Pakistan Army Chief Asim Munir Iran Visit Controversy; Power Struggle

Last Updated: August 28, 2026By

પાકિસ્તાનમાં એક કાયદો પસાર થયો ને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ‘અસીમ’ સત્તા મળી ગઈ. સત્તા મળ્યા પછી મુનીર હવામાં ઊડવા લાગ્યા. તાબડતોબ ઈરાન પહોંચી ગયા. ન તો વડાપ્રધાન શરીફને પૂછ્યું, ન રાષ્ટ્રપતિ ઝરદારીને. હવે મુનીર આ બધાથી ઉપર આવી ગયા. મુનીરને એમ હતું ક

.

નમસ્કાર…

અસીમ મુનીર આર્મી ચીફમાંથી ફિલ્ડ માર્શલ બન્યા, પછી સેનાની ત્રણેય પાંખના વડા બન્યા, હવે પાકિસ્તાનમાં એક કાયદો પસાર કરાવીને આજીવન ‘શહેનશાહ’ બની ગયા. પાકિસ્તાનમાં મુનીર કહે તો પાંદડું હલે, એવો માહોલ થઈ ગયો છે.

મુનીર પાકિસ્તાનના ‘શહેનશાહ’ કેવી રીતે બન્યા

પાકિસ્તાનમાં મોટું નાટક ભજવાઈ ગયું. છ-સાત દિવસ પહેલાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં સૈન્ય બાબતો સંબંધિત બે સૌથી મહત્વના કાયદા અચાનક પસાર થઈ ગયા. આ એટલું નાટકીય હતું કે ભલભલા આશ્ચર્યચકિત થઈ ગયા. આનાથી મુનીરની શક્તિમાં ચાર ગણો વધારો થયો.

હમણાં પાકિસ્તાન કેબિનેટની બેઠક મળી હતી, જેમાં સંરક્ષણ દળ અધિનિયમ- 2026 અને સુધારેલા રાષ્ટ્રીય કમાન્ડ ઓથોરિટી અધિનિયમ- 2010 ને મંજૂરી આપી દેવાઈ. આ કાયદાને સીધા રાષ્ટ્રીય સભામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં 30 મિનિટની અંદર જ તેમને પસાર કરીને ગૃહને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

મુનીર હવે સેનાની ત્રણેય પાંખના વડા છે

વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. સત્તાધારી ગઠબંધનના બીજા સૌથી મોટા સભ્ય, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) એ વિરોધ નોંધાવ્યો, તેમ છતાં કાયદાઓની તરફેણમાં મતદાન કર્યું હતું. પીપીપીમાંથી જ આવેલા રાષ્ટ્રપતિ ઝરદારીએ પણ આંખ બંધ કરીને કાયદાઓ પર સહી કરી દીધી.

કાયદાના આ સુધારાએ મુનીરને 30 નવેમ્બર, 2030 સુધી પાંચ વર્ષનો નવો કાર્યકાળ આપી દીધો. તેમને આજીવન ફિલ્ડ માર્શલનો હોદ્દો અને તમામ લાભો મળી ગયા. મુનીરે જે વધારાની સત્તાઓ મેળવી છે તે અત્યંત શક્તિશાળી છે.

નવા કાયદાઓ હેઠળ મુનીર સેનાની કોઈપણ પાંખમાં સ્ટાફની ભરતી કરી શકે, બરતરફ કરી શકે ને નિવૃત્ત કરી શકે. અથવા પોતાની મરજીથી તેમનો કાર્યકાળ વધારી શકે છે. આ નિયમ ફક્ત કોઈ વફાદાર સુબેદાર-મેજર કે કર્નલને જ નહીં, પણ તેમના તમામ સમકક્ષોને પણ લાગુ પડે છે. આનો સીધો અર્થ એ છે કે તે પોતાના કોઈપણ જનરલને, ખાસ કરીને કોર કમાન્ડરોને નિવૃત્ત કરી શકે છે અથવા તેમને લાંબો કાર્યકાળ આપી શકે છે. પહેલું પગલું તેમને તેનાથી ડરાવશે, અને બીજું તેમને લાલચુ બનાવશે. અત્યારે પાકિસ્તાનની રાજનીતિમાં ને સેનામાં ચર્ચા મુનીરની જ છે પણ મુનીર નહીં હોય ત્યારે તેની જગ્યાએ કોણ, તેની ચર્ચા કોઈ કરતું નથી.

