Commonwealth Games 2026 Glasgow; Indian Athletes List & Schedule Details

Last Updated: July 22, 2026By

7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન 23 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થશે. આ કોમનવેલ્થ ગેમ્સની 23મી એડિશન છે, જેમાં 74 દેશોના 3,000થી વધુ ખેલાડીઓ 10 રમતોમાં મેડલ માટે મુકાબલો કરશે. 215 મેડલ ઇવેન્ટ્સમાં કુલ 1,168 મેડલ દાવ પર હશે.

ભારતના 126 ખેલાડીઓ 8 રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જોકે, આ વખતે શૂટિંગ, કુશ્તી અને બેડમિન્ટન જેવી રમતો કોમનવેલ્થ ગેમ્સનો હિસ્સો નહીં હોય. આ સ્ટોરીમાં જાણો કોમનવેલ્થ ગેમ્સ 2026 વિશે બધું જ…

કોમનવેલ્થ ગેમ્સ ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 1930માં કેનેડાના હેમિલ્ટનમાં થઈ હતી. ત્યારે તેને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતી હતી. પ્રથમ એડિશનમાં બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયેલા 11 દેશોના 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં એથ્લેટિક્સ, બોક્સિંગ, લોન બોલ્સ, રોઇંગ, સ્વિમિંગ અને રેસલિંગ (કુશ્તી) જેવી રમતો સામેલ હતી.

1930થી 1950 સુધી આ ટૂર્નામેન્ટને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવી. 1954માં એનું નામ બદલીને બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ કરવામાં આવ્યું. 1970માં તે બ્રિટિશ કોમનવેલ્થ ગેમ્સ બની અને 1978થી તેને કોમનવેલ્થ ગેમ્સના નામે ઓળખવામાં આવે છે. એનું આયોજન સામાન્ય રીતે દર ચાર વર્ષે થાય છે. એનો હેતુ કોમનવેલ્થ દેશોના ખેલાડીઓને મોટા ઇન્ટરનેશનલ મંચ પર કોમ્પિટિશનની તક આપવાનો છે. ભારતે પહેલીવાર 1934ના લંડન ગેમ્સમાં ભાગ લીધો હતો.

હોકી, ક્રિકેટ, શૂટિંગ, બેડમિન્ટન અને કુશ્તી જેવી મોટી રમતો ગાયબ ક્રિકેટ, હોકી, બેડમિન્ટન, શૂટિંગ, કુશ્તી, ટેબલ ટેનિસ અને સ્ક્વોશ જેવી રમતો ગ્લાસગો 2026નો હિસ્સો નથી. આમાંથી શૂટિંગ, કુશ્તી અને બેડમિન્ટન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સૌથી ભરોસાપાત્ર મેડલ સ્પોર્ટ્સ રહ્યા છે. જોકે, આ વખતે આ ત્રણેય રમતોને સામેલ કરવામાં આવી નથી. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ મેડલ શૂટિંગમાં જ જીત્યા છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026માં નવું શું હશે?

કોમનવેલ્થ માઇલની વાપસી: એથ્લેટિક્સમાં કોમનવેલ્થ માઇલની વાપસી થશે. આ ઇવેન્ટ છેલ્લી વાર 1966માં થઈ હતી. એટલે કે લગભગ 60 વર્ષ પછી આની વાપસી થઈ રહી છે. 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 1500 મીટરની જગ્યાએ 1 માઇલ એટલે કે 1.609 કિલોમીટરની રેસ યોજવામાં આવશે. આ વખતે મેન્સ (પુરુષો)ની સાથે વિમેન્સ (મહિલાઓ)ની માઇલ રેસ પણ થશે.

સૌથી મોટો પેરા-સ્પોર્ટ પ્રોગ્રામ: 2026માં છ રમતોમાં પેરા-સ્પોર્ટ્સને પૂરી રીતે સામેલ કરવામાં આવ્યા છે. આ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસનો સૌથી મોટો પેરા-સ્પોર્ટ પ્રોગ્રામ છે.

ભારત કઈ રમતોમાં ઊતરશે?

