ICC મોટી ટુર્નામેન્ટમાં IND-PAK મેચ કેમ કરાવવા માગે છે?:એક મુકાબલો 27-28 કરોડ લોકો જોવે છે; 5 કારણો અને ફેક્ટ્સથી સમજો

Last Updated: February 4, 2026By

પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવાની ના પાડી દીધી છે. આમ છતાં ટીમ ઈન્ડિયા 15 ફેબ્રુઆરીએ કોલંબો જવા રવાના થશે, જ્યાં મેચ રમાવાની છે. ટીમ પ્રેક્ટિસ પણ કરશે, પરંતુ મેચ થશે કે નહીં, તેનો નિર્ણય મેચ રેફરી જ કરશે. વર્લ્ડ કપની વચ્ચે આ વિવાદથી પણ મોટો સવાલ એ છે કે છેલ્લા 12-13 વર્ષથી દરેક ICC ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં કેમ રહે છે? 1992માં પહેલીવાર બંને ટીમ વર્લ્ડ કપના સ્ટેજ પર સામસામે આવી હતી. ત્યારથી 34 વર્ષમાં 9 વન-ડે વર્લ્ડ કપ, 9 T20 વર્લ્ડ કપ અને 9 ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ. 27 ટુર્નામેન્ટમાં 22 વખત ભારત-પાકિસ્તાન મેચ જરૂર થઈ. 18માં ભારત અને માત્ર 4માં પાકિસ્તાનને જીત મળી. અવારનવાર આ પેટર્નને રાજનીતિ સાથે જોડીને જોવામાં આવે છે, પરંતુ સત્ય તેનાથી ઘણું આગળ છે. વ્યુઅરશિપ, બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ અને ટુર્નામેન્ટ ડિઝાઇન જેવા અનેક કારણોને લીધે ICC પણ દર વખતે ભારત-પાકિસ્તાન મેચ કરાવવા માગે છે. 5 કારણોથી સમજીએ… 1. એક મેચ 27 થી 28 કરોડ લોકો જુએ છે ભારત-પાકિસ્તાનનો મુકાબલો હવે માત્ર ક્રિકેટ નથી રહ્યો, તે એક ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે. આંકડા જણાવે છે કે ક્રિકેટ ઈતિહાસની ટૉપ-10 સૌથી વધુ જોવાયેલી મેચમાં 6 ભારત-પાક. વચ્ચેની જ છે. ભારતમાં આ મેચને સરેરાશ 20 થી 22 કરોડ લોકો જુએ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં આ આંકડો 27 થી 28 કરોડ સુધી પહોંચી જાય છે. આ જ કારણ છે કે ICC દરેક મોટી ટુર્નામેન્ટમાં ઓછામાં ઓછો એક ભારત-પાક મેચ તો શેડ્યૂલ કરવાનો પ્રયાસ કરે જ છે. આને ઉદાહરણથી સમજીએ… 2019 વન-ડે વર્લ્ડ કપમાં કુલ 48 મેચ થઈ, જેને ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ મળીને 70.60 કરોડ દર્શકોએ જોઈ, એટલે કે પ્રતિ મેચ આશરે 1.47 કરોડ દર્શકો. તે જ ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો સૌથી અલગ રહ્યો. આ એકમાત્ર મેચને 27 કરોડ દર્શકોએ જોયો, જે વર્લ્ડ કપની કુલ વ્યુઅરશિપના લગભગ 35% હતો. જોકે, ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી મેચ 2011ના વર્લ્ડ કપની સેમિફાઈનલ હતી. તેને 49.50 કરોડ લોકોએ જોઈ હતી. ICCની વિચારધારા એવી રહે છે કે મોટા નંબર્સ માત્ર ફાઈનલ કે સેમિફાઈનલ સુધી મર્યાદિત ન રહે. જો લીગ સ્ટેજમાં જ હાઈ વ્યુઅરશિપ મળી જાય, તો ટુર્નામેન્ટ શરૂઆતથી જ હાઈ ગિયરમાં દોડવા લાગે છે. એટલા માટે જ ભારત-પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવે છે. 2. બ્રોડકાસ્ટર્સનું દબાણ ICCની ભારત-પાક નીતિ પાછળનું સૌથી મોટું ફેક્ટર પૈસા છે. 