Meta Agrees To $17.1 Billion Settlement Over Child Safety Rules | Gujarat News

Last Updated: August 28, 2026By

ટેકનોલોજી જગતમાં એક મોટું પગલું ભરતા સોશિયલ મીડિયા જાયન્ટ મેટા અને તેના સીઈઓ માર્ક ઝકરબર્ગે બાળકોની માનસિક સલામતી તથા ગોપનીયતાને લગતા ત્રણ વર્ષ જૂના જટિલ કાનૂની વિવાદનો અંત લાવવા માટે 17.1 અબજ ડોલર (આશરે ₹1.6 લાખ કરોડ) ચૂકવવાનું સ્વીકાર્યું છે. યુએસના ૪૭ રાજ્યો, ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને અન્ય પ્રદેશો સાથે થયેલા આ સમાધાન હેઠળ મેટાએ ભારે ભરખમ દંડ ભરવો પડશે. જોકે, આ આર્થિક દંડ કરતાં પણ કરારની શરતો મેટાના ભવિષ્ય માટે અત્યંત પ્રભાવશાળી સાબિત થઈ શકે છે.

મેટા પર 17.1 અબજ ડોલરનો દંડ

આ કરારની સૌથી મોટી અને મહત્વપૂર્ણ શરત એ છે કે મેટાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર બાળકો અને કિશોરોની પહોંચને મર્યાદિત કરવી પડશે. આ અંતર્ગત યુવાનો માટે દૈનિક સ્ક્રીન ટાઈમ નક્કી કરવામાં આવશે અને સ્કૂલના સમય દરમિયાન એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સાથે જ, વાલીઓને કડક દેખરેખ રાખવા માટે ખાસ ટૂલ્સ પણ આપવામાં આવશે. છેલ્લા બે દાયકાથી મેટાનો વ્યાપાર યુવા પેઢીને પ્લેટફોર્મ સાથે જોડી રાખવા પર નિર્ભર રહ્યો છે, તેથી આ નિયંત્રણો કંપનીના વ્યવસાય માટે એક મોટો પડકાર બની શકે છે.

મેટા જેવા જ નિયમો યુટ્યુબ અને ટિકટોક માટે

આ સંકટમાંથી બહાર નીકળવા માટે માર્ક ઝકરબર્ગે એક ખૂબ જ ચાલાક વ્યૂહરચના અપનાવી છે. ઝકરબર્ગ ઇચ્છે છે કે મેટા પર જે કડક નિયમો અને પ્રતિબંધો થોપવામાં આવી રહ્યા છે, તે જ સમાન નિયમો તેના મુખ્ય સ્પર્ધકો જેમ કે યુટ્યુબ અને ટિકટોક પર પણ લાગુ થાય. તેઓ નથી ઈચ્છતા કે ઇન્સ્ટાગ્રામ પર નિયંત્રણો આવે ત્યારે બાળકો સીધા અન્ય હરીફ પ્લેટફોર્મ તરફ વળી જાય.

આ વ્યૂહરચના હેઠળ, મેટાએ રાજ્યના એટર્ની જનરલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે કે જો યુટ્યુબ અને ટિકટોક પણ બાળકો માટે દૈનિક એક કલાકની સમય મર્યાદા સ્વીકારે અને રાજ્યોને 5 અબજ ડોલર ચૂકવે, તો મેટા પણ પોતાની સમય મર્યાદા એક કલાક કરી દેશે અને વધારાના ૫ અબજ ડોલરની ચૂકવણી કરશે. મેટાના આ પગલાથી સ્પષ્ટ થાય છે કે કંપની એકલા હાથે નુકસાન વેઠવાના બદલે બજારના અન્ય દિગ્ગજોને પણ સમાન નિયમોના દાયરામાં લાવવા માંગે છે, જેથી સ્પર્ધામાં કોઈ અસમતુલા ન સર્જાય.

આ પણ વાંચોઃ અહિંયા ખરીદતા લોકો વિચાર કરે અને સ્પેનમાં 1.5 લાખ કિલો ટામેટાંનો બગાડ

Leave A Comment