Editor's View: અમેરિકાનો દબદબો ખતમ!:ટ્રમ્પના કારણે દુનિયાભરમાં થૂ-થૂ, પાકિસ્તાન-બાંગ્લાદેશ ચીનના ખોળામાં, એકસાથે બે મોરચે મોદીનું ટેન્શન વધ્યું

Last Updated: June 29, 2026By

દુનિયાના નકશા પર અત્યારે સત્તાની જે મોટી રમત રમાઈ રહી છે, તેને સમજવી આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. આપણે સામાન્ય રીતે ટીવી અને ન્યૂઝમાં એવું જ જોતા આવ્યા છીએ કે અમેરિકા એટલે આખી દુનિયાનો અસલી બોસ, એ ધારે તે કરી શકે. પણ શું આજે 2026ના વર્ષમાં પણ આ વાત એટલી જ સાચી રહી છે? ચાલો આજે કોઈ અઘરા, અટપટા કે કંટાળાજનક વિષયને સાદી રીતથી સમજીએ કે અસલી હકીકત શું છે. વાત કરીએ ટ્રમ્પ અને અમેરિકાની ઘટતી પોપ્યુલારિટી અને ચીનના વધતા પાવર વિશે. જાણીએ કે આવું કેમ થયું અને આનાથી ભારતને શું લેવાદેવા? નમસ્કાર… જરા વિચાર કરો, આપણી બાજુમાં બે પડોશીઓ રહે છે અને બંનેની માનસિકતા સાવ અલગ છે. એક તરફ આપણા ભારતમાં આશરે 39 ટકા લોકો હજુ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો મૂકે છે અને તેમને પસંદ કરે છે. પણ બરાબર આપણી બાજુમાં આવેલા પડોશી દેશ પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં પરિસ્થિતિ સાવ ઊંધી જોવા મળે છે. પાકિસ્તાનમાં ખાલી 12 ટકા લોકોને જ ટ્રમ્પ ગમે છે. પણ સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે સામેની બાજુએ પાકિસ્તાનમાં 83 ટકા લોકો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બહુ મોટા નેતા માને છે અને તેમના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે. આ આંકડા ખાલી પોપ્યુલારિટી નથી બતાવતા, પણ તે ઈશારો કરે છે કે દુનિયામાં એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે, જેને વિદેશ નીતિના જાણકાર લોકો જિયો-પોલિટિકલ શિફ્ટ કહેતા હોય છે. સાદા શબ્દોમાં કહીએ તો, વૈશ્વિક સત્તાનું કેન્દ્ર હવે પશ્ચિમના દેશોથી સરકીને પૂર્વ તરફ આવી રહ્યું છે. આવું આપણે કયા આધારે કહીએ છીએ? તો વાત એમ છે કે હમણા જ ઈન્ટરનેશનલ લેવલે ખૂબ જ મોટું નામ ધરાવતી સંસ્થા PEW રિસર્ચ સેન્ટરે સર્વે બહાર પાડ્યો છે. આ રિપોર્ટે આખી દુનિયાના બદલાતા ઈક્વેશન્સ પર ઓફિશિયલ સિક્કો મારી દીધો છે. આ સર્વે ચોખ્ખું કહી જાય છે કે દુનિયામાં અમેરિકાનો જે દબદબો હતો અને દુનિયા તેની વાત માનતી હતી, તે હવે અત્યાર સુધીના સૌથી નીચેના લેવલે આવી ગયો છે. ઐતિહાસિક રીતે સૌથી નીચલા લેવલે પહોંચી ગઈ છે. લોકો હવે અમેરિકાને પહેલાની જેમ માન આપવા કે તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. PEW