Behrupiyo Film: Supernatural Power Fear; Sonu Nigams Song, Stars Exclusive Reveal

Last Updated: April 18, 2026By

શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે, તમારી આસપાસ કોઈની હાજરી છે પણ તમે તેને જોઈ શકતા નથી? કોઈ એવો અનુભવ જેણે તમારા શ્વાસ થંભાવી દીધા હોય? ભૂત-પ્રેત એ માત્ર માણસના મનની ઉપજ છે કે પછી ખરેખર કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે, જે ખરેખર ચૂપચાપ મોતની જાળ પાથરે છે?

.

કલાકારોના ધારદાર અભિનય, રહસ્યોથી ભરેલી વાર્તા, VFXથી સુપરનેચરલ પાવરનો અનુભવ કરાવતી આ હૉરર-થ્રિલર ફિલ્મના મુખ્ય કલાકારો, કિંજલ રાજપ્રિયા અને મૌલિક ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. તેમણે ફિલ્મના નામની પાછળ છુપાયેલું રહસ્ય, પાત્રો માટે કરેલી તૈયારી અને ફિલ્મ દરમિયાન થયેલા ડરામણા અનુભવને શેર કર્યા છે.

‘બહેરૂપિયો’માં મુખોટાની પાછળ શૈતાન છુપાયેલો છે.

‘દરેક વ્યક્તિ બહેરૂપિયો છે’

ફિલ્મનું નામ ‘બહેરૂપિયો’ રાખવા પાછળનું રહસ્ય જણાવતા કિંજલ રાજપ્રિયાએ કહ્યું કે, ‘બહેરૂપિયો એ વેશપલટા કરતા પણ માણસની અંદર છૂપાયેલા અનેક ચહેરાઓને બહાર લાવવાની વાત છે.’ તેની વાત સાથે સંમતિ દેખાડતા મૌલિક ચૌહાણે કહ્યું કે, ‘દરેક વ્યક્તિ અંગત જીવનમાં અલગ છે અને પ્રોફેશનલ લાઇફમાં અલગ છે. દરેક વ્યક્તિ બહેરૂપિયો છે. તેથી તમારે નક્કી કરવાનું રહેશે કે બહેરૂપિયો કોણ છે.’

કિંજલ રાજપ્રિયા 'બહેરૂપિયો'માં આન્યા નામના પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

કિંજલ રાજપ્રિયા ‘બહેરૂપિયો’માં આન્યા નામના પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે.

ફિલ્મના ટ્રેલરમાં ખૂબ જ સુંદર છતાં ક્યાંકને ક્યાંક ડરામણા લાગતા લોકેશન્સ દેખાઈ રહ્યા છે. તેના વિશે મૌલિકે કહ્યું કે, ‘ફિલ્મનું શૂટિંગ મૂળી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં થયું છે.’ જ્યારે કિંજલે કહ્યું કે, ‘ગુજરાતી સિનેમામાં હજુ સુધી આ લોકેશન્સ એક્સપ્લોર થયા નથી. તેથી તેની નવિનતા છે. એક અલગ સુંદરતા છે. અમારા ડીઓપી સુમંત સાહુએ ખૂબ સુંદર રીતે શૂટ કર્યું છે.’

‘અંતસ્ય આરંભ આગચ્છતી’

ફિલ્મમાં ‘અંતસ્ય આરંભ આગચ્છતી’નો ઉલ્લેખ વારંવાર જોવા મળી રહ્યો છે, ત્યારે અંધશ્રદ્ધાનો અંત થવાનો છે કે ડરનો એવું પૂછતા મૌલિક ચૌહાણે કહ્યું કે, ‘અંત તો તમને ખબર પડશે જ, પણ કંઈક આરંભ થવાનું છે.’ ફિલ્મમાં આ રહસ્યમયી કથન ઉપરાંત એક ખાસ નિશાન પણ મહત્ત્વનું છે. તેના વિશે કિંજલ રાજપ્રિયાએ કહ્યું કે, ‘બહેરૂપિયો ફિલ્મમાં નવા પ્રકારના પ્રયોગો કરાયા છે. આ એક દંતકથા છે, જે હોરર અને થ્રિલર છે. ‘મોંઘેરા મહેમાન ગીત’ શહેર અને નેહડાને જોડતી કડી છે. પણ આ બધા વચ્ચે બહેરૂપિયો કોણ છે? હું, મૌલિક, ડેનિશા, આશીમા, આકાશ, નીતા કે જયેશ મોરે? આ ઉપરાંત પણ કેટલાક સરપ્રાઇઝ એલિમેન્ટ્સ છે. તેથી દરેક પાત્રમાંથી કોનો ચહેરો સાચો છે અને કોણ બહેરૂપિયું છે, તેનું એ નિશાન સાથે ઘણું તગડું કનેક્શન છે.’

'બહેરૂપિયા'નું આ હાથ પર રહેલા નિશાન સાથે ખાસ કનેક્શન છે.

‘બહેરૂપિયા’નું આ હાથ પર રહેલા નિશાન સાથે ખાસ કનેક્શન છે.

ફિલ્મના સેટ પર થયો ડરામણો અનુભવ

ફિલ્મની વાર્તા જ ડર, થ્રિલ અને રહસ્યોથી ઘેરાયેલી છે. ત્યારે ફિલ્મની શૂટિંગ દરમિયાન પણ કાસ્ટ અને ક્રુને ડરામણો અનુભવ થયો હતો. મૌલિક ચૌહાણે કહ્યું કે, ‘સેટ પર લાઇટમેન સહિત ઘણા બધાને ડરામણા અનુભવો થયા છે. પણ અમારો એક જ ડરામણો અનુભવ હતો, જેમાં અમે એક ગીત શૂટ કરી રહ્યા હતા. એ ગીતને બ્લુટુથથી સ્પીકર પર ચાલુ કરતા હતા. તે ચાલુ થાય અને પછી તરત બંધ થઈ જાય. એ મોબાઇલમાંથી બીજુ ગીત વાગે પણ આ ગીત ચાલુ ન થાય. અમને લાગ્યું કે ફોર્મેટમાં કોઈ પ્રોબ્લેમ હશે. તો સ્પીકર બંધ કરીને ચાલુ કર્યું, તો ગીત વાગ્યું. પછી અમે સ્પીકર બદલ્યું, એ ગીત ન વાગે, પણ બીજા ગીત વાગે. અમે મોબાઇલ પણ બદલ્યો, છતાં એ ગીત તો ના જ વાગ્યું. અમને લાગે છે કે ત્યાં કોઈ એવું હશે, જેમને આ ગીત નહીં ગમતું હોય . બધુ વાઇબ્રન્ટ હતું. રોજ કંઈક નવા અનુભવ થાય.’

મૌલિક ચૌહાણે ફિલ્મના સેટ પર થયેલો ડરામણો અનુભવ શેર કર્યો.

મૌલિક ચૌહાણે ફિલ્મના સેટ પર થયેલો ડરામણો અનુભવ શેર કર્યો.

કિંજલે પણ વાતમાં ટાપસી પુરાવતા કહ્યું કે, ’23-24 દિવસનો અનુભવ એવો જ હતો, આપણે માણસો છીએ તો આપણે એકબીજાની ગોસિપ કરતા હોઈએ. પણ અમારે ત્યાં ભૂતોની ગોસિપ થતી હતી. એટલે કદાચ…પણ એમના કારણે અમારું કોઈ શૂટિંગ અટક્યું નથી. અમને મજા પણ આવતી હતી. પણ એ થ્રિલને લીધે બધું જીવંત લાગતું હતું. પેલું ગીત છે ને, સફર ખુબસુરત હૈ મંઝિલ સે ભી… એના જેવું.’

