Editor's View: જેના હાથમાં દરિયો તેના કબજામાં દુનિયા:ટ્રમ્પના હોર્મુઝ ટોલ અને હૂથીઓના ધડાકાથી વિશ્વ ભયભીત, પેટ્રોલ-ડીઝલ ભડકે બળી શકે, ભારતમાં આર્થિક અંધાધૂંધીનો ખતરો

Last Updated: July 14, 2026By

13 જુલાઈની એ અંધારી રાત… ઓમાન નજીક હોર્મુઝની સાંકડી સામુદ્રધુનીમાં બે વિશાળ ઓઇલ ટેન્કરો શાંતિથી આગળ વધી રહ્યા હતા. અચાનક આકાશ ચીરતી એક ક્રૂઝ મિસાઈલ આવી… પળભરમાં દરિયો આગના ગોળામાં ફેરવાઈ ગયો, એક ભારતીય નાવિકનો જીવ ગયો અને દુનિયાને સમજાઈ ગયું કે હવે યુદ્ધ જમીન પર નહીં, સમુદ્રમાં લડાઈ રહ્યું છે. પરંતુ અસલી ખેલ તો હવે પડદા પાછળ શરૂ થયો છે. અમેરિકાના AI સંચાલિત સુસાઇડ ડ્રોન, હૂથી બળવાખોરોની બાબ અલ-મંદેબ બંધ કરવાની ધમકી અને ટ્રમ્પના નવા ટોલ ટેક્સ પ્લાન પાછળ એક જ લક્ષ્ય છે, દુનિયાના વેપારની ગરદન દબાવવી. જો આ દરિયાઈ ચોકપોઇન્ટ્સ બંધ થયા, તો તેની આગ સીધી તમારા ખિસ્સા સુધી પહોંચશે. પેટ્રોલ 200 રૂપિયા પ્રતિ લિટર, મોંઘવારી, શેરબજારમાં હાહાકાર અને ઘરનું બજેટ ખોરવાઈ જવાની શરૂઆત કદાચ ત્યાંથી જ થશે. આજે સમજીએ કે પશ્ચિમ એશિયાના સમુદ્રમાં સળગતું આ યુદ્ધ આખરે ભારત અને તમારા રસોડા સુધી કેવી રીતે પહોંચી રહ્યું છે. નમસ્કાર.. તમે ન્યૂઝમાં ચોકપોઇન્ટ્સ એવો ભારેખમ શબ્દ વારંવાર સાંભળ્યો હશે. સાવ દેશી અને આપણી રોજબરોજની ભાષામાં કહીએ તો આ દુનિયાના વેપારની ગરદન છે. આખી દુનિયામાં બે-ત્રણ એવી સાંકડી જગ્યાઓ છે, જ્યાંથી દુનિયાના મોટાભાગના તેલ અને સામાનના જહાજો પસાર થાય છે. જેમ કે ફિલિપાઈન્સ પાસેની મલક્કા સ્ટ્રેટ, મિડલ ઈસ્ટમાં આવેલી હોર્મુઝ અને બાબ અલ-મંદેબની સામુદ્રધુની. મલક્કાને થોડીવાર માટે કોરાણે મૂકીએ. કારણ કે અત્યારે ઈરાન અને અમેરિકાના યુદ્ધમાં બરાબર આ જ ગરદન દબાવવાની ભયાનક રમત શરૂ થઈ ગઈ છે. જો આમાંથી કોઈ એક રસ્તો પણ પૂરેપૂરો બંધ થઈ જાય, તો આખી દુનિયાનું અર્થતંત્ર ગણતરીના દિવસોમાં ઓક્સિજન વગર તરફડીને લકવાગ્રસ્ત થઈ જશે. અત્યારે ઈરાન અને યમનના હૂથી બળવાખોરોએ આ જ રસ્તાઓ પર હુમલા તેજ કરી દીધા છે. ગુજરાતના સામાન્ય માણસ પર સીધી અસર હવે તમને તરત સવાલ થશે કે, “આ બધું તો હજારો કિલોમીટર દૂર પશ્ચિમ એશિયામાં ચાલી રહ્યું છે, તો એમાં મારે શું? મારા ઘરને શું લેવાદેવા?” ભાઈ, બહુ મોટો ફરક પડે છે. ચાલો એક સાવ સામાન્ય ઉદાહરણથી આ આખી ગેમ સમજીએ. કલ્પના કરો કે રાજકોટના રમેશભાઈ નામના એક વ્યક્તિની ટ્રાન્સપોર્ટ કંપની છે. તેમની દસ ટ્રકો આખા ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં શાકભાજી, દૂધ અને અનાજ જેવા માલસામાનની હેરફેર કરે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ 85 ડોલર આસપાસ ચાલી રહ્યો છે. પણ જો યમનના હૂથી બળવાખોરોએ પોતાની ધમકી મુજબ બાબ અલ-મંદેબનો રસ્તો પૂરેપૂરો બંધ કરી દીધો, તો દુનિયામાં તેલની ભયંકર તંગી થઈ જશે. એક્સપર્ટ્સ માને છે કે આવું થશે તો ક્રૂડ ઓઇલનો ભાવ 200 ડોલરને પાર કરી જશે! એટલે કે આવું થશે તો રાજકોટના રમેશભાઈની ટ્રકોમાં વપરાતું ડીઝલ સીધું બમણા ભાવનું થઈ જશે. હવે ડીઝલ મોંઘુ થશે એટલે સ્વાભાવિક છે કે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધવાનો જ છે. આ વધેલો ખર્ચ રમેશભાઈ પોતાના ખિસ્સામાંથી તો ચૂકવશે નહીં. એ બધો જ આર્થિક બોજો અંતે તો તમારા અને મારા જેવા સામાન્ય માણસના ખિસ્સા પર જ પડવાનો છે. ખેડૂતોને પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવવું મોંઘુ પડશે, નાના વેપારીઓનો નફો ઘટશે અને સામાન્ય મિડલ ક્લાસ પરિવારના ઘરનું બજેટ વેરવિખેર થઈ જશે. ડરની વચ્ચે છુપાયેલી ભારત માટેની મોટી તક જોકે, આપણે બીવાની જરૂર નથી. દરેક મોટી મુસીબત પોતાની સાથે એક નવી તક પણ લઈને આવતી હોય છે. આ ઈન્ટરનેશનલ ક્રાઇસિસ ભારત માટે પોતાની તાકાત બતાવવાની એક મોટી તક પણ છે. જો મિડલ ઈસ્ટમાં તેલનો સપ્લાય ખોરવાય છે, તો ભારત પોતાની ગ્રીન એનર્જી તરફની સ્પીડ ડબલ કરી શકે છે. આ સિવાય, આફ્રિકાના બીજા લાંબા રસ્તાઓનો ઉપયોગ કરીને ભારતીય શિપિંગ કંપનીઓ દુનિયાને બતાવી શકે છે કે સંકટના સમયે પણ આપણી લોજિસ્ટિક્સ તાકાત કેટલી જોરદાર છે. જો આપણે આપણી તેલની ઈમ્પોર્ટ ઘટાડીને આત્મનિર્ભરતા વધારીએ, તો ભવિષ્યમાં આવા કોઈ યુદ્ધની ધમકી આપણને ડરાવી શકશે નહીં. ડ્રોન વોરફેર અને બદલાતી કમાન્ડ: સમુદ્રી જંગનો નવો ચહેરો હવે સમજીએ કે આ યુદ્ધના હથિયારો કેટલા બદલાઈ ગયા છે અને શા માટે આ નવી લડાઈ જૂના જમાનાના યુદ્ધો કરતાં સાવ અલગ છે. ગઈકાલે એટલે કે 13 જુલાઈના રોજ સમુદ્રી યુદ્ધના ઇતિહાસમાં એક બહુ મોટો વળાંક આવ્યો. અત્યાર સુધી આપણે આકાશમાં ઉડતા ડ્રોન વિશે સાંભળતા હતા, પણ અમેરિકાએ પહેલીવાર ઓફિશિયલ રીતે સમુદ્રના પાણી પર દોડતી સુસાઇડ ડ્રોન બોટ્સનો ઉપયોગ કરીને ઈરાનને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ એટલે કે CENTCOM એ કોર્સેર USV નામની માણસ વગરની સ્માર્ટ બોટ્સ લોન્ચ કરી. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતા ડ્રોન બોટ્સે સીધા ઈરાનના સૌથી સુરક્ષિત ગણાતા બંદર અબ્બાસ નેવલ બેઝમાં ઘૂસણખોરી કરી. ત્યાં મેન્ટેનન્સમાં રાખેલી ઈરાનની મોંઘીદાટ ઘદીર ક્લાસ સબમરીન સાથે આ સુસાઇડ ડ્રોન અથડાયા અને પલકવારમાં અબજો રૂપિયાની સબમરીનને કચરામાં ફેરવી દીધી. વિચારો, એક તરફ ઈરાનની વિશાળ સબમરીન અને બીજી તરફ કોઈ પણ માણસ વગર સોફ્ટવેર અને AIના આધારે ચાલતી સસ્તી ડ્રોન બોટ્સ! આ ટ્રેડિશનલ નૌસેના વિરુદ્ધ સ્માર્ટ ટેકનોલોજીનો સીધો જંગ છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે હવે મોંઘા યુદ્ધજહાજોનો જમાનો પૂરો થઈ રહ્યો છે અને ગેમ પૂરેપૂરી બદલાઈ ચૂકી છે. ટ્રમ્પનો સનસનીખેજ દાવો: મોજતાબા 90% ખતમ! આ ભયાનક તબાહી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં એક એવો દાવો કર્યો છે જેણે મિડલ ઈસ્ટના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. ટ્રમ્પે ખુલ્લેઆમ કહ્યું કે, “ઈરાન પાસે હવે કોઈ નેવી કે એરફોર્સ બચી નથી, બધું જ સાફ થઈ ગયું છે”. પણ સૌથી મોટો ધડાકો ટ્રમ્પે ઈરાનના ટોચના નેતૃત્વ પર કર્યો. 28 ફેબ્રુઆરીના રોજ થયેલા અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર માર્યા ગયા હતા. ત્યારપછી તેમના પુત્ર મોજતાબા ખામેનેઈને કમાન્ડ સોંપાઈ હતી. પણ મોજતાબા છેલ્લા કેટલાય સમયથી ગાયબ છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, “તે હુમલામાં મોજતાબા એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે તેઓ અત્યારે 90 ટકા જેવા ખતમ થઈ ચૂક્યા છે.” નેતા વિનાનું નોંધારું ઈરાન અને વધતો ખતરો જ્યારે કોઈ પણ દેશનું ટોચનું નેતૃત્વ કમાન્ડ ગુમાવી બેસે, ત્યારે ત્યાં પાવર વેક્યૂમ એટલે કે લીડરશીપનો શૂન્યાવકાશ થઈ જાય છે. અત્યારે ઈરાનની હાલત પણ કંઈક એવી જ છે. દેશ કોણ ચલાવે છે તે નક્કી નથી, અને સત્તાની ચાવી ત્યાંની કટ્ટરપંથી સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હાથમાં આવી ગઈ છે. જ્યારે કોઈ દેશ ડિપ્લોમસી કે કાયદાને બદલે સીધા લશ્કરના કંટ્રોલમાં આવે, ત્યારે નિર્ણયો વધુ આક્રમક અને અણધારી દિશામાં લેવાય છે. આ જ લીડરશિપ કટોકટીના કારણે ઈરાને હવે સીધી લડાઈ લડવાને બદલે તેના સાથી દેશો અને બળવાખોરોને આગળ કર્યા છે. જેનો સૌથી મોટો નમૂનો યમનના હૂથી બળવાખોરોએ આપ્યો