Health News : કેમ શિયાળામાં ઘૂંટણના દુખાવો વધે છે? હેલ્થ એક્સપર્ટે આપ્યું આ કારણ
શિયાળામાં શરદી અને ઉધરસની સામાન્ય સમસ્યાની લોકોની ફરિયાદ રહે છે. આ ઉપરાંત મહિલાઓ અને વયસ્ક લોકોમાં સાંધાના દુખાવાની પણ ફરિયાદ વધે છે. શિયાળામાં જ કેમ સાંધાના દુખાવો થાય છે. ખાસ કરીને વૃદ્ધો, સંધિવાના દર્દીઓ અને સાંધાની સમસ્યાઓ ધરાવતા લોકો ઠંડીમાં ભયંકર દુખાવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. સાંધામાં થતા આ દુખાવાના કારણે બેસવું, ઊભા રહેવું અને ચાલવું મુશ્કેલ બને છે. આખરે કેમ શિયાળામાં જ સાંધાની સમસ્યા વધે છે, તેને લઈને હેલ્થ એક્સપર્ટે આ કારણો આપ્યા.
શિયાળામાં જ કેમ વધે છે સાંધાની સમસ્યા
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ શિયાળામાં ઘૂંટણ અને સાંધાનો દુખાવો વધવો એ એક સામાન્ય સમસ્યા છે. શિયાળામાં વાતાવરણનું દબાણ ઘટે છે. જ્યારે દબાણ ઓછું થાય, ત્યારે આપણા શરીરના સ્નાયુઓ, અસ્થિબંધન (Ligaments) અને સાંધાની આસપાસની પેશીઓ સહેજ ફૂલે છે. સાંધામાં જગ્યા મર્યાદિત હોવાને કારણે, આ સોજો ચેતાઓ (Nerves) પર દબાણ લાવે છે, જેનાથી દુખાવો અનુભવાય છે. સાંધામાં ‘સિનોવિયલ ફ્લુઇડ’ નામનું એક પ્રવાહી હોય છે, જે ગ્રીસ જેવું કામ કરે છે. ઠંડીના કારણે આ પ્રવાહી ઘટ્ટ (થોડું જામી ગયેલું) થઈ જાય છે. પરિણામે સાંધામાં લુબ્રિકેશન ઓછું થાય છે અને હલનચલન વખતે જકડન કે દુખાવો અનુભવાય છે. વધુમાં, શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશનો અભાવ વિટામિન ડીની ઉણપ તરફ દોરી શકે છે, જે હાડકાં અને સાંધાઓને નબળા પાડે છે.
આર્યુવેદમાં સાંધાના દુખાવાનું કારણ
આયુર્વેદમાં સાંધાના દુખાવો થવા પાછળ વાત દોષમાં વધારો થવાનું કારણ આપે છે. આયુર્વેદ અનુસાર, ઠંડુ અને શુષ્ક હવામાન વાત દોષમાં વધારો કરે છે, જેના કારણે સાંધામાં શુષ્કતા, દુખાવો અને જડતા આવે છે. શરીરમાં રહેલો મ્યુકોસ કફ, જે કુદરતી રીતે સાંધાને લુબ્રિકેટ કરે છે, તે વાત વધવાને કારણે સુકાવા લાગે છે. આ જ કારણ છે કે શિયાળામાં ઘૂંટણની સમસ્યાઓ વધુ જોવા મળે છે. વાયુદોષ ઉપરાંત ઠંડીમાં લોકો આળસ વધુ જોવા મળે છે. કસરત ઓછી કરવાથી તેમજ લાંબો સમય બેસી રહેવાથી સાંધા જકડાઈ જાય છે (Stiffness), જે પાછળથી હલનચલન વખતે દુખાવો વધારે છે.
સાંધાના દુખાવામાં ઘરગથ્થુ ઉપચાર અસરકારક
આયુર્વેદિક સારવાર અને ઘરગથ્થુ ઉપચાર આ દુખાવામાં નોંધપાત્ર રાહત આપી શકે છે. સૌથી સરળ અને અસરકારક ઉપાય તેલ માલિશ છે. તલના તેલ અથવા મહાનારાયણ તેલથી દરરોજ ઘૂંટણ પર હળવા હાથે માલિશ કરવાથી સાંધા ગરમ થાય છે અને જડતા ઓછી થાય છે. સવારે ખાલી પેટે પલાળેલા મેથીના દાણા ખાવાથી પણ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે મેથીમાં ગરમીની અસર હોય છે અને બળતરા ઘટાડવામાં મદદ મળે છે. હળદર અને આદુનો ઉકાળો પીવાથી આંતરિક બળતરા ઓછી થાય છે અને સાંધા મજબૂત બને છે. દુખાવાવાળા ભાગ પર ગરમ પાણીની કોથળીથી શેક કરવાથી રાહત મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

