Rohit Sharma-Nita Ambani London Meet Sparks MI IPL 2027 Captaincy Buzz
3 કલાક પેહલા
- કૉપી લિંક
રોહિત શર્મા અને નીતા અંબાણી MI લંડન અને સનરાઇઝર્સ લીડ્સ વચ્ચે રમાયેલી ધ હંડ્રેડની પહેલી મેચ જોવા પહોંચ્યા હતા. (ફોટો- સ્ટાર સ્પોર્ટ્સ)
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લોર્ડ્સ વન-ડેમાં શાનદાર સદી ફટકાર્યા બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે કારણ તેમનું પ્રદર્શન નહીં, પરંતુ ‘ધ હંડ્રેડ’ની ઓપનિંગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી સાથેની તેની મુલાકાત રહી.
રોહિત શર્મા લંડનના ઓવલ સ્ટેડિયમમાં MI લંડન અને સનરાઇઝર્સ લીડ્સ વચ્ચે રમાયેલી ધ હંડ્રેડની પહેલી મેચ જોવા પહોંચ્યો હતો. સ્ટેડિયમ પહોંચતા જ તેણે ફેન્સ સાથે મુલાકાત કરી, ઘણા લોકો સાથે સેલ્ફી લીધી અને પછી વીઆઈપી સ્ટેન્ડમાં જઈને મેચની મજા માણી.
રોહિત અને નીતા અંબાણીની વાતચીત વાઇરલ
સૌથી વધુ ચર્ચા તે સમયે થઈ જ્યારે રોહિત શર્મા અને નીતા અંબાણીને લાંબા સમય સુધી વાતચીત કરતા જોવામાં મળ્યા. બંને વચ્ચે કયા વિષય પર વાતચીત થઈ તેની કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા પર આ અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. MI લંડન, IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સની સિસ્ટર ટીમ છે, તેથી આ મુલાકાતે વધુ ધ્યાન ખેંચ્યું છે.
હાર્દિક પંડ્યા IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહ્યો હતો, પરંતુ ટીમના ખરાબ પ્રદર્શન અને આંતરિક મતભેદો બાદ તેના ફ્રેન્ચાઇઝી છોડવાના સમાચાર તાજેતરમાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિતની આ મુદ્દે પણ મુંબઈ ટીમના માલિક સાથે ચર્ચા થઈ છે, કારણ કે રોહિત જ એ કેપ્ટન છે જેમણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવી છે. પરંતુ જ્યારથી હાર્દિકે મુંબઈની કેપ્ટનશઈપ સંભાળી છે, ત્યારથી ટીમનું પ્રદર્શન યાદ રાખવા જેવું રહ્યું નથી.
લોર્ડ્સમાં બેટથી આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સ વન-ડે પહેલા રોહિત શર્મા સતત સવાલોના ઘેરાવામાં હતા. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી BCCI આગળના પ્લાનિંગમાં નવા ખેલાડીઓ પર ભરોસો કરી શકે છે. તેવામાં લોર્ડ્સની મેચ રોહિત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.
આ મેચ પહેલા રોહિતે છેલ્લી આઠ વન-ડે મેચમાં 241 રન બનાવ્યા હતા. તેની એવરેજ 30.1 અને સ્ટ્રાઈક રેટ 88.6 રહ્યો હતો. આ દરમિયાન તેના બેટથી માત્ર એક ફિફ્ટી નીકળી હતી. જોકે, BCCI તરફથી એવા સંકેત આપ્યા હતા કે લોર્ડ્સ વન-ડે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ નહીં હોય.

84 બોલમાં સદી, બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
388 રનના અઘરો ટાર્ગેટને ચેઝ કરતા રોહિત શર્માએ કેપ્ટન શુભમન ગિલ સાથે પહેલી વિકેટ માટે 147 રનની શાનદાર ભાગીદારી કરી. આ પછી તેણે ઇંગ્લેન્ડના બોલરો પર આક્રમક પ્રહાર કર્યા.
રોહિતે માત્ર 84 બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે 110 બોલમાં 138 રનની શાનદાર ઇનિંગ્સ રમી. આ સાથે તે લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વન-ડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર પણ બની ગયો. જોકે, તેની શાનદાર ઇનિંગ્સ છતાં ભારત સિરીઝની નિર્ણાયક મેચ જીતી શક્યું નહીં.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


