Samsung Smartphone Price Many phones including Galaxy Fold8 Flip8 may become more expensive from September | Gujarat News

Last Updated: August 24, 2026By

Samsung સ્માર્ટફોન ખરીદનારા ગ્રાહકો માટે આવતો મહિનો ખિસ્સા પર ભારે પડી શકે છે. રિપોર્ટ અનુસાર, કંપની ભારતમાં સપ્ટેમ્બરથી પોતાના ઘણા સ્માર્ટફોનની કિંમત વધારવાની તૈયારી કરી રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે માત્ર સસ્તા ફોન જ નહીં, પરંતુ પ્રીમિયમ અને ફોલ્ડેબલ ફોન પણ મોંઘા થઈ શકે છે. Samsungની નવી કિંમતો સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી લાગુ થઈ શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી આ અંગે સત્તાવાર માહિતી આપી નથી.

Foldable ફોન પર પડી શકે છે મોટી અસર

Samsungના તાજેતરમાં લોન્ચ થયેલા Galaxy Z Fold8 Ultra, Galaxy Z Fold8 અને Galaxy Z Flip8ની કિંમતોમાં મોટી વધારાની ચર્ચા છે. આ ફોનની હાલની કિંમત લગભગ 1.25 લાખ રૂપિયાથી 2.60 લાખ રૂપિયા વચ્ચે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફોલ્ડેબલ ફોનની કિંમતમાં લગભગ 8થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જો આવું થાય છે, તો કેટલાક મોડલ ખરીદવા માટે ગ્રાહકોએ ઘણા વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. આ સાથે Samsungની Galaxy A અને M સિરીઝ જેવા બજેટ અને મિડ-રેન્જ ફોન પણ મોંઘા થઈ શકે છે. એટલે કે કંપનીના નાના બજેટના ફોનથી લઈને મોંઘા ફોલ્ડેબલ સુધી, ઘણા ડિવાઇસની કિંમત બદલાઈ શકે છે.

આખરે શા માટે વધી રહ્યા છે ફોનના ભાવ?

કિંમત વધવા પાછળનું સૌથી મોટું કારણ સ્માર્ટફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતી મેમરી ચિપની વધતી કિંમત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડોલરની સરખામણીએ રૂપિયાની નબળાઈને કારણે પણ કંપનીઓની કિંમત વધી છે. Samsung પોતે મેમરી ચિપ બનાવતી મોટી કંપનીઓમાં સામેલ છે, તેમ છતાં વધતી કિંમતની અસર કંપની પર પણ પડી છે. અત્યાર સુધી Samsungએ વધેલી કિંમતનો કેટલોક હિસ્સો પોતે ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે આ દબાણનો કેટલોક હિસ્સો ગ્રાહકો પર નાખવામાં આવી શકે છે.

 OPPOએ પણ પોતાની કેટલીક સિરીઝની કિંમતોમાં ફેરફાર કર્યો 

Samsungની કિંમત વધારવાની ખબર એવા સમયે આવી છે, જ્યારે બજેટ સ્માર્ટફોન માર્કેટ પહેલેથી જ દબાણમાં છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 15,000 રૂપિયાથી ઓછી કિંમતના ફોનનો હિસ્સો ઝડપથી ઘટ્યો છે. અન્ય કંપનીઓ પણ કિંમતો વધારી ચૂકી છે. OnePlusએ છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત પોતાના ફોન મોંઘા કર્યા છે. OPPOએ પણ પોતાની કેટલીક સિરીઝની કિંમતોમાં ફેરફાર કર્યો છે. એક તરફ સસ્તા ફોનના વેચાણ પર દબાણ છે, જ્યારે બીજી તરફ પ્રીમિયમ સ્માર્ટફોનની માંગ સારી રહી છે. Samsungના નવા ફોલ્ડેબલ ફોનના લોન્ચિંગ બાદ માત્ર 72 કલાકમાં લગભગ 2.71 લાખ યુનિટનું પ્રી-બુકિંગ થયું હતું. જાણકારોનું કહેવું છે કે હાલમાં ગ્રાહકો ઓછા ફોન ખરીદવાને બદલે વધુ સારા અને મોંઘા મોડલ પર વધુ પૈસા ખર્ચી રહ્યા છે. આ જ કારણસર સ્માર્ટફોન માર્કેટમાં કુલ વેચાણ ઘટવા છતાં સરેરાશ ફોનની કિંમત વધી રહી છે.

તહેવારોમાં પણ મળી શકે છે ઓછું ડિસ્કાઉન્ટ

સપ્ટેમ્બર બાદ ભારતમાં ફેસ્ટિવ સીઝન શરૂ થઈ જશે. સામાન્ય રીતે આ દરમિયાન કંપનીઓ મોટા ડિસ્કાઉન્ટ અને ઓફર આપે છે. પરંતુ જો મેમરી ચિપ અને અન્ય કમ્પોનન્ટની કિંમતો ઊંચી રહેશે, તો આ વર્ષે કંપનીઓ પાસે વધુ ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા ઓછી થઈ શકે છે. હાલમાં Samsungએ નવી કિંમતોની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેથી સપ્ટેમ્બરમાં કિંમતોમાં કેટલો ફેરફાર થશે, તેની સાચી માહિતી કંપનીની જાહેરાત બાદ જ સામે આવશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ

Leave A Comment