ICCની વન-ડે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં અક્ષર ટૉપ-10માં પહોંચ્યો:3 સ્થાનની છલાંગ લગાવી, નવમા સ્થાને પહોંચ્યો; ગિલ નંબર-1 બનવાથી માત્ર 11 પોઇન્ટ દૂર

Last Updated: July 15, 2026By

ICC એ 15 જુલાઈએ વન-ડે રેન્કિંગ જાહેર કરી. તેમાં ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ત્રણ સ્થાનની છલાંગ લગાવીને નવમા નંબર પર પહોંચી ગયો છે. શુભમન ગિલ બીજા સ્થાને યથાવત છે અને નંબર-1 બેટર બનવાથી માત્ર 11 રેટિંગ પોઇન્ટ દૂર છે. જ્યારે, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં સસ્તામાં આઉટ થવા છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટૉપ-5 બેટર્સમાં સ્થાન જાળવી રાખ્યું છે. અક્ષરે ઇંગ્લેન્ડ સામે મેચ જીતાડી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં અક્ષર પટેલે પહેલા 4 વિકેટ લીધી, પછી 52 બોલમાં અણનમ 57 રનની મેચ વિનિંગ ઇનિંગ રમીને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શનની અસર ICCની તાજેતરની વન-ડે રેન્કિંગમાં પણ જોવા મળી. અક્ષર બેટર્સની રેન્કિંગમાં 18 સ્થાનની છલાંગ લગાવીને 73મા, બોલરોમાં બે સ્થાનના સુધારા સાથે 42મા અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર ચઢીને નવમા નંબર પર પહોંચ્યો છે. 213 રેટિંગ પોઇન્ટ્સ સાથે તે તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ પર છે. આ પહેલા તે 7 જુલાઈએ જાહેર થયેલી રેન્કિંગમાં 12મા સ્થાને પહોંચ્યો હતો. આ યાદીમાં અફઘાનિસ્તાનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ 316 પોઇન્ટ્સ સાથે ટોચ પર છે. જ્યારે, મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વોશિંગ્ટન સુંદર બેટર્સની રેન્કિંગમાં 177મા અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં 55મા સ્થાને પહોંચી ગયો. ગિલ નંબર-1 થી માત્ર 11 રેટિંગ પોઇન્ટ્સ દૂર ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 259 રનના ટાર્ગેટને ચેઝ કરતા કેપ્ટન શુભમન ગિલે 75 બોલમાં 80 રન બનાવ્યા. તે ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થઈને પાછો ફર્યો, પરંતુ તેની ઇનિંગ્સ ભારતની જીતનો પાયો સાબિત થઈ. આ પ્રદર્શનથી તેને 12 રેટિંગ પોઇન્ટ મળ્યા અને તે 803 પોઇન્ટ સાથે વન-ડે બેટર્સની રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. હવે તે ટોચ પર રહેલા ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલથી માત્ર 11 રેટિંગ પોઇન્ટ પાછળ છે. જ્યારે, પહેલી વન-ડેમાં સસ્તામાં આઉટ થયા હોવા છતાં વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને યથાવત છે. બોલરોમાં કુલદીપને નુકસાન, બુમરાહ 24મા સ્થાને વન-ડે બોલરોની રેન્કિંગમાં કુલદીપ યાદવ એક સ્થાન નીચે સરકીને આઠમા નંબર પર આવી ગયો. તે ભારતનો એકમાત્ર ટૉપ-10 બોલર છે. કુલદીપ પહેલી વન-ડેમાં રમ્યો નહોતો. જસપ્રીત બુમરાહે કમબેક મેચમાં 1 વિકેટ લીધા બાદ 24મા અને મોહમ્મદ સિરાજ 19મા સ્થાને છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓને પણ ફાયદો થયો હાર છતાં જો રૂટ 76 રનની ઇનિંગ્સ બાદ સંયુક્ત 12મા સ્થાને પહોંચી ગયો. લિયમ ડૉસન 81 સ્થાનની છલાંગ લગાવીને 262મા નંબર પર આવી ગયો. T20 રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી બ્રુક 12 સ્થાનના સુધારા સાથે સાતમા અને જોસ બટલર છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. જોફ્રા આર્ચર ચાર મેચમાં સાત વિકેટ લઈને સંયુક્ત 18મા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ પણ છલાંગ લગાવી વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં 5 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના જેડન લેનોક્સ 31 સ્થાનની છલાંગ લગાવીને 66મા સ્થાને પહોંચી ગયો. વેસ્ટ ઇન્ડીઝના શાઈ હોપ બેટિંગ રેન્કિંગમાં છઠ્ઠા અને કેસી કાર્ટી ટૉપ-20માં સામેલ થયા. જ્યારે ઝિમ્બાબ્વેનો બેન કરન 34મા સ્થાને પહોંચ્યો, જ્યારે બ્રેડ ઇવાન્સે બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર ત્રણેય રેન્કિંગમાં મોટો સુધારો કર્યો.

Leave A Comment