T20 વર્લ્ડકપ માટે સ્કોટલેન્ડની ટીમ જાહેર:પાકિસ્તાની મૂળના સફયાન શરીફના વિઝા પર ગૂંચવાયું; ICC-BCCI સાથે મળીને ઉકેલ શોધી રહ્યા છે

Last Updated: January 27, 2026By

T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની જગ્યાએ સામેલ થયેલી સ્કોટલેન્ડની ટીમે સોમવારે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમને આ જ અઠવાડિયે ભારત માટે રવાના થવાનું છે, પરંતુ પાકિસ્તાની મૂળના ફાસ્ટ બોલર સફયાન શરીફ સહિત કેટલાક ખેલાડીઓના વિઝાને લઈને સસ્પેન્સ યથાવત છે. ક્રિકેટ સ્કોટલેન્ડને ICCએ ખાતરી આપી છે કે તેઓ ભારતીય વિઝા જલ્દી અપાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી તણાવને કારણે ઘણીવાર પાકિસ્તાની મૂળના નાગરિકોને વિઝા મળવામાં વિલંબ થાય છે. સ્કોટલેન્ડની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીએ કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે થવાની છે. ICC અને BCCI સાથે મળીને કામ કરી રહ્યા છે
ક્રિકેટ સ્કોટલેન્ડના મુખ્ય કાર્યકારી ટ્રુડી લિન્ડબ્લેડે કહ્યું, ‘વિઝા પ્રક્રિયા હંમેશા થોડી અનિશ્ચિત હોય છે, ભલે તમારી પાસે 3 દિવસ હોય કે 45 દિવસ. છેલ્લા 48 કલાકથી અમારું સંપૂર્ણ ધ્યાન આના પર છે જેથી ખેલાડીઓ સમયસર ભારત પહોંચી શકે. ICC આ મામલે BCCI અને સ્થાનિક અધિકારીઓ સાથે તાલમેલ સાધી રહ્યું છે. અમને પૂરો વિશ્વાસ છે કે મેચ પહેલા બધાને ક્લિયરન્સ મળી જશે.’ સફયાન શરીફનો મામલો મહત્ત્વનો
ફાસ્ટ બોલર સફયાન શરીફનો જન્મ ઇંગ્લેન્ડના હડર્સફિલ્ડમાં થયો હતો. તેના પિતા પાકિસ્તાની અને માતા બ્રિટિશ-પાકિસ્તાની છે. તે 7 વર્ષની ઉંમરે સ્કોટલેન્ડ શિફ્ટ થઈ ગયો હતો. આ પાકિસ્તાની કનેક્શનને કારણે તેના વિઝામાં વિલંબ થવાની આશંકા છે. સ્કોટલેન્ડે સાવચેતીના ભાગરૂપે 2 ટ્રાવેલિંગ અને 3 નોન-ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડીઓ પણ રાખ્યા છે, જેથી કોઈપણ વિલંબની સ્થિતિમાં ટીમ મેદાન પર ઉતરી શકે. ટીમમાં 3 મોટા ફેરફાર: ક્રિસ સોલ બહાર, 19 વર્ષના ઇહસાનને તક
આ વખતે સ્કોટલેન્ડની ટીમમાં 2024 વર્લ્ડ કપની સરખામણીમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ઝૈનુલ્લાહ ઇહસાન: અફઘાનિસ્તાનમાં જન્મેલા 19 વર્ષના આ ફાસ્ટ બોલરને પહેલીવાર તક મળી છે. ટોમ બ્રુસ: ન્યૂઝીલેન્ડ માટે 17 T20 રમી ચૂકેલા બ્રુસ હવે સ્કોટલેન્ડની જર્સીમાં જોવા મળશે. ક્રિસ સોલ બહાર: 145 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકનાર ક્રિસ સોલ આ વખતે ટીમનો ભાગ નથી. તે હાલમાં રિક્રુટમેન્ટ સેક્ટરમાં પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યો છે. સ્કોટલેન્ડને 2 અને 4 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં પ્રેક્ટિસ મેચ રમવાની છે
બેંગલુરુમાં વોર્મ-અપ મેચ: ટીમને ભારતમાં પહોંચ્યા પછી 2 અને 4 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં અફઘાનિસ્તાન અને નામિબિયા સામે વોર્મ-અપ મેચ રમવાની છે. આ પછી તેઓ કોલકાતા જશે. ગ્રુપ-Bમાં સ્કોટલેન્ડ સાથે વેસ્ટ ