Editor’s View: 'ઈરાનમાં પરમાણુ બોમ્બ ફોડી દો':ટ્રમ્પના પ્લાનનો સૌથી મોટો ધડાકો, જમાઇ કુશનર અને ગુજરાતી પટેલે ટેન્શન વધાર્યું, હનીટ્રેપમાં અમેરિકાનાં સિક્રેટનો ભાંડો ફુટ્યો
તારીખઃ 18 એપ્રિલ 2026 સમય: રાતના 11 વાગ્યાનો સ્થળઃ વ્હાઇટ હાઉસનો સ્પેશિયલ સિચ્યુએશન વોર રૂમ એ અંધારી રાત આમ તો સામાન્ય હતી. છતાં અધિકારીઓનાં માથે ચિંતાની લકીરો જોઇ શકાતી હતી. ઈરાન શરૂઆતથી નમતું ન જોખતા ટ્રમ્પ બરોબરના અકળાયેલા હતા. ગુસ્સામાં લાલઘૂમ ટ્રમ્પ ધડામ થઈને ખુરશી ઉપરથી ઉભા થયા અને બોલ્યા… “ઈરાન પર ન્યૂક્લિયર મિસાઇલ છોડી દો… આ યુદ્ધ અત્યારે જ ખતમ કરવું છે.” ડોનાલ્ડ ટ્રમ્પની ભયાનક ત્રાડથી અધિકારીઓમાં એક મિનિટ તો સન્નાટો છવાઈ ગયો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને ડેન કેને ટ્રમ્પને તરત જ ન્યૂક્લિયર બ્રિફ કેસ મગાવવાની માગને ફગાવી અને ટ્રમ્પને ઠંડા પાડ્યા. બસ આટલું થયું અને દુનિયા 81 વર્ષ બાદ ભયાનક ન્યૂક્લિયર બોમ્બ વિસ્ફોટથી બચી ગઈ. આ દાવો હતો અમેરિકાનાએક જાણીતાં અખબારનો જેણે લખ્યું કે ટ્રમ્પ ઈરાન પર ન્યૂક્લિયર મિસાઈલનું બટન દબાવવાના જ હતા પણ તેમને રોકી લેવાયા. પણ અસલી ખેલ તો પડદા પાછળ થયો જ્યારે પેન્ટાગોનના ન્યૂક્લિયર ચીફ એન્ડ્રુ હગે હનીટ્રેપમાં ફસાઈ અને એક અંડરકવર મહિલા પત્રકાર આગળ સિક્રેટ ઓકી દીધાં. બીજી બાજુ FBIના ડિરેક્ટર કાશ પટેલ પર ચાલુ નોકરીએ દારુ પીને ધુત્ત થવાનો આરોપ લાગ્યો અને અમેરિકન કોંગ્રેસ વુમને ટ્રમ્પના જમાઈ પર હોદ્દાનો દુરુપયોગ કરીને કરોડો ડોલરની હરામની કમાણી ખાવાનો આરોપ લગાવ્યો છે. નમસ્કાર… એપ્રિલ 18, 2026નો દિવસ અમેરિકાના ઈતિહાસમાં સૌથી ભયાનક હોત જો સેનાના મોટા અધિકારીઓએ સંયમ ન રાખ્યો હોત. પૂર્વ CAI એનાલિસ્ટ લેરી જોહ્ન્સનના રિપોર્ટ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધને કાયમી પતાવી દેવા માટે ન્યૂક્લિયર બોમ્બ વાપરવાની જીદ કરી હતી. ઈરાનને અણુ બોમ્બથી ઉડાવી દોઃ ટ્રમ્પ જ્યારે ટ્રમ્પે ન્યુક્લિયર બોમ્બ ફેંકવા માટે લોન્ચ કોડ્સ એક્સેસ કરવાની ટ્રાય કરી, ત્યારે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને કથિત રીતે ટ્રમ્પને આવું કરવાની ના પાડી પાડી દીધી. આ એક બંધારણીય કટોકટી જેવી સ્થિતિ હતી. જનરલ કેનનું માનવું હતું કે પરમાણુ હુમલો એ માત્ર ઈરાન નહીં પણ સમગ્ર દુનિયા માનવતા માટે સ્યુસાઈડ હશે. ન્યૂક્લિયર બોમ્બની વાત ફેક છેઃ વ્હાઈટ હાઉસ વ્હાઈટ હાઉસે સત્તાવાર રીતે આ વાતને ફેક ન્યૂઝ ગણાવી દીધી છે, પણ વોલ સ્ટ્રીટ જર્નલ જેવા પ્રતિષ્ઠિત અને જવાબદાર અખબારના રિપોર્ટ્સ કહે છે કે સૈનાના એડવાઈઝરે ટ્રમ્પના તરંગી એટિટ્યૂડના તેમને ઘણી મહત્વની સૈન્ય કામગીરીઓથી દૂર રાખ્યા હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકાનું લોકશાહી માળખું અત્યારે ટ્રમ્પ અને પેન્ટાગોન વચ્ચેના ગંભીર અવિશ્વાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અધિકારીઓ ટ્રમ્પને વોર રૂમથી દૂર રાખી રહ્યા છે જેથી તે કોઈ ઉતાવળો એવો નિર્ણય ન લે જે માનવ જાત માટે ભયાનક સાબિત થઈ શકે. પણ યુદ્ધ વચ્ચે અમેરિકાને પહેલેથી જ ફટકાર લાગી ચૂકી છે. હની ટ્રેપ અને અમેરિકાની સિક્રેટ વાત ઓકી એપ્રિલ 2026માં જ્યારે અમેરિકા ઈરાન પર સર્જિકલ સ્ટ્રાઈક્સ કરી રહ્યું હતું, ત્યારે અમેરિકી સરકારના એન્ડ્રુ હગ નામના એક ઉચ્ચ અધિકારીએ એક એવી ભૂલ કરી બેઠા જે કદાચ અમેરિકન જાસૂસી ઇતિહાસમાં સૌથી શરમજનક ગણાશે. અમેરિકન સૈન્યના ન્યુક્લિયર અને કેમિકલ શ્યોરટી વિભાગના બ્રાન્ચ ચીફ તરીકે હગ પાસે એવા સિક્રેક્ટ હોય છે જે દુનિયાનો નકશો બદલી શકે છે. ઓ’કીફ મીડિયા ગ્રુપ દ્વારા કરવામાં આવેલું સ્ટિંગ ઓપરેશન કોઈ પર્સનલ ઈથિક્સનું પતન નહોતું. અંડર કવર મહિલા પત્રકાર સામે હગનું કેમેરા સામે એ સ્વીકારવું કે, “જાસૂસી મેળવવાનો સૌથી સહેલો રસ્તો એક સુંદર છોકરીને મોકલવાનો છે”, તે કહી જાય છે કે દુનિયાની સૌથી શક્તિશાળી સેનાના ઉચ્ચ અધિકારીઓ હની ટ્રેપ પ્રત્યે કેટલા સેન્સિટિવ છે. અમેરિકામાં છૂપાયેલું કેમિકલ હથિયાર હગના ખુલાસાઓમાં સૌથી ગંભીર બાબત મેરીલેન્ડમાં રાખવામાં આવેલા કેમિકલ હથિયાર સરીન ગેસ જેવા સ્ટોક વિશેની હતી. અમેરિકાએ 2023માં સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે તેણે તમામ રાસાયણિક હથિયારો ખતમ કરી દીધા છે. પણ હગના દાવા મુજબ, અમેરિકા હજુ પણ આ ઘાતક નર્વ એજન્ટો એટલે કે કેમિકલ હથિયારને સ્ટોર કરી રહ્યું છે. પણ આ કેવા કેમિકલ હોય છે અને તેનાથી શું થાય છે તેની વાત કરીએ. આંખના પલકારામાં જીવ લેતું કેમિકલ સરીન ગેસ માણસની નર્વસ સિસ્ટમ પર સીધો હુમલો કરે છે. તે શરીરમાં એવું કંઈક કરી દે છે જેનાથી માણસ હલી જ ન શકે. સ્નાયુ સંકોચાતા શ્વાસનળી કામ કરવાનું બંધ કરી દે છે અને માણસનું તડપી-તડપીને મોત થઈ જાય છે. હગે વધુમાં એક સેનાના કેમિકલ એક્સપર્ટના મોતની પણ વાત કરી, જેણે યોગ્ય કપડા વગર કેમિકલનું કામ કર્યું અને જીવ ગુમાવ્યો હતો. આ બધુ કહી જાય છે કે અમેરિકાની સેનાની અંદર સુરક્ષા પ્રોટોકોલમાં મોટા ગાબડા પડી ગયા છે. અમેરિકાની ક્રુરતાઃ 160 બાળકી પર મિસાઈલ છોડી જ્યારે ઈરાનની મીનાબમાં આવેલી શજરહ તૈય્યેબહ કન્યા શાળા પર અમેરિકન બોમ્બ પડ્યા અને 160થી વધુ બાળકીઓના મોત થયા, ત્યારે દુનિયા ચોંકી ગઈ કે અમેરિકાએ આ શું કરી દીધું? હગનું એ નિવેદન કે, “બાળકો હંમેશા યુદ્ધમાં મરે છે, તે માત્ર કોલેટરલ ડેમેજ છે”, તે અમેરિકન સરકારની માણસના જીવ પ્રત્યોની કેટલી સેન્સિટિવિટી છે તે ચીસો પાડીને કહી જાય છે. આ નિવેદને ઈરાનને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા વિરુદ્ધ વોર ક્રાઈમનો કેસ મજબૂત કરવામાં મદદ કરી છે. કામ પર દારુના નશામાં FBI ચીફ કાશ પટેલ? બીજી વાત જાણશો તો વધુ ચોંકી જશો. ફેબ્રુઆરી 2025માં એફબીઆઈના ડાયરેક્ટર બનેલા કાશ પટેલ અત્યારે પોતાના જીવનના સૌથી મોટા લીગલ અને એથિકલ યુદ્ધમાં ફસાયેલા છે. ધ એટલાન્ટિકના રિપોર્ટે તેમને મિસિંગ ઈન એક્શન ગણાવ્યા છે. પટેલ પર ગંભીર આરોપ છે કે તેઓ મોટી સિક્યોરિટી મીટિંગ્સમાં નશામાં હોય છે અથવા ગેરહાજર હોય છે. સૌથી વિચિત્ર કિસ્સો 10 એપ્રિલ ૨૦૨૬નો છે, જ્યારે પટેલ પોતાના કોમ્પ્યુટરમાં લોગ-ઈન ન થઈ શક્યા ત્યારે તેમણે ગભરાટમાં એવું માની લીધું કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને તેમણે પોતાના સાથીઓને ફોન કરીને તેની જાહેરાત પણ કરી દીધી હતી. પાછળથી જાણવા મળ્યું કે તે માત્ર એક ટેકનિકલ ખામી હતી. પટેલે માનહાનીનો દાવો ઠોક્યો પટેલે આ આરોપો સામે 250 મિલિયન ડોલરનો માનહાનિનો દાવો કર્યો છે, પણ FBIના 20થી વધુ એજન્ટોએ તૈયાર કરેલો 115 પાનાનો ડોઝિયર કંઈક અલગ જ વાર્તા કહે છે. એક એવો સમય જ્યારે દેશ યુદ્ધમાં છે, ત્યારે તેની પ્રમુખ તપાસ એજન્સીના વડા પર આવા ગંભીર આરોપો લાગવા તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાની ઘંટડી છે. ટ્રમ્પ સરકારમાં ભ્રષ્ટાચારની ક્રોનોલોજી કાશ પટેલના કિસ્સામાં એક નવો વળાંક એ આવ્યો હતો કે તેમણે પોતાની ગર્લફ્રેન્ડના પર્સનલ કામો માટે FBIના એજન્ટોનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલો પણ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ માત્ર એક વ્યક્તિના ભ્રષ્ટાચારની નથી, પણ એક આખી સિસ્ટમના પતનની નિશાની છે, જ્યાં સત્તાનો ઉપયોગ લોકોની ભલાઈની જગ્યાએ પોતાના પર્સનલ બેનિફિટ માટે થઈ રહ્યો છે. ટ્રમ્પ પરિવાર, ક્રિમિનલ એન્ટરપ્રાઈઝઃ કોંગ્રેસ વુમન અહીં સુધી તો ઠીક હતું ત્યાં અમેરિકન કોંગ્રેસ વુમન યાસ્મીન અંસારીએ એવો આક્ષેપ કર્યો જેણે ટ્રમ્પ સરકારમાં ખડભડાટ માચાવી દીધો અને ટ્રમ્પ પરિવારને દુનિયા સામે ક્રિમિનલ એન્ટરપ્રાઈઝ સાબિત કરવા મજબૂર કરી દીધું. ઈરાનમાં જ્યારે મિસાઈલનો મારો ચાલી રહ્યો છે અને અમેરિકન જનતા કોન્ફ્લિક્ટ ટેક્સના નામે મોંઘવારી સહન કરી રહી છે ત્યારે વ્હાઈટ હાઉસના સ્પેશિયલ એન્વોય અને ટ્રમ્પના લાડલા જમાઈ જેરેડ કુશ્નર શાંતિ મંત્રણાના