Offline UPI Payments via NFC: Flights and Metros to Support Digital Pay | Gujarat News

Last Updated: July 21, 2026By

ભારતમાં ડિજિટલ લેણદેણની પદ્ધતિને સંપૂર્ણપણે બદલી નાખનાર યુપીઆઈ (UPI) સેવા હવે વધુ અદ્યતન બનવા જઈ રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા એક એવી નવી ટેકનોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા યુઝર્સ ઇન્ટરનેટ વગર પણ દુકાનો, ફ્લાઇટ્સ અને ભૂગર્ભ મેટ્રોમાં સરળતાથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે. આ નવી સુવિધા અમલમાં આવ્યા બાદ નબળા નેટવર્ક કે ઇન્ટરનેટના અભાવે ચુકવણી નિષ્ફળ જવાની સમસ્યાઓમાંથી મોટી રાહત મળશે.

NFC ટેકનોલોજી આધારે હશે નવી વ્યવસ્થા

મીડિયા અહેવાલો અનુસાર, આ નવી વ્યવસ્થા ‘નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન’ (NFC) ટેકનોલોજી પર આધારિત હશે. આનો અર્થ એ થયો કે યુઝર્સે પેમેન્ટ કરવા માટે કોઈ પણ પ્રકારનો ક્યૂઆર કોડ સ્કેન કરવાની જરૂર નહીં પડે. માત્ર પોતાના એનએફસી-સક્ષમ સ્માર્ટફોનને મશીન પર ટેપ કરવાથી જ ચુકવણીની પ્રક્રિયા પૂરી થઈ જશે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન ગ્રાહક કે વેપારીના પીઓએસ (POS) મશીનમાં ઇન્ટરનેટ હોવું બિલકુલ જરૂરી રહેશે નહીં.

2000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકાશે

આ સેવાનો ઉપયોગ કરવા માટે શરૂઆતમાં એક સમયે 2000 રૂપિયા સુધીની ચુકવણી કરવાની મર્યાદા રાખવામાં આવી છે. આ માટે યુઝર્સે ઇન્ટરનેટ ચાલુ હોય ત્યારે અગાઉથી જ પોતાના ‘યુપીઆઈ લાઈટ’ વૉલેટમાં નાણાં લોડ કરવા પડશે, જેનો ઉપયોગ બાદમાં ઇન્ટરનેટ વગર થઈ શકશે. આ સિસ્ટમમાં એવી સેટિંગ્સ પણ ઉપલબ્ધ હશે જેના કારણે વારંવાર યુપીઆઈ પિન દાખલ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.

અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં નેટવર્કના કારણે પડતી હતી મુશ્કેલી

વર્તમાન સમયમાં વિમાનોમાં મુસાફરી કરતી વખતે કે અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં નેટવર્ક ન મળવાને કારણે ડિજિટલ પેમેન્ટ કરવામાં ભારે મુશ્કેલી પડે છે. એનપીસીઆઈ ખાસ કરીને આવા જ સ્થળોને ધ્યાનમાં રાખીને આ સુવિધા વિકસાવી રહી છે. જો કે, આનો લાભ લેવા માટે ગ્રાહકના ફોનની સાથે-સાથે વેપારીના ટર્મિનલને પણ આ નવી સિસ્ટમ માટે પ્રમાણિત કરવું અનિવાર્ય બનશે.

સુવિધા હાલ પ્રારંભિક તબક્કામાં 

હાલ આ સુવિધા વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને એનપીસીઆઈ દ્વારા તેની સત્તાવાર લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ, આ ટેકનોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેને તબક્કાવાર રીતે રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. આ સેવા શરૂ થયા બાદ મુસાફરી દરમિયાન કે નેટવર્ક વગરની જગ્યાઓએ પણ ડિજિટલ લેણદેવ અત્યંત સરળ અને અનુકૂળ બની જશે.

આ પણ વાંચોઃ 20 વર્ષ બાદ આ એક્ટર લઇ રહ્યો છે ડિવોર્સ? 3 દિકરીઓનો છે પિતા….

Leave A Comment