Instant Cooking Ideas No hassle of soaking lentils tasty Menduvada will be made in no time know the method | Gujarat News

Last Updated: April 27, 2026By

Instant Cooking Ideas: દાળ પલાળવાની ના કોઈ ઝંઝટ, ફટાફટ બનશે ટેસ્ટી મેંદુવડા, જાણો રીત

ગરમીમાં રાત્રિના ડિનરમાં હળવું ભોજન કરવું જોઈએ. ઉનાળામાં રાત્રે ભારે ખોરાક ખાવાથી પેટની સમસ્યા વધે છે. જે અનેક રોગોનું કારણ બને છે. તમે હળવા ભોજનમાં બટાકા પૌંઆ અને ખીચડી ખાઈને કંટાળી ગયા હોવ તો આ સ્વાદિષ્ટ વાનગી જરૂર ટ્રાય કરો. ના દાળ પલાળવાની ઝંઝટ અને ના આથો લાવવાની પરેશાની. સોજી અને બટાકાના મિશ્રણથી તમે ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવી શકો છો. આ મેંદુવડા ખાવાથી પેટમાં ભારેપણું લાગશે નહી. રાત્રે જલદી પાચન પણ થશે. નોંધી લો ફટાફટ બનતા સોજી-બટાકાના ટેસ્ટી મેંદુવડા બનાવવાની રીત.

બટાકા-સોજીના ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવવા માટે સામગ્રી

  • સોજી (રવો): ૧ કપ
  • બાફેલા બટાકા: ૨ નંગ (મધ્યમ કદના)
  • દહીં: ૧/૨ કપ (થોડું ખાટું હોય તો વધુ સારું)
  • પાણી: ૧ કપ
  • આદુ-મરચાની પેસ્ટ: ૧ ચમચી
  • લીલા ધાણા: જીણા સમારેલા
  • જીરું: ૧ ચમચી
  • મીઠું: સ્વાદ મુજબ
  • ચીલી ફ્લેક્સ: ૧/૨ ચમચી (વૈકલ્પિક)
  • તેલ: વડા તળવા માટે

બટાકા-સોજીના ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવવાની રીત

સૌથી પહેલા એક પેન અથવા કડાઈમાં ૧ કપ પાણી, ૧/૨ કપ દહીં, જીરું, આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખીને ગરમ કરવા મૂકો. જ્યારે પાણી ઉકળવા લાગે, ત્યારે ગેસની આંચ ધીમી કરી તેમાં ધીરે ધીરે સોજી ઉમેરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. સોજી બધું પાણી શોષી લે અને લોટ જેવું ઘટ્ટ મિશ્રણ બની જાય ત્યાં સુધી તેને પકાવો. આ સોજીના મિશ્રણને એક મોટા વાસણમાં કાઢી લો. હવે તેમાં બાફેલા બટાકાને છીણીને (Grating) ઉમેરો. ત્યારબાદ તેમાં જીણા સમારેલા ધાણા અને ચીલી ફ્લેક્સ નાખો. તમારા હાથ પર થોડું તેલ લગાવો અને બટાકા તથા સોજીના મિશ્રણને બરાબર મિક્સ કરીને એક નરમ લોટ જેવું તૈયાર કરી લો. હવે લોટમાંથી નાના લુઆ લો, તેને ગોળ કરી હથેળી વચ્ચે થોડા દબાવો અને વચ્ચે આંગળીથી કાણું પાડી મેંદુવડા જેવો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે મધ્યમ આંચ પર વડાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

આ પણ વાંચો : Langra Aam : કેરીના શોખીનો પણ નહીં જાણતા હોય આ વાત, સ્વાદમાં લાજવાબ પણ નામ કેમ લંગડો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )