Editor's View: રાષ્ટ્રપતિ પાગલ છે?:સાત સ્ફોટક સવાલોથી અમેરિકન સેનેટમાં સન્નાટો, હેગસેથ પરસેવે રેબઝેબ, યુદ્ધમાં ઘેરાયેલી ટ્રમ્પ સરકાર અંતે સંસદના કઠેડામાં

Last Updated: May 8, 2026By

તારીખ હતી 30 એપ્રિલ 2026, અમેરિકાના વોશિંગ્ટનમાં ઘડિયાળના ટકોરે બરોબર 11 વાગ્યાનો સમય હતો. વોશિંગ્ટન ડીસીની કેપિટલ હિલ પાસેની ડિર્કસન સેનેટ બિલ્ડિંગ અંદાજે 100 લોકોથી ખીચોખીચ ભરેલી હતી. સેનેટ હોલમાં એસી ચાલુ હતું તો પણ ટ્રમ્પના ટોપ અધિકારીઓને ઠંડીમાં પણ પરસેવો વળી રહ્યો હતો. કેપિટલ હિલ પર લાઈટો ચાલુ હતી પણ લોકશાહીના કોરિડોરમાં લગભગ અંધારું છવાયું હતું. ટ્રમ્પ સરકારના 3 હાઈ લેવલ અધિકારી, સંસદના 27 સેનેટ સહિતના લોકો ભેગા થયા હતા ઈરાન યુદ્ધના કારણે. અમેરિકાના વોર પાવર્સ એક્ટ 1973નું કહેવું છે કે રાષ્ટ્રપતિ સંસદને જાણ કર્યા વગર 60 દિવસ જ સેનાને બીજા દેશમાં હુમલો કરવા મોકલી શકે, કાયદા મુજબ અમેરિકન સૈનિકોને પાછા આવી જવાનું હોય પણ ટ્રમ્પ સહિત વ્હાઈટ હાઉસનું કહેવું હતું કે યુદ્ધ ચાલુ રહેશે. યુદ્ધના બરોબર 62મા દિવસે અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ યુદ્ધ લંબાવવા અને વધુ ડોલરની ગ્રાન્ટ મંજૂર કરાવવા સંસદના કઠેડામાં ઉભા હતા. આજે યુદ્ધને 67 દિવસ થઈ ગયા છે. યુદ્ધ મામલે સંસદે તેમને ઝપેટામાં લઈ લીધા અને સવાલોનો વરસાદ વરસાવ્યો. સેનેટ સભ્યો મુજબ કારણ વગરનું યુદ્ધ, 170થી વધુ બાળકીઓના મોત, તેલ-ગેસના આસમાને પહોંચતા ભાવ અને કરોડોની નફાખોરીના આરોપો વચ્ચે ટ્રમ્પના રક્ષામંત્રી હેગસેથની અગ્નિ પરીક્ષા ચાલી રહી હતી. એક સમાન્ય નાગરિક તરીકે સવાલ થાય કે ત્યાં શું થયું હતું? યુદ્ધ રોકાશે કે ખેંચાશે? ટ્રમ્પને રોકવા કે યુદ્ધને રોકવું? આવા જ ખતરનાક સવાલોની ડાર્ક ફાઈલને આજે આપણે ખોલીને લોકોના બધા સવાલોના જવાબ આપીશું. નમસ્કાર… આ આખી વાત કરતા પહેલા આપણે થોડું ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. 1960ના દાયકા પછી અમેરિકા અને વિયેતનામનું યુદ્ધ ચાલ્યું હતું. જેમાં અમેરિકાને આર્થિક અને જાનમાલ બંનેનું ભારે નુકસાન થયું હતું. જેનાથી બોધપાઠ લઈને અમેરિકાને 1973માં કાયદો બનાવ્યો. કારણ હતું કે રાષ્ટ્રપતિ કે કોઈ ચોક્કસ નેતા પોતાની મરજીથી દેશને લાંબા અને ખર્ચાળ યુદ્ધમાં ન ઝોંકી દે. આ કાયદા મુજબ, રાષ્ટ્રપતિએ કોઈ પણ સેના બીજા દેશમાં મોકલે તો 48 કલાકમાં સંસદને જાણ કરવી પડે છે. ટ્રમ્પે 28 ફેબ્રુઆરી 2026એ ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યું તેના પછી 2 માર્ચે સંસદને સૈન્ય કાર્યવાહી વિશે જાણકારી આપી હતી. ટૂંકમાં કાયદાકીય રીતે 2 માર્ચથી અમેરિકા યુદ્ધમાં ઝોંકાઈ ગયું હતું. 1 મેના રોજ યુદ્ધને 60 દિવસ પૂરા થયા હતા. હવે અમેરિકાના નિયમ મુજબ જો સંસદે યુદ્ધ માટે ઓફિશિયલ મંજૂરી ન આપી હોય તો રાષ્ટ્રપતિ પાસે માત્ર 30 દિવસ વધે છે અને એ પણ સૈનિકોને સુરક્ષિત રીતે અમેરિકા પાછા લાવવા માટે. ટૂંકમાં રાષ્ટ્રપતિ 60 દિવસથી વધુ યુદ્ધ સંસદની મંજૂરી વગર ખેંચી ન શકે. પણ અહીં તો કંઈક અલગ જ ખેલ ચાલી રહ્યો છે. જો પીટ હેગસેથનો આ તર્ક માની લેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ પણ રાષ્ટ્રપતિ લશ્કરી કવાયત કે યુદ્ધના 59મા દિવસે સીઝફાયર જાહેર કરી દેશે અને ફરી યુદ્ધ શરૂ કરીને નવી 60 દિવસનો ટાઈમ મેળવી લેશે. જો આવું થાય તો સંસદની સત્તા જ શૂન્ય થઈ જાય. ટૂંકમાં પૂરી વાર્તાનો સાર એ થઈ જાય કે આવું કહીને પીટ હેગસેથ એકરીતે અમેરિકાના બંધારણની મૂળ ભાવના પર જ એટેક કરે છે. કોણ છે પીટ હેગસેથ? ન્યૂઝરૂમથી પેન્ટાગોનની સફર આ આખી લડાઈના સેન્ટરમાં છે પીટ હેગસેથ. એક સમયે જે વ્યક્તિ ફોક્સ ન્યૂઝના સ્ટુડિયોમાં બેસીને એનાલિસિસ આપતા હતા, આજે તે દુનિયાની સૌથી શક્તિશાળી સેનાના ડિફેન્સ સેક્રેટરી છે. પણ ડિફેન્સ સેક્રેટરી બનવા પર સેનેટમાં ગઈકાલે તેમની લાયકાત પર સવાલો ઉઠ્યા કે તેઓ અનુભવ વગર રક્ષામંત્રી બની ગયા છે. આ પીટ હેગસેથ માટે સૌથી નેગેટિવ વાત હતી. સેનેટર જેક રીડે તેમને સીધો સવાલ કર્યો કે, “તમે ક્યારેય 1.3 મિલિયન સૈનિકોની ફોજ અને 800 અબજ ડોલરનું બજેટ સંભાળ્યું નથી, તો તમે પેન્ટાગોન ચલાવવા માટે સક્ષમ કઈ રીતે?” હેગસેથ પર આરોપ છે કે તેમણે અનુભવી જનરલોને હટાવીને માત્ર રાષ્ટ્રપતિને હામાં હા મિલાવતા લોકોની ટીમ બનાવી છે. આપણી ભાષામાં આને પોલિટિકલ પર્જ એટલે કે રાજકીય શુદ્ધિકરણ કહેવાય, જે સૈનાના મનોબળ માટે ખતરનાક સાબિત થઈ શકે છે 170 માસૂમ જીવનો હિસાબ કોણ આપશે? આ સુનાવણી માત્ર કાયદાની વાત નહોતી, તે માનવતાની પણ વાત હતી. જ્યારે ઈરાનમાં એક કન્યા શાળા પર થયેલા હુમલાનો ઉલ્લેખ થયો, ત્યારે સેનેટમાં સોપો પડી ગયો હતો. અમેરિકાની મિસાઈલથી 170થી વધુ બાળકીઓના મોત થયા. આ કોઈ આંકડો નહોતો, એક આખી પેઢીનો અંત હતો. હેગસેથે જ્યારે એમ કહ્યું કે, “યુદ્ધમાં આવી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે,” ત્યારે સેનેટમાં તેને વોર ક્રિમિનલ કહીને નવાજમાં આવ્યા. અહીં સવાલ એ ઊભો થાય છે કે શું અમેરિકાની AIવાળી સિસ્ટમ ખરેખર એટલી પર્ફેક્ટ છે? કે પછી સૈન્ય લક્ષ્યાંકો નક્કી કરવામાં ઉતાવળ કરવામાં આવી રહી છે? જ્યારે સેનેટર કિર્સ્ટન ગિલીબ્રાન્ડે લોકોની જાનહાનિ પર પ્રશ્ન કર્યો, ત્યારે વહીવટીતંત્રનો બચાવ ઘણો નબળો જણાયો હતો. શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાગલ છે? એક વિસ્ફોટક સવાલ સુનાવણી દરમિયાન સૌથી મોટો ધડાકો સારા જેકબ્સે કર્યો. તેમણે ટ્રમ્પના સોશિયલ મીડિયા પરના વર્તન અને એઆઈ-જનરેટેડ પોસ્ટ્સને ક્વોટ કરીને પૂછ્યું કે, “શું આપના કમાન્ડર-ઈન-ચીફ માનસિક રીતે સ્ટેબલ છે?” આ સવાલ ભલે રાજકીય લાગતો હોય, પણ તેની પાછળ એક ઊંડી ચિંતા છે. જ્યારે કોઈ નેતા આખી સભ્યતાને ખતમ કરવાની ધમકી આપતો હોય, ત્યારે સેના અને જનતામાં અસુરક્ષાની ભાવના જન્મે છે. હેગસેથે આને પક્ષપાતી સવાલ કહીને ફગાવી દીધો, પણ આ સવાલે એ સાબિત કરી દીધું કે આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પણ પર્સનલ ક્રેડિબિલિટીની બની ગઈ છે. યુદ્ધ કરીને ટ્રમ્પ કે સરકાર નફાખોરી કરી રહી છે? જ્યારે સેનેટની સુનાવણીમાં કાયદાકીય પાસાઓની ચર્ચા ચરમસીમા પર હતી, ત્યારે સેનેટર એલિઝાબેથ વોરને એક એવો મુદ્દો છંછેડ્યો જેણે આ આખા યુદ્ધની મોરાલિટી પર મોટો ક્વેશ્ચન માર્ક ઊભો કરી દીધો. વોશિંગ્ટનના સત્તાના ગલિયારાઓમાં અત્યારે સૌથી મોટો ટોકિંગ પોઈન્ટ ઈન્સાઈડર ટ્રેડિંગ અને વોર પ્રોફિટીયરિંગ એટલે કે યુદ્ધમાંથી નફાખોરી રહ્યો છે. સેનેટર એલિઝાબેથ વોરને પુરાવા સાથે આક્ષેપ કર્યો કે ટ્રમ્પ સરકારના કે પરિવારના અત્યંત નજીકના લોકો પાસે યુદ્ધની મહત્વની હિલચાલની માહિતી અગાઉથી હતી અને તેનો ઉપયોગ શેરબજારમાં અબજો રૂપિયા કમાવવા માટે કરવામાં આવ્યો છે. જનતાને મોંઘવારી ને નેતાઓ માથે ડોલરિયો વરસાદ? સૌથી ચોંકાવનારી વિગત એ હતી કે પોલીમાર્કેટ જેવા બેટિંગ પ્લેટફોર્મ્સ પર તેલના ભાવ ઉછળવાની અને યુદ્ધની મહત્વની જાહેરાતોના સમય અંગેની પર્ફેક્ટ શરતો લાગુ કરવામાં આવી હતી. સેનેટર એલિઝાબેથ વોરને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વોર ઈઝ ગ્રેટ જેવી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર આવે તેના બરાબર 47 મિનિટ પહેલા જ તેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શું આ માત્ર યોગાનુયોગ હોઈ શકે? હેગસેથે આને માર્કેટ ઇન્ટ્યુશન એટલે કે અમેરિકન રોકાણકારોની કોઠાસૂઝ ગણાવીને બચાવ કર્યો, પણ આ જવાબ કોઈના ગળે ઉતર્યો નથી. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલો મુજબ, હેગસેથના પોતાના બ્રોકરે યુદ્ધ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલા સંરક્ષણ ક્ષેત્રના ETFમાં મોટું રોકાણ કર્યું હતું. આ વિગતો જ્યારે સાર્વજનિક થઈ, ત્યારે સામાન્ય અમેરિકન નાગરિક જે મોંઘવારીની આગમાં શેકાઈ રહ્યો છે, તેને એવો અહેસાસ થયો કે આ યુદ્ધ કદાચ લોકશાહી બચાવવા માટે નહીં, પણ અમુક લોકોના ખિસ્સા ભરવા માટે લડાઈ રહ્યું છે. 126 ડોલરના તેલે અમેરિકન્સનું બજેટ ખોરવ્યું આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ 126 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ઈરાન સાથેના યુદ્ધના કારણે હોર્મુઝનું જલડમરું લગભગ બંધ જેવી હાલતમાં છે. દુનિયાની 20-22% તેલની સપ્લાય અહીંથી પસાર થાય છે, અને જ્યારે આ રસ્તો જોખમમાં હોય, ત્યારે તેની સીધી અસર ન્યુયોર્કથી લઈને નવી દિલ્હી સુધીના સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. અમેરિકામાં ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે, જેણે ફૂગાવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સેનેટર માર્ક કેલીએ ઈકોનોમિક મોરચે વહીવટીતંત્રને ઘેરતા પૂછ્યું કે, “જ્યારે તમે દાવો કરો છો કે યુદ્ધ જીતી ગયા છીએ, તો પછી વધારાના 500 અબજ ડોલરના ઈમરજન્સી ફંડની તમારે શું જરૂર છે?” આ પ્રશ્ન અત્યંત વાજબી છે. એક બાજુ સરકાર વિજયના નગારા વગાડે છે અને બીજી બાજુ અમેરિકન સરકાર આવનાર વર્ષ માટે 1.5 ટ્રિલિયન ડોલરનું જંગી સંરક્ષણ બજેટ માંગે છે. આ 40% નો વધારો એ વાતનો પુરાવો છે કે અમેરિકન સેનાના ભંડારો ખાલી થઈ રહ્યા છે. યુદ્ધમાં વપરાતી એડવાન્સ મિસાઇલ્સ અને દારૂગોળાનું પ્રોડક્શન જે ગતિએ થવું જોઈએ, તે સ્પીડથી થઈ રહ્યું નથી. આ ઈકોનોમિક બોજ લાંબા ગાળે અમેરિકાને એવી પાયમાલી બાજુ ધકેલી શકે છે જેમાંથી બહાર આવતા અમેરિકાને દાયકાઓ નીકળી જાય. ટ્રમ્પ સરકારમાં યસ મેનની સંસ્કૃતિ જોખમ? સેનેટર જેક રીડે સુનાવણી દરમિયાન નિરીક્ષણ કરીને એક સ્ફોટક સવાલ કર્યો. તેમણે હેગસેથને કહ્યું, “તમે રાષ્ટ્રપતિને એ નથી કહેતા જે તેમને જાણવાની જરૂર છે, પણ એ કહો છો જે તેમને સાંભળવું ગમે છે.” આ એક પ્રકારની ઇકો ચેમ્બર કહેવાય. જ્યારે દેશના ટોપ લેવલના ડિફેન્સ એડવાઈઝર અને મંત્રીઓ પ્રેસિડેન્ટના યસ મેન બની જાય, ત્યારે સૌથી વધુ જોખમ સૈનિકોના જીવ પર આવી જાય છે.
અમેરિકન સૈનિકોના મનમાં ઘૂઘવતા સવાલો હેગસેથ પર આરોપ છે કે તેમણે વોરિયર કલ્ચર લાવવાના નામે એવા જનરલોને હટાવ્યા છે જેઓ ન્યૂટ્રલ ઓપિનિયન આપતા હતા. ખાસ કરીને મહિલા અને લઘુમતી અધિકારીઓને જે રીતે નિશાન બનાવવામાં આવ્યા, તેનાથી અમેરિકાની સેનાની અંદર એક અણગમો ફેલાયો છે. સેનેટર મેઝી હિરોનોએ હેગસેથના એ જૂના સ્ટેટમેન્ટને યાદ અપાવ્યા જેમાં તેમણે મહિલાઓને કોમ્બેટ રોલ માટે ગેરવાજબી ગણાવી હતી. આજે જ્યારે ઈરાનના મોરચે અમેરિકન મહિલા સૈનિકો બહાદુરીથી લડી રહી છે, ત્યારે હેગસેથના આવા પૂર્વગ્રહો કે બાયસનેસ સેનાની યુનિટીને તોડે છે. શું એક ડિફેન્સ સેક્રેટરી પોતાના પર્સનલ પ્રિજુડાઈસને દેશની સિક્યોરિટીથી ઉપર રાખી શકે? આ સવાલ આજે દરેક અમેરિકન પૂછી રહ્યો છે. 21મી સદીના આતંકવાદનો વિવાદ ઈથિક્સ અને ઈન્ટરનેશનલ લૉના મોરચે પણ ટ્રમ્પ સરકાર નવી ડેફિનેશન્સ લખવાની ટ્રાય કરી રહ્યું છે. સુનાવણીમાં જ્યારે કોઈને જીવતા ન છોડવા અથવા યુદ્ધબંદી ન બનાવવાની વાત આવી, ત્યારે હેગસેથનો જવાબ ખરેખર ડરામણો હતો. તેમણે કહ્યું કે “21મી સદીના આતંકવાદીઓ સામે લડવા માટે જૂના ઈન્ટરનેશનલ લોઝ અને જીનીવા કન્વેન્શનને અપડેટ કરવાની જરૂર છે.” હેગસેથના આ સ્ટેટમેન્ટનો અર્થ એ થયો કે અમેરિકા હવે યુદ્ધના એવા નિયમોને નહીં માને જે દાયકાઓથી માણસની ડિગ્નિટી મેઈનટેઈન કરવા માટે બનાવવામાં આવ્યા છે. જો દુનિયાની મહાસત્તા જ કાયદા માનવાનો ઇનકાર કરે, તો પછી ઈરાન, રશિયા કે ચીન પાસે ઈથિકલ બિહેવિયરની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આના પર સેનેટર જીન શાહીને આકરી ટીકા કરતા કહ્યું કે આ પ્રકારની માનસિકતા અમેરિકાને ગ્લોબલ લેવલે એકલું પાડી દેશે. અમેરિકાનો પાવર ખાલી તેના હથિયારોમાં જ નથી, પણ તેના ઈથિક્સ અને વેલ્યુમાં પણ રહી છે. જો મૂલ્યો જ ખતમ થઈ જશે, તો આ યુદ્ધમાં જીત્યા પછી પણ અમેરિકા હારી જશે. ઈરાન પછી શું? આ ચર્ચામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ અમેરિકાનું યુદ્ધનું એક્ઝિટ સ્ટેન્ડ શું છે? સરકારે સ્વીકાર્યું છે કે ઈરાનની હાલની નેતાગીરી સાથે શાંતિ મિશન ઈમ્પોસિબલ છે. પણ જો આ સરકાર ઉથલાવી દેવામાં આવે, તો તેના પછી કોણ? અફઘાનિસ્તાન અને ઈરાકના કડવા અનુભવો આપણી સામે છે. જ્યારે કોઈ દેશમાં પાવર વેક્યુમ સર્જાય છે, ત્યારે ત્યાં ઉગ્રવાદ અને અરાજકતા જન્મ લે છે. હેગસેથે ઈરાનના ન્યૂક્લિયર ઠેકાણાઓના કાયમી ખતમ કરી દેવાની વાત કરી છે, પણ શું તે માત્ર બોમ્બમારો કરવાથી પોસિબલ છે? એક્સપર્ટ્સનું માનવું છે કે ન્યૂક્લિયર નોલેજને બોમ્બથી ખતમ કરી શકાતું નથી. આ લડાઈમાં ઈરાન હવે રશિયાની વધુ નજીક ગયું છે. રશિયાથી ઈરાનને મળતી સૈન્ય મદદ અને ચીન સાથેની તેમની વધતી સાંઠગાંઠ અમેરિકા માટે નવો માથાનો દુખાવો સાબિત થઈ શકે છે. અમેરિકામાં ચાલી રહેલી ઈન્ટરનલ પોલિટિકલ લડાઈનો ફાયદો દુશ્મન દેશો ઉઠાવી શકે છે. તેમને ખબર છે કે જ્યાં સુધી વોશિંગ્ટન અંદરોઅંદર લડશે, ત્યાં સુધી ગ્લોબલ મોરચે અમેરિકાની પકડ નબળી પડતી જશે. અશાંત દુનિયાની ઈમેજ અને અમેરિકાનું પતન તાજેતરના ગેલપ ઇન્ટરનેશનલ સર્વે મુજબ, દુનિયાના 80% લોકો આ યુદ્ધ માટે અમેરિકા અને ઈઝરાયેલને જવાબદાર માની રહ્યા છે. અમેરિકાની જે છબી એક શાંતિ સ્થાપક તરીકેની હતી, તે હવે એક આક્રમક દેશ તરીકેની બની રહી છે. સાથી દેશો, ખાસ કરીને યુરોપિયન યુનિયનના સભ્યો, અમેરિકાના આ વનસાઈડેટ ડિસિઝન્સથી નારાજ છે. તેમને ડર છે કે આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. અમેરિકાની અંદર પણ જનતામાં ફાટ પડી છે. એક પક્ષ માને છે કે ઈરાનને પાઠ ભણાવવો જરૂરી છે, જ્યારે બીજી પાર્ટી માને છે કે આ યુદ્ધ ખાલી એક પોલિટિકલ સ્ટંટ જ છે. આ પાર્ટીશન સેનેટની સુનાવણીમાં ચોખ્ખી દેખાઈ રહી હતી. રિપબ્લિકન સેનેટર્સે હેગસેથનો બચાવ એ રીતે કર્યો જાણે તેઓ કોઈ પક્ષના કાર્યકર હોય, અને ડેમોક્રેટ્સે હુમલા એ રીતે કર્યા જાણે તેઓ દેશના હિતની ચિંતા જ ન કરતા હોય. પણ સત્ય આ બંનેની વચ્ચે ક્યાંક દબાઈ ગયું છે. શું અમેરિકન કોર્ટ્સ આ મડાગાંઠ ઉકેલશે? વોર પાવર્સ એક્ટની ડેડલાઇન પૂરી થઈ ગઈ છે અને ટ્રમ્પ સરકારે પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. 1983ના એક ચુકાદા પછી સંસદની સત્તા પર જે મર્યાદાઓ આવી હતી, તેને ટ્રમ્પ સરકાર પોતાની ઢાલ બનાવી રહી છે. જો ન્યાયતંત્ર આ મામલે વચ્ચે નહીં પડે, તો અમેરિકામાં પ્રેસિડેન્શિયલ તાનાશાહીના બીજ રોપાઈ જશે.
