Rashmika Mandanna Struggle Success Story; Kirik Party Pushpa Animal

Last Updated: July 17, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

આજે રશ્મિકા મંદાના દેશની મોટી એક્ટ્રેસમાં ગણાય છે. ‘પુષ્પા’, ‘એનિમલ’ અને ‘છાવા’ જેવી ફિલ્મોથી તેણે પાન ઇન્ડિયા સ્ટારનો દરજ્જો મેળવ્યો. પરંતુ કરિયરની શરૂઆતમાં તેને સતત રિજેક્શન સહન કરવા પડ્યા. તેણે લગભગ 20-25 ઓડિશન આપ્યા, જેમાં મોટાભાગનામાં એવું કહીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા કે તેનો ચહેરો એક્ટ્રેસ જેવો નથી.

તેઓ ઘરે પાછા ફરીને રડતા હતા. એક ફિલ્મ માટે 2-3 મહિના ટ્રેનિંગ લીધા પછી તે ફિલ્મ પણ બંધ થઈ ગઈ. જોકે તેણે હાર ન માની અને પહેલી જ કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી સ્ટાર બની ગઈ.

આજની સક્સેસ સ્ટોરીમાં જાણીએ રશ્મિકા મંદાનાના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો.

રશ્મિકા મંદાના કોડવા સમુદાય સાથે જોડાયેલી, ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ એક્ટ્રેસ હતી. આ જ કારણે તેને વિવાદો અને લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

રશ્મિકા મંદાના કોડવા સમુદાય સાથે જોડાયેલી, ફિલ્મોમાં કામ કરનારી પ્રથમ એક્ટ્રેસ હતી. આ જ કારણે તેને વિવાદો અને લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

કર્ણાટકના વીરાજપેટમાં થયો જન્મ

રશ્મિકા મંદાનાનો જન્મ 5 એપ્રિલ 1996ના રોજ કર્ણાટકના કોડાગુ (કૂર્ગ) જિલ્લાના વીરાજપેટમાં થયો હતો. તે કોડવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સુંદર પહાડીઓ અને કોફીના બગીચાઓ માટે પ્રખ્યાત કૂર્ગમાં તેનું બાળપણ વીત્યું. તેના પિતા મદન મંદાના સ્થાનિક વેપારી છે, જેની પાસે કોફી એસ્ટેટ અને એક ફંક્શન હોલ છે.

તેની માતા સુમન મંદાના ગૃહિણી છે અને રશ્મિકાની કારકિર્દીમાં હંમેશા તેનો આધાર રહી છે. તેની નાની બહેન શિમન મંદાના પણ છે, જેની સાથે તેને ઊંડો લગાવ છે.

બાળપણમાં જોયેલો આર્થિક સંઘર્ષ

રશ્મિકાના માતા-પિતા પાસે ક્યારેય તેના માટે રમકડાં ખરીદવાના પૈસા નહોતા. તેણે હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તેના મતે, એક સમય એવો હતો જ્યારે તેમના માતા-પિતાને ઘર શોધવા અને ભાડું ચૂકવવા માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ પોતાની દીકરીને રમકડું પણ ખરીદીને આપી શકતા નહોતા. આ જ ગરીબી જોઈને રશ્મિકા આજે મહેનતથી કમાયેલા પૈસાની કિંમત સમજે છે.

જીવનનો મોટો ભાગ હોસ્ટેલમાં વીત્યો

રશ્મિકાએ કૂર્ગ પબ્લિક સ્કૂલ, ગોનિકોપ્પલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. આ બોર્ડિંગ સ્કૂલ હતી, તેથી તેનું બાળપણ મોટાભાગે હોસ્ટેલમાં વીત્યું. રશ્મિકાએ કહ્યું, “મારા જીવનનો મોટાભાગનો સમય હોસ્ટેલમાં વીત્યો. તે સમયે મારા માતા-પિતા પોતાનું જીવન અને આર્થિક સ્થિતિ સંભાળવામાં વ્યસ્ત હતા. તેથી બાળપણથી જ હું હોસ્ટેલમાં રહી. તે સમયે મને ફિલ્મો જોવાનો પણ મોકો મળતો ન હતો. હોસ્ટેલમાં રાત્રે 9:30થી 10 વાગ્યા સુધી જ ટીવી જોવાની પરવાનગી હતી અને તે દરમિયાન પણ ફક્ત સમાચાર, સ્પોર્ટ્સ કે મ્યુઝિક જ જોઈ શકાતું હતું.”

રશ્મિકા મંદાના એક્ટ્રેસ બનવા માંગતી ન હતી.

રશ્મિકા મંદાના એક્ટ્રેસ બનવા માંગતી ન હતી.

ભણવામાં નહીં, ડાન્સમાં મન લાગતું હતું

તેણે કહ્યું, “શાળામાં ટીચર્સ ડે, એન્યુઅલ ડે કે કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું હંમેશા ઉત્સાહભેર ભાગ લેતી હતી. ખાસ કરીને ભરતનાટ્યમ શીખતી હતી અને ડાન્સ કરવો મને ખૂબ ગમતો હતો. ભણવામાં મારું બિલકુલ મન નહોતું લાગતું. હું ક્લાસની બેકબેન્ચર હતી. મને લાગતું હતું કે ભણતરથી હું કંઈ ખાસ નહીં કરી શકું. વધુમાં વધુ એ જ થશે કે ઘરે પાછા ફરીને પપ્પાના બિઝનેસમાં તેમની મદદ કરીશ.”

ત્રણ વિષયોમાં બેચલર ડિગ્રી

રશ્મિકા મંદાના માત્ર સફળ એક્ટ્રેસ જ નહીં, પરંતુ સારું ભણતર પણ કરી ચૂકી છે. તેણે અંગ્રેજી સાહિત્ય (English Literature), મનોવિજ્ઞાન (Psychology) અને પત્રકારત્વ (Journalism)માં બેચલર ડિગ્રી મેળવી છે. શાળાના અભ્યાસ પછી રશ્મિકાએ મૈસુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમર્સ એન્ડ આર્ટ્સમાંથી પ્રી-યુનિવર્સિટી કોર્સ કર્યો. ત્યારબાદ તેણે બેંગલુરુની એમ.એસ. રામૈયા કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સમાં પ્રવેશ લીધો અને અહીંથી જ આ ત્રણેય વિષયોમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો.

એક્ટ્રેસ બનવાનું સપનું ક્યારેય જોયું નહોતું

વર્ષ 2014માં કોલેજમાં અભ્યાસ દરમિયાન રશ્મિકાએ ‘ક્લીન એન્ડ ક્લિયર ટાઈમ્સ ફ્રેશ ફેસ’ સ્પર્ધા જીતી. આ પછી તેને મોડેલિંગની ઘણી ઓફરો મળવા લાગી. શરૂઆતમાં તેણે એક્ટિંગના પ્રસ્તાવો ઠુકરાવી દીધો હતો, કારણ કે તેણે ક્યારેય એક્ટ્રેસ બનવા વિશે વિચાર્યું ન હતું.

રશ્મિકા કહે છે, “જ્યારે પણ ફિલ્મોના ગીતો જોતી હતી કે એક્ટર્સ વિશે સાંભળતી હતી, ત્યારે તેમનું જીવન મને ખૂબ આકર્ષિત કરતું હતું. હું વિચારતી હતી કે તેમનું જીવન કેટલું શાનદાર હશે. પરંતુ મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે એક દિવસ હું પોતે એક્ટ્રેસ બની જઈશ.” પછીથી કોલેજના એક પ્રોફેસરે તેને ઓડિશન આપવા માટે પ્રેરિત કર્યા.

‘તારો ચહેરો એક્ટ્રેસ જેવો નથી’

રશ્મિકાએ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં લગભગ 20થી 25 ઓડિશન આપ્યા. મોટાભાગની જગ્યાઓએ તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા. ઘણી કાસ્ટિંગ ટીમોએ તેમને કહ્યું કે તેમનો ચહેરો એક્ટ્રેસ જેવો દેખાતો નથી. આ વાત તેને અંદરથી તોડી નાખતી હતી.

ઘર પાછા ફરીને ખૂબ રડતી હતી

ગલત્તા પ્લસને આપેલા ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ જણાવ્યું હતું કે- સતત રિજેક્શન પછી તે અવારનવાર ઘરે પાછા ફરીને રડતી હતી. તેણે કહ્યું કે તે સમયે તે નિષ્ફળતા સ્વીકારી શકતી ન હતી. દરેક રિજેક્શન પર તેને લાગતું હતું કે કદાચ તે આ ઇન્ડસ્ટ્રી માટે બની જ નથી.

પહેલી ફિલ્મ મળી, પણ ક્યારેય બની શકી નહીં

રશ્મિકાએ જણાવ્યું, ‘એ પછી મેં છેલ્લી વાર એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું અને મારી પસંદગી પણ થઈ ગઈ. ફિલ્મનું નામ ‘ગાલારે ગેલાતીરે’ હતું. અમે બે-ત્રણ મહિના સુધી તેની તાલીમ પણ લીધી, પરંતુ કમનસીબે તે ફિલ્મ ક્યારેય શરૂ જ ન થઈ શકી. હું પાછી ઘરે આવી ગઈ અને મારા અભ્યાસમાં લાગી ગઈ. તે સમયે મારા માતા-પિતાએ પણ કહ્યું કે હવે બે વર્ષ થઈ ગયા છે, ઘરે પાછા આવી જાઓ. મેં પણ વિચાર્યું કે કદાચ મારી જિંદગીનો રસ્તો આ જ છે.’ જોકે તેણે પોતાને સંભાળ્યા અને નવી તકો શોધવાનું ચાલુ રાખ્યું.

રિજેક્શને શીખવ્યું આગળ વધવું

રશ્મિકા મંદાના અવારનવાર કહે છે કે કારકિર્દીમાં મળેલા રિજેક્શન અને નિષ્ફળતાઓ જ તેના સૌથી મોટા શિક્ષક સાબિત થયા. શરૂઆતના દિવસોમાં ઘણા ઓડિશનમાં તેને સ્પષ્ટ કારણ વગર રિજેક્ટ કરી દેવામાં આવી. ઘણી વાર તેને પસંદ ન થવાનું કારણ પણ જણાવવામાં આવ્યું ન હતું.

શરૂઆતમાં આ નિરાશાજનક હતું, પરંતુ ધીમે ધીમે તેણે સમજી લીધું કે મનોરંજન ઉદ્યોગમાં રિજેક્શન દરેક કલાકારની યાત્રાનો એક ભાગ છે અને તેને વ્યક્તિગત નિષ્ફળતા ન માનવી જોઈએ.

રશ્મિકાનું માનવું છે કે જો તે શરૂઆતના આંચકાઓથી તૂટી ગઈ હોત, તો કદાચ ક્યારેય ‘પુષ્પા’, ‘એનિમલ’ અને બીજી મોટી ફિલ્મો સુધી પહોંચી ન શકી હોત. તેણે દરેક રિજેક્શનને પોતાને સુધારવાની તક માની. પોતાની એક્ટિંગ, સ્ક્રીન પ્રેઝન્સ અને આત્મવિશ્વાસ પર સતત કામ કર્યું. તે કહી ચૂકી છે કે સફળતા એક દિવસમાં મળતી નથી, પરંતુ ધૈર્ય, સતત મહેનત અને પોતાના પર ભરોસાથી મળે છે. આ જ વિચાર તેને દરેક નિષ્ફળતા પછી ફરીથી ઊભા થવા અને મજબૂત બનીને આગળ વધવાની પ્રેરણા આપતો રહ્યો.

‘કિરિક પાર્ટી’એ બદલી નાખી જિંદગી

રશ્મિકાએ કહ્યું, ‘આ દરમિયાન મને ‘કિરિક પાર્ટી’નો ફોન આવ્યો. મને લાગે છે કે ત્યાંથી જ એક એક્ટ્રેસ તરીકેની મારી સાચી યાત્રા શરૂ થઈ. જ્યારે મને આ ફિલ્મ મળી ત્યારે મને વિશ્વાસ જ નહોતો થયો. હું બસ એ જ વિચારી રહી હતી, ‘વાહ… આ કેવી રીતે થઈ ગયું?’

રશ્મિકા મંદાનાએ 2016માં કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી એક્ટિંગની શરૂઆત કરી. પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ અને રશ્મિકા કર્ણાટકની નવી સ્ટાર બની ગઈ. તેની સહજ એક્ટિંગ અને સ્ક્રીન પ્રેઝન્સને દર્શકોએ પસંદ કરી. આ પછી તેણે પાછળ વળીને જોયું નથી. કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’નું નિર્દેશન કાંતારા ફેમ એક્ટર-ડિરેક્ટર રિષભ શેટ્ટીએ કર્યું હતું.

કન્નડ સિનેમામાં સતત મળેલી સફળતા

‘કિરિક પાર્ટી’ પછી રશ્મિકાએ કન્નડ ફિલ્મો ‘અંજની પુત્ર’ (2017) અને ‘ચમક’ (2017) માં કામ કર્યું. બંને ફિલ્મોએ સારો દેખાવ કર્યો અને રશ્મિકા ઇન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રીઓમાં સામેલ થઈ ગઈ.

તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડ્યા

2018માં રશ્મિકાએ તેલુગુ ફિલ્મ ‘ચલો’ થી ડેબ્યૂ કર્યું. ફિલ્મ સફળ રહી અને તેલુગુ દર્શકોએ તેને ખૂબ પસંદ કરી. એ જ વર્ષે આવેલી ‘ગીતા ગોવિંદમ’ માં વિજય દેવરકોંડા સાથે તેની જોડી સુપરહિટ રહી. ફિલ્મે 100 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો અને રશ્મિકા સમગ્ર સાઉથ ઈન્ડિયામાં લોકપ્રિય થઈ ગઈ.

આ પછી તેણે ‘દેવદાસ’, ‘ડિયર કોમરેડ’, ‘સરિલેરુ નીકેવરુ’, ‘ભીષ્મ’ અને ‘પુષ્પા: ધ રાઇઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોએ તેમને તેલુગુ સિનેમાની ટોચની એક્ટ્રેસમાં સામેલ કરી દીધી.

ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ 17 ડિસેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ 17 ડિસેમ્બર 2021 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

પુષ્પા કેવી રીતે મળી?

‘ગીતા ગોવિંદમ’, ‘સરિલેરુ નીકેવરુ’ અને ‘ભીષ્મ’ જેવી ફિલ્મોની સફળતા પછી નિર્દેશક સુકુમાર એવી અભિનેત્રીની શોધમાં હતા, જે ‘શ્રીવલ્લી’ના પાત્રમાં ગામડાની સાદગી અને મજબૂત ભાવનાઓને પડદા પર ઉતારી શકે. રશ્મિકાની નેચરલ એક્ટિંગ અને લોકપ્રિયતાને જોતા તેમને આ રોલ ઓફર કરવામાં આવ્યો.

2021માં રિલીઝ થયેલી ‘પુષ્પા: ધ રાઇઝ’માં અલ્લુ અર્જુન સાથે તેમની જોડી પસંદ કરવામાં આવી. ફિલ્મના ગીતો ‘સામી સામી’ અને શ્રીવલ્લીનું પાત્ર દેશભરમાં લોકપ્રિય બન્યું. આ પછી રશ્મિકાની ઓળખ માત્ર સાઉથ પૂરતી સીમિત ન રહી અને તે પાન ઇન્ડિયા સ્ટાર બની ગઈ.

અમિતાભ બચ્ચનની ફિલ્મથી બોલિવૂડમાં શરૂઆત થઈ

રશ્મિકાએ 2022માં અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ગુડબાય’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને વિવેચકોએ પસંદ કરી હતી, જોકે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી ન હતી. ત્યારબાદ તે ‘મિશન મજનૂ’ (સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે)માં જોવા મળી હતી. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેના અભિનયની પ્રશંસા થઈ હતી.

ફિલ્મ 'એનિમલ'ના એક દ્રશ્યમાં રશ્મિકા મંદાના અને રણબીર કપૂર.

ફિલ્મ ‘એનિમલ’ના એક દ્રશ્યમાં રશ્મિકા મંદાના અને રણબીર કપૂર.

‘એનિમલ’થી મળી નવી ઓળખ

2023માં રિલીઝ થયેલી ‘એનિમલ’ રશ્મિકાના કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ફિલ્મમાં તેણે રણબીર કપૂરની પત્ની ગીતાંજલિનો રોલ કર્યો. આ પાત્ર માત્ર ગ્લેમરસ જ નહોતું, પરંતુ ભાવનાત્મક રીતે મજબૂત પણ હતું. આ ફિલ્મથી રશ્મિકાની લોકપ્રિયતા હિન્દી દર્શકોમાં અનેક ગણી વધી ગઈ. સોશિયલ મીડિયા પર તેને લાંબા સમયથી ‘નેશનલ ક્રશ’ કહેવામાં આવે છે, પરંતુ ‘એનિમલ’ પછી આ ઓળખ સમગ્ર હિન્દી બેલ્ટમાં વધુ મજબૂત બની.

શું છે ‘નેશનલ ક્રશ’ની કહાની?

રશ્મિકાને 2020ની આસપાસ સોશિયલ મીડિયા પર મોટા પાયે ‘નેશનલ ક્રશ ઓફ ઇન્ડિયા’ કહેવામાં આવવા લાગી. તેનું કારણ તેની સ્મિત, સાદગી, ઇન્ટરવ્યુમાં સહજ અંદાજ અને દક્ષિણ ભારતમાં મળી રહેલી સફળતા હતી. પછીથી ‘પુષ્પા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોએ આ લોકપ્રિયતાને સમગ્ર દેશમાં વધારી દીધી. જોકે, આ કોઈ સત્તાવાર સન્માન નથી, પરંતુ ચાહકો અને સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવેલું સંબોધન છે.

સફળતાની સાથે ટ્રોલ થઈ, ઘણા વિવાદોમાં ચર્ચાનો વિષય રહી

રશ્મિકા મંદાનાની કારકિર્દી જેટલી ઝડપથી આગળ વધી, તેટલી જ વાર તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો પણ કરવો પડ્યો. સૌથી મોટો વિવાદ 2018માં એક્ટર રક્ષિત શેટ્ટી સાથે સગાઈ તૂટ્યા પછી થયો. સોશિયલ મીડિયા પર એક વર્ગે કોઈ નક્કર માહિતી વિના તેને સંબંધ તૂટવા માટે જવાબદાર ઠેરવી અને લાંબા સમય સુધી નિશાન બનાવી.

ત્યારબાદ 2022માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રશ્મિકાએ પોતાની પહેલી ફિલ્મ ‘કિરિક પાર્ટી’નો ઉલ્લેખ કરતા પ્રોડક્શન હાઉસનું નામ લેવાને બદલે હાથના ઇશારાનો ઉપયોગ કર્યો. આને લઈને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ચાહકોએ તેને નિર્દેશક રિષભ શેટ્ટી અને પ્રોડક્શન હાઉસનું અપમાન ગણાવ્યું. આ જ સમયગાળા દરમિયાન ‘કાંતારા’ ન જોયાના નિવેદન પર પણ તેને સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડ્યો.

સતત ટ્રોલિંગ પર રશ્મિકાએ નવેમ્બર 2022માં સોશિયલ મીડિયા પર લાંબી નોટ લખીને પોતાનું મૌન તોડ્યું. તેણે કહ્યું, “આ દિલ તોડનારું અને નિરાશાજનક છે કે મને એવી વાતો માટે ટ્રોલ કરવામાં આવે છે, જે મેં ક્યારેય કહી જ નથી.” તેણે એ પણ લખ્યું કે કરિયરની શરૂઆતથી જ તેને સતત ટીકાનો સામનો કરવો પડ્યો છે અને હવે તેને લાગ્યું કે આના પર પોતાની વાત રજૂ કરવી જરૂરી છે.

બાદમાં એક ઇન્ટરવ્યૂમાં રશ્મિકાએ કહ્યું કે લોકો તેના બોલવાની રીત, હાથના ઇશારા અને એક્સપ્રેશનને પણ ખોટા અર્થમાં લઈ લે છે. તેના મતે, પબ્લિક ફિગર હોવાને કારણે તે સમજે છે કે દરેક જણ તેને પસંદ નહીં કરે, પરંતુ જો લોકો કોઈના પ્રત્યે દયાળુ ન હોઈ શકે તો ઓછામાં ઓછું કારણ વગર નફરત ન ફેલાવવી જોઈએ.

જોકે, સતત ટ્રોલિંગ અને વિવાદો છતાં રશ્મિકાએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું. આજે તે ભારતીય સિનેમાની સફળ એક્ટ્રેસમાંની એક છે અને દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે.

રશ્મિકાની આગામી મુખ્ય ફિલ્મો

1. રાણાબાલી

આ 19મી સદીની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે, જેમાં રશ્મિકા તેના પતિ વિજય દેવરકોંડા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. પાન-ઇન્ડિયા સ્તરે બનનારી આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આમાં વિજય દેવરકોંડાએ રાણાબાલી અને રશ્મિકા મંદાનાએ જયમ્માનો કિરદાર નિભાવ્યો છે.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ 26 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ 26 ફેબ્રુઆરી 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા.

2. માયસા

આ એક તેલુગુ એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં રશ્મિકા ગ્રામીણ અને આદિવાસી પૃષ્ઠભૂમિવાળા મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 2026ના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

રશ્મિકાની ફિલ્મ ‘માયસા’નું ટીઝર તાજેતરમાં લોન્ચ થયું છે.

રશ્મિકાની ફિલ્મ ‘માયસા’નું ટીઝર તાજેતરમાં લોન્ચ થયું છે.

3. પુષ્પા 3 – ધ રેમ્પેજ

બ્લોકબસ્ટર ‘પુષ્પા’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી કડીમાં તે અલ્લુ અર્જુન સાથે ફરી એકવાર શ્રીવલ્લીનો રોલ ભજવશે. આ ફિલ્મ 2028 કે 2029 સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

4. એનિમલ પાર્ક

‘એનિમલ’ની સફળતા પછી તે સંદીપ રેડ્ડી વાંગાની આ આગામી ક્રાઈમ-ડ્રામા ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, કારણ કે તેનું શૂટિંગ 2027ના મધ્યમાં શરૂ થશે.

5. એટલીની આગામી ફિલ્મ

એટલીના નિર્દેશનમાં બનનારી આ આગામી તેલુગુ ફિલ્મમાં રશ્મિકાની જોડી અલ્લુ અર્જુન સાથે બનશે. આ ફિલ્મને સત્તાવાર રીતે ‘રાકા’ નામ આપવામાં આવ્યું છે. હાલમાં આ સાયન્સ-ફિક્શન ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, તે 2027ના ઉનાળામાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની અપેક્ષા છે.

Leave A Comment