જ્યારે આપણે વેકેશન અથવા કામ માટે બહાર જઈએ છીએ, ત્યારે હોટેલના રિસેપ્શન પર પહોંચતાની સાથે જ આપણો પહેલો પ્રશ્ન Wi-Fi પાસવર્ડ વિશે હોય છે. મોબાઇલ ડેટા બચાવવા માટે આપણે વિચાર્યા વિના ફ્રી વાઇ-ફાઇ સાથે જોડાઈ જઈએ છીએ, પરંતુ આ નાની આદત આપણી જીવનભરની બચત અને ડિજિટલ ગોપનીયતાને ગંભીર જોખમમાં મૂકી શકે છે. તાજેતરમાં, માઇક્રોસોફ્ટે ચેતવણી આપી છે કે હોટલો અને કોન્ફરન્સ હોલના ફ્રી વાઇ-ફાઇ દ્વારા હેકર્સ લોકોનો પર્સનલ ડેટા અને બેંક ખાતા ખાલી કરી રહ્યા છે.
સાયબર હુમલાને માઇક્રોસોફ્ટે આપ્યું નામ
આ ખતરનાક સાયબર હુમલાને માઇક્રોસોફ્ટે “કેપ્ટિવ ક્રંચ” (Storm-2945) નામ આપ્યું છે. જ્યારે તમે હોટલના Wi-Fi સાથે કનેક્ટ થાઓ છો, ત્યારે સ્ક્રીન પર એક વેબ પેજ ખુલે છે જેને “કેપ્ટિવ પોર્ટલ” કહેવામાં આવે છે. તેમાં ઓળખ માટે નામ કે રૂમ નંબર નાખવો પડે છે. હેકર્સ આ લોગિન પેજને હેક કરીને યુઝરના ઇન્ટરનેટ ટ્રાફિકને અટકાવી દે છે.
સ્ક્રીન પર આવે છે પોપ અપ મેસેજ
નેટવર્ક પર નિયંત્રણ મેળવ્યા બાદ, હેકર્સ એક નવી ચાલ ચાલે છે. ઇન્ટરનેટ વાપરતી વખતે યુઝરની સ્ક્રીન પર અચાનક એક પોપ-અપ મેસેજ આવે છે કે, “તમારું બ્રાઉઝર અથવા વિન્ડોઝ સિસ્ટમ જૂની થઈ ગઈ છે, તેને તરત જ અપડેટ કરો.” આ મેસેજ અસલી લાગે છે અને જેવું કોઈ નકલી ‘અપડેટ’ બટન પર ક્લિક કરે છે, કે તરત જ એક ખતરનાક વાયરસ (માલવેર) તેમના ફોન કે લેપટોપમાં ડાઉનલોડ થઈ જાય છે. યુઝરને ખબર પણ નથી હોતી કે તેમનું ઉપકરણ હેકર્સના કબજામાં આવી ગયું છે.
હેકર્સ તમારાં ડિજિટલ ડેટા પર રાખી રહ્યા છે નજર
એકવાર આ વાયરસ ઘૂસી જાય, પછી હેકર્સ ગમે ત્યાં બેઠા તમારા ડિજિટલ ડેટા પર નજર રાખી શકે છે. તેઓ નેટ બેંકિંગ પાસવર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ નંબર અને UPI પિન ચોરી શકે છે. આ ચોરી માત્ર પૈસા સુધી સીમિત નથી; ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇમેઇલ પાસવર્ડ અને ફોનની ગેલેરીમાં રહેલા ખાનગી ફોટા અને વીડિયો પણ હેકર્સના હાથમાં જતા રહે છે, જેનો ઉપયોગ બ્લેકમેઇલિંગ માટે થઈ શકે છે.
આ ડિજિટલ ટ્રેપથી બચવાના ઉપાયો:
જાહેર સ્થળો કે હોટલના ફ્રી વાઇ-ફાઇની લાલચથી બચવું અને હંમેશા તમારા પોતાના મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરવો.
જો અનિવાર્ય સંજોગોમાં હોટલના Wi-Fi નો ઉપયોગ કરવો પડે, તો સુરક્ષા માટે વિશ્વસનીય VPN એપ્લિકેશન ચોક્કસ ચાલુ રાખવી, જે ડેટાને લોક કરી દે છે.
Wi-Fi કનેક્ટેડ હોય ત્યારે જો સોફ્ટવેર, બ્રાઉઝર કે એપ્લિકેશન અપડેટ કરવાનો કોઈ મેસેજ આવે, તો તેને તરત જ કેન્સલ કરવું. થોડી સાવધાની તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.
આ પણ વાંચોઃ Mumbai: નેવી પરિવારની સામૂહિક આત્મહત્યા, બે માસૂમ બાળકો સહિત 4ના મોત