રિસર્ચના આંકડા શું કહે છે? બીજા વિશ્વયુદ્ધ પછી અને ખાસ કરીને રશિયાના ભાગલા પડ્યા પછી અમેરિકાએ આખી દુનિયામાં પોતાની જાતને લોકશાહી, માનવાધિકાર અને શાંતિના સૌથી મોટા રક્ષક તરીકે રજૂ કર્યું હતું. દુનિયામાં ગમે ત્યાં કઈ પણ થાય એટલે અમેરિકા ત્યાં પંચાત કરવા અથવા તો મદદ કરવાના બહાને પોલીસ બનીને પહોંચી જ જતું. પણ આ નવા સર્વેએ અમેરિકાના આ મોટા દાવાની હવા કાઢી નાખી છે. આ સર્વે માટે 36 દેશોના 42,151 પુખ્ત નાગરિકો સાથે સીધી વાતચીત કરીને ડેટા ભેગો કરવામાં આવ્યો હતો. આ આંકડા મુજબ, સર્વેમાં સામેલ દેશોમાંથી 56 ટકા લોકોનું ચોખ્ખું માનવું છે કે અમેરિકા હવે પોતાના જ દેશના નાગરિકોની આઝાદીનું સન્માન કરતું નથી. ખાલી 39 ટકા લોકો જ એવું માને છે કે અમેરિકામાં નાગરિકોની આઝાદી જળવાયેલી છે. મતલબ કે જે દેશ આખી દુનિયાને વર્ષોથી લોકશાહીના પાઠ ભણાવતો હતો, તેની પોતાની આબરૂ તેના જ ઘરઆંગણે મોટા પાયે ધોવાઈ ગઈ છે. સોર્સ: PEW રિસર્ચ સેન્ટર (સ્પ્રિંગ 2026 ગ્લોબલ એટિટ્યુડ્સ સર્વે) જૂના અને પાક્કા ભાઈબંધોએ કેમ દોસ્તી તોડી? આ અવિશ્વાસ અને નફરત માત્ર અમેરિકાના વિરોધી કે દુશ્મન દેશોમાં જ નથી વધી, પણ જે દેશો દાયકાઓથી અમેરિકાના પાક્કા ભાઈબંધ રહ્યા છે, તેઓ પણ હવે અમેરિકાથી દૂરી બનાવી રહ્યા છે. દુનિયાના લેવલે અમેરિકાને એક સાચો અને ભરોસાપાત્ર સાથી માનનારા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. ઈસ્લામિક દેશો જેવા કે જોર્ડન, ઇજિપ્ત અને તુર્કીમાં તો અમેરિકા પ્રત્યેનો ભરોસો સાવ તળિયે બેસી ગયો છે. પણ સૌથી મોટી ચિંતાની વાત એ છે કે યુરોપ અને ઉત્તર અમેરિકાના જે શાંત અને સમૃદ્ધ દેશો છે, ત્યાં પણ હવે અમેરિકા પ્રત્યે ભારે ભરોસો નથી રહ્યો. ચાલો આપણે જોઈએ કે કયા દેશોમાં કેવો ટ્રેન્ડ જોવા મળ્યો છે: જરા આ આંકડાઓને એકદમ બારીકાઈથી સમજો. કેનેડા તો અમેરિકાનો સાવ પડોશી દેશ છે અને બંને વચ્ચે બહુ જૂની અને પાક્કી દોસ્તી છે. ત્યાં આજથી ચાર વર્ષ પહેલા 2022માં 83 ટકા લોકો અમેરિકા પર આંધળો વિશ્વાસ કરતા હતા, જે 2026માં ઘટીને ખાલી 35 ટકા રહી ગયો છે. એટલે કે સીધો 48 ટકાનો જોરદાર ઘટાડો થયો છે. એવી જ રીતે સ્વીડન જેવો દેશ, જે હમણાં જ રશિયાના ડરથી NATOનું મેમ્બર બન્યો છે અને પોતાની સુરક્ષા માટે પૂરી રીતે અમેરિકાના ભરોસે છે, ત્યાં પણ 80 ટકાથી વધુ લોકો અમેરિકા અને તેના રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓથી નારાજ છે. ઇટાલી અને દક્ષિણ કોરિયા જેવા દેશો, જે સંરક્ષણ અને વેપાર માટે અમેરિકાની છત્રછાયામાં રહેતા હતા, ત્યાં પણ ભારે