Jackie Shroff The Great Grand Superhero Movie Review; 90s Nostalgia, Comedy & Message
59 મિનિટ પેહલાલેખક: જ્હાનવી ટીલાવત
- કૉપી લિંક
રેટિંગઃ 4/5
કાસ્ટઃ જેકી શ્રોફ, મિહિર ગોડબોલે, શિવાંશ ચોરગે, પ્રતિક બબ્બર
ડિરેક્ટરઃ મનીષ સૈની
‘નેવર અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ અ કૉમન મેન’… શાહરુખ ખાનનો ‘ચેન્નઈ એક્સપ્રેસ’નો ડાયલોગ જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોઃ એલિયન્સ કા આગમન’ને એક વાક્યમાં શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. સુપરહીરોનું નામ સાંભળતા જ સિક્સપેક એબ્સ અને ખડતલ શરીરવાળી વ્યક્તિ યાદ આવે, જેના ચહેરા પર ખાસ માસ્ક હોય, જે હવામાં સરળતાથી ઊડી શકતી હોય અને તેની પાસે સુપર પાવર્સ હોય.
તેવામાં ડિરેક્ટર મનીષ સૈની ‘સુપરહીરો’ની એક નવી પરિભાષા લઈને આવ્યા છે. ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’ દાદા-પૌત્રના સંબંધ, અતૂટ મિત્રતા, કુદરત પ્રત્યે પ્રેમ, પરિવારની હૂંફથી ભરપૂર છે. હાલના મારધાડ અને લોહીથી ખરડાયેલી ફિલ્મો વચ્ચે આ ફિલ્મ 90ના દશકની નોસ્ટાલ્જીયા, ખડખડાટ હાસ્ય અને અનોખો સંદેશ આપીને જાય છે. 29 મે 2026ના રોજ રિલીઝ થયેલી ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’નો રનટાઇમ 1 કલાક 52 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5માંથી 4 સ્ટાર આપ્યા છે.

‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોઃ એલિયન્સ કા આગમન’ દાદા, પૌત્ર અને તેના મિત્રોની વાર્તા છે.
ફિલ્મની વાર્તા કેવી છે?
ફિલ્મની શરૂઆત દિપુ (મિહિર ગોડબોલે) નામના બાળકથી થાય છે, જે છઠ્ઠા ધોરણમાં ભણે છે અને સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલમાં એડમિશન લે છે. દિપુ ભણવામાં ખૂબ હોંશિયાર છે, ક્લાસના ‘ચાણક્ય’ને હરાવી દે છે, પણ વિદ્યાર્થીઓ તેની સાથે હળતા-મળતા નથી. તેવામાં લડ્ડુ (શિવાંશ ચોરગે) દિપુ સામે મિત્રતાનો હાથ લંબાવે છે. બંને વચ્ચે સારી મિત્રતા કેળવાય છે, જ્યારે દિપુ તેના પરિવારના રહસ્ય વિશે તેને વાત કરે છે.
દિપુ લડ્ડુ અને તેના ક્લાસના બાળકોને વિશ્વાસ અપાવે છે કે તેના દાદા જગદીશ (જેકી શ્રોફ) સુપરહીરો છે અને એલિયનને માત આપે છે. કેટલાક બાળકો તેની વાત આંખ મીંચીને માની લે છે, તો કેટલાક બાળકો સત્યના પારખાં કરવા માંગે છે.

ફિલ્મમાં બે પ્રકારના એલિયન્સની વાત દર્શાવવામાં આવી છે.
આ દરમિયાન દિપુને ખબર પડે છે કે તેના દાદા વાસ્તવમાં સુપરહીરો છે. જોકે, દિપુ આ વાત પર વિશ્વાસ કરતો નથી. તેવામાં એલિયન્સ પૃથ્વી પર આવી જાય છે. પછી શરૂ થાય છે એલિયન્સ અને સુપરહીરો વચ્ચેનો જંગ.
સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
બોલિવૂડના ‘હીરો’ જેકી શ્રોફને ‘સુપરહીરો’ તરીકે જોવાની ખૂબ મજા પડે છે. તેમની બાળકો સાથેની કેમેસ્ટ્રી મોટા પડદા પર સરસ લાગે છે. આટલા દિગ્ગજ કલાકારની સામે બાળકો પણ પાણી કમ ચા નથી. દરેક ચાઇલ્ડ આર્ટિસ્ટ તેમના ડાયલોગ્સ, એક્સ્પ્રેશન્સથી દિલ જીતી લે છે. પ્રતિક બબ્બરની એક્ટિંગ ઠીક છે. ભાગ્યશ્રી વાર્તમાં નવો વળાંક લાવે છે. શરત સક્સેનાની ભૂમિકા નાની પણ મજેદાર છે.

એલિયન્સ ખાસ હેતુથી પૃથ્વી પર આક્રમણ કરે છે, જેની પાછળ ગંભીર મેસેજ છુપાયેલો છે.
ડિરેક્શન અને ટેકનિકલ પાસું કેવું છે?
3 વખત નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર મનીષ સૈનીનું આ ફિલ્મમાં પણ ખૂબ સરસ ડિરેક્શન છે. વાર્તાના તમામ પાત્રો સામાન્ય લોકો જેવા જ લાગે છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો કોમિક બુકની યાદ અપાવે છે. VFXનો ઉપયોગ પણ સારી રીતે કરવામાં આવ્યો છે, પણ કેટલાક દ્રશ્યોમાં તે એટલી અસર છોડી શકતા નથી. ગંભીર મેસેજને રમુજી અંદાજમાં સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. લોકોના મગજ પર છપાયેલી એલિયન્સની અને સુપરહીરોની છબીને તેમણે ચેલેન્જ કરી છે અને અલગ અંદાજથી રજૂ કરી છે. ફિલ્મમાં ગુજરાતની કેટલાક રમણીય સ્થળો પણ જોવા મળે છે.

‘જગ્ગુ દાદા’નો ‘સુપરહીરો દાદા’ અવતાર.
મ્યુઝિક કેવું છે?
ફિલ્મમાં બાળકો અને તેમની સાથે બાળક બની જતા દાદાની વાત છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક રિફ્રેશિંગ, ઘોંઘાટ વિનાનું અને દરેક દ્રશ્યને કોમ્પ્લિમેન્ટ કરતું છે. ‘દુશ્મન કા દાદા’ અને ‘સુપરહીરો દાદા’ સાંભળવાની મજા આવે તેવું છે.

ડિરેક્ટર મનીષ સૈની 90ના દાયકાની યાદ અપાવતી હળવી-રમુજી અને મજેદાર ફિલ્મ લઈને આવ્યા છે.
ફાઇનલ વર્ડિક્ટઃ જોવી કે નહીં?
ઝી સ્ટુડિયોઝ અને અમદાવાદ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોઃ એલિયન્સ કા આગમન’ એક રિફ્રેશિંગ, મજેદાર, બાળપણની યાદ અપાવતી અને તેની સાથે ગંભીર મેસેજ આપતી ફિલ્મ છે. બાળકો સાથે વડીલોને પણ ફિલ્મ અંત સુધી જકડી રાખશે.
,
‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
‘જગ્ગુ દાદા’ બન્યા સુપરહીરો દાદા:’ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો’માં એલિયન સામે ટકરાશે જેકી શ્રોફ, અમદાવાદમાં 10000 છોડમાંથી બનેલા ટાઇટલનું અનાવરણ

બોલિવૂડના ‘ભીડુ’ એટલે કે જેકી શ્રોફ એક સાઈ-ફાઈ (સાયન્સ ફિક્શન) સુપરહીરો ફિલ્મ લઈને આવી રહ્યા છે. એક્ટિંગની સાથે સાથે પર્યાવરણ પ્રત્યે પણ અનોખો પ્રેમ ધરાવતા જેકી શ્રોફ અને ‘ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોઃ એલિયન કા આગમન’ના મેકર્સે ફિલ્મના પ્રમોશન માટે એક નવતર પ્રયોગ કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


