શેરીઓમાં દેખાવો શરુ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને અત્યાર સુધીની સૌથી મોટી ટેક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવી રહી છે. ટેક કંપનીઓ દાવો કરે છે કે AI દુનિયાને બદલી નાખશે. આપણી કામ કરવાની રીત બદલશે અને એક નવી અર્થવ્યવસ્થા બનશે. આ દરમિયાન, છેલ્લા કેટલાક મહિનાઓથી, અમેરિકા સહિત વિશ્વભરના ઘણા દેશોમાં AI સામે જોરદાર વિરોધ શરુ કરાયો છે. કેટલાક સ્થળોએ AI ડેટા સેન્ટરના નિર્માણને અટકાવાયા છે. અન્ય સ્થળોએ લેખકો AI વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા છે.
AI સામે ગુસ્સો કેમ વધ્યો ?
AIનો વિરોધ નોકરી ગુમાવવાના ભય સુધી મર્યાદિત નથી. લોકોની ચિંતાઓ બહુપક્ષીય છે. એક તરફ, કામદારોને ડર છે કે AI તેમનું સ્થાન લઈ શકે છે. બીજી તરફ, એ વાતનો પણ ભય છે કે, AI ચલાવતા મોટા ડેટા સેન્ટરો તેમના શહેરો અને ગામડાઓ પર બોજ બની રહ્યા છે. AI મોડેલો ચલાવવા માટે મોટા પ્રમાણમાં વીજળી, પાણી અને કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે છે. આ જ કારણ છે કે યુએસ, કેનેડા અને યુરોપના ઘણા વિસ્તારોમાં નવા ડેટા સેન્ટરોનો વિરોધ શરુ થયો છે.
AIના કારણે પાણી-વીજળીનો ભરપુર વપરાશ
ડેટા સેન્ટરોના વીજળી વપરાશની કલ્પના એ હકીકતથી કરી શકો છો કે 100-મેગાવોટ AI ડેટા સેન્ટર એકલા 75 હજાર ઘરો જેટલી વીજળી વાપરે છે. માત્ર આ જ નહીં, 2025 સુધીમાં, AI સિસ્ટમ્સ 765 અબજ લિટર પાણીનો વપરાશ કરશે. આ આંકડો સમગ્ર વૈશ્વિક પાણીની બોટલ ઉદ્યોગ જેટલો છે. IEAના અંદાજ મુજબ, 2030 સુધીમાં AI વાર્ષિક 1200 અબજ લિટર પાણીનો વપરાશ કરશે. ડેટા સેન્ટર ઠંડક અને વીજળી ઉત્પાદન માટે પાણીનો ઉપયોગ થાય છે.
અમેરિકામાં ડેટા સેન્ટર નવો રાજકીય મુદ્દો
અમેરિકામાં ડેટા સેન્ટર્સ એઆઈના વિરોધનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. અનેક રાજ્યોના સ્થાનિક લોકોએ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ સામે ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરના મહિનાઓમાં, કેલિફોર્નિયાના કોચેલા વિસ્તારમાં પ્રસ્તાવિત ડેટા સેન્ટર પ્રોજેક્ટ સામે મોટી સંખ્યામાંન લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ એટલા તીવ્ર હતો કે, સ્થાનિક અધિકારીઓએ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનું વિચાર્યુ હતુ. લોકોએ કહ્યું કે, આ પ્રોજેક્ટ્સ વિસ્તારના પાણી અને વીજળી પુરવઠા પર ભારે દબાણ લાવશે.
શું AIનો ‘હનીમૂન પિરિયડ’ સમાપ્ત થયો ?
છેલ્લા બે વર્ષમાં, AIને લગભગ કોઈ પ્રશ્ન વિના સ્વીકારવામાં આવ્યું છે. રોકાણકારોએ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. કંપનીઓએ મોટા વચનો આપ્યા અને સરકારોએ તેને વિકાસના એન્જિન તરીકે ગણાવ્યું હતુ. પરંતુ હવે સમય બદલાઇ રહ્યો છે. આજે, ચર્ચા ફક્ત AI શું કરી શકે છે તે વિશે નથી. તે એ પણ છે કે કિંમત કોણ ચૂકવશે, તેનો લાભ કોણ મેળવશે અને તેનું નુકસાન કોણ ભોગવશે.?
આ પણ વાંચોઃ સવારે ઉઠતાની સાથે જ શરીરમાં દુખાવો અને જકડન શેનો છે સંકેત?, જાણો