સોનુ નિગમના સૂર પણ ગુંજશે

બહેરૂપિયાના બજેટ અને VFXને લઈને મૌલિકે કહ્યું કે, ‘આ બિગ બજેટ ફિલ્મ છે. તેમાં VFXનો એક મોટો ભાગ છે. તેને ખૂબ સરસ રીતે ઉપયોગ થયો છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું નિકળ્યું છે. સોનુ નિગમે પણ ગીત ગાયું છે. આ ફિલ્મ ટેકનિકલી ખૂબ સાઉન્ડ છે. કેમેરાની સાથે સાથે એનામોર્ફિક લેન્સ યુઝ થયા છે, જે દર્શકોને લાર્જર ધેન લાઇફ અનુભવ આપે છે.’

ફિલ્મમાં જયેશ મોરે, ડેનિશા સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.

ફિલ્મમાં જયેશ મોરે, ડેનિશા સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે.

વાતને આગળ વધારતા કિંજલે કહ્યું, ‘ઓવરઓલ ફિલ્મ મેકિંગની મજા પણ એ છે કે, ઘણા બધા નવા કલાકારો અને ટેકનીશિઅન્સ આપણી સાથે જોડાયા છે. આ વાત પણ એક નવી છે, જેની અંદર એક્શન છે, VFX છે, અલગ પ્રકારની સુપરનેચરલ વાઇબ છે. આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બિહાફ પર અમે પ્રયોગ કર્યો છે કે કંઈક નવું કરીએ. એક દંતકથાને માત્ર હોરરની જેમ રજૂ ન કરીને એક સુપરનેચરલ પાવર તરીકે સામે લાવીએ. દર્શકો માટે નવું પીરસવાનો ભાવ છે, માત્ર એક્ટર્સનો નહીં, ડિરેક્ટર્સ, રાઇટર્સ, પ્રોડ્યુસર્સનો. અથર્વ અને વત્સલે મ્યુઝિક આપ્યું છે, બેકગ્રાઉન્ડ રુશિન દલાલનું છે. આ બધું મળીને જ્યારે ફિલ્મ બની છે, તેથી તે ઘણી ફ્રેશ લાગે છે. નવા પ્રોજેક્ટ્સ સાથે જોડાવામાં એ પણ એક મજા છે. આપણે ફેમિલી ડ્રામા તો કરીએ જ છીએ, ફ્રેન્ડ્સનો ડ્રામા તો કરીએ જ છીએ, પણ આપણે સતત એવા પ્રયત્નો કરીએ છીએ કે ગુજરાતી સિનેમાને કેટલા અલગ અલગ રીતે રજૂ કરી શકાય.’

મૌલિકે ફિલ્મના પ્રોડ્યુસર્સ સવનાથ એન્ટરટેઇનમેન્ટ, હાર્દિક ભાઈ પટેલ અને કૌશિક ભાઈ પટેલને પણ ક્રેડિટ આપતા કહ્યું કે, તેમણે આ પ્રકારની ફિલ્મ પર વિશ્વાસ મૂક્યો એ મોટી વાત છે, કારણ કે એ પણ અસમંજસ હતી કે, આ ફિલ્મ ગુજરાતીમાં બનાવી શકાય કે નહીં?’

'બહેરૂપિયો'ના ટ્રેલરમાં હનુમાનજીની ખાસ ઝલક જોવા મળી.

‘બહેરૂપિયો’ના ટ્રેલરમાં હનુમાનજીની ખાસ ઝલક જોવા મળી.

હનુમાનજી, કાનુડો અને શિવજી નૈયા પાર કરાવશે!

ટ્રેલરમાં હનુમાનજીની ગદા અને હિમાલયમાં તેમને સાધના કરતા દેખાડવામાં આવ્યા છે. ઉપરાંત શ્રીકૃષ્ણનો અર્જુન સાથેનો સંવાદ પણ છે. તો શું આનો કોઈ વિશેષ સંબંધ છે? એવું પૂછતા કિંજલે કહ્યું કે, ‘અમારા સેટ પર બધાં જ ભગવાનને યાદ કરવામાં આવ્યા છે. ટ્રેલરમાં અમે માત્ર બે જ ભગવાનના દર્શન બતાવી શક્યા છીએ. પણ વચ્ચે માતાજીની સ્તુતિ પણ ચાલતી હોય, શિવ તાંડવ પણ ચાલતુ હોય, ઓમ નમઃ શિવાયના જાપ પણ ચાલતા હોય. પણ એ સરપ્રાઇઝ છે.’

કોસ્ચ્યુમ ડિઝાઈન પાછળ ખાસ રહસ્ય

ફિલ્મની સ્ટારકાસ્ટ મોટી હોવા છતાં દરેક પાત્રો અલગ તરી આવે છે, જેમાં તેમના અભિનયની સાથે સાથે કપડાંઓનો પણ મોટો ફાળો છે. કોસ્ચ્યુમ વિશે વાત કરતા કિંજલે કહ્યું કે, ‘દરેક પાત્ર પર બહેરૂપિયા હોવાની સોય લટકેલી છે. તેથી દરેક પાત્રને ધ્યાને લઈને ડિઝાઇનર ક્રાંતિએ ખૂબ જ રિફ્રેશિંગ કોસ્ચ્યુમ તૈયાર કર્યા છે. મારું પાત્ર એક પત્રકારનું છે, જેની સ્પિરિટ ખૂબ જ એડવેન્ચરસ છે. તેને કામની સાથે સાથે ટ્રેન્ડિંગમાં જે યોલો (યુ ઓન્લી લિવ વન્સ) કહેતા હોઈએ છીએ ને, તેવી અને સોલો ટ્રાવેલર વાઇબ વાળું પાત્ર છે. તેથી તેને ધ્યાને લઈને કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. હિપ્પી પ્રકારની આઇડેન્ટિટી માટે વાળમાં ચોટલો ગૂંથ્યો છે.

દરેક પાત્રના કોસ્ચ્યુમને ખાસ રીતે ડિઝાઇન કરાયા છે.

દરેક પાત્રના કોસ્ચ્યુમને ખાસ રીતે ડિઝાઇન કરાયા છે.

‘મનમાં અલગ પ્રકારના પત્રકારનું પાત્ર ઉપજ્યું છે’

બહેરૂપિયો અનેક ઓળખ ધારણ કરે છે. ત્યારે ફિલ્મમાં અલગ અલગ વ્યક્તિત્વ ભજવવાની તૈયારી વિશે સ્ટાર્સે ખૂલીને વાત કરી. કિંજલ આન્યા નામની પત્રકારની ભૂમિકા ભજવી રહી છે. તેની તૈયારીઓ વિશે જણાવતા કિંજલે કહ્યું, ‘હું છેલ્લી ઘડીએ ફિલ્મ માટે લોક થઈ હતી. તેથી ફિલ્મમાં મને સ્ક્રિપ્ટનો અભ્યાસ કરવાનો સમય જ નથી મળ્યો. પણ ઘણી વખત એક્ટર્સને એવી ચેલેન્જ લેવાની તક મળે છે, જેમાં તે બ્લેન્ક હોય છે અને ડિરેક્ટરને વર્ણવેલા પાત્રના આધારે જ ભૂમિકા ભજવે છે. મેં પણ ફિલ્મમાં આ જ ચેલેન્જ લીધી. હું મારા ડિરેક્ટર રાજા સંજય ચોક્સીની આંગળી પકડીને જ ચાલી છું. મેં દર્શકોના પક્ષે આ વાર્તાને જોઈ છે. ફિલ્મમાં મારું પાત્ર પણ જે કંઈ થઈ રહ્યુ છે, તેને દર્શકોના દૃષ્ટિકોણથી જ જૂએ છે. પણ આ પાત્ર ભજવતાં ભજવતાં મારા મનમાં એક નવા પ્રકારનું જર્નલિસ્ટનું કેરેક્ટર ઉપજ્યું છે.’

લોકેશન્સ અને VFXએ ફિલ્મને વધુ ડરામણી બનાવી છે.

લોકેશન્સ અને VFXએ ફિલ્મને વધુ ડરામણી બનાવી છે.

મૌલિક ચૌહાણે તેમની વાતને આગળ વધારતા કહ્યું કે, ‘કેટલાક એક્ટર્સ સ્પોન્ટેનિયસ હોય છે, જે કેરેક્ટરનો હાર્દ પકડીને તેને છેલ્લે સુધી લઈ જાય છે. મેં અનુભવ્યું થે કે, જ્યારે કિંજલ અને ડિરેક્ટર કોઈ સીન પર ચર્ચા કરતા હતા, નક્કી કરતા હતા કે આપણે આ પાત્રને આ રીતે લઈ જઈએ, તે પ્રોસેસ ખૂબ સરસ હતી. બંને એકબીજાની વાતને સમજીને સીન ભજવતા હતા, જે ખરેખર ખૂબ સુંદર હતું. બધું એટલું ફ્લોમાં થયું છે કે તમને એકપણ વખત અનુભવ નહીં થાય કે વર્કશોપ થયા નથી.’

તેમણે હસતાં હસતાં આગળ કહ્યું, ‘પણ મારે તૈયારીઓ કરવી પડી હતી. હું ડિરેક્ટર અને લેખક કપિલ પર નિર્ભર હતો, કારણ કે હું પહેલીવાર ડબલ રોલ કરી રહ્યો હતો. બંને કેરેક્ટર ભલે અલગ છે, પણ બંને સાથે ભજવાઈ રહ્યા છે. ઘણું અઘરું હતું, પણ આ લોકોએ સિંપલ કરી દીધું.’

‘ચાઇનીઝ-જાપાનીઝમાં ફિલ્મ રિલીઝ થાય તેવી ઇચ્છા’

પ્રાદેશિક સિનેમાની ફિલ્મોને પણ હિન્દી દર્શકો જોવાનું પસંદ કરી રહ્યા છે. તે જ રીતે અન્ય રાજ્યોમાં પણ ફિલ્મોને ડબ કરવામાં આવે છે. ત્યારે બહેરૂપિયાને બીજી કોઈ ભાષામાં રજૂ કરવામાં આવશે કે કેમ? તે અંગે કિંજલે કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે ગુજરાતી દર્શકો આ ફિલ્મને એટલી બધી વધાવે કે, ના છૂટકે બીજી ભાષામાં બનાવવી જ પડે કે ડબ કરવી પડે. અત્યારે મુખ્ય ફોકસ એ છે કે ગુજરાતની વાત છે, ગુજરાતની દંતકથા છે, ગુજરાતના કલાકારો છે, ટેકનીશિઅન્સ પણ ગુજરાતના છે. જો આપણે આટલી બધી મહેનત ગુજરાતમાં જ કરી છે, તો એ સૌથી પહેલી ગુજરાતી દર્શકો માટે કરી છે. ધારો કે, આપણે ગુજરાતી થાળીમાં એક ચાઇનીઝ વોન્ટોન પીરસીએ, તો લોકોને તે ખાવામાં વધારે મજા પડી જાય, તેવી જ રીતે જો દર્શકોને નવું કંઈક પીરસીએ તો તેમને ગમશે.’

‘બહેરૂપિયો’ ફિલ્મ 27 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થશે.

‘બહેરૂપિયો’ ફિલ્મ 27 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થશે.

મૌલિકે પણ વાત સાથે સંમતિ દર્શાવતા કહ્યું કે, ‘હું ઇચ્છું છું કે ફિલ્મ ચાઇનીઝ ભાષામાં, જાપાનીઝમાં રિલીઝ થાય. ભવિષ્યમાં આવું થશે જ.’

‘ગુજરાતી દર્શકોનો મિજાજ બદલાયો છે’

ગુજરાતી સિનેમામાં દસ વર્ષ કરતા પણ વધુ સમયથી કામ કરી રહેલા કિંજલ રાજપ્રિયા અને મૌલિક ચૌહાણે ફિલ્મ નિર્માણમાં બદલાયેલી રીતો અને દર્શકોના મિજાજ અંગે પણ ખૂલીને વાત કરી. કિંજલે કહ્યું કે, ‘ઘણા વર્ષોથી એ વાત પર ચર્ચા ચાલે છે કે ગુજરાતી દર્શકોને શું ગમે છે અને મેકર્સને શું પીરસવું છે? પણ મજાની વાત છે કે ગુજરાતી દર્શકો પ્રામાણિકતાને વધુ સારી રીતે સમજે છે. જો તમે કોઈ વાતને પ્રામાણિકતા સાથે મુકો, તો ગુજરાતીઓ તેને વધાવી લે છે.’