મુનીરે પોતાના વફાદાર આમિર રઝાને માથે ચડાવ્યા

આ નવો કાયદો કેટલાકને ડરાવશે, તો કેટલાકને આશા આપશે. આ કાયદાનું વધુ સારું નામ પાકિસ્તાન ‘ચાપલુસી’ અધિનિયમ હોવું જોઈએ. આ કાયદો પસાર થતાં જ મુનીરે પોતાના વફાદાર સૈયદ આમિર રઝાને ફોર સ્ટાર જનરલ અને નવી બનેલી નેશનલ સ્ટ્રેટેજી કમાન્ડના કમાન્ડર બનાવી દીધા છે.

પાકિસ્તાનમાં નેશનલ સ્ટ્રેટેજિક કમાન્ડ નામનું નવું પદ બનાવવામાં આવ્યું છે, જેના પર નિયુક્ત અધિકારીની જવાબદારી દેશના સ્ટ્રેટેજિક ફોર્સના ઓપરેશનલ ઇન્ટિગ્રેશનની રહેશે. આ પદ પર સૈયદ અમિર રઝા ફિલ્ડ માર્શલ અસિમ મુનીર પછી પાકિસ્તાનના બીજા સૌથી શક્તિશાળી અધિકારી હશે. આ સાથે જ અસિમ મુનીર પાકિસ્તાનના ‘ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ’ અને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ’ છે તો અમિર રઝા દેશના નવા સ્ટ્રેટેજિક કમાન્ડ સ્ટ્રક્ચર હેડ છે. સમગ્ર આર્મર્ડ ફોર્સની કમાન્ડ આ બંનેના હાથમાં છે.

મુનીર પછી પાકિસ્તાની સેનામાં બીજા તાકાતવર આમીર રઝા.

મુનીર પછી પાકિસ્તાની સેનામાં બીજા તાકાતવર આમીર રઝા.

એ સર્વવિદિત સત્ય છે કે પાકિસ્તાનમાં જેટલા સેના પ્રમુખો તાનાશાહ બનીને ઊભર્યા, તે અંદરથી એટલા જ ભયભીત હોય છે. મુનીર ખૂબ જ જલ્દી અને વધારે પડતી ઊંચાઈ પર પહોંચી ગયા છે, તેમને ખબર નથી કે તેમનું ભવિષ્ય શું છે અને તેમણે દુશ્મનો બનાવ્યા છે, તેનાથી તો સચેત છે જ. પાકિસ્તાન ‘રાજકારણ’ પર નહીં, ‘સેનાકારણ’ પર ચાલે છે. અર્થતંત્ર ઠપ છે અને તેને સુધારવાનો કોઈ પ્રયાસ દેખાતો નથી; સિવાય કે સાઉદી અરેબિયા પાસેથી મળતી ઉદારતાની અપેક્ષા.

દેવામાં ડૂબેલું સાઉદી અરેબિયા પાકિસ્તાનને સેનાની સેવાઓ માટે કેટલાક અબજોથી વધુ કંઈ આપી શકશે નહીં. મુનીરને અમેરિકા પાસેથી વધારે પડતી આશા છે પણ મુનીર એ જાણતા નથી કે જો ઈરાન સાથે વાટાઘાટ નહીં કરાવી શકે તો ટ્રમ્પ ‘યુઝ’ કરીને ‘થ્રો’ કરી દેશે. એટલે મુનીર ‘શહેનશાહ’ ભલે બની ગયા પણ અંદરની ગભરામણ વધતી જાય છે.

