Gandhinagar : સ્થાનિક સ્વરાજની શાંતિપૂર્ણ ચૂંટણી માટે DGP એક્શનમાં, હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓ સામે કડક પગલાં લેવા આદેશ

Last Updated: April 6, 2026By

ગુજરાત રાજ્યમાં આગામી 26 એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે રાજ્ય પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. આજે રાજ્ય પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં ગાંધીનગર પોલીસ ભવન ખાતે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને કમિશનર સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ચૂંટણીનું જાહેરનામું અને સુરક્ષા વ્યવસ્થા

રાજ્યમાં 1 એપ્રિલથી આચારસંહિતા અમલી બની છે. 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે. ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે એડીજીપી (ATS) અમિત વિશ્વકર્માની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યા છે કે, લાંબા સમયથી ફરાર આરોપીઓ, હિસ્ટ્રીશીટરો અને અસામાજિક તત્વો સામે ‘પાસા’ (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે.

વધારાનું પોલીસ બળ અને સરહદો પર સીલિંગ

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 9 હજાર જેટલા તાલીમબદ્ધ LRD રિક્રુટ્સ અને વન વિભાગના અધિકારીઓને પણ ચૂંટણી ફરજમાં તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને દાહોદ જેવા સંવેદનશીલ વિસ્તારો અને આંતરરાજ્ય સરહદો પર સઘન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવા સૂચના અપાઈ છે. બદલી થયેલા અધિકારીઓને 24 કલાકમાં હાજર થઈ સંવેદનશીલ મતદાન કેન્દ્રોનું નિરીક્ષણ કરવા જણાવાયું છે.

રાજ્યભરમાં ફૂટ પેટ્રોલિંગ અને મોબાઈલ પેટ્રોલિંગ

15 એપ્રિલ પછી ઉમેદવારોની આખરી યાદી જાહેર થતા જ રાજ્યભરમાં ફૂટ પેટ્રોલિંગ અને મોબાઈલ પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. આઈબી (IB) ની ટીમો સતત મોનિટરિંગ કરશે જેથી ૨૩ એપ્રિલે યોજાનારી ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અને 26 એપ્રિલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો કોઈપણ ભય વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે. રાજ્ય પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો—-      Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી