Earthquake Alert System Smartphone features will sound a siren alert before an earthquake hits know how this system works | Gujarat News

Last Updated: June 26, 2026By

વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. સ્થાનિક સત્તાધીશોએ અત્યાર સુધીમાં ૧૮૮ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે, જ્યારે કાટમાળની તીવ્રતા જોતાં આ આંકડો ૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધી પહોંચી શકે તેવી ભયાનક આશંકા સેવાઈ રહી છે. હાલમાં આ ભયાવહ ઘટનામાં અદભૂત ચમત્કાર જોવા મળ્યો. વેનેઝુઆલામાં બચાવકાર્ય દરમિયાન ભૂકંપના કાટમાળ નીચેથી નવજાત શિશુ, બાળક, મહિલા, વૃદ્ધ માણસ અને એક શ્વાન મળી આવ્યા. મીડિયા અહેવાલ મુજબ વેનેઝુઆલામાં ભૂકંપ પહેલા એલર્ટની ચેતવણી વાગી હતી. જેના કારણે લોકો પોતાનું જીવન બચાવવામાં સફળ રહ્યા. આ મહાવિનાશ વચ્ચે ટેક્નોલોજીનો એક એવો અદ્ભુત ચમત્કાર સામે આવ્યો છે, જેણે ભવિષ્યમાં આપત્તિઓ સામે લડવાની નવી આશા જગાડી છે. 

સ્માર્ટફોન આપશે ભૂકંપની ચેતવણી

અહેવાલો અનુસાર, ભૂકંપના મુખ્ય આંચકા આવ્યાની થોડી સેકન્ડો પહેલાં જ લાખો લોકોના એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એક જોરદાર ‘ઇમરજન્સી એલર્ટ’ સાયરન વાગ્યું હતું. આ અગમચેતીએ લોકોને સંભાળવાની અને સુરક્ષિત સ્થાને ખસી જવાની કિંમતી સેકન્ડો આપી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે આપણો મોબાઈલ ફોન માત્ર કમ્યુનિકેશનનું સાધન નથી, પણ આપત્તિના સમયે જીવ બચાવનાર રક્ષક પણ બની શકે છે.

ગૂગલે ભૂકંપ આવ્યા પહેલાં ચેતવણી કેવી રીતે મોકલી?

વિજ્ઞાન આજે પણ ભૂકંપ કયા દિવસે અને કયા સમયે આવશે તેની ચોક્કસ આગાહી કરવા સક્ષમ નથી. તો પછી ગૂગલે આ એલર્ટ કેવી રીતે મોકલ્યું? વાસ્તવમાં, ગૂગલે ભૂકંપની કોઈ અગાઉથી આગાહી નહોતી કરી, પરંતુ પૃથ્વીના પેટાળમાં હલચલ શરૂ થતાંની સાથે જ તેના પ્રારંભિક સંકેતોને પકડી લીધા હતા અને મુખ્ય વિનાશક આંચકો પહોંચે તે પહેલાં વીજળીની ગતિએ લોકો સુધી ચેતવણી પહોંચાડી દીધી હતી.

સ્માર્ટફોનનું સેન્સર નેટવર્ક: કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ?

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં વપરાતા અબજો એન્ડ્રોઇડ ફોન વાસ્તવમાં એક વિશાળ ‘સેન્સર નેટવર્ક’ તરીકે કામ કરે છે. તેની વૈજ્ઞાનિક પ્રક્રિયા નીચે મુજબ છે.

એક્સીલેરોમીટર સેન્સર (Accelerometer): દરેક સ્માર્ટફોનની અંદર આ નાનું સેન્સર હોય છે, જે ફોનની ગતિ અને ધ્રુજારીને માપે છે.

બે પ્રકારના તરંગો (P & S Waves): ભૂકંપ આવે ત્યારે જમીનમાંથી બે તરંગો છૂટે છે. પ્રથમ ‘પ્રાથમિક તરંગો’ (P-waves) હોય છે, જે ખૂબ જ હળવા હોય છે અને ઝડપથી ગતિ કરે છે પરંતુ તેનાથી કોઈ નુકસાન થતું નથી. ત્યારબાદ ‘સેકન્ડરી તરંગો’ (S-waves) આવે છે, જે અત્યંત ખતરનાક હોય છે અને ઈમારતોને જમીનદોસ્ત કરી નાખે છે.

સર્વર અને અલ્ગોરિધમ: જેવા હળવા P-તરંગો જમીન પર આવે કે તરત જ તે વિસ્તારના હજારો એન્ડ્રોઇડ ફોનના સેન્સર્સ તેને રેકોર્ડ કરીને ગૂગલના સર્વર પર ડેટા મોકલે છે. ગૂગલનું અલ્ગોરિધમ સેકન્ડના લાખમા ભાગમાં સમજી જાય છે કે આ ભૂકંપ છે અને ખતરનાક S-તરંગો પહોંચે તે પહેલાં જ જે-તે વિસ્તારના તમામ ફોન પર ફૂલ-સ્ક્રીન એલર્ટ અને સાયરન વગાડી દે છે.

માત્ર ૫ થી ૧૦ સેકન્ડનો એલર્ટ જીવન બચાવે છે

ઘણા લોકોને પ્રશ્ન થાય કે માત્ર ૫-૧૦ સેકન્ડ વહેલા ખબર પડવાથી શું ફાયદો થાય? પરંતુ આપત્તિ વ્યવસ્થાપન નિષ્ણાતોના મતે, કટોકટીની ક્ષણોમાં આ થોડીક સેકન્ડ જ જિંદગી અને મોત વચ્ચેનું અંતર નક્કી કરે છે. આ સમયગાળામાં લોકો નબળી છત કે ભારે સામાનથી દૂર હટીને ખુલ્લા મેદાનમાં ભાગી શકે છે અથવા ટેબલ નીચે છુપાઈ શકે છે. ફેક્ટરીઓમાં ચાલતી મોટી અને ખતરનાક મશીનરી, ઘરના ગેસ સ્ટવ અથવા હોસ્પિટલોમાં ચાલતી જટિલ સર્જરીઓને તાત્કાલિક રોકીને મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય છે. વેનેઝુએલાના ભૂકંપ જેવી આપત્તિઓમાં આ ટેક્નોલોજી રામબાણ સાબિત થઈ શકે છે, તેથી વિશ્વભરની સરકારો અને ટેક કંપનીઓએ આ સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે રોકાણ વધારવું જોઈએ.

તમારા ફોનમાં આ ‘સુરક્ષા કવચ’ કેવી રીતે ચાલુ કરશો?

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો, તો તમે પણ આજે જ આ અગત્યનું સેટિંગ ઓન કરી શકો છો:

૧. સૌથી પહેલા તમારા ફોનના Settings માં જાઓ.

૨. ત્યાં સ્ક્રોલ કરીને Safety & Emergency (સલામતી અને કટોકટી) વિકલ્પ પર ક્લિક કરો.

૩. હવે Earthquake Alerts (ભૂકંપ ચેતવણી) નો વિકલ્પ શોધો.

૪. તેને ‘ON’ (ચાલુ) કરી દો.

આ નાનું સેટિંગ કટોકટીના સમયે તમને એ કિંમતી સેકન્ડો આપી શકે છે, જે તમારો અને તમારા પરિવારનો જીવ બચાવવા માટે પૂરતી હોઈ શકે છે.