Editor's View: ભારતની ચાલમાં ચીન ફસાયું:મોદીએ દુખતી નસ દબાવી, ડ્રેગનનાં પાટિયાં પાડી શકે મલાક્કા સ્ટ્રેટ, દરિયાઇ દાદાગીરી સામે ખતરનાક સ્ટ્રેટેજી

Last Updated: July 8, 2026By

તમે એક મિનિટ માટે જરા વિચારો કે.. જે ચીન આજે આખી દુનિયાને આંખો દેખાડી રહ્યું છે, એની ગરદન કોના હાથમાં છે? ચીનની સૌથી મોટી નબળાઈ છે એક સાંકડી દરિયાઈ ગલી! જી હા, સમુદ્રની એક એવી સાંકડી ગલી જ્યાંથી ચીનનું 80 ટકા તેલ અને પેટ્રોલ આવે છે. જો કોઈ આ ગલી બ્લોક કરી દે, તો ચીનનું આખું અર્થતંત્ર શ્વાસ લેવાનું બંધ કરી દે! અને તમને જાણીને ગર્વ થશે કે આપણા પ્રધાનમંત્રી મોદી સીધા એ જ ગલીના નાકે એટલે કે ઈન્ડોનેશિયા જઈને ઊભા રહી ગયા છે! તેમણે ચીનનું નામ લીધા વગર એવું તો શું કહી દીધું છે કે જેથી ચીનનું ટેન્શન વધી ગયું છે, ભારત અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા સાથે મળીને શું માસ્ટર સ્ટ્રોક રમી શકે છે? આજે આપણે તેની વાત કરીએ… નમસ્કાર…

6થી 11 જુલાઈ 2026 વચ્ચે પીએમ મોદી ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. તમને થશે, “મોટા નેતાઓ તો ફર્યા કરે, એમાં મારે શું લેવાદેવા?” પણ ભાઈ, આ કોઈ સામાન્ય ફરવા જવાની ટ્રીપ નહોતી. આ તો એશિયાના નકશા પર રમાયેલી એક ખતરનાક ચેસની ગેમ છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થાય છે. મોદીએ ઈન્ડોનેશિયામાં ઉભા રહીને ચીનનું નામ લીધા વગર તેને પડકાર ફેંક્યો કે… મોદીની મુલાકાતથી સામાન્ય માણસને શું? સમજો કે તમે સવારે ઊઠીને તમારી બાઈકમાં પેટ્રોલ ભરાવો છો, કે પછી રાજકોટમાં બેઠેલો કોઈ વેપારી ચીનથી ઇલેક્ટ્રોનિક્સનો માલ મગાવે છે. આ બધું જ દરિયાઈ રસ્તેથી આવે છે. દુનિયાનો મોટાભાગનો વેપાર દરિયા પર નિર્ભર છે. અને આ દરિયા પર અત્યારે એક જ દેશ માથાભારે પડોશીની જેમ દાદાગીરી કરી રહ્યો છે, અને તે છે ચીન! જો આ દાદાગીરી ન રોકાય તો સીધી મોંઘવારી વધે. પણ હવે ડ્રેગનની આ દાદાગીરીનો અંત નજીક છે. ચીનની શ્વાસનળી: મલાક્કા સ્ટ્રેટ વાત જાણે એમ છે કે, ચીન ભલે ગમે તેટલું શક્તિશાળી હોય, તેની પાસે હજારો જહાજો હોય, પણ એની એક બહુ મોટી મજબૂરી છે. ઈન્ડોનેશિયા અને મલેશિયાની વચ્ચે દરિયાની એક સાંકડી ગલી આવેલી છે. આ ગલીનું નામ છે મલાક્કા સ્ટ્રેટ. આને તમે પાણી પરનો એક 900 કિલોમીટર લાંબો દરિયાઈ હાઇવે સમજી લો. જરા વિચારો, જો કોઈ બે દિવસ માટે આ રસ્તો બંધ કરી દે, તો ચીનની ફેક્ટરીઓ, એમની મિલિટરી અને એમની ગાડીઓ ત્યાંની ત્યાં જ રોકાઈ જાય. વર્ષ 2003માં ચીનના રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ હતા, તેમણે પોતે કબૂલ્યું હતું કે આ મલાક્કા ડાઇલેમા તેમની સૌથી નબળી કડી છે. ચીનને રાત્રે ઊંઘમાં પણ એ જ ડર સતાવે છે કે જો કોઈ દેશ આ રસ્તો બ્લોક કરી દે તો ચીનનું આખું અર્થતંત્ર પડી ભાંગશે. પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક મોદી સીધા ઈન્ડોનેશિયા પહોંચી ગયા. તેમણે ત્યાં જઈને પ્રાચીન પ્રમ્બાનન મંદિર ની મુલાકાત લીધી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે ચર્ચાઓ કરી. આ માત્ર જૂના સંબંધો તાજા કરવાની વાત નહોતી. ઈન્ડોનેશિયા એ મલાક્કા સ્ટ્રેટનો મેઈન દરવાજો છે. ભારતે એ દરવાજા પર જઈને ચીનની સામે આંખમાં આંખ નાખીને ઊભા રહેવાની હિંમત બતાવી છે. ચીનની દાદાગીરી કેટલી હદે વધી ગઈ છે તેનું એક ઉદાહરણ જોઈએ. કલ્પના કરો કે પોરબંદરનો કોઈ ગરીબ માછીમાર પોતાની નાની બોટ લઈને માછલી પકડવા જાય, અને અચાનક કોઈ બીજા દેશની નેવીનું જહાજ આવીને તેને ડરાવીને કાઢી મૂકે! બિલકુલ આવું જ ઈન્ડોનેશિયાના નાટુના ટાપુ પાસેના માછીમારો સાથે થઈ રહ્યું છે. ચીન એક કાગળ પર 9-ડેશ લાઈન દોરીને કહે છે કે આ બધો દરિયો અમારો છે અને ઈન્ડોનેશિયાના માછીમારો પર પાણીની તોપ ચલાવે છે. આવા સમયે ભારતે ઈન્ડોનેશિયાને ખુલ્લો ટેકો આપ્યો છે. ભારતે ચોખ્ખો બીટવીન ધ લાઈન મેસેજ આપ્યો છે કે, જો ચીન આપણી હિમાલય બોર્ડર પર કોઈ અટકચાળો કરશે, તો ભારત ઈન્ડોનેશિયા સાથે મળીને સીધી મલાક્કાની નાકાબંધી કરી દેશે. આ કોઈ નાની વાત નથી, ચીન પાસે આનો કોઈ ઓપ્શન જ નથી. ડ્રેગનની ચાલાકી: સાઉથ ચાઈના સીમાં ચીનનાં કાળાં કામ હવે કાન સરવા કરીને સાંભળજો. જ્યાં કુદરતે કોઈ જમીન આપી જ નથી, ત્યાં ચીન દરિયામાં જબરદસ્તીથી માટી અને પથ્થરો નાખીને નકલી ટાપુઓ બનાવી રહ્યું છે! વિચારો, કોઈ રાતોરાત દરિયાની વચ્ચે નવી જમીન ઊભી કરી દે અને ત્યાં ખતરનાક મિસાઈલો અને ફાઈટર જેટ ગોઠવી દે તો આસપાસના દેશોની શું હાલત થાય? ડ્રેગન બિલકુલ આ જ હરકત કરી રહ્યો છે. આખી દુનિયાના કાયદા ચોખ્ખું કહે છે કે આ જમીન ચીનની નથી. વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય કોર્ટે પણ કડક શબ્દોમાં કહી દીધું કે ચીનના દાવા સાવ ખોટા છે. છતાં, ડ્રેગન કોઈનું સાંભળવા તૈયાર નથી. ચીન અહીં એક ગ્રે-ઝોન ગેમ રમી રહ્યું છે. આ ગેમ એટલે સીધું યુદ્ધ નહીં કરવાનું, પણ નાના પાડોશીઓને રોજ હેરાન કરીને એટલા થકવી નાખવાના કે તેઓ હાર માની લે. દરિયામાં દાદાગીરી અને સામાન્ય માછીમારની મજબૂરી જરા કલ્પના કરો, આપણા વેરાવળ કે પોરબંદરના માછીમારો પોતાની નાની હોડી લઈને દરિયામાં ગયા હોય અને સામેથી અચાનક બીજા દેશની મોટી નેવી બોટ આવીને તેમના પર પાણીની તોપ ચલાવે! તેમની હોડીને ટક્કર મારે અને ડરાવીને ભગાડી મૂકે. ફિલિપાઈન્સ અને વિયેતનામના ગરીબ માછીમારો રોજ પોતાના જ દરિયામાં આ ત્રાસ સહન કરી રહ્યા છે. ચીન એક કાગળ પર મનફાવે તેવી લાઈન દોરીને એવું કહે છે કે આખો દક્ષિણ ચીન સાગર તેમના બાપ-દાદાની જાગીર છે. આ ડખામાં આપણા વેપારને શું? હવે તમને ચોક્કસ સવાલ થશે કે, “ભાઈ, ફિલિપાઈન્સમાં કોઈની હોડી ડૂબે એમાં મારે શું?” તો સાંભળો, આ દરિયો સામાન્ય દરિયો નથી, તે ગ્લોબલ ઈકોનોમીની જીવાદોરી છે. એક આંકડા મુજબ દર વર્ષે અંદાજે 6.4 ટ્રિલિયન ડોલર એટલે કે અબજો રૂપિયાનો વૈશ્વિક વેપાર આ જ દરિયાઈ રસ્તા પરથી પસાર થાય છે! આપણે ગુજરાતમાં જે લેટેસ્ટ મોબાઇલ વાપરીએ છીએ, મોરબીનો જે વેપારી વિદેશમાં ટાઇલ્સ મોકલે છે, કે સુરતના ડાયમંડ માર્કેટનું જે એક્સપોર્ટ થાય છે, એનો મોટો હિસ્સો આ દરિયાઈ રસ્તે થઈને જાય છે. જો ચીન આખો રસ્તો પોતાના કબ્જામાં લઈ લે, તો આપણો માલ ત્યાં અટકી પડે, ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થાય અને તેની સીધી અસર તમારા ઘરના બજેટ અને રોજગારી પર પડે. આ જ કારણસર ભારત કહી રહ્યું છે કે દરિયો કોઈની જાગીર નથી, ત્યાં નિયમોનું પાલન થવું જ જોઈએ. ક્વાડની એન્ટ્રી અને ચીનનો પરસેવો પણ હવે ચીનના આ આતંકને રોકવા માટે એક બહુ મોટું ગ્રુપ મેદાનમાં ઉતરી ચૂક્યું છે. આ ગ્રુપ એટલે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું ક્વાડ ગઠબંધન. શરૂઆતમાં ચીન આ ગ્રુપની મજાક ઉડાવતું, પણ આજે એમની જમીની એક્શન જોઈને ચીનના નેતાઓને પરસેવો છૂટી ગયો છે. ક્વાડ હવે માત્ર વાતો નથી કરતું. જ્યારે મલબાર નેવલ એક્સરસાઇઝમાં અમેરિકાનું 1 લાખ ટનનું રાક્ષસી કદનું એરક્રાફ્ટ કેરિયર અને ભારતનું INS વિક્રમાદિત્ય એકસાથે સમુદ્રમાં ગર્જના કરે છે, ત્યારે ચીનને પણ પાછળ હટવું પડે છે. આ સીધો મેસેજ છે કે જો હદ વટાવી, તો ચારેય દેશો ભેગા મળીને ચીનને ચારેકોરથી ઘેરી લેશે. ડાર્ક શિપિંગ અને આકાશમાંથી પડતી બાઝનજર અહીં એક બીજી જોરદાર રમત રમાઈ રહી છે. ચીન શું કરતું? માછીમારની હોડીઓમાં પોતાના જાસૂસો અને સૈનિકો બેસાડી દેતું. પછી એ જહાજની ઓટોમેટિક ટ્રેકિંગ સિસ્ટમ બંધ કરી દેતું. જેમ તમે ફોનમાં લોકેશન બંધ કરી દો, બિલકુલ એમ જ! આને ડાર્ક શિપિંગ કહેવાય, જેથી કોઈને ખબર જ ન પડે કે ચીન ક્યાં ઘૂસી ગયું. પણ ભારતે અને ક્વાડ દેશોએ આનો જડબાતોડ ઉકેલ શોધી કાઢ્યો છે. હમણા જ અમેરિકાએ ભારતને 131 મિલિયન ડોલરની એક અત્યાધુનિક SeaVision સોફ્ટવેર સિસ્ટમ આપી છે. હવે આપણે કોમર્શિયલ સેટેલાઇટની મદદથી ચીનના જહાજોને શોધી કાઢીએ છીએ. હવે જો ચીનનું જહાજ પોતાની સિસ્ટમ બંધ કરીને રાતના અંધારામાં છુપાઈને આવશે, તો પણ આકાશમાંથી સેટેલાઇટ તેને એક્ઝેટ પકડી લેશે! આપણા ગુરુગ્રામમાં આવેલા સેન્ટરમાં બેઠા બેઠા આપણે આખા પ્રશાંત મહાસાગરનું લાઈવ લોકેશન ટ્રેક કરીને નાના દેશોને મફતમાં આપી રહ્યા છીએ. ચીનની છાતી પર બ્રહ્મોસનો ખૌફ પણ માત્ર નજર રાખવાથી કોઈ માથાભારે દુશ્મન થોડી ડરવાનો છે? ચીનને તેની જ ભાષામાં બરાબરનો પાઠ ભણાવવા માટે ભારતે એક એવો ખતરનાક માસ્ટર પ્લાન બનાવ્યો છે, જેની ડ્રેગને સપનામાં પણ કલ્પના નહોતી કરી. ભારતે ચૂપચાપ ચીનના જ આંગણામાં બારૂદનો મોટો ઢગલો કરી દીધો છે! કેવી રીતે? ચાલો સમજીએ. ‘લૂક ઈસ્ટ’ થી ‘એક્ટ ઈસ્ટ’નો આક્રમક અવતાર એક સમય હતો જ્યારે આપણી વિદેશ નીતિ લૂક ઈસ્ટ એટલે કે માત્ર પૂર્વીય દેશો તરફની જ હતી. આપણે બહુ શાંતિથી કામ લેતા અને કોઈના ડખામાં પડતા નહીં. પણ હવે સમય બદલાયો છે. હવે ભારત એક્ટ ઈસ્ટ એટેલ કે ભારતની પૂર્વમાં એક્શન લોના આક્રમક મોડમાં છે. ભારત સરકારનું નવું વિઝન છે MAHASAGAR. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે, હવે આપણે માત્ર આપણી સરહદ બચાવવા માટે રક્ષણાત્મક રમત નથી રમતા, આપણે સ્ટ્રેટેજીક રીતે સામે ચાલીને ચીનની ચારેબાજુ ઘેરાબંધી કરી રહ્યા છીએ. જરા વિચારો, તમારો કોઈ દુશ્મન તમને હેરાન કરવા તમારા ઘરની પાછળ કેમેરા લગાવે, તો તમે શું કરશો? તમે સીધા એના મેઈન દરવાજે એક ખતરનાક કૂતરો બાંધી દેશો! ભારતે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં બિલકુલ આવું જ કર્યું છે. ચીન શ્રીલંકા, માલદીવ અને પાકિસ્તાનમાં પોતાના લશ્કરી બેઝ બનાવીને હિંદ મહાસાગરમાં આપણને ઘેરવા માંગતું હતું. સામે ભારતે ચીનના પાડોશીઓને જ ઘાતક હથિયારોથી સજ્જ કરી દીધા. આપણે ચીનની બરાબર સામે એક આખો બ્રહ્મોસ બેલ્ટ બનાવી રહ્યા છીએ. ડ્રેગનના દરવાજે ભારતનું બ્રહ્માસ્ત્ર ભારત આ દેશોને શું આપી રહ્યું છે તેની ટૂંકી વિગતો જુઓ: આ બ્રહ્મોસ મિસાઈલ અવાજ કરતા ત્રણ ગણી વધારે ઝડપે ત્રાટકે છે. તેને હવામાં રોકવી દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ માટે લગભગ અશક્ય છે. આટલું ઓછું હોય તેમ ભારતે ઈતિહાસમાં પહેલીવાર પોતાનું વર્ષોથી ચાલુ યુદ્ધ જહાજ INS કૃપાણ વિયેતનામને ભેટમાં આપી દીધું! આ સિવાય ઈન્ડોનેશિયાના સુખોઈ ફાઈટર જેટ્સ માટે આપણે આપણી સ્વદેશી અસ્ત્ર મિસાઈલ પણ આપી રહ્યા છીએ. આનો સીધો મેસેજ એ છે કે, જો ચીન હિમાલયમાં કે દરિયામાં ભારતના હિતો સાથે કોઈ પણ જાતના ચેડાં કરશે, તો તેના પાડોશી દેશો ભારતની મિસાઈલોથી ચીનના જહાજોને દરિયામાં જ ખાખ કરી નાખશે. આંતરરાષ્ટ્રીય ભાષામાં આને ડિસ્ટ્રિબ્યુટેડ ડિટરન્સ કહેવાય છે. દુશ્મનના પાડોશીઓને એટલા તાકાતવર બનાવી દો કે દુશ્મન પોતાના ઘરની બહાર જ ન નીકળી શકે. આ બધાથી સામાન્ય ભારતીયને શું ફાયદો? આ બદલાતા અને શક્તિશાળી ભારતની તસવીર છે. આજે દેશનો કોઈ સામાન્ય યુવાન જ્યારે આર્મી કે નેવીમાં જોડાય છે, ત્યારે તેની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. કારણ કે તેને અને તેના પરિવારને ખબર છે કે તેનો દેશ હવે કોઈની ધમકીથી ડરતો નથી, પણ સામે ચાલીને વળતો પ્રહાર કરવાની તાકાત ધરાવે છે. આ આત્મવિશ્વાસ ભારતના દરેક નાગરિકને સુરક્ષાની ખાતરી આપે છે. ભારતનો તરતો કિલ્લો: આંદામાન નિકોબાર આ બધાની વચ્ચે ભારતનો સૌથી મોટો હુકમનો એક્કો છે… આંદામાન અને નિકોબાર ટાપુઓ. આ કોઈ સામાન્ય ફરવા જવાની જગ્યા નથી ભાઈ. સૈન્યની ભાષામાં કહીએ તો આ ભારત માટે ક્યારેય ન ડૂબે તેવું રાક્ષસી યુદ્ધ જહાજ છે! ભારતે અહીં 72,હજાર કરોડ રૂપિયાના જંગી ખર્ચે ગ્રેટ નિકોબાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અહીં એક મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લશ્કરી મથક બની રહ્યું છે. આ જગ્યા ચીનના પેલા ઓઇલવાળા મલાક્કા સ્ટ્રેટથી માંડ 150 કિલોમીટર દૂર છે. આપણે અહીં આપણા એડવાન્સ ડ્રોન અને P-8I જાસૂસી વિમાનો ગોઠવવાની તૈયારી છે. જો ભવિષ્યમાં યુદ્ધ જેવી કોઈ સ્થિતિ લાગે તો ભારતીય નેવી અહીં બેઠા બેઠા આંખના પલકારામાં ચીનનો આખો વેપાર અને ઉર્જા પુરવઠો બ્લોક કરી શકે છે. પીએમ મોદીની આ રણનીતિ માત્ર અહીં નથી અટકતી. તેઓ ઓસ્ટ્રેલિયા અને છેક