કોમનવેલ્થ ગેમ્સ 2026માં કુલ 10 રમતોમાં 215 મેડલ ઇવેન્ટ્સ થશે. જેમાં 47 પેરા-સ્પોર્ટ્સ મેડલ ઇવેન્ટ્સ સામેલ છે. ભારત 8 રમતોમાં પડકાર પેશ કરશે અને 3×3 બાસ્કેટબોલ અને નેટબોલમાં ભાગ નહીં લે.

ભારતનું પ્રદર્શન કેવું રહ્યું છે?

ભારતે 1934માં કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ કર્યું હતું. એ સમયે આ ટૂર્નામેન્ટને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતી હતી. ભારતે 1930, 1950, 1962 અને 1986ને છોડીને બાકીની તમામ એડિશનમાં ભાગ લીધો છે.

લંડન 1934 ગેમ્સમાં ભારત તરફથી છ એથ્લેટોએ ભાગ લીધો હતો. ભારતીય દળે 10 ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સ અને એક કુશ્તી સ્પર્ધામાં ભાગ લીધો. આ જ એડિશનમાં ભારતે પોતાનો પહેલો મેડલ જીત્યો હતો. પહેલવાન રાશીદ અન્વરે પુરુષોની 74 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ (કાંસ્ય પદક) જીતીને કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પહેલો મેડલ મેળવ્યો હતો.

1934માં ડેબ્યૂ કર્યા પછીથી ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 564 મેડલ જીત્યા છે. જેમાં 203 ગોલ્ડ, 189 સિલ્વર અને 172 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

કેટલા વેન્યૂ પર થશે ઇવેન્ટ્સ? કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ગ્લાસગોના ચાર અલગ-અલગ વેન્યૂ (સ્થળો) પર કરવામાં આવશે. ગ્લાસગો બીજી વાર કોમનવેલ્થ ગેમ્સની મેજબાની કરશે. આ પહેલાં 2014માં પહેલી વાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.

ઓપનિંગ સેરેમનીમાં ચાહનુ-લવલીના ફ્લેગ બિયરર હશે કોમનવેલ્થ ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની 23 જુલાઈ 2026ના રોજ થશે. સમારોહ ગ્લાસગોના ઓવીઓ હાઇડ્રો એરેનામાં ભારતીય સમયાનુસાર રાત્રે 12:30 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી થશે. ભારત તરફથી મીરાબાઈ ચાનૂ અને લવલીના બોરગોહેન ફ્લેગ બિયરર હશે. તેમાં પ્રખ્યાત બ્રિટિશ સિંગર ટોમ વોકર પરફોર્મ કરશે.

મેડલમાં દેખાશે શહેરની ઓળખ અને ઇતિહાસ ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ્સમાં મેજબાન શહેરની ઓળખ, ઇતિહાસ અને સમાવેશીતાની ઝલક દેખાશે. એવોર્ડ વિજેતા આર્ટિસ્ટ અને ડિઝાઇનર મિલિત્સા મિલેનકોવા દ્વારા મેડલ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ મેડલ ગ્લાસગોના લેન્ડમાર્ક્સ, કોટ ઓફ આર્મ્સ, ઔદ્યોગિક વારસો અને સાંસ્કૃતિક ઓળખથી પ્રેરિત છે. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પહેલી વાર મેડલ્સમાં બ્રેઇલ અને ટેક્ટાઇલ એલિમેન્ટ્સ સામેલ કરવામાં આવ્યા છે.

આ જ મેડલ્સ વિજેતા ખેલાડીઓને આપવામાં આવશે.

ક્યાં જોઈ શકાશે ઇવેન્ટ્સ?

ભારતમાં 2026 કોમનવેલ્થ ગેમ્સનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલ પર કરવામાં આવશે. આ સિવાય ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. તમે આ રમતોનો આનંદ ડીડી સ્પોર્ટ્સ પર પણ મફતમાં માણી શકો છો. આ ઉપરાંત ભાસ્કર એપ પર પણ મેચના લાઇવ અપડેટ્સ, રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ વાંચી શકાશે.