નેગેટિવ ટ્રેડ જોવા મળ્યો છે. આંકડાઓની માયાજાળથી જાણો યુરોપના દેશોમાં અમેરિકન રાષ્ટ્રપતિઓ પર વિશ્વાસમાં કેટલો ઘટાડો થયો? સોર્સ: PEW રિસર્ચ સેન્ટર (સ્પ્રિંગ 2026 ગ્લોબલ એટિટ્યુડ્સ સર્વે) પ્યૂ રિસર્ચના ડેટા મુજબ ફ્રાન્સના મેક્રોન પર 43 ટકા લોકો ભરોસો કરે છે, જ્યારે રશિયાના પુતિન પર 31 ટકા લોકો વિશ્વાસ ધરાવે છે. તેની સામે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર માત્ર 23 ટકા લોકોને જ વિશ્વાસ રહ્યો છે. આ આંકડો કહી જાય છે કે અમેરિકા હવે વૈશ્વિક નેતા તરીકેનું પોતાનું વર્ચસ્વ ગુમાવી રહ્યું છે. ટ્રમ્પ માત્ર વિકાસશીલ દેશોમાં જ કેમ લોકપ્રિય છે? ફિલિપાઈન્સમાં 68 ટકા, ઇઝરાયેલમાં 66 ટકા, નાઇજીરીયામાં 65 ટકા અને કેન્યામાં 63 ટકા લોકો હજુ પણ ટ્રમ્પની નીતિઓ પર ભરોસો મૂકે છે. આનો મતલબ એવો થાય કે જે દેશોને અમેરિકા તરફથી ડોલર કે સૈન્ય સુરક્ષા મળે છે કે મળવાની આશા છે, તેવા વિકાસશીલ દેશો જ હવે ટ્રમ્પને માત્ર ટેકો આપે છે. આ વાર્તા કહેવા એવું પણ માગે છે કે દુનિયાના ખાલીને ખાલી 35 ટકા લોકો જ એવું માને છે કે આ ધરતી પર શાંતિ અને સ્થિરતા માટે અમેરિકા કામ કરી રહ્યું છે, જ્યારે 63 ટકા લોકો સ્પષ્ટપણે માને છે કે અમેરિકાનું યોગદાન એકદમ નેગેટિવ છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે આ વૈશ્વિક અવિશ્વાસ માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓ કેટલી જવાબદાર છે? ગાઝા અને ઈરાન સંકટમાં અમેરિકાએ એવું તે શું કર્યું કે આખી દુનિયા તેના પર ભડકી ગઈ છે? ટ્રમ્પની વિદેશ નીતિથી દુનિયા ધુણી આના મૂળમાં છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને તેમનો સ્વભાવ. PEWના સર્વેમાં એક બહુ મોટો આંકડો સામે આવ્યો છે કે દુનિયાના 36 દેશોમાંથી એક પણ દેશ એવો નથી જ્યાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ટ્રમ્પની લોકપ્રિયતા વધી હોય. આ આખી દુનિયાના નેતાઓ માટે એક બહુ મોટો પાઠ છે કે જો તમે અહંકારથી કામ કરશો તો લોકો તમારાથી દૂર ભાગશે. જરા વિચારો, આજે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો અમેરિકાના પ્રમુખ કરતા ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી, રશિયાના પુતિન અને ચીનના શી જિનપિંગ પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. આખા વૈશ્વિક સર્વેમાં ટ્રમ્પ પર વિશ્વાસ કરનારા લોકોનો સરેરાશ આંકડો માત્ર 23 ટકા જ છે. આખા લિસ્ટમાં માત્ર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ જ એક એવા નેતા છે જેમનું રેટિંગ ટ્રમ્પ કરતા