amazon-now-expansion-more-retail-stores-300-cities-quick-commerce | Gujarat News | Sandesh

Last Updated: September 2, 2026By

Amazon પોતાની ક્વિક-કોમર્સ સેવા Amazon Nowને હવે દેશના નાના શહેરો સુધી ઝડપથી પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ભોપાલ, ઈન્દોર, લખનઉ અને જયપુર જેવા શહેરો સહિત 300થી વધુ શહેરોમાં સેવા વિસ્તારવા માગે છે. આ માટે નવા સ્ટોર બનાવવાને બદલે Amazon હાલના More Retail સ્ટોર્સનો ઉપયોગ કરશે. આ સ્ટોર્સને ઓનલાઈન ઓર્ડર પૂરા કરવાના કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. ETના અહેવાલ મુજબ, Amazon Nowના ડિરેક્ટર નિશાંત સરદાનાએ જણાવ્યું છે કે નાના શહેરોમાં More Retailના હાલના સ્ટોર્સને લગભગ ફુલફિલમેન્ટ સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. અહીંથી ગ્રાહકોના ઓનલાઈન ઓર્ડર તૈયાર કરીને તેમની ડિલિવરી પણ કરવામાં આવશે.

નવા ડાર્ક સ્ટોર બનાવવાને બદલે હાલના સ્ટોરનો ઉપયોગ

Amazon Now નાના શહેરોમાં મોટા પ્રમાણમાં નવા ડાર્ક સ્ટોર્સ ઊભા કરવાને બદલે More Retailના હાલના સ્ટોર્સને ઓમ્નીચેનલ ફુલફિલમેન્ટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરશે. એટલે કે ગ્રાહકો અહીંથી સીધી ખરીદી પણ કરી શકશે અને ઓનલાઈન ઓર્ડર પણ આ જ સ્ટોરમાંથી પૂરા કરવામાં આવશે. આ મોડલ હાલમાં 35 શહેરોમાં કાર્યરત છે. તેમાં વારંગલ, કરીમનગર, તિરુપતિ, ગુન્ટુર, અમૃતસર, કોચી, મણિપાલ, ભુવનેશ્વર અને તિરુવન્નામલાઈ જેવા શહેરો સામેલ છે. આ શહેરોમાં Amazon Nowના લગભગ 75-80 ટકા ફુલફિલમેન્ટ પોઈન્ટ્સ More Retailના હાલના સ્ટોર્સ છે. બાકીના પોઈન્ટ્સ માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટર અથવા ડાર્ક સ્ટોર તરીકે કાર્ય કરે છે.

Amazon Nowના ઓર્ડરમાં સતત વધારો

Amazon Nowનું આ વિસ્તરણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતના નાના શહેરો ક્વિક-કોમર્સ કંપનીઓ માટે નવા બજાર તરીકે ઉભરી રહ્યા છે. જોકે નાના શહેરોમાં ક્વિક-કોમર્સનું નેટવર્ક ઊભું કરવું પડકારજનક છે. અહીં ઓર્ડરની સંખ્યા ઓછી, સરેરાશ ખરીદીનું મૂલ્ય ઓછું અને ડિલિવરી ખર્ચ વધુ હોઈ શકે છે. આ પડકારો છતાં Amazon Nowના ઓર્ડરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં દર મહિને 20-25 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, ઓર્ડરનું પ્રમાણ દર ત્રિમાસિક ગાળામાં બમણું થઈ રહ્યું છે. જોકે Amazonએ કુલ ઓર્ડર અથવા ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (GMV) અંગે ચોક્કસ આંકડા જાહેર કર્યા નથી.

300થી વધુ શહેરો સુધી પહોંચવાનું લક્ષ્ય

Amazon Indiaએ જૂનમાં Amazon Nowને 300થી વધુ શહેરોમાં પહોંચાડવાની યોજના જાહેર કરી હતી. આ વિસ્તરણ માટે કંપની 1,000થી વધુ માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટર અને 100થી વધુ મોટા અર્બન ફુલફિલમેન્ટ સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે. હાલમાં Amazon પાસે 600થી વધુ માઇક્રો ફુલફિલમેન્ટ સેન્ટર છે અને કંપની દરરોજ લગભગ બે નવા સેન્ટર ઉમેરાઈ રહી છે. મોટા અર્બન ફુલફિલમેન્ટ સેન્ટરમાં હાલના Amazon Now કેન્દ્રોની સરખામણીમાં લગભગ ચાર ગણા વધુ ઉત્પાદનોનો સ્ટોક રાખી શકાશે. Amazonને આગામી કેટલાક ત્રિમાસિક ગાળામાં 300 શહેરોનો આંકડો પાર કરવાની આશા છે. સાથે જ કંપની હાલ જે શહેરોમાં Amazon Now સેવા ઉપલબ્ધ છે ત્યાં પણ ફુલફિલમેન્ટ સેન્ટરોનું નેટવર્ક વધુ મજબૂત અને ગાઢ બનાવશે.

આ પણ વાંચો: Amazon-Flipkart પર હવે તમારો ઓર્ડર કેન્સલ કરવો સેલરને મોંઘો પડશે, લાગશે મસમોટો દંડ!

Leave A Comment