Indian Origin NASA Astronaut Anil Menon Reaches ISS Soyuz MS 29; Research Mission Details VIDEOS
- Gujarati News
- International
- Indian Origin NASA Astronaut Anil Menon Reaches ISS Soyuz MS 29; Research Mission Details VIDEOS | Medicine & Aging
2 કલાક પેહલા
- કૉપી લિંક
નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના અંતરિક્ષ યાત્રી અને ભારતીય મૂળના અનિલ મેનન અને રશિયાના બે કોસ્મોનોટ્સ પ્યોત્ર દુબ્રોવ અને એના કિકિનાની સોયુઝ MS-29 (Soyuz MS-29) સ્પેસક્રાફ્ટ દ્વારા 15 જુલાઈ 2026, બુધવારે વહેલી સવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચ્યા હતા.

ભારતીય મૂળના નાસાના એસ્ટ્રોનોટ અનિલ મેનન અને રશિયાના બે કોસ્મોનોટ્સ ISS પહોંચ્યા.
અંતરિક્ષમાંથી પૃથ્વી જોઈને ગદગદ થઈ ગયા
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પહોંચ્યાના એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં અનિલ મેનને ભ્રમણકક્ષામાં તેમના પ્રથમ કલાકોની ઝલક શેર કરી છે. અનિલ મેનને ISSમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર વીડિયો પોસ્ટ કર્યો. આ સાથે જ તેમણે લખ્યું, ‘ભ્રમણકક્ષામાં પ્રથમ દિવસ અને હું આ પૃથ્વી માટે કૃતજ્ઞતા, પ્રેમ અને સુંદરતાથી અભિભૂત છું, જે આપણે શેર કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક તરફથી નમસ્તે (હેલો)!’

અનિલ મેનનની X પોસ્ટ.
વીડિયોમાં અનિલ મેનને વર્ષોની મહેનત બાદ આખરે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના અનુભવો શેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમનું ધ્યાન ભ્રમણકક્ષામાં પહોંચવાની ટેકનિકલ સફળતા કરતાં એ લોકો તરફ વધુ હતું, જેમણે તેમની આ સફરને શક્ય બનાવી હતી.
સાથીઓનો આભાર વ્યક્ત કર્યો
તેમણે જણાવ્યું કે, તેઓ પૃથ્વીની સુંદરતા જોઈને તેમજ દરેક પ્રત્યેના આદર અને પ્રેમની લાગણીથી ગદગદ થઈ ગયા છે. સ્પેસ સ્ટેશન સુધી પહોંચવાના પોતાના સંઘર્ષને યાદ કરતા તેમણે એના, ગ્રેસ અને જેમ્સનો આભાર માન્યો અને કહ્યું કે આ લોકોએ જ તેમના સપનાને હકીકતમાં બદલવામાં મદદ કરી છે.

અનિલ મેનને તમામ સાથીઓનો આભાર માન્યો.
અનિલ મેનને યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ ફોર્સના સભ્યોને પણ સંબોધિત કર્યા હતા અને તેમને ‘ગાર્ડિયન્સ’ તરીકે ઓળખાવ્યા. અવકાશ અભિયાનોની વિશાળતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, અવકાશ એ માનવજાત માટે કામ કરવાનું સૌથી મોટું ક્ષેત્ર છે અને તેમાં સેવા આપતા લોકોના ખભા પર ખૂબ જ મોટી જવાબદારી રહેલી છે.
સવા ત્રણ કલાકમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પહોંચ્યા
રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસ (Roscosmos)નું આ સ્પેસક્રાફ્ટ મંગળવારે (14 જુલાઈ, 2026) ભારતીય સમય અનુસાર રાત્રે 8:17 વાગ્યે બાયકોનુર કોસ્મોડ્રોમ પરથી રવાના થયું હતું. બરાબર એ જ સમયે આ સ્પેસ સ્ટેશન પણ કોસ્મોડ્રોમની ઉપરથી પસાર થઈ રહ્યું હતું. પ્રારંભિક ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટે 8 મિનિટના ચઢાણ પછી સોયુઝ MS-29 સ્પેસક્રાફ્ટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોંચવા માટે લગભગ ત્રણ કલાકનો સમય લીધો અને રાત્રે 11:52 વાગ્યે (IST) તે સ્ટેશનના ‘પ્રિચાલ મોડ્યુલ’ સાથે સફળતાપૂર્વક જોડાઈ ગયું હતું.

ત્રણેય અવકાશયાત્રી અને કોસ્મોનટ્સ 8 મહિના સુધી સંશોધન કરશે.
ત્યારબાદ અંતરિક્ષ યાત્રીઓએ સ્પેસક્રાફ્ટ અને સ્પેસ સ્ટેશનની અંદર વિવિધ ટેકનિકલ તપાસ શરૂ કરી હતી અને આશરે રાત્રે 2:00 વાગ્યે (IST) સ્પેસક્રાફ્ટનો દરવાજો (હેચ) ખોલ્યો હતો. જોકે, ટ્રેકિંગ અને ડેટા રિલે સેટેલાઇટમાંથી સિગ્નલ ગુમાવવાના કારણે સ્પેસક્રાફ્ટનો દરવાજો ખુલવાનો હતો, ત્યારે જ સ્પેસ સ્ટેશનનું લાઈવ વીડિયો પ્રસારણ કપાઈ ગયું હતું. પરંતુ, સેટેલાઇટ ફરીથી રેન્જમાં આવતા જ 12 મિનિટ બાદ લિંક ફરી સ્થાપિત થઈ ગઈ હતી.
અનિલ મેનનની પહેલી અવકાશયાત્રા
સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ આ ત્રણેય સભ્યો નાસાના અંતરિક્ષ યાત્રી જેસિકા મીર, જેક હેથવે અને ક્રિસ વિલિયમ્સ, યુરોપિયન સ્પેસ એજન્સીની સોફી એડેનોટ અને રોસકોસ્મોસના કોસ્મોનટ્સ સેર્ગેઈ કુદ-સ્વર્તકોવ, સેર્ગેઈ મિકાએવ અને આન્દ્રે ફેદ્યાએવ સાથે જોડાયા હતા. મેનન, દુબ્રોવ અને કિકિનાનું આ મિશન લગભગ આઠ મહિના ચાલશે અને તેઓ એપ્રિલ 2027માં પૃથ્વી પર પાછા ફરવાના છે. નાસાના જણાવ્યા અનુસાર અનિલ મેનનની આ પ્રથમ અવકાશયાત્રા છે, જ્યારે રશિયન કોસ્મોનટ્સ પ્યોત્ર દુબ્રોવ અને એના કિકિનાની આ બીજી અવકાશયાત્રા છે.

અવકાશયાત્રી બન્યા પહેલાં અનિલ મેનન ડૉક્ટર હતા.
કોણ છે અનિલ મેનન?
મિનેપોલિસમાં યુક્રેનિયન અને ભારતીય ઈમિગ્રન્ટ્સ દંપતીને ત્યાં જન્મેલા અનિલ મેનન ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને યુએસ સ્પેસ ફોર્સના કર્નલ છે. અનિલ મેનનના પિતા કે.પી. શંકરન મેનન કેરળના પાલક્કાડ જિલ્લાના ઓટ્ટાપલમના વતની છે. તેમનાં માતા એલિઝાબેથ યુક્રેનથી અમેરિકા સ્થળાંતરિત થયાં હતાં. અનિલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ડિગ્રી મેળવતા પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીમાં ન્યુરોબાયોલોજીનો અભ્યાસ કર્યો હતો. 49 વર્ષના અનિલ મેનન પોલિયો રસીકરણના અભિયાનના અભ્યાસ અને સમર્થન માટે રોટરી એમ્બેસેડર સ્કોલર તરીકે ભારતમાં એક વર્ષ પણ વિતાવી ચૂક્યા છે.

પરિવાર સાથે અનિલ મેનન.
યુએસ એરફોર્સમાં તેમની સેવા દરમિયાન, તેમણે ‘ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ’ દરમિયાન અફઘાનિસ્તાનમાં સરહદ પર સેવા આપી હતી અને માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકોની સારવાર કરતી હિમાલયન રેસ્ક્યુ એસોસિએશન માટે પણ કામ કર્યું હતું. તેમણે 2014માં નાસામાં ફ્લાઇટ સર્જન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 2018માં તેઓ સ્પેસએક્સ (SpaceX)માં જોડાયા, જ્યાં તેમણે કંપનીનો મેડિકલ પ્રોગ્રામ શરૂ કર્યો, પ્રથમ માનવ અવકાશયાત્રાની તૈયારીમાં મદદ કરી અને સ્ટારશિપ પ્રોજેક્ટના વિકાસમાં નજીકથી કામ કર્યું હતું. ડિસેમ્બર 2021ના અંતરિક્ષ યાત્રી તરીકે તેમની પસંદગી થઈ હતી.

