Siriની જાસૂસી પડી મોંઘી,એપલ ચૂકવશે ₹869 કરોડનું વળતર, જાણો કોના ખાતામાં આવશે પૈસા?

Last Updated: January 26, 2026By

ટેક જાયન્ટ એપલ (Apple) હાલમાં તેના લોકપ્રિય વોઇસ આસિસ્ટન્ટ ‘Siri’ સિરીને કારણે વિવાદોમાં છે. યુઝર્સની પ્રાઈવસી સાથે જોડાયેલા એક ગંભીર કેસમાં એપલે 95 મિલિયન ડોલર (લગભગ ₹869 કરોડ) ચૂકવવાનું સ્વીકાર્યું છે. આ સેટલમેન્ટ બાદ અમેરિકામાં અનેક પાત્ર યુઝર્સના બેંક ખાતામાં રકમ જમા થવાનું શરૂ થઈ ગયું છે.

શું હતો સમગ્ર મામલો?

આ વિવાદની શરૂઆત વર્ષ 2019 માં થઈ હતી, જ્યારે Apple પર આરોપ લાગ્યો હતો કે તેનું વૉઇસ આસિસ્ટન્ટ સિરી યુઝર્સની મંજૂરી વિના તેમની ખાનગી વાતચીત રેકોર્ડ કરે છે. રિપોર્ટ મુજબ, સિરી ઘણીવાર અજાણતા સક્રિય થઈ જતું હતું અને આસપાસની વાતો રેકોર્ડ કરી લેતું હતું. આ બાબત પ્રાઈવસીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાવી યુઝર્સે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, એપલે કોઈ પણ પ્રકારની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ લાંબી કાયદાકીય લડાઈ ટાળવા માટે ગત વર્ષે સેટલમેન્ટ માટે સંમતિ આપી હતી.

કોને મળી રહ્યા છે પૈસા?

આ સેટલમેન્ટની રકમ દરેકને નહીં, પરંતુ અમુક ચોક્કસ શરતો પૂરી કરનારા યુઝર્સને જ મળશે. જે યુઝર્સ પાસે 17 સપ્ટેમ્બર 2014 થી 31 ડિસેમ્બર 2024 વચ્ચે સિરી સપોર્ટેડ કોઈ પણ એપલ ડિવાઇસ (iPhone, iPad, Mac વગેરે) હતું. જેમણે સાબિત કર્યું કે આ સમયગાળા દરમિયાન સિરી તેમની પરવાનગી વગર સક્રિય થયું હતું. જે યુઝર્સે 2025 ના મધ્ય સુધીમાં સેટલમેન્ટ માટે ઓનલાઇન ક્લેમ ફાઇલ કર્યો હતો.

ચૂકવણીની પ્રક્રિયા

9to5Mac ના રિપોર્ટ અનુસાર, જે યુઝર્સે સમયસર ફોર્મ ભરીને બેંક વિગતો આપી હતી, તેમને પેમેન્ટ મળવા લાગ્યું છે. જે લોકોએ ચેક અથવા અન્ય પેમેન્ટ મોડ પસંદ કર્યા છે, તેમને થોડી રાહ જોવી પડી શકે છે. હાલમાં આ પ્રક્રિયા અમેરિકા પૂરતી મર્યાદિત છે.
‘Siri’ શું છે?
સિરી એ એપલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વૉઇસ આસિસ્ટન્ટ છે. તે યુઝર્સના અવાજ પરથી કોલ કરવા, મેસેજ મોકલવા, મ્યુઝિક વગાડવા અને સ્માર્ટ હોમ ગેજેટ્સ કંટ્રોલ કરવા જેવા કાર્યો કરે છે. પરંતુ આ કેસ બાદ ટેક દુનિયામાં યુઝર્સની પ્રાઈવસીને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે.