Apple CEO Change: Tim Cook to Executive Chairman; John Ternus Takes Over

Last Updated: April 21, 2026By

કેલિફોર્નિયા8 કલાક પેહલા

  • કૉપી લિંક

ટીમ કૂકની જગ્યાએ હવે જ્હોન ટર્નસ એપલના નવા CEO હશે. તેઓ 1 સપ્ટેમ્બર 2026 થી કંપનીની કમાન સંભાળશે. કૂક હવે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા ભજવશે. બોર્ડે સર્વસંમતિથી આ યોજનાને મંજૂરી આપી દીધી છે.

ટીમ કૂક: એપલને 4 ટ્રિલિયન ડોલરની કંપની બનાવી

ટીમ કૂક 1998માં એપલ સાથે જોડાયા હતા અને 2011માં CEO બન્યા હતા. તેમના નેતૃત્વમાં એપલની માર્કેટ વેલ્યુ 350 બિલિયન ડોલર (લગભગ ₹32 લાખ કરોડ) થી વધીને 4 ટ્રિલિયન ડોલર (લગભગ ₹350 લાખ કરોડ) થઈ ગઈ છે. કંપનીની વાર્ષિક આવક પણ 108 બિલિયન ડોલર (લગભગ ₹10 લાખ કરોડ) થી વધીને 2025માં 416 બિલિયન ડોલર (₹39 લાખ કરોડ) ને પાર પહોંચી ગઈ છે.

5 મોટા પ્રોડક્ટ્સ અને સર્વિસિસ જે કૂકના કાર્યકાળમાં લોન્ચ કરવામાં આવ્યા

  • એપલ વોચ
  • એરપોડ્સ
  • વિઝન પ્રો
  • એરટેગ
  • એપલ મ્યુઝિક
ટીમ કૂક 1998માં એપલ સાથે જોડાયા હતા અને 2011માં CEO બન્યા હતા.

ટીમ કૂક 1998માં એપલ સાથે જોડાયા હતા અને 2011માં CEO બન્યા હતા.

જ્હોન ટર્નસ: 25 વર્ષનો અનુભવ અને સ્ટીવ જોબ્સ સાથે કામ

જ્હોન ટર્નસે વર્ષ 2001માં આ ટેક કંપનીમાં જોડાયા હતા. તેઓ ત્યારે પ્રોડક્ટ ડિઝાઇન ટીમના સભ્ય હતા. તેઓ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ સાથે પણ કામ કરી ચૂક્યા છે. એપલ પહેલાં તેમણે ‘વર્ચ્યુઅલ રિસર્ચ સિસ્ટમ્સ’માં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.

ટર્નસ 2013માં હાર્ડવેર એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા અને પછી 2021માં તેમને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. આ વર્ષો દરમિયાન ટર્નસે આઈપેડ, એરપોડ્સ, આઈફોન, એપલ વોચ અને તાજેતરમાં લોન્ચ થયેલા મેકબુક નિયો જેવા મોટા ડિવાઇસ પર કામ કર્યું.

51 વર્ષના ટર્નસ લગભગ તે જ ઉંમરના છે, જે ઉંમરે ટિમ કૂકે એપલના CEOની કમાન સંભાળી હતી. ટર્નસ પાસે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે.

ટર્નસે કહ્યું, “એપલના મિશનને આગળ વધારવાની આ તક મળવા બદલ હું ખૂબ આભારી છું. મેં મારી લગભગ આખી કારકિર્દી એપલમાં જ વિતાવી છે, અને હું નસીબદાર છું કે મને સ્ટીવ જોબ્સના માર્ગદર્શન હેઠળ કામ કરવાની અને ટિમ કૂકને મારા મેન્ટર બનાવવાની તક મળી.”

ટિમ કૂકે કહ્યું, “જ્હોન ટર્નસ પાસે એક એન્જિનિયરનું મગજ, એક શોધકનો આત્મા અને ઇમાનદારી સાથે નેતૃત્વ કરનારું હૃદય છે. તેઓ એક વિઝનરી લીડર છે જેમનું છેલ્લા 25 વર્ષમાં Apple માટે યોગદાન એટલું મોટું છે કે તેને ગણી શકાય નહીં.”

જ્હોન ટર્નસ સામે આ મોટા પડકારો હશે:

  • ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓની સરખામણીમાં એપલનું AI ઘણું પાછળ છે. ટર્નસને તેને સુધારીને રેસમાં પાછા ફરવું પડશે.
  • અમેરિકા અને યુરોપમાં એપલના બિઝનેસ મોડેલ પર સવાલો ઉઠી રહ્યા છે. તેમના પર એકાધિકાર નિયમોના ઉલ્લંઘનના આરોપો છે. તેણે કંપનીને બચાવવી પડશે.
  • ટ્રમ્પ સરકારના ચીન સાથેના વિવાદ વચ્ચે, મેન્યુફેક્ચરિંગને ભારત અને વિયેતનામ જેવા દેશોમાં યોગ્ય રીતે શિફ્ટ કરવા જેવા પડકારોનો સામનો કરવો પડશે.
  • ટીકાકારોનું કહેવું છે કે એપલમાં હવે પહેલા જેવી નવીનતા રહી નથી. ટર્નસને સાબિત કરવું પડશે કે કંપની આજે પણ વિશ્વની સૌથી નવીન કંપની છે.
જ્હોન ટર્નસ હાલમાં હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ 2001માં એપલની પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં જોડાયા હતા.

જ્હોન ટર્નસ હાલમાં હાર્ડવેર એન્જિનિયરિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ 2001માં એપલની પ્રોડક્ટ ડિઝાઇન ટીમમાં જોડાયા હતા.