પણ નીચે ગયું છે. બાકી બધા જ નેતાઓ લોકપ્રિયતાની રેસમાં અમેરિકાના બોસ કરતા આગળ નીકળી ગયા છે. હવે આંકડાઓથી સમજો કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ટ્રમ્પની નીતિઓને 36 દેશોમાં કેટલું સમર્થન છે? સોર્સ: PEW રિસર્ચ સેન્ટર (સ્પ્રિંગ 2026 ગ્લોબલ એટિટ્યુડ્સ સર્વે) અમેરિકા ફર્સ્ટ નીતિની નિષ્ફળતા ટ્રમ્પની વેપારી નીતિઓનો 77 ટકા લોકો અને ઇમિગ્રેશન નીતિનો 65 ટકા લોકો વૈશ્વિક સ્તરે વિરોધ કરે છે. યુક્રેન યુદ્ધ હેન્ડલિંગનો 72 ટકા લોકો વિરોધ કરે છે. આ બાબત કહી જાય છે કે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિએ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અહંકારી અને જોખમી નેતા તરીકે સંપૂર્ણ પ્રસ્થાપિત કર્યા જરૂર છે. અમેરિકા ફર્સ્ટ નીતિ અને મિત્ર દેશોમાં ડર ટ્રમ્પની કામ કરવાની એક ફોર્મ્યુલા છે, અમેરિકા ફર્સ્ટ… એટલે કે અમેરિકાનો ફાયદો સૌથી પહેલા. પોતાના દેશનું ભલું વિચારવું એ કોઈ ખોટી વાત નથી, પણ જ્યારે તમે આખી દુનિયાની લીડરશીપ કરતા હોવ ત્યારે તમારે બધાને સાથે લઈને ચાલવું પડે. ટ્રમ્પે જે રીતે આક્રમક ટ્રેડ ટેરિફ એટલે કે વેપાર પર આકરા કરવેરા લગાવ્યા, યુક્રેન યુદ્ધમાંથી ગમે ત્યારે પીછેહઠ કરવાની ધમકીઓ આપી અને ઘણી ઈન્ટરનેશનલ સંસ્થાઓમાંથી અમેરિકાને અલગ કરી દીધું, તેનાથી તેના પોતાના સાથી દેશો પણ ડરી ગયા છે. લોકોને લાગે છે કે અમેરિકા ગમે ત્યારે તેમનો સાથ છોડી શકે છે. આ જ કારણ છે કે દુનિયાના 80 ટકા લોકો ટ્રમ્પને એક અત્યંત અહંકારી નેતા માને છે અને 65 ટકા લોકો તેમને આખી દુનિયા માટે ખતરનાક ગણે છે. ગાઝા અને ઈરાન સંકટમાં ટ્રમ્પ વિલન દુનિયામાં અત્યારે બે જગ્યાએ સૌથી મોટી અશાંતિ અને યુદ્ધ ચાલી રહ્યું છે: એક રશિયા અને બીજું ઈરાન. જૂની વાત કરીએ તો ગાઝા અને ઈરાન. આ બંને સંકટમાં અમેરિકાએ જે રીતે કામ કર્યું છે, તેનાથી લોકોમાં ભારે ગુસ્સો છે. જો આપણે આંકડાની વાત કરીએ તો ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ગાઝા મુદ્દે ટ્રમ્પના વલણને દુનિયાના 76 ટકા લોકોએ ખોટું ગણાવ્યું છે. ગાઝામાં લાખો નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે અને અમેરિકા ઇઝરાયેલને હથિયારો આપી રહ્યું છે, આ વાત સામાન્ય લોકોને બિલકુલ ગમી નથી. આનાથી અમેરિકાની માનવાધિકારના રક્ષક તરીકેની છબી સાવ ખતમ થઈ ગઈ છે. આ સિવાય, ઈરાન પ્રત્યેની ટ્રમ્પની નીતિઓથી પણ 74 ટકા લોકો નારાજ છે. માત્ર ઇઝરાયેલમાં જ ટ્રમ્પની આ નીતિને 73 ટકા લોકો યોગ્ય માને છે, જ્યારે પાકિસ્તાનમાં માત્ર 21 ટકા અને તુર્કીમાં તો ફક્ત 5 ટકા લોકો જ ટ્રમ્પની ઈરાન નીતિને ટેકો આપે છે. ટૂંકમાં કહીએ તો, ટ્રમ્પના અહંકારી સ્વભાવ અને એકબાજુના નિર્ણયોએ અમેરિકાને આખી દુનિયામાં એકલું પાડી દીધું છે. ખાસ કરીને મુસ્લિમ દેશોમાં અમેરિકા સામેનો ગુસ્સો સાવ આસમાને પહોંચી ગયો છે. હવે જ્યારે ઇસ્લામિક દેશો અમેરિકાથી દૂર જઈ રહ્યા છે, ત્યારે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવવા કોણ આવી રહ્યું છે? પાકિસ્તાનમાં ટ્રમ્પની લોકપ્રિયતા કેમ સાવ તળિયે છે અને ત્યાં શી જિનપિંગનો જાદુ કેમ ચાલી રહ્યો છે, આ બધુ સમજીએ. ઈસ્લામિક દેશોમાં વધતો ટ્રમ્પનો વિરોધ મુસ્લિમ વસ્તીમાં ટ્રમ્પનો વિરોધ કેટલો ભયંકર છે તે નાઇજીરીયાના ડેટા પરથી સમજી શકાય છે. ત્યાં 87% ખ્રિસ્તી લોકો ટ્રમ્પ પર ભરોસો કરે છે, જ્યારે માત્ર 33% મુસ્લિમો જ ટ્રમ્પને પસંદ કરે છે. ચિંતાની વાત એ છે કે ખાલી એક જ વર્ષમાં નાઇજીરીયાના મુસ્લિમોમાં ટ્રમ્પ પ્રત્યેના વિશ્વાસમાં 41 ટકાનો અધધ ઘટાડો જોવા મળ્યો છે. આ ડેટા કહી જાય છે કે ટ્રમ્પની નીતિઓએ ધાર્મિક આધારે દુનિયાને વહેંચી દીધી છે જેથી મોટાભાગના મુસ્લિમ દેશો તેમની વિરુદ્ધ થયા છે. હવે સવાલ એ થાય કે જ્યારે આ દેશો અમેરિકાથી મોઢું ફેરવી રહ્યા છે, ત્યારે તેઓ જઈ ક્યાં રહ્યા છે? અહીં એન્ટ્રી થાય છે ચીનની. ઈસ્લામિક દેશોનો ઝુંડ એટલે કે મિડલ ઈસ્ટ અને દક્ષિણ એશિયામાં હવે અમેરિકાની જગ્યાએ ચીન એક નવા તારણહાર તરીકે ઉભરી રહ્યું છે. ચીનની રમત બહુ સીધી, સરળ અને સ્પષ્ટ છે: કોઈ દેશને આઝાદી કે માનવાધિકારના મોટા-મોટા ભાષણો ન આપવા, બસ, સીધી આર્થિક મદદ કરવી અને ધીમે-ધીમે તેમને પોતાના દેવાની જાળમાં ફસાવી લેવા. જેને જિયો-પોલિટિક્સની ભાષામાં ચેકબુક ડિપ્લોમસી કહેવાય છે. પાકિસ્તાન: અમેરિકા આઉટ, ચીન ઇન! આખી દુનિયામાં અત્યારે જે સત્તાનો મોટો બદલાવ આવી રહ્યો છે, તેને સમજવા માટે આપણો પડોશી દેશ પાકિસ્તાન સૌથી મોટું એક્ઝામ્પલ છે. એક જમાનો હતો જ્યારે પાકિસ્તાન અમેરિકાનો સૌથી વહાલો મિત્ર હતો. જો કે હજુ પણ છે જ. અમેરિકા તરફથી મળતા અબજો ડોલરના ફંડ અને હથિયારોથી જ પાકિસ્તાનનો આખો કારભાર ચાલતો હતો. પણ પ્યૂ રિસર્ચના સર્વે મુજબ આજના સમયમાં પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ છે. જરા આ આંકડાઓ જુઓ જે બધી જ હકીકત કહી દે છે: આ આંકડા સાબિત કરે છે કે પાકિસ્તાનની જનતા અને ત્યાંની સરકાર હવે પૂરેપૂરી ચીનના ઈશારે નાચે છે. ચીને CPEC રોડનો કોરિડોર અને બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ એટલે કે શોર્ટમાં BRIના નામે પાકિસ્તાનમાં અબજો ડોલરનું આંધણ કર્યું છે. રસ્તાઓ, વીજળીના પ્લાન્ટ અને ગ્વાદર બંદર વિકસાવવાના બહાને ચીન હવે પાકિસ્તાનનું સૌથી મોટું લેણદાર બની ગયું છે. ચીને પોતાના પૈસાના જોરે પાકિસ્તાનને અમેરિકાના પ્રભાવમાંથી કાયમ માટે બહાર કાઢીને પોતાની છાવણીમાં ધકેલી દીધું છે. આપણે કેમ હજુ ટ્રમ્પને પસંદ કરીએ છીએ? જ્યારે આખી દુનિયામાં અમેરિકા અને ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ભારતનો ડેટા સાવ અલગ જ ચિત્ર બતાવે છે. ભારતમાં આજે પણ 39 ટકા લોકો ટ્રમ્પ પર વિશ્વાસ ધરાવે છે. જો કે, અગાઉ બાઈડેનના સમયમાં આ આંકડો 51 ટકા હતો, એટલે કે ઘટાડો તો ભારતમાં પણ થયો છે, છતાં બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ટ્રમ્પની પોપ્યુલારિટી વધુ છે. આની પાછળ ભારતીયોના મનમાં કેટલાક ચોક્કસ કારણો રહેલા છે: આતંકવાદ સામે કડક વલણ:
ભારતના સામાન્ય લોકો ટ્રમ્પને એક એવા કડક નેતા તરીકે જુએ છે જેણે દુનિયામાં થતા કટ્ટરવાદ અને આતંકવાદ સામે કડક પગલાં લીધા અને પોતાના વ્હાલા પાકિસ્તાનની સૈન્ય સહાય પણ રોકી દીધી હતી. મોદી-ટ્રમ્પની કેમેસ્ટ્રી:
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા, અને હાઉડી મોદી કે નમસ્તે ટ્રમ્પ જેવા મોટા કાર્યક્રમોની ભારતના લોકો પર બહુ ઊંડી છાપ પડી છે. ચીન સામે આક્રમકતા:
ભારત અને ચીન વચ્ચે સરહદ પર જે તણાવ ચાલે છે, તેની વચ્ચે ટ્રમ્પે જે રીતે ચીન સામે ટ્રેડ વોર છેડ્યું હતું, તેને ભારતમાં બહુ મોટો ટેકો મળ્યો છે. ભારતીયો માને છે કે ચીનને કાબૂમાં રાખવા માટે અમેરિકા જેવા આક્રમક મિત્રની જરૂર છે. બીજા પણ ઘણા કારણો હોઈ શકે છે જેથી બીજા દેશોની કમ્પેરિઝનમાં ભારતમાં ટ્રમ્પની પોપ્યુલારિટી વધુ છે. જેમ કે તમને જાણીને નવાઈ લાગશે કે PEW સર્વેમાં 17 જેટલા દેશોને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા બીજા દેશોના મામલામાં દખલગીરી કરે છે? આ 17માંથી ખાલી આપણો જ એવો દેશ છે જ્યાં મોટાભાગના લોકો દખલગીરીની વાતને નકારે છે. ભારતમાં 47% લોકો માને છે કે અમેરિકા દખલ કરે છે, જ્યારે પાકિસ્તાનમાં 76% અને થાઈલેન્ડમાં 81% લોકો અમેરિકાને દખલખોર માને છે. અહીં ધ્યાન દોરવા જેવી વાત એ છે કે ભારતના માઈનોરિટીએ માન્યું હતું કે ટ્રમ્પ બીજાના મામલામાં ડબકા ડોળે છે. પણ હવે વિચારવા જેવી વાત એ છે કે જો ચીન પશ્ચિમ તરફથી પાકિસ્તાન પર કંટ્રોલ કરી ચૂક્યું છે, તો આપણા પૂર્વના પાડોશી દેશોની સ્થિતિ શું છે? શું બાંગ્લાદેશ પણ હવે ભારત અને અમેરિકાને છોડીને ચીનના ખોળામાં બેસી રહ્યું છે? બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારીક રહેમાન ભારત આવ્યા વગર સીધા ચીન કેમ ગયા? એ પણ સમજીએ. બાંગ્લાદેશ અને ચીનના વધતા સંબંધો અત્યારે ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે અમેરિકા ધીમે ધીમે વિશ્વ રાજકારણમાંથી પાછળ હટી રહ્યું છે. આ શૂન્યાવકાશનો ફાયદો લઈને ચીન આપણા જ ઘરઆંગણે પોતાનો સૈન્ય અને આર્થિક પ્રભાવ વધારી રહ્યું છે. પાકિસ્તાન અને માલદીવ બાદ હવે બાંગ્લાદેશનું આખું ચિત્ર ભારત માટે સ્પષ્ટ લાલબત્તી સમાન છે. ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકારના પતન પછી રચાયેલી વચગાળાની સરકાર અને ત્યાર પછી ફેબ્રુઆરી 2026ની ચૂંટણીમાં જીતીને સત્તા પર આવેલા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એટલે કે BNPના નેતા અને વડાપ્રધાન તારીક રહેમાને જે રીતે પોતાની વિદેશ નીતિ ઘડી છે, તે ભારત માટે ખૂબ જ ચોંકાવનારી છે. ચીન ચલે બાંગ્લાદેશ PM તારીક રહેમાન વર્ષોથી એવો રિવાજ રહ્યો છે કે બાંગ્લાદેશના કોઈ પણ વડાપ્રધાન પોતાની પહેલી વિદેશ યાત્રા ભારતમાં જ કરે છે. પણ તારીક રહેમાને સત્તા સંભાળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ છતાં ભારત આવવાનું ટાળી દીધું! તેમની સૌથી પહેલી સત્તાવાર મુલાકાત પોતાના ઈસ્લામિક ભાઈબંધ મલેશિયા અને તેના પછી સીધી ચીન 23થી 26 જૂન 2026 વચ્ચે ચીનની કરી. આ નિર્ણયથી દુનિયાને એવો ચોખ્ખો મેસેજ ગયો છે કે બાંગ્લાદેશ હવે ભારતની છાયામાંથી બહાર આવીને ચીન પાસેથી આર્થિક લાભ લેવા માંગે છે. જૂન 2026 પૂરો થવા આવ્યો હોવા છતાં તારીક રહેમાન હજુ ભારત આવ્યા નથી. અને કદાચ તેઓ જુલાઈમાં ભારત આવે, પણ પહેલી યાત્રા તરીકે ચીનને પસંદ કરવું એ દિલ્હી માટે બહુ મોટો રાજદ્વારી ઝટકો છે. બાંગ્લાદેશની ચીન મુલાકાત: ભારત-વિરોધી કરારો? પોતાની ચીન યાત્રા દરમિયાન તારીક રહેમાને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી અને અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા. આમાંથી બે પ્રોજેક્ટ્સ ભારતની ઈન્ટરનલ સિક્યોરિટી માટે ખૂબ જ ખતરનાક છે: તિસ્તા રિવર મેનેજમેન્ટ પ્રોજેક્ટ:
તિસ્તા નદીના પાણીનો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દાયકાઓ જૂનો વિવાદ છે. ભારતે 2024માં આ નદીના મેનેજમેન્ટ માટે બાંગ્લાદેશને મદદ કરવાની તૈયારી બતાવી હતી. પણ તેને અવગણીને, બાંગ્લાદેશે હવે આ પ્રોજેક્ટ માટે ચીનની આર્થિક અને ટેકનિકલ મદદ માની લીધી છે! ચીન હવે ત્યાં નદીના પટમાં મોટા ડેમ અને નવા ટાઉનશિપ બનાવશે. ભારતની સરહદથી સાવ નજીક ચીનની આ દખલગીરી આપણા માટે મોટો ખતરો છે. મોંગલા પોર્ટ ડેવલપમેન્ટ:
ચિત્તાગોંગ પછી આ બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર છે. અગાઉ આ બંદરના વિકાસનો આખો પ્રોજેક્ટ ભારતને મળવાનો હતો. પણ સરકારો બદલાતા હવે તે સત્તાવાર રીતે ચીનને સોંપી દેવામાં આવ્યો છે. બંગાળની ખાડીમાં ચીનની આ સીધી એન્ટ્રી ભારતીય નેવી માટે બહુ મોટો પડકાર છે. ચિકન નેક અને ભવિષ્યનો ખતરો આ બધી બાબતો વેક્યૂમ અને એક્સપાન્શન થિયરી સાબિત કરે છે. અમેરિકા પીછેહઠ કરી રહ્યું છે અને ચીન ત્યાં પગપેસારો કરી રહ્યું છે. ભારત માટે આ પરિસ્થિતિ એક બેધારી તલવાર જેવી છે. એક બાજુ, પશ્ચિમમાં પાકિસ્તાનનું ગ્વાદર બંદર ચીનના કબજામાં છે. હવે પૂર્વ બાજુથી બાંગ્લાદેશમાં તિસ્તા નદી અને મોંગલા પોર્ટ મારફતે ચીન ભારતને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ નીતિથી ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. આમાં સૌથી ગંભીર ખતરો તિસ્તા નદીના પ્રોજેક્ટને લઈને છે. તિસ્તા નદીનું ભારતના ચિકન નેક એટલે કે સિલીગુડી કોરિડોરથી સાવ નજીક છે. આ એક ખૂબ જ સાંકડો પટ્ટો છે જે આપણા આસામ અને મેઘાલય જેવા ઉત્તર-પૂર્વના રાજ્યોને બાકીના ભારત સાથે જોડે છે. જો આ વિસ્તારમાં પ્રોજેક્ટના બહાને ચીનના સૈન્ય કે માળખાગત સુવિધાઓની હાજરી વધે, તો યુદ્ધ કે તણાવની સ્થિતિમાં ચીન આ રસ્તો ગમે ત્યારે કાપી શકે છે! ટૂંકમાં કહીએ તો, PEW રિસર્ચનો આ ડેટા ચોખ્ખું કહી જાય છે કે અમેરિકા પરનો ઘટતો વિશ્વાસ ભારત માટે ખતરાની ઘંટી છે. ભારતે પોતાની નેબરહુડ ફર્સ્ટની તિનું તાત્કાલિક રિવેલ્યુએશન કરવું જ પડશે. જો આપણે આપણા પાડોશી દેશોને ચીનની દેવાની જાળમાંથી નહીં બચાવીએ, તો આવનારો દાયકો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ કપરો અને જટિલ સાબિત થશે. અને છેલ્લે… નરેન્દ્ર મોદી હમણા વિદેશ પ્રવાસે ગયા હતા અને શેસેલ્સની મુલાકાત લીધી હતી.
આ ભારતીય યાદમાં ઈન્દિરા ગાંધી સાથે શેસેલ્સના પહેલા રાષ્ટ્રપતિનો ફોટો શેસેલ્સ આર્કાઈવ્સે શેર કર્યો છે. જેમાં લખાયું છે કે, શેસેલ્સ અને ભારતના સંબંધો આજકાલના નથી, ઈન્દિરા ગાંધીના સમયના છે. અહીં ટ્વિસ્ટ એ છે કે, એ સમયે ઈન્દિરા ગાંધી ચાર દેશોના પ્રવાસે હતા અને તેમના પ્લેનમાં ઈંધણ પૂરાવવા 2 કલાક માટે શેસેલ્સ ઉતર્યા હતા. ત્યારે માનચેમે તેમનું સ્વાગત કર્યું હતું. માત્ર પેટ્રોલ પૂરાવાની વાતને લઈને બે દેશ વચ્ચેના સંબંધો સ્થાપિત થઈ ગયા હતા. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.
(રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)

Leave A Comment