છે. ઈરાનની સૈન્ય તાકાત નબળી પડતા જ હૂથીઓએ દુનિયાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું છે કે જો અમેરિકા અને સાઉદી અરેબિયા તેમના અડ્ડાઓ પર હુમલા બંધ નહીં કરે, તો તેઓ બાબ અલ-મંદેબના જલડમરુંને પૂરી રીતે લોક કરી દેશે. ભારત માટે ખતરાની ઘંટડી: ક્રૂડ, કમાણી અને સૈલરનું મોત અમેરિકા અને ઈરાનની આ જંગ ભલે આપણાથી હજારો કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં લડાઈ રહી હોય, પણ તેનો સીધો અને જીવલેણ ભોગ ભારત બની રહ્યું છે. હમણાં જ 13 જુલાઈની રાત્રે એક એવો બનાવ બન્યો જેણે આખા ભારતને હચમચાવી દીધું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઓમાન નજીકથી UAEના બે મોટા વ્યાપારી ઓઇલ ટેન્કર્સ પસાર થઈ રહ્યા હતા… એકનું નામ હતું મોમ્બાસા અને બીજાનું અલ બાહિયા. આ બંને જહાજો પર કુલ મળીને 30 જેટલા ભારતીય નાગરિકો કામ કરી રહ્યા હતા. અચાનક રાતના અંધારામાં ઈરાની દળો તરફથી ભયાનક ક્રૂઝ મિસાઈલ હુમલો થયો. આ હુમલામાં જહાજ પર ભીષણ આગ ફાટી નીકળી અને કમનસીબે, મોમ્બાસા જહાજ પર ફરજ બજાવતા એક ભારતીય ક્રૂ મેમ્બરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. આ ઉપરાંત અન્ય 6 ભારતીયો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તમે વિચારો, એક મિડલ ક્લાસ પરિવારનો યુવાન રોજીરોટી કમાવવા દરિયામાં જાય છે અને બે દેશોના અહંકારની લડાઈમાં તેનો જીવ જાય છે. આ ઘટના પછી નવી દિલ્હીમાં ભારે રોષ જોવા મળ્યો. ભારત સરકારે તાત્કાલિક દિલ્હીમાં બેઠેલા ઈરાનના ડેપ્યુટી ચીફ મોહમ્મદ જવાદ હુસૈનીને બોલાવીને આકરો વિરોધ નોંધાવ્યો છે. પણ સવાલ એ છે કે શું માત્ર વિરોધ નોંધાવવાથી આપણા નિર્દોષ નાવિકોનો જીવ બચી જશે? જૂન મહિનામાં પણ આવા જ એક હુમલામાં 3 ભારતીયો માર્યા ગયા હતા. આ દરિયાઈ યુદ્ધ હવે ભારતીયો માટે સીધો જીવલેણ ખતરો બની ગયું છે. શેરબજારમાં હાહાકાર: તમારી બચત પર યુદ્ધનો પ્રહાર માત્ર જાનહાની જ નહીં, આર્થિક ખુવારી પણ શરૂ થઈ ગઈ છે. ભારતીયોને બે જ જગ્યાએ સૌથી વધુ ડર લાગે છે… એક તો પેટ્રોલનો ભાવ વધે ત્યારે અને બીજું શેરબજાર તૂટે ત્યારે. હોર્મુઝમાં ભારતીય સૈલરના મોત અને દરિયાઈ રસ્તાઓ બંધ થવાની ખબરો આવતા જ મુંબઈ શેરબજારમાં ભૂકંપ આવી ગયો. બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો તૂટી ગયો હતો. આનો સીધો મતલબ એ છે કે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરતા હોવ કે પછી નિવૃત્તિ માટે શેરબજારમાં રોકાણ કર્યું હોય, તો રાતોરાત તમારી બચત ધોવાઈ શકે છે. ભારતનો 95% વેપાર દરિયાઈ રસ્તે જ થાય છે. આપણું કાપડ, દવાઓ અને ચોખા બધું સુએઝ નહેર અને બાબ અલ-મંદેબ થઈને જ યુરોપ જાય છે. જો આ રસ્તો બંધ થયો, તો ભારતના નિકાસકારોએ આફ્રિકા ફરીને લાંબો રસ્તો લેવો પડશે. જેનાથી માલ પહોંચાડવાનો ખર્ચ 40% જેટલો વધી જશે. આપણા વેપારીઓનો નફો તળિયે જશે અને મોંઘવારીનો રાક્ષસ સીધો તમારા રસોડામાં ઘૂસી જશે. 20% સુરક્ષા ટેક્સ: ટ્રમ્પની નવી “દાદાગીરી” આ બધી મુસીબતો ઓછી હોય તેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે એક નવી અને વિચિત્ર જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે, “અમેરિકાની નેવી હોર્મુઝના દરિયામાં જહાજોને સુરક્ષા આપે છે, તો તેનો ખર્ચ અમેરિકાના લોકો કેમ ઉઠાવે? હવેથી ત્યાંથી પસાર થતા દરેક જહાજે અમેરિકાને 20% સુરક્ષા ટેક્સ એટલે કે ‘ટોલ ટેક્સ’ ચૂકવવો પડશે.” આ વાત એવી થઈ કે તમારા જ મહોલ્લાના રસ્તા પર ચાલવા માટે કોઈ ગુંડો તમારી પાસે હપ્તો માંગે. જો ભારત જેવા દેશે ક્રૂડ ઓઇલ મંગાવવા માટે આટલો મોટો ટેક્સ અમેરિકાને ચૂકવવો પડે, તો દેશનું અર્થતંત્ર ખોરવાઈ જશે. પ્રોક્સી વોરથી ત્રીજા વિશ્વયુદ્ધ તરફ: પશ્ચિમ એશિયા સળગી રહ્યું છે પણ હવે આ લડાઈ માત્ર અમેરિકા અને ઈરાન કે ઇઝરાયલ પૂરતી સીમિત રહી નથી. આ આગ ધીમે ધીમે આખા પશ્ચિમ એશિયાને પોતાની લપેટમાં લઈ રહી છે. જેને અંગ્રેજીમાં પ્રોક્સી વોર કહેવાય છે, તે હવે સીધા યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ CENTCOMએ ટ્રમ્પના આદેશથી એક બહુ મોટી અને ભયાનક મિલિટરી એક્શન શરૂ કરી છે. સળંગ ત્રણ રાતો સુધી અમેરિકાએ ઈરાનના 14 અલગ-અલગ પ્રાંતોમાં આવેલા 140 જેટલા લશ્કરી મથકો પર આકાશમાંથી બોમ્બનો વરસાદ કર્યો છે. મિસાઈલ બેઝ, ડ્રોન બનાવવાની ફેક્ટરીઓ અને રડાર સાઇટ્સ… બધું જ નિશાન બનાવવામાં આવ્યું છે. આ કોઈ નાનો હુમલો નથી, આ ઈરાનની લશ્કરી કરોડરજ્જુ તોડી નાખવાની રણનીતિ છે. અને સામે ઈરાન પણ શાંત બેઠું નથી. ભલે તેમની લીડરશીપ ખોરંભે ચઢી હોય, પણ કટ્ટરપંથી રિવોલ્યુશનરી ગાર્ડ્સે હવે આસપાસના અમેરિકન સાથી દેશો પર બેફામ મિસાઈલ અને ડ્રોન છોડવાનું શરૂ કર્યું છે. જોર્ડનમાં ઈરાની મિસાઈલો ઘૂસી ગઈ જેને હવામાં જ તોડી પાડવામાં આવી. બહેરીનમાં અમેરિકન વેરહાઉસ પર ડ્રોન હુમલા થયા, જેનાથી ત્યાં ઇમરજન્સી સાયરનો વાગી અને લોકોને બંકરોમાં સંતાવું પડ્યું. કુવૈત અને ઓમાન પણ આ મિસાઈલ હુમલાઓથી બચી શક્યા નથી. અસલી ટાર્ગેટ: તેલ, ટેક્સ કે પછી પરમાણુ બોમ્બ? હવે તમને થશે કે અમેરિકા અચાનક આટલું આક્રમક કેમ બની ગયું? જૂનમાં તો બંને દેશો વચ્ચે શાંતિ કરાર થયો હતો, તો હવે આ યુદ્ધ કેમ? તો ભાઈ, અહીં ગેમ માત્ર હોર્મુઝના તેલ કે 20% સુરક્ષા ટેક્સની નથી. અસલી ગેમ છે ન્યુક્લિયર પાવરની. અમેરિકા અને ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓને પૂરો ડર છે કે ઈરાન ગમે ત્યારે પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ઈરાને દિશામાં બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલે આ યુદ્ધે માત્ર તેલના રસ્તા બચાવવાની લડાઈ નથી, પણ ઈરાનને કોઈ પણ ભોગે પરમાણુ શક્તિ બનતા અટકાવવા માટેનો અમેરિકાનો છેલ્લો અને સૌથી મોટો લશ્કરી પ્રહાર છે. જો ઈરાન પાસે પરમાણુ બોમ્બ આવી ગયો, તો મિડલ ઈસ્ટનું આખું બેલેન્સ ઓફ પાવર ખોરવાઈ જશે. શાંતિનો માર્ગ કયો? “પહેલા જંગ જમીન પર થતી હતી, હવે દરિયા પર થાય છે” આ માત્ર કહેવત નથી, પણ 2026ના અર્થતંત્રની અત્યંત ડરામણી વાસ્તવિકતા છે. AIવાળા સુસાઇડ ડ્રોન અને બાબ અલ-મંદેબ બંધ થવાની ધમકીઓએ સાબિત કર્યું છે કે સપ્લાય ચેઇનને હથિયાર બનાવવું એ 21મી સદીનો નવો આર્થિક આતંકવાદ છે. આ યુદ્ધથી સૌથી મોટું નુકસાન ભારત જેવા દેશને છે, જેની 85% તેલની આયાત અને યુરોપ સાથેનો વેપાર આ દરિયાઈ રસ્તાઓ પર જ નિર્ભર છે. ભારત સરકારે કડક વિરોધ તો નોંધાવ્યો છે, પણ હવે લાંબા ગાળે આપણી નેવીને એટલી શક્તિશાળી બનાવવી પડશે કે તે આપણા વ્યાપારી જહાજોને જાતે જ સુરક્ષા આપી શકે. યુદ્ધની આગ જ્યારે સમુદ્ર પર લાગે છે, ત્યારે તેને ઓલવવી બહુ મુશ્કેલ હોય છે. અત્યારે દુનિયાને બોમ્બ અને મિસાઈલોની નહીં, પણ ટેબલ પર બેસીને થતી ડીપ્લોમસીની સૌથી વધુ જરૂર છે. જો હવે પણ UN કે બીજા દેશો દરમિયાનગીરી નહીં કરે, તો 200 ડોલરનું ક્રૂડ ઓઇલ સામાન્ય માણસના આર્થિક ભવિષ્યનો મૃત્યુઘંટ વગાડી દેશે. અને છેલ્લે… હોર્મુઝમાં 20 ટકા ટોલ વસૂલીના ટ્રમ્પના પ્લાન સામે બ્રાઝિલના રાષ્ટ્રપતિ ગરમ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, જૂના જમાનામાં આને જ ડકૈતી કહેવાતી હતી. આ વાત સાચી માનીએ તો અમેરિકા અને ઇરાનમાં ફરક શું? સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment