Local Body Elections 2026: સુરતમાં ‘લોકશાહી બચાવો’ના નારા સાથે કોંગ્રેસના દેખાવો, SOGના બે અધિકારીઓની બદલીની માગ

Last Updated: April 17, 2026By

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર પરાકાષ્ઠાએ છે, ત્યારે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ‘સંવિધાન બચાવો, લોકશાહી બચાવો’ના પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસનો આરોપ છે કે, વર્તમાન ચૂંટણી પ્રક્રિયામાં લોકશાહીના મૂલ્યોનું હનન થઈ રહ્યું છે અને વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સુરત SOG સામે ગંભીર આક્ષેપો

ચૂંટણી પ્રચાર વચ્ચે કોંગ્રેસે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખા પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન પોલીસ મશીનરીનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને SOG શાખાના અધિકારીઓ દ્વારા આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું અને ચૂંટણીને પ્રભાવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.

સોનારા અને નકુમની બદલીની માગ

કોંગ્રેસે સુરત SOGમાં ફરજ બજાવતા અધિકારી સોનારા અને નકુમ સામે સીધો નિશાન સાધ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, આ અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી ઇલેક્શન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે કોંગ્રેસે આ બંને અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાની માગ કરી છે.

આચાર સંહિતાના ઉલ્લંઘનનો મુદ્દો ગાજ્યો

કોંગ્રેસે ચૂંટણી પંચને પણ આ મામલે રજૂઆત કરી છે કે, સુરતમાં આદર્શ આચાર સંહિતાનું યોગ્ય પાલન થઈ રહ્યું નથી. સરકારી તંત્ર અને પોલીસના જોરે ચૂંટણી જીતવા માટેના ખેલ ખેલાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ચીમકી આપી છે કે, જો તટસ્થ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

આ પણ વાંચો – Local Body Elections 2026 : સુરત કોંગ્રેસના ઉમેદવારનો ગંભીર આરોપ, મને ફોર્મ પરત લેવા માટે 75 લાખની ઓફર કરાઇ હતી, રાજકારણમાં ગરમાવો