ન્યૂઝીલેન્ડ પહોંચવાના છે. છેલ્લા 40 વર્ષમાં ન્યૂઝીલેન્ડ જનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. છેલ્લે 1986માં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે તેઓ ન્યૂઝીલેન્ડ ગયા હતા. મતલબ સ્પષ્ટ છે, ભારતની પહોંચ હવે માત્ર હિંદ મહાસાગર પૂરતી નથી રહી, આપણી કૂટનીતિ છેક દક્ષિણ પેસિફિકના છેવાડા સુધી પહોંચી ચૂકી છે. ચીનનો ડર અને ભારતની ચાઈના પ્લસ વન લોટરી આપણે અત્યાર સુધી મોદીની મુલાકાત, ઈન્ડોનેશિયાની ધરતી પર સાઉથ ચાઈના સીની વાત, ચીનની જમીન સહિત દરિયાની વિસ્તારવાદી નીતિ, યુદ્ધની તૈયારીઓ, મિસાઈલ અને નેવીના કાફલા વગેરે વિષયો પર ધ્યાનથી વાતો કરી. આ બધામાં એક સવાલ એવો થાય કે ભાઈ, સાઉથ ચીન સીમાં ચીન અને અમેરિકા બાખડે એમાં આપણા ઘરને કે આપણા ખિસ્સાને શું લેવાદેવા? તો એનો સીધો જવાબ છે આપણી એડવાન્સ લાઈફસ્ટાઈલ અને ગૂંચવાયેલી વૈશ્વિક સપ્લાય ચેઈન. જો ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીન નાકાબંધી કરે અથવા તાઈવાન સાથે યુદ્ધ ફાટી નીકળે, તો દુનિયાભરનો વેપાર રાતોરાત ઠપ થઈ જશે. CSISના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2022માં એકલા તાઈવાન સ્ટ્રેટમાંથી 1.3 ટ્રિલિયન ડોલરનો વેપાર પસાર થયો હતો. આ આંકડો મલાક્કા સ્ટ્રેટ કરતા પણ 33% વધુ છે! તમારા હાથમાં અત્યારે જે સ્માર્ટફોન છે, તમારા ઘરની બહાર પડેલી કારમાં જે સેમિકન્ડક્ટર (માઈક્રોચિપ) વપરાય છે, કે પછી તમે જે દવાઓ ખાઓ છો તેનો મોટાભાગનો કાચો માલ એટલે કે API અને બેટરીઓ આ જ દરિયાના રસ્તાથી આવે છે. જો ચીન આ રસ્તાઓ બંધ કરી દે, તો ભારતમાં આવતા ઇલેક્ટ્રોનિક્સ સાધનો, સોલાર પેનલ અને દવાઓના ભાવ આસમાને પહોંચશે. ટૂંકમાં કહીએ તો, ચીનની આ દરિયાઈ દાદાગીરીનો સીધો બોજ સામાન્ય ભારતીયના ખિસ્સા પર પડશે. ચાઈના પ્લસ વનની લોટરી પણ દોસ્તો, દરેક મોટી આફત પોતાની સાથે એક મોટી તક પણ લઈને આવે છે. કોરોના મહામારી અને ત્યારબાદ ચીનના આ માથાભારે વલણને કારણે પશ્ચિમી દેશોની આંખ ઊઘડી ગઈ છે. અમેરિકા અને યુરોપની મલ્ટી નેશનલ કંપનીઓને સમજાઈ ગયું છે કે હવે પોતાના તમામ ઈંડા એક જ ટોપલીમાં એટલે કે ચીનમાં રાખવા સુરક્ષિત નથી. ટૂંકમાં બધી કંપનીઓ એક જ દેશમાં ન રખાય. એટલે આ કંપનીઓએ હવે ચાઈના પ્લસ વન રણનીતિ અપનાવી રહી છે. એટલે કે, ચીન સિવાય કોઈ બીજા દેશમાં પણ પોતાની ફેક્ટરીઓ નાખવી. અને તમને જાણીને ગર્વ થશે