સત્તાની સાઠમારીમાં સત્ય-માણસાઈ ICUમાં આવનાર દિવસોમાં જ્યારે બજેટ પર મતદાન થશે, ત્યારે અસલી કસોટી થશે. શું કોંગ્રેસ સરકારના ફંડ પર રોક લગાવી શકશે? શું જનતાનો આક્રોશ ગેસના ભાવોના સ્વરૂપમાં રસ્તાઓ પર ઉતરશે? આ તમામ પ્રશ્નોના જવાબો આપણને આવનારો સમય જ કહેશે. પણ અત્યારે તો સિચ્યુએશન એવી છે કે વોશિંગ્ટનની સત્તાની સાઠમારીમાં સત્ય અને માનવતા બંને આઈસીયુ જીવન-મરણના ઝોલા ખાય છે. પણ, જ્યારે વોશિંગ્ટનમાં એરકન્ડિશન્ડ હોલમાં બેસીને આંકડાઓની માયાજાળ ગૂંથવામાં આવતી હોય, ત્યારે ઈરાનના રણમેદાનમાં પરિસ્થિતિ સાવ અલગ હોય છે. સેનેટની સુનાવણીમાં જે આંકડો સૌથી વધુ ખૂંચ્યો તે હતો 13 અમેરિકન સૈનિકોના મોત અને 400થી વધુ ઘાયલ. આ આંકડો માત્ર અમેરિકન સૈન્ય ઇતિહાસનો હિસ્સો નથી, પણ તે 13 પરિવારોની બરબાદી છે. ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે વારંવાર આયર્નક્લેડ કમિટમેન્ટ શબ્દનો ઉપયોગ કર્યો, એટલે લોખંડ જેવું મજબૂત અને અડગ વચન, જે કોઈ પણ સંજોગોમાં તોડી શકાય નહીં. પણ શું આ કમિટમેન્ટ મેદાન પર લડતા સૈનિકોના જીવ બચાવવા માટે પૂરતી છે? ટ્રમ્પ સરકાર અને સૈનિકોની દુવિધા સુનાવણી દરમિયાન એ બહાર આવ્યું કે અમેરિકન સૈન્ય અત્યારે હાઈ-ટેક વોરફેર અને લો-ટેક ગેરિલા યુદ્ધ વચ્ચે ફસાયેલું છે. ગુપ્ત અહેવાલો પ્રમાણે ઈરાને તેના મિસાઈલોને અંડરગ્રાઉન્ડ મિસાઈલ સિટીઝમાં છુપાવી દીધા છે, જે પેન્ટાગોનના સૌથી એડવાન્સ ડ્રોનથી પણ ટ્રેક કરવા મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં, સૈનિકોનું મનોબળ ત્યારે તૂટે છે જ્યારે તેમને ખબર પડે કે જે યુદ્ધ માટે તેઓ લડી રહ્યા છે, તેની કાનૂની મંજૂરી બાબતે તેમના જ દેશમાં આટલો મોટો વિવાદ છે. જ્યારે સેનેટર જેક રીડે હેગસેથને સૈન્યના વોરિયર કલ્ચર વિશે પૂછ્યું, ત્યારે તેનો છુપાયેલો અર્થ એ હતો કે શું આપણે સૈનિકોને લડવૈયા બનાવી રહ્યા છીએ કે માત્ર રાજકીય મોહરા? યુદ્ધના મેદાનમાં જ્યારે સૈનિકને ખબર પડે કે તેના જ સેક્રેટરી ઓફ ડિફેન્સ પર નફાખોરીના આક્ષેપો છે, ત્યારે તેની વફાદારી ડગમગવા લાગે છે. ગોલ્ડન ડોમ અને મિસાઈલ ડિફેન્સની માયાજાળ રિપબ્લિકન સેનેટર ડેબ ફિશરે સુનાવણી દરમિયાન ગોલ્ડન ડોમ મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ પર ઘણો ભાર મૂક્યો. આ પ્રોગ્રામ અમેરિકન આકાશને ઈરાની મિસાઈલોથી સુરક્ષિત રાખવાનો દાવો કરે છે. પણ અહીં સવાલ એ છે કે શું હથિયારો પાછળ ખર્ચાતા અબજો ડોલર ખરેખર શાંતિ લાવી શકે? હેગસેથે 1.5 ટ્રિલિયન ડોલરના બજેટને વ્યાજબી ઠેરવતા કહ્યું કે અમારે માત્ર ઈરાન સામે જ નહીં, પણ રશિયા અને ચીન સામે પણ ન્યુક્લિયર ડેટરન્સ જાળવી રાખવો પડશે. યુદ્ધના બ્લેકહોલમાં અમેરિકન વિકાસ હોમાયો? પણ, ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે આ પ્રકારની હથિયારોની રેટ રેસ દુનિયાને પરમાણુ યુદ્ધના ઉંબરે લાવી દે છે. 1983ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રાષ્ટ્રપતિ પાસે જે સત્તાઓ આવી છે, તેનો ઉપયોગ કરીને ટ્રમ્પ સરકાર આ ગોલ્ડન ડોમને અમેરિકાની નવી ઓળખ બનાવવા માંગે છે. પણ વિરોધ પક્ષનો તર્ક છે કે જો આ ડોમ એટલો જ મજબૂત છે, તો પછી ઈરાન સામેના યુદ્ધમાં આટલી જાનહાનિ કેમ થઈ? શું આ બજેટનો મોટો હિસ્સો ખરેખર રિસર્ચમાં જઈ રહ્યો છે કે પછી તે ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિકોના ખિસ્સામાં જઈ રહ્યો છે? આ એક એવો બ્લેક હોલ છે જેમાં અમેરિકાના એજ્યુકેશન અને હેલ્થનું બજેટ હોમાઈ રહ્યું છે. “હેગસેથ વોર ક્રિમિનલ છે” ના સૂત્રોચ્ચાર સુનાવણી દરમિયાન જ્યારે કેપિટલ હિલની બહાર શાંતિ અને માનવ અધિકારો માટે કામ કરતા કોડપિંકના વિરોધ પ્રદર્શનકારીઓએ “હેગસેથ વોર ક્રિમિનલ છે” ના સૂત્રોચ્ચાર કર્યા, ત્યારે તે માત્ર એક પક્ષપાતી વિરોધ નહોતો. તે અમેરિકાની સામાન્ય જનતાના એ હિસ્સાનો અવાજ હતો જે ફોરેવર વોરથી કંટાળી ગઈ છે. 2027ના બજેટને ટેકો આપનારા રિપબ્લિકન સેનેટર રોઝર વિકરે ભલે સૈનાની કેપેસિટી વધારવાની વાત કરી હોય, પણ શેરીઓમાં લોકો ગેસના વધતા ભાવ અને જીવનજરૂરી ચીજોની કમી સામે લડી રહ્યા છે. ટ્રમ્પ સરકારની આ બંધારણીય કસોટી માત્ર અમેરિકા માટે નહીં, પણ આખી વિશ્વ માટે એક બોધ-પાઠ છે. કે જ્યારે કોઈ દેશમાં ઈગો એ કાયદા કરતા મોટો થઈ જાય, ત્યારે લોકશાહી જોખમમાં હોય છે. હવે જોવાનું એ રહેશે કે અમેરિકન સેનેટ અને જનતા આ કાયમી યુદ્ધના ઓથારમાંથી દેશને કઈ રીતે બહાર કાઢે છે. અને છેલ્લે… આ ઘટનાના બીજા જ દિવસે, એટલે કે 1 મે 2026ના રોજ બુદ્ધ પૂર્ણિમા હતી. એક તરફ વ્હાઈટ હાઉસ બોમ્બ ગણી રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારત બુદ્ધના શાંતિના દીપ પ્રગટાવી રહ્યું હતું. બુદ્ધે કહ્યું હતું કે, જ્યારે કોઈ સમસ્યા આવે, ત્યારે તરત પ્રતિક્રિયા ન આપો; પહેલા થોભો, વિચારો અને પછી નિર્ણય લો. સવાલ એ છે કે યુદ્ધમાં ઝોંકાયેલા ટ્રમ્પ સુધી ભારતથી બુદ્ધનો આ સંદેશ પહોંચશે? કારણ કે જો શક્તિનો જવાબ શક્તિ જ હોય તો યુદ્ધ જીતી જવાય પણ એના લીધે માણસાઈ કાયમ માટે હારી જશે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)