Asteroid 2024 Yr4: ચંદ્ર પર પરમાણુ વિસ્ફોટ જેવી તબાહી! 60 મીટર પહોળો લઘુગ્રહ સર્જી શકે છે મોટો ખતરો!
એસ્ટ્રોઇડને ધરતી માટે હંમેશાથી ખતરો માનવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે જો પૃથ્વીને આ એસ્ટરોઇડ અથડાય છે તો તબાહી મચી જશે. હવે આ વૈજ્ઞાનિકોએ એક ખતરનાક એસ્ટ્રોઇડને લઇને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આ એસ્ટરોઇડ ચંદ્રને ટકરાઇ શકે છે.
પૃથ્વી માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી
વૈજ્ઞાનિકોએ પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર અને આપણી પૃથ્વી માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. એસ્ટરોઇડ 2024 YR4 નામનો એક વિશાળ લઘુગ્રહ ચંદ્ર સાથે ટકરાવવાની શક્યતા છે. જોકે આ ટક્કરની સંભાવના હાલમાં 4% જેટલી ઓછી જણાવાઈ રહી છે, પરંતુ જો તે વાસ્તવમાં અથડાશે, તો તેની અસર અત્યંત શક્તિશાળી અને દૂરગામી હશે.
વિસ્ફોટની ભયાનકતા
60 મીટર પહોળો આ લઘુગ્રહ જ્યારે ચંદ્રની સપાટી સાથે અથડાશે, ત્યારે તે મધ્યમ કદના પરમાણુ બોમ્બ જેટલી ઉર્જા પેદા કરશે. ચીનની સિંઘુઆ યુનિવર્સિટીના સંશોધન મુજબ, આ ટક્કરથી ચંદ્ર પર અંદાજે એક કિલોમીટર પહોળો ખાડો (Crater) પડી શકે છે અને ત્યાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. આ આધુનિક ઈતિહાસની ચંદ્ર પરની સૌથી મોટી અવકાશી અથડામણ સાબિત થઈ શકે છે.
પૃથ્વી માટે શું છે ખતરો?
સૌથી મોટી ચિંતા એ છે કે આ ટક્કર બાદ પેદા થતો કાટમાળ અવકાશમાં ચારેતરફ ફેલાઈ જશે.
સેટેલાઇટ્સ પર જોખમ: આ કાટમાળ પૃથ્વીની ભ્રમણકક્ષામાં રહેલા હજારો સેટેલાઇટ્સ સાથે ટકરાઈ શકે છે, જેનાથી વૈશ્વિક કોમ્યુનિકેશન, જીપીએસ અને હવામાનની આગાહી કરતી સિસ્ટમ ઠપ્પ થઈ શકે છે.
ધરતી પર કાટમાળ: અથડામણના થોડા જ દિવસોમાં આ કાટમાળના ટુકડા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે. ખાસ કરીને દક્ષિણ અમેરિકા, ઉત્તર આફ્રિકા અને અરબી દ્વીપકલ્પના વિસ્તારોમાં આ ટુકડાઓ પડવાનું જોખમ વધુ છે.
વૈજ્ઞાનિકો માટે તક અને પડકાર
એક તરફ જ્યાં આ ટક્કર ભયાનક છે, બીજી તરફ વૈજ્ઞાનિકો તેને ચંદ્રની આંતરિક રચના સમજવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. આ ટક્કરથી જે તરંગો પેદા થશે, તેના અભ્યાસ દ્વારા ચંદ્રના ગર્ભ વિશે નવી માહિતી મળી શકે છે. હાલમાં નાસા (NASA) અને વિશ્વની અન્ય સ્પેસ એજન્સીઓ આ એસ્ટરોઇડના માર્ગ પર સતત નજર રાખી રહી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

