Messi Vs Yamal; FIFA World Cup Final 2026 Clash New Jersey
2 કલાક પેહલા
- કૉપી લિંક
19 જુલાઈના રોજ જ્યારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં સ્પેન અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આમને-સામને ટકરાશે, ત્યારે આ જંગ માત્ર ટ્રોફી માટે નહીં હોય. આ મુકાબલો ફૂટબોલની બે પેઢીઓ વચ્ચેની મહાજંગ હશે. એક તરફ ફૂટબોલનો જાદુગર લિયોનલ મેસ્સી હશે, તો બીજી તરફ નવી પેઢીનો સૌથી ચમકતો સિતારો લેમિન યમાલ હશે.
આ મહામુકાબલા પહેલાં યમાલે DAZNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મેસ્સી વિશે પોતાના દિલની વાત કહી છે. તેણે જણાવ્યું, “હું અને લિયો હવે મોટા થઈ ગયા છીએ. આશા છે કે હું વર્લ્ડ કપ ફાઇનલમાં તેની સામે રમી શકીશ, ખાસ કરીને એટલા માટે કારણ કે ફાઇનલિસિમા યોજાઈ શકી નહોતી.” યમાલના આ નિવેદનનો સોશિયલ મીડિયા પર ફેન્સ એવો અર્થ કાઢી રહ્યા છે કે હવે તે મોટો થઈ ગયો છે અને ફૂટબોલના મેદાન પર મેસ્સીને જોરદાર ટક્કર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને 19 વર્ષ પહેલાંનો નાનો બાળક સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
જ્યારે મેસ્સીએ 6 મહિનાના યમાલને નવડાવ્યો હતો
વર્ષ 2007માં બાર્સેલોનાના યુવા સ્ટાર લિયોનલ મેસ્સી તે સમયે માત્ર 20 વર્ષનો હતો અને દુનિયા તેને ભવિષ્યના સુપરસ્ટાર તરીકે જોવા લાગી હતી. તે જ સમયે સ્પેનિશ અખબાર ‘ડિયારિયો સ્પોર્ટ’ અને યુનિસેફ (UNICEF) દ્વારા એક ચેરિટી ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોટોશૂટ માટે લકી ડ્રો યોજાયો હતો, જેમાં લેમિન યમાલનો પરિવાર વિજેતા બન્યો અને તેને કેમ્પ નોઉ સ્ટેડિયમમાં ફોટોશૂટ કરાવવાની તક મળી.
6 મહિનાના યમાલને નવડાવતો મેસ્સી
મેસ્સી 20 વર્ષનો હતો
ફોટોશૂટ દરમિયાન મેસ્સીએ માત્ર 6 મહિનાના બાળ યમાલને પ્લાસ્ટિકના એક નાના ટબમાં નવડાવ્યો હતો અને ખોળામાં રમાડીને તસવીરો ખેંચાવી હતી. તે સમયે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ નાનું બાળક એક દિવસ ફૂટબોલની દુનિયામાં આટલું મોટું નામ બનશે. વર્ષો પછી જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ, ત્યારે કરોડો ફેન્સે તેને ‘ફૂટબોલ ઇતિહાસની સૌથી સુંદર તસવીર’ ગણાવી હતી. એવું લાગી રહ્યું છે જાણે કુદરતે તે જ દિવસે બંનેની કહાની લખી દીધી હતી.
મેસ્સીના ખોળામાં યમાલ
વાઇરલ તસવીરથી લઈને વર્લ્ડ કપ ફાઇનલ સુધીની સફર
એક સાધારણ વિસ્તારમાંથી આવતા યમાલે ખૂબ જ નાની ઉંમરે રેકોર્ડ્સની વણઝાર લગાવી દીધી છે. તે બાર્સેલોના માટે ડેબ્યૂ કરનારો સૌથી યુવા ખેલાડી બન્યો, સ્પેન માટે સૌથી નાની ઉંમરે ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો અને યુરો 2024માં ‘યંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ તરીકે ચૂંટાયો. હવે 2026ના વર્લ્ડ કપમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સેમિફાઇનલમાં ફ્રાન્સને હરાવીને તેણે સ્પેનને ફાઇનલમાં પહોંચાડ્યું છે. બીજી તરફ, મેસ્સીની આગેવાનીમાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને સતત બીજી વખત વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે.

મેસ્સી અને યમાલ ફાઇનલમાં ટકરાશે
હવે ઇતિહાસ રચવાનો સમય
19 જુલાઈએ જ્યારે મેદાન પર રેફરીની પહેલી વ્હીસલ વાગશે, ત્યારે મેસ્સી અને યમાલ માત્ર વિરોધી ખેલાડીઓ નહીં હોય. આ એ જ તસવીરની વાર્તાનો સૌથી મોટો અને રોમાંચક અધ્યાય હશે, જેમાં એક મહાન ખેલાડીએ ભવિષ્યના સુપરસ્ટારને પોતાના ખોળામાં સાચવ્યો હતો. હવે તે જ બાળક દુનિયાના સૌથી મોટા મંચ પર પોતાના બાળપણના હીરો સામે ટકરાશે. આ જ કારણ છે કે સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેની આ ફાઇનલ માત્ર એક મેચ નથી, પરંતુ ફૂટબોલ ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણ બનવા જઈ રહી છે.
એન્ઝો ફર્નાન્ડીઝ-મેસ્સીની ઇમોશનલ કહાની
કુદરતની કરામત માત્ર સ્પેનના કેમ્પ સુધી સીમિત નથી. આર્જેન્ટિનાની ટીમમાં મેસ્સીની બાજુમાં રમી રહેલા મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝની કહાની પણ આંખમાં પાણી લાવી દે તેવી છે. વર્ષ 2016માં જ્યારે આર્જેન્ટિના સતત ફાઇનલ્સ હારી ગયું, ત્યારે નિરાશ થઈને લિયોનલ મેસ્સીએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેના તમામ ફેન્સ આઘાતમાં હતા. તે સમયે માત્ર 15 વર્ષના એક અજાણ્યા છોકરાએ ફેસબુક પર મેસ્સીના નામે એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો હતો. એ છોકરો એટલે બીજો કોઈ નહીં પણ એન્ઝો ફર્નાન્ડીઝ હતો.
મેસ્સી માટે એન્ઝો ફર્નાન્ડીઝની પોસ્ટ
એક 15 વર્ષના બાળકે જે મેસ્સીને દેશ માટે પાછા ફરવાની કાલાવાલા કરી હતી, આજે એ જ એન્ઝો ફર્નાન્ડીઝ મેદાન પર મેસ્સીની ઢાલ બનીને ઊભો રહે છે. 2022 વર્લ્ડ કપની જેમ આ 2026ની ફાઇનલમાં પણ તે પોતાના ગુરુ મેસ્સીને ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવા માટે લડી રહ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


