વરસાદની મોસમમાં અવારનવાર પૂર અથવા ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે, જેના કારણે અનેક વાહનચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે. જો તમારી કાર પણ પૂરના પાણીમાં તણાઈ જાય, ડૂબી જાય કે તેને નુકસાન પહોંચે, તો શું તમને વીમા કંપની તરફથી વળતર મળશે? આ પ્રશ્ન દરેક વાહનમાલિક માટે મહત્વનો છે. કારના વીમાથી લઈને ક્લેઈમ મેળવવા સુધીના તમામ નિયમો સરળ ભાષામાં સમજીએ.
કઈ વીમા પોલિસીમાં મળશે દાવો?
તમારી કારને પૂરના પાણીમાં થયેલા નુકસાનનું વળતર મળશે કે નહીં, તેનો આધાર તમારી પાસે કયા પ્રકારનો વીમો છે તેના પર રહેલો છે.
થર્ડ-પાર્ટી વીમો: જો તમારી કારમાં માત્ર ફરજિયાત તૃતીય-પક્ષ (Third-Party) વીમો જ હોય, તો પૂર કે પાણીના કારણે થયેલા નુકસાન માટે કોઈ વળતર મળતું નથી. આ પોલિસી માત્ર અન્ય વ્યક્તિ કે મિલકતને થયેલા નુકસાનને જ આવરી લે છે.
કોમ્પ્રિહેન્સિવ (વ્યાપક) વીમા પોલિસી: જો તમારી પાસે વ્યાપક વીમો હોય, તો જ પૂર, વાવાઝોડું, ભૂકંપ કે કુદરતી આફતોથી વાહનને થયેલા નુકસાનનો દાવો મંજૂર થાય છે. આ પોલિસી પૂરમાં ડૂબેલી કે નષ્ટ થયેલી કારના સમારકામ અથવા રિપ્લેસમેન્ટ માટે કવરેજ પૂરું પાડે છે.
મહત્વના એડ-ઓન કવર (Add-on Covers)
મૂળભૂત વ્યાપક પોલિસી ઉપરાંત કેટલાક ખાસ એડ-ઓન લેવા અત્યંત જરૂરી છે:
એન્જિન પ્રોટેક્શન કવર: પાણીમાં કાર ફસાવાથી એન્જિન બેસી જાય ત્યારે તેના સમારકામનો ખર્ચ લાખોમાં જઈ શકે છે, જે આ કવર દ્વારા સંપૂર્ણપણે મળે છે.
ઝીરો ડેપ્રિએશન કવર: પ્લાસ્ટિક કે ફાઇબરના ભાગો બદલતી વખતે ઘસારાની રકમ કપાતી નથી અને પૂરેપૂરું વળતર મળે છે.
કન્ઝ્યુમેબલ્સ કવર: એન્જિન ઓઇલ, નટ-બોલ્ટ અને બ્રેક ઓઇલનો ખર્ચ પણ આમાં આવરી લેવાય છે.
રોડસાઇડ અસિસ્ટન્સ: પાણીમાં ફસાયેલી કારને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં મદદ કરે છે.
આ મોટી ભૂલ ક્યારેય ન કરવી
જો તમારી કાર પૂરના પાણીમાં બંધ થઈ ગઈ હોય, તો તેને ક્યારેય સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરો. જો પાણી એન્જિનમાં જતું રહે અને તમે ગાડી ચાલુ કરો, તો વીમા કંપની તેને ડ્રાઇવરની બેદરકારી ગણીને તમારો દાવો રદ કરી શકે છે. જો કાર સંપૂર્ણપણે વહી જાય અને ન મળે, તો પોલીસમાં FIR અને અનટ્રેસ્ડ રિપોર્ટ રજૂ કર્યા બાદ વીમા કંપની પોલિસી મુજબ IDV ની પૂરેપૂરી રકમ ચૂકવે છે. આપત્તિના સમયે કારની સ્થિતિના ફોટા અને વીડિયો પાડીને તાત્કાલિક વીમા કંપનીને જાણ કરવી અને ટો ટ્રક દ્વારા ગાડીને અધિકૃત સર્વિસ સેન્ટર પર પહોંચાડવી હિતાવહ છે.
આ પણ વાંચોઃ Nepal Flood : નેપાળ પૂર પછી એલર્ટ પર ભારત, શું સપ્ટેમ્બરમાં ફરી આવશે આવી જ હોનારત?