Rohit Sharma Retirement; BCCI Decides To Move Beyond Indian Captain
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે વન-ડે સિરીઝ રમી રહી છે. તે દરમિયાન હવે રોહિત શર્માના કરિયરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, સિલેક્ટર્સ અને ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે હવે રોહિત શર્માથી આગળ વધવાનું મન બનાવી લીધું છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝની ત્રીજી મેચ લોર્ડ્સના મેદાન પર રોહિત શર્માની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ હોઈ શકે છે.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, 19 જુલાઈએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને છેલ્લી વન-ડે આ ફોર્મેટમાં રોહિત શર્માની છેલ્લી મેચ હોઈ શકે છે. કારણ કે BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ તેને જણાવી દીધું છે કે તે આ સિરીઝ પછી તેનાથી આગળ વધવાનો નિર્ણય લઈ ચૂક્યો છે. એટલે કે સ્પષ્ટ છે કે રોહિતને આગળ તક મળશે નહીં.
2027ના વન-ડે વર્લ્ડ કપનો પ્લાનનો ભાગ નહીં હોય
રિપોર્ટ્સ પ્રમાણે, ભારતીય પસંદગી સમિતિએ રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીરને ગયા અઠવાડિયે જ આ અંગે જાણ કરી દીધી હતી. આ મુજબ, પસંદગીકારોએ હવે રોહિત સાથે આગળ ન વધવાનું મન બનાવ્યું છે. પસંદગી સમિતિ હવે યુવા ખેલાડીઓને આગળ લાવવા માગે છે. મેનેજમેન્ટ યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓને તક આપવા માગે છે અને આગામી 2027 વન-ડે વર્લ્ડ કપની તૈયારી કરવા ઇચ્છે છે.

હેડ કોચ ગૌતમ ગંભીર અને રોહિત શર્મા.
BCCIના એક સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ એવું કહેવામાં આવ્યું છે કે, “પસંદગીકારોએ રોહિત શર્માને જાણ કરી દીધી છે કે તેઓ ભવિષ્યના આયોજનનો હિસ્સો નથી. મેનેજમેન્ટે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી તેનાથી આગળ વધવાનું મન બનાવી લીધું છે. જોકે, તે આગળ રમવા માગે છે અને ખાસ કરીને પોતાની ફિટનેસ પર કામ કર્યા પછી. પરંતુ પસંદગીકારોએ આ અંગે માહિતી આપ્યા બાદ બોલ રોહિત શર્માના કોર્ટમાં જ છોડી દીધો છે અને ભવિષ્ય પર પોતાને જ અંતિમ નિર્ણય લેવા કહ્યું છે.”
અંતિમ નિર્ણય રોહિત પર છોડ્યો
મીડિયા અહેવાલો અનુસાર, સિલેક્ટર્સે રોહિતને જણાવી દીધું છે કે ઇંગ્લેન્ડ પ્રવાસ પછી તેઓ તેને પોતાની યોજનાઓમાં સામેલ કરી રહ્યા નથી. સાથે જ ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ પછી તેનાથી આગળ વધવા અંગે વિચારણા કરી રહ્યા છે. જોકે, પોતાની ફિટનેસ પર કામ કર્યા પછી રોહિત રમવાનું ચાલુ રાખવા માંગતો હતો. હવે પસંદગીકારો તરફથી અંતિમ નિર્ણય પૂર્વ કેપ્ટન પર છોડી દેવામાં આવ્યો છે.

કેપ્ટનશીપ પહેલા જ શુભમન ગિલને મળી ચૂકી છે
રોહિત પાસેથી ગયા વર્ષે વન-ડે કેપ્ટનશીપ લઈને શુભમન ગિલને જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારથી જ સંકેતો મળવા લાગ્યા હતા કે પસંદગીકારો ભવિષ્યની ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
રોહિતની વન-ડે કેપ્ટનશીપમાં ભારતને 2023 વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચાડવાનો સમાવેશ થાય છે, જ્યાં ટૉપ ઓર્ડરમાં ટીમના સંપૂર્ણ આક્રમક અંદાજે આ ફોર્મેટમાં ભારતની બેટિંગ કરવાની સ્ટાઇલને જ બદલી નાખી. બીજા વર્ષે એ જ અંદાજ ભારતના 2024 T20 વર્લ્ડ કપ જીતવાના અભિયાનમાં પણ જોવા મળ્યો. તેની કેપ્ટનશીપમાં ભારત 17 વર્ષ પછી T20 ફોર્મેટમાં ચેમ્પિયન બન્યું.
2025માં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 76 રનની ઇનિંગ રમી હતી. તેની આ કેપ્ટન ઇનિંગની મદદથી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. તેની આ ઇનિંગના જોરે તેને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.
T20 ફોર્મેટ અને ટેસ્ટમાંથી પહેલા જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે
ઇંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં રોહિત શર્મા છેલ્લી વાર ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળી શકે છે. 29 જૂન 2024ના રોજ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ સાબિત થઈ. 7 મે 2025ના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જો 19 જુલાઈએ રોહિત વિદાય લેશે તો આ એક યુગનો અંત હશે.
2023 વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડ્યા
રોહિતની કેપ્ટનશીપમાં ભારત 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું. તેણે ટીમને પહેલા બોલથી જ એટેક કરવાની વ્યૂહરચના શીખવી. આનાથી વન-ડે ક્રિકેટમાં ભારતનો અભિગમ બદલાઈ ગયો. આ જ ટેમ્પલેટ પર ભારતે 2024 T20 વર્લ્ડ કપ પણ જીત્યો. રોહિત વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટર પણ છે.

રોહિત શર્મા વન-ડે વર્લ્ડ કપ ટ્રોફીની બાજુમાં. 19 નવેમ્બર 2023ના રોજ ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
કેપ્ટન તરીકે 103 મેચ જીતી
રોહિત શર્મા ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. તેણે 2017થી 2025 વચ્ચે ત્રણેય ફોર્મેટ મળીને 142 મેચમાં કેપ્ટનશીપ કરી. આમાં ભારતે 103 મેચ જીતી. વન-ડેમાં તેણે 56 મેચમાં 42 જીત, T20 ઇન્ટરનેશનલમાં 62 મેચમાં 49 જીત અને ટેસ્ટમાં 24 મેચમાં 12 જીત નોંધાવી છે.
તેની કેપ્ટનશીપમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે ICC ટાઇટલ પોતાના નામે કર્યા. તેણે ભારતને 2018 અને 2023 એશિયા કપ પણ જીતાડ્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


