પર માણસો મુખ્ય ભૂમિકા ગુમાવી બેસે.

આ પણ વાંચો : Supreme Courtનો મેટા-વોટ્સએપને ઝટકો! ડેટા શેર ન કરવાની એફિડેવિટ દાખલ કરવાનો આદેશ

Leave A Comment