કે આ ઓપ્શન તરીકે દુનિયા ભારત તરફ જોઈ રહી છે! ભારતે આ તક ઝડપી લેવામાં જરા પણ વિલંબ કર્યો નથી. તમે જોયું જ હશે કે હમણાં જ પીએમ મોદીએ આપણા ગુજરાતના સાણંદમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ ફેક્ટરીનું લક્ષ્ય શું છે ખબર છે? વર્ષે 5 બિલિયન એટલે કે રોજની 1.5 કરોડ મોબાઈલ-લેપટોપમાં વપરાતી સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાનું! મતલબ, આપણે હવે ચીન પર નિર્ભર રહેવાને બદલે દેશમાં જ એડવાન્સ ટેક્નોલોજીના રસ્તા ખોલી રહ્યા છીએ. બીજી બાજુ, ઈન્ડોનેશિયા સાથે ભારતની ભાગીદારી સોનાની ખાણ જેવી છે. ઈન્ડોનેશિયા પાસે આખી દુનિયાનો 21% નિકલનો ભંડાર છે. આ નિકલ ઇલેક્ટ્રિક વ્હિકલની બેટરીઓ અને ગ્રીન એનર્જી માટે ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીનો આ પ્રવાસ એ નક્કી કરે છે કે ભારતને આવનાર સમયમાં આ કાચા માલની કોઈ કમી નહીં થાય. ભારતનું UPI અને ઈન્ડોનેશિયાનું QRIS પેમેન્ટ સિસ્ટમ હવે જોડાવા જઈ રહ્યા છે, જે આર્થિક લેવડ-દેવડને એકદમ માખણ જેવું સ્મૂધ બનાવશે. ચીન માટે મોટો કૂટનીતિક પડકાર તો આખી વાતનો સાર બસ એટલો જ છે કે વડાપ્રધાન મોદીનો ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ એ કોઈ સામાન્ય ઘટના નથી, તે ચીનની દાદાગીરી સામેનો ચેકમેટ છે. ભારત ઈન્ડો-પેસિફિકમાં શાંતિ ઈચ્છે છે, પણ ચીનની સામ્રાજ્યવાદી નીતિ હવે કોઈ ભોગે ચલાવી લેવા તૈયાર નથી. ચીન માટે આ સૌથી મોટી હાર છે કે ભારત હવે માત્ર પોતાની સરહદોનું રક્ષણ કરતો દેશ નથી રહ્યો, પણ તે આખા ઈન્ડો-પેસિફિક અને ગ્લોબલ સાઉથમાં એક ભરોસાપાત્ર નેટ સિક્યુરિટી પ્રોવાઈડર બનીને ઊભરી રહ્યું છે. ચીન હવે મલાક્કા સ્ટ્રેટના ભયથી એટલું ડરી ગયું છે કે તેની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને છેલ્લે… મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પર આખી દુનિયાની નજર છે કારણ કે બંને દેશો ક્વોડ કન્ટ્રી છે. ઓસ્ટ્રેલિયામાં રેર અર્થ અને ક્રિટિકલ મિનરલ્સ છે, ચીન પાસે સૌથી વધુ છે જેના કારણે તે દાદાગીરી કરે છે પણ જો ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મામલે કોઈ ડિલ થાય તો દુનિયા અને ભારતની ચીન પર નિર્ભરતા ઓછી થશે. ઉપરથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત થશે તે બાય પ્રોડક્ટ રહેશે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)