Avani Sonis Kashi Raghav Nomination; Ahmedabad Casting Director Gets National Nod
3 કલાક પેહલાલેખક: કેનિલ સોમૈયા
- કૉપી લિંક
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગૌરવ વધારનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની જાણીતી કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોનીને તેની સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘કાશી રાઘવ’ માટે પ્રતિષ્ઠિત ઈન્ડિયન નેશનલ સિને એકેડમી (INCA) એવોર્ડ્સમાં ‘બેસ્ટ કાસ્ટિંગ’ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.
બોલિવૂડના દિગ્ગજો સાથે ટક્કર
આ નોમિનેશન એટલા માટે ખાસ છે કારણ કે આ રેસમાં અવની સોનીની સાથે બોલિવૂડના મોટા ગજાના કાસ્ટિંગ ડિરેક્ટર્સ પણ સામેલ છે. ‘સિતારે જમીન પર’, ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે કામ કરનારા મુકેશ છાબડા અને વૈભવ વિશાંત જેવા દિગ્ગજો સાથે અવની સોની સ્પર્ધા કરી રહ્યા છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એકેડમી સ્ટાઈલ એવોર્ડમાં પ્રાદેશિક ફિલ્મોને બોલિવૂડની હરોળમાં સ્થાન મળ્યું હોય. આ સફળતા બાદ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અવનીએ પોતાની આ સફર અને પડકારો વિશે દિલ ખોલીને વાત કરી હતી.

‘સિતારે જમીન પર’, ‘છાવા’ અને ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મ પણ રેસમાં
“મારો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી”
પોતાની આ સિદ્ધિ વિશે વાત કરતા અવની સોનીએ જણાવ્યું હતું કે- “જ્યારે હું નોમિનેશન લિસ્ટ ચેક કરી રહી હતી અને અચાનક મારું નામ જોયું, ત્યારે મને થોડી સેકન્ડો માટે તો વિશ્વાસ જ ન આવ્યો. કાસ્ટિંગ કેટેગરીને સામાન્ય રીતે એવોર્ડમાં સ્થાન મળતું નથી, જ્યારે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાંથી આ પ્રકારે નોમિનેશન મેળવું પ્રથમ વખત હશે, જે મારા માટે ખૂબ જ ભાવુક ક્ષણ છે. તેણે વધુમાં ઉમેર્યું કે, “ઓસ્કર એકેડમી બાદ હવે ભારતમાં પણ કાસ્ટિંગ ડિરેક્ટર્સના કામને સત્તાવાર માન્યતા મળી રહી છે, તે જોઈને આનંદ થાય છે. આ માત્ર મારી સફળતા નથી, પણ સમગ્ર કાસ્ટિંગ ડિરેક્ટર્સ માટે પ્રોત્સાહનની વાત છે.”

કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની ફિલ્મ ડિરેક્ટર ધ્રુવ ગોસ્વામી સાથે
‘કાશી રાઘવ’ના પાત્રની પસંદગી માટેના પડકારો
ફિલ્મ ‘કાશી રાઘવ’ તેના શાનદાર પાત્રો અને એક્ટિંગ માટે ચર્ચામાં રહી છે. અવનીએ જણાવ્યું કે- ‘આ ફિલ્મમાં સૌથી મોટો પડકાર એક ચાઈલ્ડ આર્ટિસ્ટને શોધવાનો હતો. અસંખ્ય ઇન્ટરવ્યુ બાદ પીહુશ્રી ગઢવીની પસંદગી કરવામાં આવી હતી, જેણે પોતાની પ્રથમ ફિલ્મ હોવા છતાં અપેક્ષા કરતા પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. અન્ય પડકારોની વાત કરું તો, સ્ટોરીની માંગ હતી બંગાળી પાત્રો દેખાવા જોઈએ અને રેડ લાઈટ એરિયાનો સીન કરવાનો હતો એના માટે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પાત્રો મળવા એટલા સરળ નહોતા.’


‘કાશી રાધવ’ ફિલ્મના BTS PHOTOs, આ ફિલ્મમાં ‘લાલો’ ફેમ સુહૃદ ગોસ્વામી પણ છે
વાતચીત દરમિયાન જ્યારે અવની સોનીને તેમના મનપસંદ ડિરેક્ટર્સ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું- ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં અભિષેક જૈન, દુર્ગેશ તન્ના, પ્રીત ગોહિલ અને ધ્રુવ ગોસ્વામી સહિત ઘણા નામ છે, કેટલાક સાથે કામ કરી ચૂકી છું અને કેટલાક સાથે વાતચીત ચાલી રહી છે. જો ભવિષ્યમાં તક મળશે તો સંજયલીલા ભણસાલી, પ્રિયદર્શન, અનુરાગ કશ્યપ અને આદિત્ય ધર જેવા બોલિવૂડ ડિરેક્ટર્સ સાથે પણ કામ કરવાની ઈચ્છા ધરાવું છું. હાલમાં તેના બે મહત્વના પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે જેમાં પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત ‘ફાફડા જલેબી’ અને ધ્રુવ ગોસ્વામીની એક અનટાઈટલ્ડ ફિલ્મ છે.
શું છે INCA એવોર્ડ્સ?
INCA એવોર્ડ્સએ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયેલું પ્લેટફોર્મ છે, જે ભારતની 12 વિવિધ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોને સન્માનિત કરે છે. આ યાદીમાં ગુજરાતી પ્રતિભા તરીકે અવની સોનીનું નામ ચમકવું એ પ્રાદેશિક સિનેમાની વધતી જતી તાકાતનું પ્રતીક છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