બહાને બીજી જ કંઈક ખીચડી રાંધી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. $2 અબજ ડોલરનો ખાનગી સોદો ન્યૂયોર્ક ટાઈમ્સ અને PBSના ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ મુજબ, કુશ્નર જે દેશો સાથે અમેરિકા વતી વાટાઘાટો કરી રહ્યા હતા, એ જ અખાતી દેશો એટલે કે સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર પાસેથી પોતાની પર્સનલ ઇક્વિટી ફર્મ એફિનિટી પાર્ટનર્સ માટે 5 અબજ ડોલરના રોકાણની માંગણી કરી રહ્યા હતા. સાઉદી પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા આપવામાં આવેલા 2 અબજ ડોલર તે વાતનો પુરાવો છે કે રાજદ્વારી સંબંધોનો ઉપયોગ અંગત તિજોરી ભરવા માટે થઈ રહ્યો છે. આ આક્ષેપો છે યાસ્મીન અંસારીના. ટ્રમ્પ પુત્રોની યુદ્ધ વચ્ચે બેફામ કમાણી? કુશ્નરની સાથે-સાથે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ પણ આ યુદ્ધની વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યા છે. અમેરિક ન્યૂઝ રિપોર્ટ્સમાં બહાર અહેવાલો મુજબ, ટ્રમ્પ પરિવારની માલિકીની એક કંપની ગલ્ફ દેશોને ડ્રોન ઇન્ટરસેપ્ટર્સ અને એડવાન્સ ડિફેન્સ હાર્ડવેર વેચી રહી છે. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે આ ઇનસાઇડર ટ્રેડિંગ જેવો કિસ્સો છે, જ્યાં ટ્રમ્પ પુત્રોને પેન્ટાગોનની સૈન્ય મૂવમેન્ટની અગાઉથી જાણ હોય છે અને તેના આધારે તેઓ પોતાના બિઝનેસ સોદાઓ નક્કી કરે છે. યાસ્મીનનો પ્રહાર: ભ્રષ્ટાચારનો નગ્ન નાચ અમેરિકન કોંગ્રેસ વુમન યાસ્મીન અંસારી અત્યારે વિરોધ પક્ષનો સૌથી બુલંદ અવાજ બનીને ઉભરી રહ્યાં છે. તેમણે ગૃહમાં ઉભા રહીને જે આક્ષેપો કર્યા છે, તેણે ટ્રમ્પ વહીવટીતંત્રની નૈતિકતા પર મોટા સવાલો ઉભા કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો: અંસારીના મતે, જેરેડ કુશ્નર પાસે કોઈ પણ પ્રકારનું સિક્યુરિટી ક્લિયરન્સ કે ડિપ્લોમેટિક અનુભવ નથી, તેમ છતાં તેઓ વોર એન્ડ પીસ જેવા ગંભીર વિષયો પર નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે કુશ્નરને ડિપ્લોમેટ ફોર હિમસેલ્ફ પણ ગણાવ્યા હતા. મહભિયોગની કાર્યવાહી: અંસારીએ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ વિરુદ્ધ મહાભિયોગની દરખાસ્ત પણ રજૂ કરી છે. તેમનો આરોપ છે કે ઈરાનની શાળાઓ પર હુમલો કરવો એ વોર ક્રાઈમ છે અને આ યુદ્ધ માત્ર ટ્રમ્પ પરિવારના આર્થિક હિતો માટે ખેંચવામાં આવી રહ્યું છે. IRS વિવાદ: અંસારીએ એ પણ ખુલાસો કર્યો કે ટ્રમ્પ સરકાર IRS પાસેથી 10 અબજ ડોલર મેળવવા માટે દાવો કરી રહ્યું છે, જે કથિત રીતે ટ્રમ્પના અંગત ખાતાઓમાં ડાયવર્ટ કરવાની યોજના છે. મોસાદ એજન્ટ Mનું મોતઃ યુદ્ધ માત્ર સરહદો પર નથી લડાતું, તે ગુપ્તચર એજન્સીઓના ગલીઆરાઓમાં પણ લડાય છે. 2026ના ઈરાન સંઘર્ષમાં બે ઘટનાઓએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. મે 2023માં ઈટાલીના મેગિઓર નામના તળાવમાં થયેલી બોટ દુર્ઘટના, જેમાં મોસાદના દિગ્ગજ એજન્ટ એરેઝ શિમોની એટલે કે એજન્ટ એમનું મોત થયું હતું, તે હવે 2026માં વધુ અર્થપૂર્ણ બની છે. મોસાદ ચીફ ડેવિડ બાર્નિયાએ સ્વીકાર્યું છે કે, શિમોની તે સમયે ઈટાલિયન એજન્ટો સાથે મળીને ઈરાનના હથિયાર સપ્લાય નેટવર્કને તોડવાની યોજના બનાવી રહ્યા હતા. આજે ઈરાનના જે પરમાણુ મથકો પર સચોટ હુમલા થઈ રહ્યા છે, તેનો પાયો એ જ વર્કિંગ મીટિંગમાં નખાયો હતો. મેક્સિકોમાં અમેરિકી જાસૂસોના મોત એપ્રિલ 2026માં મેક્સિકોના ચિહુઆહુઆના પહાડોમાં બે સીઆઈએ અધિકારીઓના રહસ્યમય મોતથી હડકંપ મચી ગયો છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે આ ઘટનાને મેક્સિકોની સોવેર્નિટી પર હુમલો ગણાવ્યો છે. તેમનો આરોપ છે કે અમેરિકા મેક્સિકોની પરવાનગી વગર તેની ધરતી પર સીક્રેટ વોર રમી રહ્યું છે. આ ઘટનાએ અમેરિકા અને તેના પાડોશી દેશ વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડી દીધી છે.
અમેરિકા માટે જીવની કોઈ કિંમત નહીં? આપણે જે વાત કરી એ બધી ઘટનાઓ એ ભયાનક સત્ય બાજુ દોરી જાય છે કે યુદ્ધ હવે માત્ર સરહદો જીતવા માટે નથી પણ કોર્પોરેટ નફો રળવા માટે, અંગત ભ્રષ્ટાચારને છૂપાવવા અને સત્તા ટકાવી રાખવા માટે પણ એક સાધન બની શકે છે. એન્ડ્રુ હગના હની ટ્રેપ થી લઈને જેરેડ કુશ્નરના અબજો ડોલરના સોદા સુધી, અને કાશ પટેલની બેદરકારીથી લઈને ઈરાનની શાળાઓ પર થતા બોમ્બમારા સુધી આ બધું જ એક એવી સિસ્ટમ બાજુ ઈશારો કરે છે જ્યાં માનવ જીવનની કિંમત સત્તા અને પૈસા કરતા ઓછી થઈ ગઈ છે. અને છેલ્લે… ટ્રમ્પની આ વાત આપણા બધા ભારતીયોને અસર કરશે… ટ્રમ્પ હવે બર્થરાઈટ સિટીઝનશિપ એટલે કે જે બાળકનો અમેરિકામાં જન્મ થાય તે ત્યાંનો નાગરિક બની જાય તે કાયદાને નાબૂદ કરવા માંગે છે. તેમણે ભારત અને ચીન જેવા દેશોને પોસ્ટમાં નરકનો દરવાજો કહીને અપમાનિત કર્યા છે, કારણ કે ઘણા દેશના લોકો ત્યાંથી આવીને અહીં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવી લે છે. આ મામલો અત્યારે કોર્ટમાં છે અને ભારત આનો શું જવાબ આપશે તેના પર આખી દુનિયાની નજર છે. યુદ્ધ, ભ્રષ્ટાચાર, હની ટ્રેપ અને ડિપ્લોમેટિક ખેલ… 2026નું આ વર્ષ માનવતા માટે ખરેખર કટોકટીનું છે. સોમવારથી શુક્રવાર, રાતે 8 વાગ્યે જોતા રહો’એડિટર્સ વ્યૂ’ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
