Indias First Satellite Landing: Commercial Jet Lands Using Gagan System
નવી દિલ્હી16 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવે ઓછી વિઝિબિલિટીમાં પણ વિમાન સુરક્ષિત લેન્ડ કરી શકશે. કારણ કે, ભારતમાં પહેલીવાર કોઈ મોટા કોમર્શિયલ જેટને ગ્રાઉન્ડ રેડિયો બીમ વિના સીધા સેટેલાઇટ સિગ્નલ્સની મદદથી સુરક્ષિત ઉતારવાનો સફળ ટ્રાયલ કરવામાં આવ્યો છે.
એવિએશન રેગ્યુલેટર DGCAની દેખરેખ હેઠળ 27 જૂને ઇન્ડિગો એરલાઇન્સના એરબસ A320 વિમાને સ્વદેશી ‘ગગન’ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરીને આ ઐતિહાસિક લેન્ડિંગ કરી. જોકે ઇન્ડિગોએ 2022માં નાના ATR વિમાનો પર તેનું પરીક્ષણ કર્યું હતું, પરંતુ મોટા કોમર્શિયલ જેટ સાથે દેશમાં આ પહેલો સફળ ટ્રાયલ છે.

સવાલ-જવાબથી જાણો ગગન સિસ્ટમ વિશે…
સવાલ: શું છે સ્વદેશી ગગન સિસ્ટમ?
જવાબ: ગગનનું પૂરું નામ ‘જીપીએસ એડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન (GAGAN) છે. આ ભારતની પોતાની સેટેલાઇટ-બેઝ્ડ ઓગમેન્ટેશન સિસ્ટમ (SBAS) છે, જેને ISRO અને ભારતીય વિમાનન પ્રાધિકરણ (AAI) એ મળીને તૈયાર કરી છે.
ખાસિયત: ગગન, ભારતના નાવિક અથવા અમેરિકાના GPSની જેમ કોઈ સ્વતંત્ર નેવિગેશન સિસ્ટમ નથી, જે સીધું લોકેશન જણાવતું હોય. પરંતુ, તે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા GPS સિગ્નલોની ખામીઓ અને ભૂલોને સુધારીને તેમને વિમાનો માટે વધુ સચોટ અને ભરોસાપાત્ર બનાવે છે.
સવાલ: સેટેલાઇટ લેન્ડિંગ પરંપરાગત સિસ્ટમથી કેવી રીતે અલગ છે?
જવાબ: સામાન્ય રીતે મોટા અને મુખ્ય એરપોર્ટ પર વિમાનોને ઉતારવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) નો ઉપયોગ કરવામાં આવે છે. આ અંતર્ગત રનવેની આસપાસ મોંઘા ગ્રાઉન્ડ-આધારિત સાધનો અને રેડિયો બીમ લગાવવામાં આવે છે, જે પાઇલટને રનવેનો સચોટ રસ્તો બતાવે છે.
તેનાથી વિપરીત, 27 જૂને થયેલા ટેસ્ટમાં સેટેલાઇટ-બેઝ્ડ લેન્ડિંગ સિસ્ટમ (SLS) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનિકમાં જમીન પર લાગેલા ભારે-ભરખમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી હોતી, પરંતુ આકાશમાં રહેલા સેટેલાઇટ્સ સીધા પ્લેનને ગાઇડ કરે છે. પ્લેનમાં બેઠેલા મુસાફરોને આ બદલાવનો બિલકુલ પણ અહેસાસ થયો ન હતો, પરંતુ એવિએશન સેફ્ટી અને ખર્ચની દ્રષ્ટિએ આ ખૂબ જ ક્રાંતિકારી બદલાવ છે.
સવાલ: આ ટેકનિક નાના એરપોર્ટ્સ માટે ગેમ ચેન્જર કેમ બની શકે છે?
જવાબ: ભારતના ઘણા નાના અને સેકન્ડરી શહેરોના એરપોર્ટ્સ પર ILS સિસ્ટમ લાગેલી નથી. તેનું કારણ તેની ભારે-ભરખમ ઇન્સ્ટોલેશન કોસ્ટ અને દર મહિને મેન્ટનન્સ પર થતો મોટો ખર્ચ છે.
સેટેલાઇટ ગાઇડેડ સિસ્ટમ આવવાથી હવે આ નાના એરપોર્ટ પર પણ ખરાબ હવામાન કે ઓછી વિઝિબિલિટી દરમિયાન વિમાનોનું સચોટ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવી શકાશે. વિમાન બનાવતી દિગ્ગજ કંપની ‘એરબસ’ અનુસાર, આ ટેકનિક પાયલટોને ખરાબ હવામાનમાં પણ કોઈપણ વધારાના એરપોર્ટ ઇક્વિપમેન્ટ વિના સ્થિર અને સીધી અપ્રોચ બનાવવામાં મદદ કરે છે. મુખ્ય સિસ્ટમ ફેલ થવા કે મેન્ટેનન્સના સમયે આ એક ઉત્તમ બેકઅપ તરીકે પણ કામ કરશે.
સવાલ: સ્માર્ટફોનવાળું GPS પ્લેન શા માટે ઉતારી શકતું નથી?
જવાબ: આપણા સ્માર્ટફોનમાં જે GPS હોય છે, તે કેટલાક મીટર સુધીની સચોટતા આપે છે, જે રસ્તા પર રસ્તો શોધવા માટે તો બરાબર છે પરંતુ વાદળોની વચ્ચેથી આવી રહેલા તેજ ગતિના કોમર્શિયલ વિમાનને સુરક્ષિત રનવે પર ઉતારવા માટે પૂરતું નથી.
જ્યારે GPS સિગ્નલો આકાશમાંથી જમીન તરફ આવે છે, ત્યારે વાતાવરણના ઉપલા સ્તર (આયનોસ્ફિયર) ને કારણે તેમાં થોડો વિલંબ અને ગડબડ થાય છે. ભારત ઉપર આ ગડબડ વધુ ઝડપથી બદલાય છે કારણ કે આપણો દેશ ઇક્વેટોરિયલ આયનાઇઝેશન એનોમલીની બરાબર નીચે આવે છે. વિમાનોને ચોક્કસ લેન્ડિંગ માટે માત્ર અત્યંત ચોક્કસ ડેટા જ નહીં, પરંતુ એ વાતની ગેરંટી પણ જોઈએ છે કે જે ડેટા મળી રહ્યો છે તે 100% સાચો છે.
સવાલ: આ વર્ષે 40 થી વધુ એરપોર્ટ્સ પર સુવિધા મળશે
જવાબ: ઇન્ડિગો હવે આ સેટેલાઇટ-આધારિત ટેકનોલોજીને તેના સમગ્ર કાફલામાં ઝડપથી લાગુ કરી રહ્યું છે. ભારતીય વિમાનન પ્રાધિકરણ (AAI) એ દેશના ઘણા એરપોર્ટ્સ પર પહેલાથી જ 23 સેટેલાઇટ ગાઇડેડ અપ્રોચ પ્રોસિજર પબ્લિશ કરી દીધા છે અને એવી અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં આ સંખ્યા 40ને પાર કરી જશે.
ઇસરો અનુસાર, ગગન સિસ્ટમના બે મુખ્ય લક્ષ્યો છે – પ્રથમ, નાગરિક ઉડ્ડયનને અત્યંત સુરક્ષિત અને ચોક્કસ બનાવવું અને બીજું, વિમાનોને સીધા અને ટૂંકા રૂટ પર ઉડાડીને એર ટ્રાફિક મેનેજમેન્ટને સુધારવું, જેથી ઇંધણની બચત થઈ શકે.
આ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર બનાવવામાં આવી છે, જેથી વિદેશી સીમાઓ પાર કરતી વખતે પણ વિમાન કોઈપણ અવરોધ વિના નેવિગેટ કરી શકશે. કોમર્શિયલ જેટનું આ પ્રથમ સફળ લેન્ડિંગ ભારતના ઝડપથી વિકસતા એવિએશન નેટવર્કને વધુ સુલભ અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