આગામી 4 મહિના સુધી કૂક અને ટર્નસ સાથે કામ કરશે

ટીમ કૂક આ વર્ષે ઓગસ્ટના અંત સુધી CEO તરીકે કામ કરવાનું ચાલુ રાખશે જેથી ટર્નસ સાથે સરળ સંક્રમણ સુનિશ્ચિત કરી શકાય. એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા પછી, કૂક ગ્લોબલ પોલિસી મેકર્સ સાથે જોડાશે અને કંપનીના ખાસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કૂકે કહ્યું કે એપલના CEO તરીકે કામ કરવું તેમના જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે.

બોર્ડમાં અન્ય ફેરફારો: આર્થર લેવિન્સન બનશે લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર

છેલ્લા 15 વર્ષથી એપલના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન રહેલા આર્થર લેવિન્સન 1 સપ્ટેમ્બર 2026 થી લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની ભૂમિકામાં હશે. એ જ દિવસે જ્હોન ટર્નસ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થઈ જશે. લેવિન્સને કહ્યું કે ટર્નસનું ઊંડું ટેકનિકલ જ્ઞાન અને ઉત્તમ પ્રોડક્ટ્સ બનાવવાનું ધ્યાન એપલને ભવ્ય ભવિષ્ય તરફ લઈ જશે.

પર્યાવરણ અને પ્રાઇવસી પર ધ્યાન

કૂકના નેતૃત્વમાં એપલે પોતાનો કાર્બન ફૂટપ્રિન્ટ 60% સુધી ઘટાડ્યો છે. ટર્નસે પણ સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપતા રીસાયકલ એલ્યુમિનિયમ અને 3D પ્રિન્ટેડ ટાઇટેનિયમ (એપલ વોચ અલ્ટ્રા 3) નો ઉપયોગ શરૂ કરાવ્યો. સાથે જ, તેમણે પ્રોડક્ટ્સની મજબૂતી (ડ્યુરેબિલિટી) અને રિપેરિબિલિટી વધારતી ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું છે.

એપલના 50 વર્ષના સફરમાં અત્યાર સુધીમાં 7 CEO રહી ચૂક્યા છે

  • માઇકલ સ્કોટ (1977–1981): એપલ પહેલાં તેઓ નેશનલ સેમિકન્ડક્ટરમાં મેન્યુફેક્ચરિંગ ડિરેક્ટર હતા. આ કેલિફોર્નિયાની એક કંપની હતી જે પાવર મેનેજમેન્ટ સર્કિટ બનાવતી હતી.
  • માઇક માર્કકુલા (1981–1983): તેઓ એપલ કમ્પ્યુટરના પહેલા ઇન્વેસ્ટર અને ચેરમેન હતા.
  • જ્હોન સ્કલી (1983–1993): એપલમાં આવતા પહેલાં તેઓ પેપ્સિકોના પ્રેસિડેન્ટ હતા.
  • માઇકલ સ્પિન્ડલર (1993–1996): સીઈઓ બનતા પહેલાં તેઓ એપલ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ હતા.
  • ગિલ એમિલિયો (1996–1997): એપલ પહેલાં તેઓ નેશનલ સેમિકન્ડક્ટરમાં સીઈઓ હતા.
  • સ્ટીવ જોબ્સ (1997–2011): તેમણે 1976માં સ્ટીવ વોઝનિયાક અને રોનાલ્ડ વેન સાથે મળીને એપલ કમ્પ્યુટરની શરૂઆત કરી હતી.
  • ટીમ કૂક (2011–2026): તેમણે 1998માં એપલમાં જોડાયા હતા. સીઈઓ બનતા પહેલા તેઓ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) હતા.

એપલ સાથે સંકળાયેલા 3 મહત્વના આંકડા

  • એપલ હવે દુનિયાના 200થી વધુ દેશો અને ક્ષેત્રોમાં કામ કરી રહી છે.
  • દુનિયાભરમાં એપલના 500થી વધુ રિટેલ સ્ટોર્સ છે.
  • વર્તમાનમાં દુનિયાભરમાં 2.5 બિલિયનથી વધુ એપલ ડિવાઇસ એક્ટિવ છે.
એપ્રિલ 2023માં મુંબઈમાં ભારતના પહેલા એપલ રિટેલ સ્ટોરના ઉદ્ઘાટન દરમિયાન એપલ ફેન સાજિદ મોઈનુદ્દીન પાસે 'મેકિન્ટોશ SE' કમ્પ્યુટર જોઈને કૂક કંઈક આ રીતે રિએક્ટ કરતા જોવા મળ્યા.

એપ્રિલ 2023માં મુંબઈમાં ભારતના પહેલા એપલ રિટેલ સ્ટોરના ઉદ્ઘાટન દરમિયાન એપલ ફેન સાજિદ મોઈનુદ્દીન પાસે ‘મેકિન્ટોશ SE’ કમ્પ્યુટર જોઈને કૂક કંઈક આ રીતે રિએક્ટ કરતા જોવા મળ્યા.

નોલેજ પાર્ટ: શું હોય છે એક્ઝિક્યુટિવ ચેરમેન અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર?

  • એક્ઝિક્યુટિવ ચેરમેન: આ બોર્ડના એવા પ્રમુખ હોય છે જે કંપનીના દૈનિક કાર્યો અને વ્યૂહરચનામાં સક્રિયપણે સામેલ હોય છે, જ્યારે CEO ઓપરેશન્સ સંભાળે છે.
  • લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર: તેમનું કાર્ય બોર્ડ અને મેનેજમેન્ટ વચ્ચે સંતુલન જાળવવાનું અને સ્વતંત્ર ડિરેક્ટરોનું નેતૃત્વ કરવાનું હોય છે.