2024 થી 2027ના મીડિયા રાઈટ્સને ICCએ 3 બિલિયન ડોલર (આશરે 24 હજાર કરોડ રૂપિયા)માં વેચ્યા છે. આટલી મોટી રકમ ચૂકવનારા બ્રોડકાસ્ટર્સ એ રિસ્ક લેવા માગતા નથી કે ભારત-પાક મેચ માત્ર નોકઆઉટ પર નિર્ભર રહે, જ્યાં એક ટીમ વહેલી બહાર થઈ જવાથી આખો પ્લાન ફેલ થઈ શકે છે. ગ્રુપ સ્ટેજમાં ભારત-પાક મેચ રાખવાથી ICC અને બ્રોડકાસ્ટર્સને હાઈ TRP મળે છે. આ જ વિચારધારા હેઠળ T20 વર્લ્ડ કપ 2026માં પણ ભારત-પાકિસ્તાન મેચ રવિવાર, 15 ફેબ્રુઆરીએ રાખવામાં આવી. શેડ્યૂલિંગ પૂરી રીતે વ્યુઅરશિપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું. રવિવારે વધુમાં વધુ દર્શકો મેચ જોવા માટે ભેગા થાય છે, જેનાથી વ્યુઅરશિપ ઝડપથી વધી જાય છે. 3. ક્રિકેટ ટૂરિઝમથી હોસ્ટ સિટીને ફાયદો ભારત-પાકિસ્તાન મેચનો અર્થ થાય છે હાઉસફુલ સ્ટેડિયમ. ટિકિટની ડિમાન્ડ એટલી વધારે હોય છે કે આ મેચની ટિકિટ ઘણીવાર ફાઈનલની ટિકિટ કરતા પણ મોંઘી વેચાય છે. આમ છતાં ફેન્સ મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચી જાય છે. બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ, જાહેરાત અને ડિજિટલ વ્યુઅરશિપ દરેક માપદંડ પર ભારત-પાક મેચ બાકી મેચ કરતા આગળ રહે છે. ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ માને છે કે ઘણીવાર એકલી ભારત-પાક મેચ આખી ટુર્નામેન્ટના રેવેન્યુ ગ્રાફને ઉપર ખેંચી લે છે. આ કમાણીનો ક્રિકેટ ટૂરિઝમ તરીકે હોસ્ટ સિટીને સીધો ફાયદો મળે છે. ભારત અને પાકિસ્તાન જ નહીં, પરંતુ દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી ફેન્સ તે શહેરમાં પહોંચે છે, જ્યાં આ મેચ રમાય છે. આનું મોટું ઉદાહરણ 2015નો વર્લ્ડ કપ મેચ છે, જે મેલબોર્નમાં રમાઈ હતી. ફક્ત આ મેચ માટે આશરે 30 હજાર ભારતીય અને પાકિસ્તાની ફેન્સ મેલબોર્ન પહોંચી ગયા હતા. પરિણામ- હોટલ બુકિંગ ફુલ, ફ્લાઇટ્સ મોંઘી, લોકલ ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરાં અને નાના વેપારીઓની ચાંદી. 4. ઇમોશન્સ જે મેચને મસ્ટ વોચ બનાવી દે છે ભારત-પાકિસ્તાન મુકાબલાને ખાસ બનાવનારી સૌથી મોટી તાકાત તેનું ઇમોશનલ કનેક્શન છે. 1992 વર્લ્ડ કપમાં જાવેદ મિયાંદાદનું કિરણ મોરેની નકલ કરવી હોય કે 1996 વર્લ્ડ કપમાં વેંકટેશ પ્રસાદનું આમિર સોહેલને આઉટ કર્યા બાદ સેન્ડ-ઑફ આપવું, આવા દ્રશ્યો આ રાઇવલરીની ઓળખ બની ચૂક્યા છે. આ ઇમોશનલ એન્ગેજમેન્ટનો સીધો ફાયદો ICCને મળે છે. હાઈ-વ્યુઅરશિપ, સ્પોન્સરશિપ અને ગ્લોબલ એટેન્શનને કારણે ભારત-પાકિસ્તાન મેચ માત્ર ક્રિકેટની રમત નહીં, પરંતુ કમાણી અને ક્રેઝ બંને રીતે ICCની સૌથી મોટી ‘મસ્ટ વોચ’ ઇવેન્ટ બની જાય છે. 5. ક્રિકેટની El Clasico જેમ ફૂટબોલમાં રિયલ મેડ્રિડ-બાર્સેલોના કે બ્રાઝિલ-આર્જેન્ટિનાની રાઇવલરી દુનિયાભરમાં એક અલગ ઓળખ ધરાવે છે, તેમ જ ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન મેચ પણ એક ગ્લોબલ બ્રાન્ડ બની ચૂકી છે. તેથી શેડ્યૂલ ભલે ગમે તેવું હોય, ભારત-પાકિસ્તાનની ટક્કરને બહાર રાખવી હવે લગભગ અશક્ય બની ગઈ છે. ભારત-પાકિસ્તાન મેચ સાથે જોડાયેલા 3 ફેક્ટ્સ… 1. 2012 પછી દરેક ICC ઇવેન્ટમાં ભારત-પાક મેચ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે બાઇલેટરલ સિરીઝમાં ક્રિકેટ બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિ થોડી સુધરતા 2012માં પાકિસ્તાન ટીમ છેલ્લીવાર ભારત પ્રવાસે આવી હતી, પરંતુ ત્યારબાદથી બંને દેશો વચ્ચે કોઈ બાઇલેટરલ સિરીઝ થઈ શકી નથી. પરિણામ એ આવ્યું કે ભારત અને પાકિસ્તાનની ટક્કર હવે માત્ર મલ્ટીનેશન ટુર્નામેન્ટ્સ સુધી મર્યાદિત રહી ગઈ. આ મજબૂરીને ICCએ ધીમે ધીમે કોમર્શિયલ અવસરમાં ફેરવી દીધી. 2011 વર્લ્ડ કપમાં બન્ને ટીમ અલગ-અલગ ગ્રુપમાં હતી, પરંતુ સેમિફાઈનલમાં સામસામે આવી ગઈ. આ પછી લગભગ દરેક મોટી ICC ટુર્નામેન્ટમાં કોઈને કોઈ સ્ટેજ પર ભારત-પાક મુકાબલો જોવા મળ્યો. 2012 પછી અત્યાર સુધી ICC ઇવેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન 12 વાર ટકરાયા છે. આ મેચમાં ભારતનું વર્ચસ્વ રહ્યું છે. ટીમે 10 મેચ જીતી, જ્યારે પાકિસ્તાન માત્ર 2 વાર જીતી શક્યું. જોકે, આમાં એક 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પણ હતી. 2. 35 વર્ષમાં 22 ICC મેચ ICC ટુર્નામેન્ટ્સમાં ભારત-પાકિસ્તાનની પહેલી ટક્કર 1992 વન-ડે વર્લ્ડ કપમાં થઈ હતી. આ પછી છેલ્લા 34 વર્ષોમાં ICCની ત્રણ મોટી ઇવેન્ટ્સ વન-ડે વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીને મળીને બંને ટીમ 22 વાર સામસામે આવી ચૂકી છે. તાજેતરની ટક્કર 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં થઈ હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. 3. પહેલગામ હુમલા બાદ પણ પેટર્ન ન બદલાઈ પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું અને તેની અસર સ્પોર્ટ્સ ડિપ્લોમેસી પર પણ જોવા મળી. BCCIએ સત્તાવાર રીતે વાંધો નોંધાવ્યો હતો કે ભવિષ્યની ICC ટુર્નામેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવામાં આવે. આમ છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં. એશિયા કપ દરમિયાન તર્ક આપવામાં આવ્યો કે ટુર્નામેન્ટ ACC હેઠળ થાય છે, તેથી ગ્રુપિંગમાં ફેરફાર શક્ય નથી. ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2026માં પણ એ જ જૂની પેટર્ન જોવા મળી, જ્યાં ભારત અને પાકિસ્તાનને ફરી એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા. એશિયા કપ ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને ACC પ્રમુખ મોહસિન નકવીએ ટીમ ઈન્ડિયાને ટ્રોફી આપી ન હતી, જેનાથી આયોજન પર પણ સવાલો ઉઠ્યા હતા. આ આખા એશિયા કપમાં ઈન્ડિયન ટીમે પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ પણ મિલાવ્યા ન હતા.

Leave A Comment