EPFOની UAN સેવાઓ હવે મોબાઇલ પર:ઉમંગ એપથી નવો UAN બનાવો, એક્ટિવેટ કરો અને આધાર ફેસ-ઓથેન્ટિકેશનથી એકાઉન્ટ વેરિફાય કરો
એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO એ ઉમંગ એપ પર તેની ડિજિટલ સેવાઓમાં વધારો કર્યો છે. હવે પીએફ ખાતાધારકો આધાર-આધારિત ફેસ-ઓથેન્ટિકેશન દ્વારા મોબાઈલથી જ પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN જનરેટ, એક્ટિવેટ અને ઓથેન્ટિકેટ કરી શકે છે. ઓર્ગેનાઈઝેશનની આ પહેલનો હેતુ EPFO સેવાઓ સુધી પહોંચને સરળ બનાવવાનો અને ફિઝિકલ કે મેન્યુઅલ વેરિફિકેશન પર નિર્ભરતાને સમાપ્ત કરવાનો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેની જાહેરાત કરતા જણાવ્યું કે સભ્યો હવે ઉમંગ એપ દ્વારા સીધા UAN ફાળવી, એક્ટિવેટ અને ઓથેન્ટિકેટ કરી શકે છે. UAN એક્ટિવેટ થયા પછી, સભ્યો EPF બેલેન્સ ચેક કરવા, પાસબુક ડાઉનલોડ કરવા, ક્લેમ સ્ટેટસ ટ્રેક કરવા અને KYC વિગતો અપડેટ કરવા જેવી તમામ સુવિધાઓનો લાભ ઘરે બેઠા લઈ શકશે. નવું UAN આ રીતે જનરેટ અને એક્ટિવેટ કરો આ સુવિધા ખાસ કરીને તે કર્મચારીઓ માટે ખૂબ ફાયદાકારક છે જેઓ પ્રથમ વખત EPF સિસ્ટમ સાથે જોડાઈ રહ્યા છે. નવું UAN બનાવવા માટે કર્મચારી પાસે એક માન્ય આધાર નંબર, આધાર-લિંક્ડ મોબાઇલ નંબર અને ‘Aadhaar Face RD’ એપ્લિકેશન હોવી જરૂરી છે. જૂના UAN ધારકો પણ મોબાઈલથી એક્ટિવેશન કરી શકશે જે કર્મચારીઓનો UAN પહેલેથી જ જનરેટ થયેલો છે પરંતુ હજુ સુધી એક્ટિવેટ થયો નથી, તેઓ ઉમંગ એપ પર ઉપલબ્ધ ‘UAN Activation’ વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. આ માટે યુઝરને પોતાનો UAN, આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને સંમતિ આપવી પડશે. OTP વેરિફિકેશન પૂર્ણ થયા પછી UIDAI સિસ્ટમ દ્વારા ફેસ-ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. વેરિફિકેશન પૂર્ણ થતાં જ UAN એક્ટિવેટ થઈ જશે. કર્મચારીને SMS દ્વારા UAN અને એક ટેમ્પરરી પાસવર્ડ મળી જશે. આ સાથે જ EPFO ડેટાબેઝમાં કર્મચારીનો વેરિફાઈડ ફોટો અને સરનામું આપમેળે અપડેટ થઈ જશે. એક્ટિવેટેડ UAN માટે ફેસ-ઓથેન્ટિકેશનની સુવિધા જે સભ્યોનો UAN પહેલેથી જ સક્રિય છે, તેમના માટે એપ પર ‘Face Authentication of Already Activated UANs’ નો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં સભ્ય પોતાની સંમતિ આપીને ફેસ-ઓથેન્ટિકેશન પૂર્ણ કરશે. ત્યારબાદ UIDAI સિસ્ટમ ઓળખને ચકાસીને આધાર અને UAN સંબંધિત માહિતી મેળવી લેશે. ચકાસાયેલ વિગતોનો ઉપયોગ EPFO રેકોર્ડ્સને આપમેળે અપડેટ કરવા માટે કરવામાં આવશે, જેથી અલગથી ઓથેન્ટિકેશન કરાવવાની જરૂર નહીં પડે. ઓથેન્ટિકેશન નિષ્ફળ જાય તો શું કરવું? એપ પર પ્રક્રિયા દરમિયાન કેટલીક તકનીકી સમસ્યાઓ આવી શકે છે. જેમ કે- ખોટો આધાર અથવા મોબાઇલ નંબર, OTP ન મળવો, ફેસ-ઓથેન્ટિકેશન નિષ્ફળ જવું અથવા UAN પહેલેથી જ અસ્તિત્વમાં હોવાનો મેસેજ દેખાવો. આવી સ્થિતિમાં યુઝર્સ ફરીથી પોતાની વિગતો દાખલ કરી શકે છે, ફરીથી OTP મંગાવી શકે છે અથવા ફરીથી ફેસ-સ્કેનનો પ્રયાસ કરી શકે છે. જો આ પછી પણ સમસ્યા ચાલુ રહે છે, તો સભ્યોને હેલ્પડેસ્ક અથવા સપોર્ટ ટીમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. ઉમંગ એપને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ વિભાગ (NeGD) દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપ ઘણી સરકારી સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવે છે. EPFOની આ નવી સેવા સાથે, હવે PF સંબંધિત મહત્વપૂર્ણ કાર્યો સંપૂર્ણપણે ડિજિટલ અને સેલ્ફ-સર્વિસ મોડેલ પર આવી ગયા છે. નોલેજ પાર્ટ: ‘આધાર ફેસ RD’ એપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે? આધાર ફેસ RD (ફેશિયલ ઓથેન્ટિકેશન ટેકનોલોજી), UIDAI દ્વારા વિકસિત એક સત્તાવાર એપ છે. આના દ્વારા વપરાશકર્તાને ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેનર જેવા કોઈપણ બાયોમેટ્રિક ડિવાઇસની જરૂર પડતી નથી. આ ફક્ત તમારા સ્માર્ટફોનના ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને ચહેરાનો લાઇવ સ્કેન કરે છે અને UIDAIના ડેટાબેઝ સાથે મેચ કરીને તરત જ ઓળખની પુષ્ટિ કરે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