તેમણે વાત આગળ વધારતા કહ્યું કે, ‘કેટલાક પ્રાદેશિક સિનેમામાં બધુ ભપકાદાર કે ભવ્ય હોય, તેવું દર્શકો પસંદ કરે છે. ગુજરાતીઓ સહજ વસ્તુઓ પસંદ કરે છે. જે લોકોએ પ્રામાણિકતાથી તેમની ફિલ્મો રજુ કરી છે, તેમને દર્શકોએ આવકારી છે. એમાં કોઈ બેમત નથી. હા, ઘણી વાર એવું થઈ શકે કે, કેટલાક વિષયો દર્શકોને પસંદ ન આવે કે મેકર્સથી કોઈ માર્કેટિંગ કે મેકિંગમાં ચૂક થાય. પણ હા, હજુ પણ દર્શકોને કહેવું પડે છે કે, ગુજરાતી ફિલ્મો જુઓ. ખાસ કરીને કોવિડ પછી દર્શકોએ કેટલા બધા અલગ અલગ સબજેક્ટ્સ આવકાર્યા છે. સાથે જ નેશનલ સિનેમાએ પણ ઘણા ગુજરાતી વિષયોના રિમેક બનાવ્યા છે. આ એક નિરંતર પ્રયાસ છે. આપણે હજુ એ સ્ટેજ પર નથી કે, આપણે ફિલ્મને પ્રમોટ ન કરીએ, તો પણ લોકો જોવા આવે, જે કેટલાક રિજનલ સિનેમામાં છે. દર્શકો ફિલ્મ જોઈને અમને આવકારે, અને વઢવું પડે તો વઢે પણ ખરા. આવી રીતે કામ કરીશું તો આપણે દશકામાં ઘણા આગળ આવ્યા છીએ અને આગળ વધીશું.’

મૌલિક અને કિંજલે ગુજરાતી સિનેમાના બદલાયેલા ટ્રેન્ડ વિશે વાત કરી.

મૌલિક અને કિંજલે ગુજરાતી સિનેમાના બદલાયેલા ટ્રેન્ડ વિશે વાત કરી.

મૌલિકે પોતાનો મત રજૂ કરતા કહ્યું કે, ‘લોકો પહેલાં થિયેટરમાં જઈને ખૂબ વધારે ફિલ્મો જોતા હતા. ‘શોલે’નો ફૂટફોલ 18 કરોડ લોકોનો હતો, જ્યારે તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધુરંધર’નો ફૂટફોલ પાંચ કરોડનો જ છે. તે સમયે માધ્યમો ઓછા હતા, તે સમયે એન્ટરટેઇનમેન્ટનું એક જ માધ્યમ હતું. સિંગલ સ્ક્રિન વધારે હતી, જે બધા બંધ થઈ ગયા. હવે મલ્ટિપ્લેક્સ થિયેટર શરૂ થયા છે. હવે રિઝનેબલ રેટ પર ટિકિટ ઉપલબ્ધ છે. તો ઘણા બધા ફેક્ટર્સ એવા છે, જેમાં વચ્ચે થિયેટર જોવા જવા વાળી ઓડિયન્સ ઓછી થઈ ગઈ હતી, તેમાં વધારો થયો છે. હવે લોકોને ખબર છે કે, આટલા રૂપિયા આપીને જેવો એક્સપિરિયન્સ હોલિવૂડ ફિલ્મો આપે છે, તેવો હવે ગુજરાતી ફિલ્મો પણ આપી રહી છે. હવે ધીરે ધીરે ફરી થિયેટર તરફ વળી રહ્યા છે. આપણી પહેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’, જે 122 કરોડ કમાણી તે આપણા માટે ખૂબ મોટી વાત હતી, તે સતત ચાલતું રહે તેવી પ્રાર્થના છે.’

Leave A Comment