Pritam And Pedro Trailer Out; Rajkumar Hirani Web Series Stars Arshad Warsi Vikrant Massey Veer Hirani Photos

Last Updated: June 17, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Pritam And Pedro Trailer Out; Rajkumar Hirani Web Series Stars Arshad Warsi Vikrant Massey Veer Hirani Photos

2 કલાક પેહલા

  • કૉપી લિંક

અર્શદ વારસી, વિક્રાંત મેસી અને વીર હિરાણી સ્ટારર અને રાજકુમાર હિરાણીના ડિરેક્શનમાં બનેલી વેબ સિરીઝ ‘પ્રીતમ એન્ડ પેદ્રો’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ગોવાના જીવંત વાતાવરણની પૃષ્ઠભૂમિ પર આધારિત વેબ સિરીઝમાં રમૂજ, રહસ્ય, ક્રાઇમ, ધમાલ અને અણધારી પાર્ટનરશિપ જોવા મળશે.

પ્રીતમ અને પેદ્રોની જોડી ધમાલ મચાવશે

‘પ્રીતમ એન્ડ પેદ્રો’ બે સાવ જૂદી દુનિયાના લોકોને અસાધારણ સંજોગોમાં સામે લાવીને ઊભા રાખી દે છે. વાર્તાના કેન્દ્રમાં પેદ્રો (અર્શદ વારસી) છે, જે પોતાની કોઠાસૂઝથી ચાલતો પોલીસ અધિકારી છે, જેને ક્રાઇમની દુનિયામાં વધારે રસ છે. જ્યારે બીજી તરફ પ્રીતમ (વીર હિરાણી) છે, જે અત્યંત હોશિયાર અને ટેકનોલોજીનો માસ્ટર યુવાન છે. સંજોગો એવા ઊભા થાય છે, જેમાં બંને એવા રહસ્યમાં ખેંચાય જાય છે, જે તેમની કલ્પના કરતાં પણ ઘણું મોટું, અજાણ્યું અને અણધાર્યું છે. સિરીઝમાં વિક્રાંત મેસી આ રહસ્યમયી વળાંક લાવે છે.

'પ્રીતમ એન્ડ પેદ્રો'માં મોના સિંહ, અર્શદ વારસી, વીર હિરાણી, વિક્રાંત મેસી અને બોમન ઈરાની મહત્ત્વની ભૂમિકામાં છે.

‘પ્રીતમ એન્ડ પેદ્રો’માં મોના સિંહ, અર્શદ વારસી, વીર હિરાણી, વિક્રાંત મેસી અને બોમન ઈરાની મહત્ત્વની ભૂમિકામાં છે.

‘ફિલ્મમાં બનતા અણધાર્યા સંબંધો તરફ હું આકર્ષાયો’

રાજકુમાર હિરાણીએ ટ્રેલર લોન્ચ પ્રસંગે કહ્યું કે, ‘આ વાર્તામાં મને સૌથી વધુ જે બાબતે આકર્ષિત કર્યો, તે તેના કેન્દ્રમાં રહેલો સંબંધ છે. પ્રીતમ અને પેદ્રો તદ્દન અલગ દુનિયામાંથી આવે છે અને જીવનને ખૂબ અલગ દૃષ્ટિકોણથી જુએ છે, પરંતુ તેઓ સાથે મુસાફરી કરવા મજબૂર બને છે. હું હંમેશા લોકોની વાર્તાઓ, તેમના આંતરિક વિરોધાભાસો, તેમની નબળાઈઓ અને રસ્તામાં બનતા અણધાર્યા સંબંધો તરફ આકર્ષાયો છું. આ સિરીઝે આપણને તે બધું અન્વેષણ કરવાની સાથે આ અનોખી દુનિયા અને પાત્રો સાથે ઘણી મજા કરવાની તક આપી છે. જીઓહોટસ્ટાર પર દર્શકો આખરે આનો અનુભવ કરે તે જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

વીર હિરાણી ડિરેક્ટર રાજકુમાર હિરાણીનો દીકરો છે.

વીર હિરાણી ડિરેક્ટર રાજકુમાર હિરાણીનો દીકરો છે.

‘પેદ્રો પોતાની કોઠાસૂઝ પર વિશ્વાસ રાખે છે’

વેબ સિરીઝ અંગે અર્શદ વારસીએ કહ્યું કે, ‘પેદ્રો એક એવું પાત્ર છે, જે જીવન વિશે બહુ વિચારતો નથી. તે પોતાની આંતરિક કોઠાસૂઝ પર વિશ્વાસ રાખે છે, પોતાના હૃદયનું સાંભળે છે અને ઘણીવાર એવી પરિસ્થિતિઓમાં ફસાઈ જાય છે, જ્યાં કદાચ તેણે ન હોવું જોઈએ. આ શો વિશે મને જે ગમ્યું, તે આ મુસાફરીનું પાગલપન, રમૂજ અને અણધારી ઘટનાઓ છે. મને લાગે છે કે દર્શકોને આ વાર્તા જોવાની ખૂબ મજા આવશે.’

વીર હિરાણીએ ‘મુન્નાભાઈ MBBS’માં સર્કિટ (અર્શદ વારસી)ના દીકરાની ભૂમિકા ભજવી હતી.

વીર હિરાણીએ ‘મુન્નાભાઈ MBBS’માં સર્કિટ (અર્શદ વારસી)ના દીકરાની ભૂમિકા ભજવી હતી.

‘અનોખી વસ્તુનો ભાગ બનવાનો આનંદ છે’

સિરીઝના વિલન વિક્રાંત મેસીએ કહ્યું કે, ‘જે બાબતે મને આ સિરીઝ તરફ આકર્ષિત કર્યો, તે એ છે કે આ વાર્તા જેટલી મનોરંજક છે એટલી જ ઊંડાણવાળી પણ છે. તેમાં રમૂજ, રહસ્ય, લાગણીઓ અને અણધાર્યા વળાંકો છે. દરેક પાત્રનો પોતાનો એક હેતુ છે, પોતાની ખામીઓ છે અને પોતાની સફર છે, જે આ દુનિયાને અત્યંત જીવંત બનાવે છે. આવી અનોખી વસ્તુનો ભાગ બનવું મારા માટે આનંદની વાત હતી.’

‘શ્રેષ્ઠ કલાકારો પાસેથી શીખવાની તક મળી’

વેબ સિરીઝમાં હોશિયાર યુવાનનું પાત્ર ભજવનાર વીર હિરાણીએ કહ્યું કે, ‘મારા માટે આ સફરનો સૌથી મોટો લહાવો એ રહ્યો કે, મને ઇન્ડસ્ટ્રીના કેટલાક શ્રેષ્ઠ કલાકારો અને વાર્તાકારો પાસેથી શીખવાની તક મળી. સેટ પરનો દરેક દિવસ માસ્ટરક્લાસ જેવો હતો- પછી ભલે તે અર્શદ સરને કોઈ દૃશ્યમાં આટલી સહજતાથી રમૂજ લાવતા જોવાનું હોય, વિક્રાંતનું ઝીણવટભર્યું ધ્યાન હોય, મોના મેમની હૂંફ અને સાહજિકતા હોય કે કેમેરા પાછળ અવિનાશ સર પાસેથી શીખવાનું હોય. એક એક્ટર તરીકે શીખવા, આગળ વધવા અને મારા પગ જમાવવા માટે મને આનાથી શ્રેષ્ઠ વાતાવરણ ન મળી શક્યું હોત. દર્શકો આખરે ‘પ્રીતમ એન્ડ પેદ્રો’ની દુનિયાનો અનુભવ કરે તે જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’

'પ્રીતમ અને પેદ્રો'ને રાજકુમાર હિરાણીએ ડિરેક્ટ અને અવિનાશ અરુણે પ્રોડ્યુસ કરી છે.

‘પ્રીતમ અને પેદ્રો’ને રાજકુમાર હિરાણીએ ડિરેક્ટ અને અવિનાશ અરુણે પ્રોડ્યુસ કરી છે.

‘વાર્તાની દરેક પળ તમને આશ્ચર્યમાં મૂકી દેશે’

પ્રોડ્યુસર અવિનાશ અરુણે કહ્યું કે, ‘મને ‘પ્રીતમ એન્ડ પેદ્રો’ તરફ જે બાબતે આકર્ષિત કર્યો, તે એ છે કે આ વાર્તા તમને દરેક પળે આશ્ચર્યચકિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ રમૂજ અને ધમાલથી ભરેલી વાર્તા છે, પણ સાથે જ તે માનવીય સંબંધોના મૂળ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. અમે એક એવી દુનિયા બનાવવા માંગતા હતા, જે દર્શકોને પોતાની અંદર સમાવી લે તેવી, મનોરંજક અને તે જ સમયે ભાવનાત્મક રીતે સ્પર્શી જાય તેવી હોય. આ કલાકારો સાથે આ પાત્રોને જીવંત કરવાનો અનુભવ અદ્ભુત અને લાભદાયી રહ્યો છે.’

‘રાજકુમાર હિરાણી જેવા જૂજ લોકો આવો જાદુ સર્જી શકે છે’

ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન OTT પ્લેટફોર્મ જીયોહોટસ્ટારના હિન્દી અને અંગ્રેજી એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ (સ્ટ્રીમિંગ, ટીવી અને સ્ટુડિયોઝ)ના હેડ આલોક જૈને કહ્યું કે, ‘શ્રેષ્ઠ વાર્તાઓ માત્ર ગણ્યાગાંઠ્યા લોકો પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, તે તમામ લોકો સુધી પહોંચવી જોઈએ અને અમે બરાબર એ જ દિશામાં કામ કરી રહ્યા છીએ. દેશભરના લોકો કન્ટેન્ટ જુએ તે પદ્ધતિને અમે બદલી રહ્યા છીએ; તે લોકોના જીવનનો એક ભાગ બની જાય- પછી ભલે તે રોજની અવરજવર હોય, સાંજનો આરામનો સમય હોય કે પરિવાર સાથે વિતાવેલી પળો હોય. સૌથી ઉત્કૃષ્ટ પાત્રો સ્ક્રીન બંધ થયા પછી પણ લાંબા સમય સુધી આપણા મનમાં રહી જાય છે અને ‘પ્રીતમ એન્ડ પેદ્રો’માં દર્શકોને વાર્તાના કેન્દ્રમાં રહેલા બે અનોખા મિસફિટ્સ (એકબીજાથી તદ્દન અલગ પાત્રો)ના રૂપમાં બરાબર એવો જ સાથ મળશે, જે હસાવનારી, આશ્ચર્યચકિત કરનારી અને હૃદયને સ્પર્શી જાય તેવી દુનિયાની સફર કરાવશે. રાજકુમાર હિરાણી જેવા બહુ ઓછા વાર્તાકારો છે, જેઓ સતત આવો જાદુ સર્જી શકે છે, જેમની વાર્તાઓએ પેઢીઓ સુધી લોકોના દિલ જીત્યા છે અને અમને ગર્વ છે કે અમે તેમના જેવા મહાન સર્જકને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ. આજના સમયના દર્શકોની જીવનશૈલી અને તેમની જોવાની રીતને ધ્યાનમાં રાખીને, હૃદયસ્પર્શી વાર્તા સાથે તૈયાર કરવામાં આવેલી ‘પ્રીતમ એન્ડ પેદ્રો’ બરાબર એ દર્શાવે છે કે અમે જીયોહોટસ્ટારમાં કેવું સર્જન કરી રહ્યા છીએ.’