Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને અમિત શાહની ડિનર ડિપ્લોમસીથી રાજકારણ ગરમાયુ

Last Updated: February 17, 2026By

ગુજરાતમાં હાલમાં ભાજપના સંગઠનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહની આજની ડિનર ડિપ્લોમસી ચર્ચામાં છે. અમિત શાહે આજે રાજ્યમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે અમિત શાહની આ ડિનર ડિપ્લોમસીને કારણે ભાજપના કાર્યકરોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાત્રી ભોજન સમારંભ

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં જરૂર જણાય ત્યાં મોટા ફેરફારો અને જ્યાં નારાજગી ઉભી થઈ હોય ત્યાં ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી થઈ રહી છે. આ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સૂચક ભોજન સમારંભ યોજાયો છે.

ચૂંટણી પહેલાની આ ડિનર ડિપ્લોમસી ચર્ચાનું કેન્દ્ર બની

ચૂંટણી પહેલાની આ ડિનર ડિપ્લોમસી ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ હાજર રહ્યાં છે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહા મંત્રી રત્નાકર સહિત સંગઠનના પ્રદેશ પદાધિકારીઓની પણ હાજરી જોવા મળી છે. રાજ્યમાં ઠેર ઠેર ભગવો લહેરાવવા માટે આ ડિનર ડિપ્લોમસીમાં ચર્ચાઓ થઈ શકે છે. આગામી ત્રણ દિવસ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ગુજરાતની મુલાકાતે આવશે. આજે જ રાજ્યમાં ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે અને આજે જ અમિત શાહે આ સૂચક ડિનર ડિપ્લોમસી યોજતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Junagadh News: મૃગી કૂંડમાં નાગા સાધુઓ વચ્ચે ડૂબકી મારવી મોંઘી પડી, કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