અનિલ મેનનના પત્ની એના વિલ્હેમ પણ અંતરિક્ષ યાત્રી છે, તેમને બે બાળકો છે.
તેમના પત્ની એના વિલ્હેમ પણ અંતરિક્ષ યાત્રી છે, જેમણે સપ્ટેમ્બર 2024 સ્પેસએક્સના ખાનગી મિશન ‘પોલારિસ ડૉન’ (Polaris Dawn) હેઠળ 5 દિવસની અંતરિક્ષ યાત્રા કરી હતી.
અંતરિક્ષમાં શું કરશે અનિલ મેનન?
સ્પેસ સ્ટેશન પર આગામી 8 મહિનાના રોકાણ દરમિયાન અનિલ મેનન અનેક વૈજ્ઞાનિક પ્રયોગો અને નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરશે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યના અંતરિક્ષ અભિયાનોને સરળ બનાવવાનો અને પૃથ્વી પર માનવ જીવનને વધુ બહેતર બનાવવાનો છે.
પાણીમાંથી મેડિકલ સપ્લાયઃ તેઓ સ્પેસ સ્ટેશનની પીવાના પાણીની વ્યવસ્થાનો ઉપયોગ કરીને ગ્લુકોઝ કે સલાઇન (ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ્સ) બનાવવાની ટેકનોલોજીનું પરીક્ષણ કરશે, જે ઊંડા અવકાશના લાંબા મિશનોમાં દવાની તંગી સમયે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

અનિલ મેનન સેમિકન્ડક્ટરના ક્રિસ્ટલ્સના ઉત્પાદનની પદ્ધતિઓ પર સંશોધન ચાલુ રાખશે.
સેમિકન્ડક્ટર ક્રિસ્ટલ્સનું ઉત્પાદનઃ તેઓ સ્પેસ સ્ટેશનમાં સેમિકન્ડક્ટર ક્રિસ્ટલ્સના ઉત્પાદનની પદ્ધતિઓ સુધારવા માટે સંશોધન ચાલુ રાખશે. આનાથી હાઇ-પર્ફોર્મન્સ કોમ્પ્યુટર્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક તબીબી ઉપકરણો માટે જરૂરી સંશોધનોને વેગ મળશે.
અંતરિક્ષમાં અલ્ટ્રાસાઉન્ડ કરશેઃ તેઓ ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પદ્ધતિઓનો ઉપયોગ કરીને અલ્ટ્રાસાઉન્ડની તપાસ કરશે, જેથી ભવિષ્યના અવકાશ મિશનોમાં પૃથ્વી પરથી મેડિકલ સપોર્ટ લીધા વિના જ સારવાર થઈ શકે.

અનિલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતાના શરીર પર સંશોધન કરશે.
પોતાના શરીર પર સંશોધનઃ તેમના આ મિશનમાં સૌથી ખાસ બાબત છે ‘પોતાના પર સંશોધન’. તેઓ પોતે એક ‘ટેસ્ટ સબ્જેક્ટ’ (એટલે કે દર્દી) બનશે, જેથી વૈજ્ઞાનિકો એ સમજી શકે કે અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ન હોવાને કારણે આપણા શરીરમાં લોહીનો પ્રવાહ કેવી રીતે પ્રભાવિત થાય છે. આ સંશોધન ભવિષ્યના અંતરિક્ષ યાત્રીઓને સુરક્ષિત રાખવામાં મદદરૂપ સાબિત થશે.
સ્પેસમાં માણસ કેમ ઝડપથી વૃદ્ધ થાય છે તેનું સંશોધનઃ અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણ ન હોવાને કારણે માનવ શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ત્યાં હાડકાં નબળાં પડી જાય છે, સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને શરીરના કોષો ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. પૃથ્વીની સરખામણીમાં અંતરિક્ષમાં માણસ વધુ ઝડપથી વૃદ્ધ બને છે. વૈજ્ઞાનિકો માટે હંમેશાંથી આ એક મોટો કોયડો રહ્યો છે કે ઉંમર વધવાની (વૃદ્ધ થવાની) આ પ્રક્રિયાને કેવી રીતે રોકી શકાય, જેનો જવાબ હવે અનિલ મેનન શોધશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