શાહબાઝ શરીફ ને ઝરદારીના આંખ આડા કાન

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસીફઅલી ઝરદારી જાણતા હતા કે જો નવો સુધારા વિધેયક પસાર થઈ જશે તો મુનીર સર્વ સત્તાધિશ બની જશે. આજે નહીં તો કાલે, બળપ્રયોગ કરાવીને રાષ્ટ્રપતિ પણ બની શકે છે. આ બધું જાણવા છતાં શરીફ અને ઝરદારીએ આંખ આડા કાન કરીને મુનીરને સત્તાધિશ બનાવી દીધા.

મુનીર 58 વર્ષના છે, અને સેના પ્રમુખ તરીકે તેમનું પાંચમું વર્ષ પૂરું કરવાના આરે છે. હવે તેમને ત્રણેય પાંખના વડા (સીડીએફ)ના પદ પર બઢતી આપવામાં આવી છે. 30 નવેમ્બર, 2030ના દિવસે જ્યારે તેમનો આ નવો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થશે તો તેમની ઉંમર 62 વર્ષ હશે. આ તે ઉંમર છે જ્યારે ભારતીય સેના પ્રમુખ નિવૃત્ત થાય છે. જનરલ ધીરજ સેઠ પહેલાથી જ મુનીરના ત્રીજા ભારતીય સમકક્ષ છે અને નવેમ્બર 2030 સુધીમાં તેમના પાંચમા સમકક્ષ હશે.

પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારી પર પણ મુનીર જોહુકમી કરવા લાગ્યા છે.

પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારી પર પણ મુનીર જોહુકમી કરવા લાગ્યા છે.

હવે એવું સ્પષ્ટ દેખાય છે કે મુનીર રાષ્ટ્રપતિ બની જશે. અસીમ મુનીર પહેલા પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલિજન્સના પ્રમુખ બન્યા અને પછી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના ચીફ બન્યા. આવું બનનારા મુનીર એકમાત્ર અધિકારી છે. ભારત સાથેના સંઘર્ષમાં હાર પછી પણ પોતાની આબરૂ બચાવવા માટે શાહબાઝ શરીફે અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવી દીધા. અને તે પછી તે રોકેટ ફોર્સના પ્રમુખ બન્યા. કુલ મળીને આજની તારીખમાં ત્રણેય મોટા પદના માલિક અસીમ મુનીર છે. ત્રણેય પદ જ નહીં, હવે તો મુનીર પાકિસ્તાનના માલિક છે. પાકિસ્તાનીઓ માટે આ ચિંતાનો વિષય હોવો જોઈએ.

અસીમ મુનીર પાસે આટલી શક્તિ આવવાનો શું અર્થ છે?

એના ત્રણ અર્થ છે.

પહેલો અર્થ- પાકિસ્તાન ઈરાની મોડલ મારફત લાંબા અને ટૂંકા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરીને આગામી લડાઈ ‘જીતવા’ની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનનું માનવું છે કે પરમાણુ સેક્ટર અને પરંપરાગત સેનાઓને અલગ-અલગ રાખવાથી આ શક્ય બને છે. પહેલાં ટૂંકા અંતરની એક મિસાઈલના ઉપયોગ પર પણ ભારત તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા થતી. પણ પાકિસ્તાન તરફથી આવતી મિસાઈલ પરમાણું છે કે નહીં, તે ખબર નહોતી પડતી. હવે બધું વનમેન આર્મી મુનીર નક્કી કરશે એટલે આ હર્ડર હટી ગયું છે.

બીજો અર્થ- પાકિસ્તાનની સેના હવે દેશના બજેટમાંથી જેટલો ઈચ્છે તેટલો હિસ્સો લઈ શકે છે. પાકિસ્તાની સેના માટે હવે ધડાધડ મિસાઈલો બનાવવામાં આવશે અને તેના માટે પૈસાની જરૂર પડશે. પાકિસ્તાનના તમામ સંસાધનો પર સેનાનો હક છે અને બીજી તરફ દેશ પર 83 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાનું દેવું છે. છતાં સેના માટે હથિયારો બનાવવામાં આવશે.

ત્રીજો અર્થ- અસીમ મુનીર એક સાયકોની જેમ કામ કરી રહ્યા છે અને તેને જોતાં ભારતને દરેક સેકન્ડે એલર્ટ રહેવું પડશે. ભારત પર ગમે તે દિશામાંથી, ગમે ત્યારે હુમલો કરવા તેની પાસે સત્તા આવી ગઈ છે. ભારતને પણ પોતાના કમાન્ડને લઈને જલ્દી નિર્ણય લેવો પડશે. જોકે આ મુશ્કેલ કામ છે પરંતુ ઝડપ કરવી પડશે. જો પાકિસ્તાની સેના તરફથી ઈરાનની જેમ મિસાઈલોનો બેરાજ લોન્ચ થાય તો ભારત 10 ગણી વધુ ક્ષમતા સાથે જવાબ આપી શકે. તે પણ થોડી મિનિટોમાં. જેથી દુશ્મનને બીજો મોકો પણ ન મળે.

પાકિસ્તાનના અગાઉના સરમુખત્યારોએ કર્યું તે મુનીર કરી રહ્યા છે

અસીમ મુનીરે સેનામાં પગપેસારો કરીને પોલિટિક્સમાં એન્ટ્રી કરી લીધી છે. મુનીર જાણે છે કે પોતાના ભવિષ્યનો વીમો કરાવી શકે તેમ નથી. એટલે પોતાના વર્તમાનને બચાવવા હવાતિયાં મારે છે. એટલે જ આ નવા કાયદા તેનું વધારાનું કવચ છે.

ઘણા પાકિસ્તાનીઓ માને છે કે મુનીર પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરી દેશે. અને આ એક એવું રાષ્ટ્રપતિ પદ હશે જેનો કોઈ કાર્યકાળ નહીં હોય. એટલે કે તેઓ હંમેશા માટે શાસન કરી શકે છે. અયૂબ ખાન હોય કે પરવેઝ મુશર્રફ. બધાએ એ જ કર્યું છે ને મુનીર પણ એ જ રસ્તે જઈ રહ્યા છે.

અયૂબ ખાન 1965માં અને યાહ્યા ખાન 1971માં સ્ટ્રેટેજી બનાવીને ઊંચાઈએ પહોંચ્યા. ઝિયા સત્તાના શિખર પર ભાગ્યના હાથે માર્યા ગયા. મુશર્રફે પાકિસ્તાની સુપ્રીમો બનવાનો પ્રયાસ કર્યો પણ તેમની પાસે ન તો બુદ્ધિ હતી અને ન તો સમર્થકોનો ટેકો. અંતે તેમને રાજદ્રોહના આરોપમાં મૃત્યુદંડ આપવામાં આવ્યો. મુનીરનું ભવિષ્ય અલગ હશે. કારણ કે મુનીર ભયભીત છે. અંદરથી તે ગભરાય છે. ભારતે સમજી લેવું જોઈએ કે ટોચ પર હોવા છતાં મુનીર પોતાને ભયભીત અનુભવે છે.

પાકિસ્તાની તાનાશાહના અંતના ત્રણ જ રસ્તા હોય છે: જેલ, દેશનિકાલ અથવા હત્યા. તાનાશાહી અને ભ્રમ સાથે-સાથે ચાલે છે. બીજા સરમુખત્યારો કરતાં મુનીર હોંશિયાર છે. તેણે પોતાના 3 પ્લાન બનાવી રાખ્યા હોય તેવું બની શકે.

  • પહેલો – પોતાનું કામ પૂરું કરીને ચૂપચાપ અમેરિકા સેટલ થઈ શકે. ત્યાં તેમની પાસે પોતાનો ખજાનો અને એક જાગીર હશે. તે પોતાના વફાદારને સુકાન સોંપી દેશે.
  • બીજો- તે રોબર્ટ મુગાબેની જેમ પોતાને આજીવન રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે.
  • ત્રીજો- તે ખરેખર પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પાટા પર લાવે, જનતાને શાંત કરે,
  • પણ મુનીર સ્વાર્થી છે. તે પહેલો રસ્તો અપનાવી શકે છે પણ ત્રીજો નહીં.

મુનીર પર મૌલાનાએ માછલાં ધોયાં

પાકિસ્તાની ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પર વરિષ્ઠ પાકિસ્તાની સાંસદ અને જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (એફ) ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પ્રહાર કર્યા છે. તેમણે પેશાવરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતાં કહ્યું, મુનીર સર્વેસર્વા બની ગયા તે પાકિસ્તાનના સૈન્ય નેતૃત્વ પર અત્યાર સુધીનો સૌથી તીખો અને કડક હુમલો છે. દેશ પર તબાહી લાવનારા આજે જશ્ન મનાવી રહ્યા છે, જ્યારે સામાન્ય જનતા દરેક મોરચે પીસાઈ રહી છે.

મૌલાનાએ વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ત્યારબાદ ઢાકામાં થયેલા અપમાનજનક આત્મસમર્પણની ઐતિહાસિક ઘટના યાદ અપાવી. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે પાકિસ્તાની સેનાની બહાદુરી અમે 1971ના યુદ્ધમાં જોઈ ચૂક્યા છીએ. જે રીતે ત્યારે મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા કે સેના દેશની રક્ષા માટે દરેક મોરચે અંતિમ શ્વાસ સુધી લડશે, બરાબર તે જ રીતે પોકળ દાવા આજે મુનીર દોહરાવી રહ્યા છે. તે યુદ્ધમાં પણ આવા જ મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા, પણ ઇતિહાસ સાક્ષી છે કે પરિણામ શું આવ્યું હતું.

ઊંચે પહોંચ્યા પછી મુનીર ગભરાયા

એક સમય એવો આવે છે કે બધા સરમુખત્યારો પોતાના પડછાયાથી પણ ડરવા લાગે છે. મુનીર માટે આ ડર વહેલો આવ્યો છે. મુનીરને આજીવન જોહુકમી કરવી છે. પાકિસ્તાનના અગાઉના સરમુખત્યારો પણ આ જ કરી ચૂક્યા છે. પોતે એવું માને છે કે જનતાનું ભાગ્ય પોતે જ ઘડે છે, પણ સત્તા ગુમાવ્યા પછી પોતે નક્કી કરી શકતા નથી કે તેમની સાથે શું થશે. મુનીર આ વાત જાણે છે એટલે અચાનક તેને ઊંચાઈથી ડર લાગવા માંડ્યો હોય એવું લાગે છે.

અયૂબ ખાને સત્તા સંભાળી અને પોતાને ફિલ્ડ માર્શલના પદ પર પદોન્નત કર્યા ત્યારથી, આમ તો 1950ના દાયકાથી ભારત પાકિસ્તાનમાં આ જ જોતું આવ્યું છે. પાકિસ્તાનના સર્વેસર્વા બની બેઠેલા લીડરની આશંકાઓને સામે આવવામાં પાંચથી સાત વર્ષ લાગી જાય છે. પરંતુ અસીમ મુનીરના કિસ્સામાં આ આશંકા ટી-20ની ઝડપથી સામે આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સનો જમાનો છે. જમાનો ફાસ્ટ છે. ઓપરેશન સિંદૂર પછી મુનીરે પોતે પોતાને ઓછામાં ઓછા ચાર વખત નવા-નવા પદ આપી દીધા છે. પણ મુનીર જે રીતે ફટાફટ સીડી ચડી રહ્યા છે, તેમને હવે હાંફ ચડવા લાગ્યો છે, તે ઈરાનની યાત્રા પરથી દેખાઈ આવે છે.

હવે વાત ઈરાનની…

પાકિસ્તાનના સર્વ સત્તાધિશ બની ગયા પછી મુનીર મારતે ઘોડે ઈરાન પહોંચી ગયા. ઈરાન પહોંચવાનું એક કારણ છે ટ્રમ્પને વ્હાલા થવું. મુનીરે ટ્રમ્પને સધિયારો આપ્યો હશે કે, તમે ચિંતા ન કરો. હું બેઠો છું. ઈરાન જઈને મામલો સેટ કરી આવીશ. ટ્રમ્પને પણ બે ઘડી માટે મુનીર માનસપુત્ર જેવા લાગ્યા હશે. પણ ઈરાન તો ઈરાન છે. તેણે મુનીરને ગાંઠ્યા નહીં.

મુનીર પોતાની સાથે ‘સ્પેશિયલ એન્ડ કોન્ફિડેન્શિયલ’ પ્રસ્તાવો લઈને ગયા હતા જેનો હેતુ તણાવ ઓછો કરવાનો કોઈ રસ્તો શોધવાનો હતો. પણ ઈરાનના નેતાઓએ પ્રસ્તાવોને સંપૂર્ણપણે ફગાવી દીધા અને કહ્યું કે કોઈ પણ સમજૂતી ત્યારે જ થશે જ્યારે અમેરિકા ઈરાનની માગણીઓ પૂરી કરશે.

ઈરાન પહોચંચેલા મુનીરે રાષ્ટ્રપતિ પઝશકિયાન સાથે મુલાકાત કરી હતી.

ઈરાન પહોચંચેલા મુનીરે રાષ્ટ્રપતિ પઝશકિયાન સાથે મુલાકાત કરી હતી.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પણ અસીમ મુનીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, અમે અમારી જૂની શરતો પર કાયમ છીએ અને હોર્મુઝનું ખુલવું અમેરિકા સાથે સંકળાયેલી શરતો પર નિર્ભર કરે છે. મુનીર ઈરાનના રાષ્ટ્રપતિ પઝશકિયાનને મળ્યા. તેમણે મોજતબા ખામેનીને અને ઈરાનની ટોપ લીડરશિપને મળવાની કોશિશ કરી પણ તેને ના પાડી દેવાઈ અને કહી દેવાયું કે તમારી દાળ ગળશે નહીં. બને એટલું જલ્દી ઈરાન છોડી તો સારું. બે દિવસના પ્રવાસે ગયેલા મુનીર એક જ દિવસમાં ધોયેલ મૂળા જેવા પાછા આવ્યા.

ઈરાનના લિડિંગ અખબાર તેહરાન ટાઇમ્સના ફ્રન્ટ પેજ પર મુનીર અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝશકિયાનની મુલાકાતની એક તસવીર છાપવામાં આવી હતી. તેની હેડલાઇન હતી ‘Gambler’s Hand Revealed to Iran’. એટલે ઈરાન સામે જુગારીનો દાવ ખુલ્લો પડી ગયો. આ જ ન્યૂઝમાં સબ હેડલાઈન હતી- ટ્રમ્પ બેસેન્ટ સાથે મળીને આર્થિક યુદ્ધનો દાવ રમી રહ્યા છે, જ્યારે ઈરાન સાથેના યુદ્ધ દલદલમાંથી સન્માનજનક રીતે બહાર નીકળવાનો માર્ગ શોધવા માટે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને મોકલી રહ્યા છે.

છેલ્લે,

માર્ચ મહિનામાં અસીમ મુનીર અને દેશના મુખ્ય શિયા-ઉલેમાઓ વચ્ચે મિટિંગ થઈ હતી. ઉલેમાઓએ ઈરાનનો પક્ષ લીધો અને કહ્યું કે, આપણે અમેરિકા નહીં પણ ઈરાનની સાથે રહેવું જોઈએ. આ વાતથી મુનીર ભડક્યા હતા અને કહેલું કે, ‘જો તમને ઈરાનથી એટલો લગાવ છે, તો તમે ત્યાં ચાલ્યા જાઓ.’ આ નિવેદનની ટીકા થઈ હતી અને ઈરાને પણ આ વાત ધ્યાનમાં રાખી હતી.

(રિસર્ચ: યશપાલ બક્ષી)

Leave A Comment