Gandhinagar News : IPS અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું, ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે
વર્ષ 2006ની બેચના IPS મનોજ નિનામાએ પોલીસ સેવામાંથી રાજીનામુ આપ્યુ છે અને હવે તેઓ રાજ્યકક્ષાના મંત્રી પૂર્વ IPS પી.સી બરંડાની જેમ પોતાના વતનમાંથી રાજકારણમાં ઝંપલાવશે. મનોજ નિનામા છઠ્ઠી એપ્રિલને સોમવારની સાંજ સુધી IGP તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં કાર્યરત હતા. મંગળવારે મોડી સાંજે તેમનું રાજીનામુ સ્વિકારી લેવાયાનું પોલીસ ભવન સ્થિત ટોચના અધિકારીએ સ્વિકાર્યુ છે. અરવલ્લીના ભિલોડાના વર્તુળોમાં થતી ચર્ચા મુજબ રાજીનામું આપનારા મનોજ નિનામા ભાજપમાંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે.
ભાજપ રિટાર્યડ ઓફિસરોને મેદાનમાં ઉતારશે
આ ચૂંટણીમાં ભાજપના કાર્યકરોમાંથી યુવાનો, ટેકનોસેવી, વહિવટી કુનેહ ધરાવતા અનુભવીઓની સાથે રિટાર્યડ ઓફિસરોને પણ ઉતારવાની તૈયારી કરી રહ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ હાઈકમાન્ડે ત્રણ ટર્મ ચૂંટણી લડનારા, 60 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ જેમના પરીવારમાંથી કોઈ પણ વ્યક્તિ પદાધિકારી હોય તેમને ટિકિટ નહી આપવા અંગે સિધ્ધાંત અપનાવ્યો છે.
આવતીકાલ સુધીમાં ભાજપની યાદી આવી શકે
ભાજપમાંથી અધિકૃતપણે 15 મ્યુ. કોર્પોરેશન, 81 પાલિકાઓ તેમજ 261 તાલુકા અને 34 જિલ્લા પંચાયતોની 10005 બેઠકો માટે ક્યારે ઉમેદવારો અંગે યાદી જાહેર થશે તેનો ફોડ પાડવામા આવી રહ્યો નથી. પરંતુ, પહેલા જ દિવસ મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની પંચાયત, પાલિકા અને મ્યુ. કોર્પોરેશન એમ ત્રણ સંસ્થાઓના ઉમેદવારોની ચર્ચા હાથ ધરવામાં આવી હોવાથી બુધવારની રાતથી ગુરૂવારે સવાર સુધીમાં ભાજપના ઉમેદવારોના નામો જાહેર થશે તેમ મનાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ફોર્મ ભારવા માટે રાજ્ય ચૂંટણી આયોગે શનિવાર સુધીનો સમય મુકરર કર્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad : ફતેવાડીમાં યુવકે માતા અને પત્ની પર છરીથી કર્યો જીવલેણ હુમલો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

