New features in Google AI Mode from flight price tracking to hotel booking | Gujarat News

Last Updated: August 29, 2026By

Google searchના AI મોડમાં ટ્રાવેલ પ્લાનિંગ સાથે જોડાયેલા નવા ફીચર્સ ઉમેર્યા છે. હવે યુઝર્સ AIની મદદથી ફ્લાઇટની કિંમતો પર નજર રાખી શકશે અને કિંમત બદલાય ત્યારે ઈમેલ અલર્ટ મેળવી શકશે. આ ઉપરાંત ફ્લાઇટ અને હોટલ માટે કેટલા પોઇન્ટ્સ અથવા માઇલ્સની જરૂર પડશે, તે પણ જોઈ શકાશે. ગૂગલ AI મોડ દ્વારા હોટલ શોધવા અને બુક કરવાની સુવિધા પણ આપી રહ્યું છે. એટલે કે ગૂગલ AI યુઝર્સને હોટલથી લઈને ફ્લાઇટ બુકિંગ સુધીમાં બચત કરવામાં મદદ કરશે.

ફ્લાઇટની કિંમત પર આ રીતે રાખો નજર

ગૂગલ પોતાના લોકપ્રિય Google Flightsના પ્રાઇસ ટ્રેકિંગ ફીચરને સીધું AI મોડમાં લાવી રહ્યું છે. યુઝર્સ AI મોડમાં પોતાની મુસાફરીનું સ્થળ અને તારીખ જણાવ્યા બાદ ફ્લાઇટની કિંમત ટ્રેક કરવા કહી શકે છે. ટ્રેકિંગ શરૂ થયા બાદ કિંમતમાં ફેરફાર થાય ત્યારે ગૂગલ ઈમેલ દ્વારા જાણ કરશે. ગૂગલના જણાવ્યા મુજબ AI મોડ 300થી વધુ એરલાઇન્સ અને ટ્રાવેલ વેબસાઇટ્સ પરથી ફ્લાઇટની તાજી કિંમતો બતાવી શકે છે. ફ્લાઇટ પ્રાઇસ ટ્રેકિંગની સુવિધા 180થી વધુ દેશો અને વિસ્તારોમાં ઉપલબ્ધ છે.

માઇલ્સ અને પોઇન્ટ્સ પણ દેખાશે

AI મોડ હવે એ પણ જણાવી શકે છે કે કોઈ ફ્લાઇટ અથવા હોટલ માટે કેટલા રિવોર્ડ પોઇન્ટ્સ અથવા માઇલ્સની જરૂર પડશે. યુઝર્સ ગૂગલ AIને કોઈ ચોક્કસ રિવોર્ડ પ્રોગ્રામ દ્વારા નોન-સ્ટોપ ફ્લાઇટ અને તેના માટે જરૂરી માઇલ્સની માહિતી પૂછી શકે છે. આ જ સુવિધા હોટલ માટે પણ કામ કરશે. ગૂગલના જણાવ્યા મુજબ આ ફીચર દુનિયાભરમાં ઉપલબ્ધ છે અને શરૂઆતમાં Alaska Airlines/Hawaiian Airlines, American Airlines, Choice Hotels International, Hilton અને Wyndham Hotels & Resortsનો સપોર્ટ મળી રહ્યો છે. ટૂંક સમયમાં Accor, Flying Blue, Hyatt, LATAM Airlines અને Lufthansa Groupનો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે.

AI મોડથી હોટલ પણ કરી શકશો બુક

ગૂગલ હવે AI મોડમાં હોટલ બુકિંગની સુવિધા પણ ઉમેરી રહ્યું છે. યુઝર્સ પોતાનું પ્રવાસ સ્થળ, મુસાફરીની તારીખ અને હોટલ સાથે જોડાયેલી પોતાની પસંદગી જણાવીને વિકલ્પો જોઈ શકશે. AI મોડ હોટલ સાથે તેના રિવ્યૂ અને જરૂરી માહિતી પણ બતાવશે. પસંદગીની હોટલ પસંદ કર્યા બાદ યુઝર્સ ‘Continue on Google’ વિકલ્પ દ્વારા ઇન્ટિગ્રેટેડ પાર્ટનર મારફતે બુકિંગ પૂર્ણ કરી શકશે. ચુકવણી Google Pay દ્વારા સુરક્ષિત રીતે કરી શકાશે. હાલમાં AI મોડમાં હોટલ બુકિંગની સુવિધા અમેરિકામાં અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ

Leave A Comment