Heart Attck : સાવધાન! ભારતીયોમાં કેમ વધી રહ્યું છે હાર્ટ એટેકનું જોખમ, જાણો તેના કારણો અને બચવાના ઉપાયો

Last Updated: January 27, 2026By

ભારતમાં હૃદય રોગ હવે માત્ર વૃદ્ધોની બીમારી રહી નથી. તે ઝડપથી એક ગંભીર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી બની રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતીયોમાં હૃદયરોગના હુમલા 10 વર્ષ વહેલા જોવા મળી રહ્યા છે. આનું એક મુખ્ય કારણ ખરાબ કોલેસ્ટ્રોલ અથવા LDLનું વધવું માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે ભારતીયોમાં હાર્ટએટેકના કિસ્સાનું પ્રમાણ વધવાનું કારણ આનુવંશિક પણ હોઈ શકે છે. કારણ કે અમુક વારસાગત લક્ષણો ભારતીયોને નાની ઉંમરે હૃદય રોગ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. 

ભારતીયોમાં હૃદયરોગના હુમલા વધવાના મુખ્ય કારણો

ખરાબ કોલેસ્ટ્રોલ હૃદયરોગનું કારણ: સામાન્ય રીતે લોહીમાં વધતું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) હૃદય રોગનું મુખ્ય કારણ ગણાય છે.  ભારતીયોની શારીરિક રચના અલગ છે. પશ્ચિમમાં જે કોલેસ્ટ્રોલ લેવલને ‘મધ્યમ’ કે ‘સામાન્ય’ ગણવામાં આવે છે, તે ભારતીયો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણા શરીરમાં ઓછા કોલેસ્ટ્રોલ સ્તરે પણ ધમનીઓમાં બ્લોકેજ થવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.

આનુવંશિકતા અને અનિયમિત જીવનશૈલી : આ ઉપરાંત આનુવંશિકતા અને અનિયમિત જીવનશૈલી પણ જવાબદાર મનાય છે. ભારતીયોમાં હૃદય રોગ વધવા પાછળ આપણું આનુવંશિક બંધારણ (Genetic Makeup) મુખ્ય ભૂમિકા ભજવે છે. આપણું શરીર ચરબી અને ખાંડને જે રીતે પચાવે છે, તે પશ્ચિમી લોકો કરતા ભિન્ન છે. આ જિનેટિક કારણોસર જ 20 કે 30 વર્ષની ઉંમરના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. જંક ફૂડ, ખાંડવાળા નાસ્તા અને વધુ ચરબીવાળા ખોરાકનું સેવન વધ્યું છે. આ સાથે શારિરિક પ્રવૃત્તિનો અભાવ પણ લોકોમાં જોવા મળ્યો છે.

હૃદયરોગના હુમલાથી બચવાના ઉપાય

પરિવારમાં હૃદય રોગનો ઇતિહાસ હોય તો 30 વર્ષની ઉંમર પછી નિયમિત ‘લિપિડ પ્રોફાઇલ’ ટેસ્ટ કરાવવો જોઈએ. દૈનિક આહારમાં ફળો, લીલા શાકભાજી અને આખા અનાજને પ્રાધાન્ય આપો. પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો અને નિયમિત વ્યાયામ કરો. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવા અથવા સાઇકલિંગ જેવી હળવી કસરત કરવી. વજન નિયંત્રણમાં રાખો. તેમજ પૂરતી ઊંઘ, યોગ અને મેડિટેશન કરી તણાવથી દૂર રહી માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વર્ષમાં એકવાર ડોક્ટરની સલાહ મુજબ લોહીની તપાસ કરાવો.

આ પણ વાંચો : Hair Care Tips : શું ખરેખર હેલ્મેટ વાળની સમસ્યા વધારે છે, હેર એક્સપર્ટે જણાવી હકીકત આપી ટિપ્સ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )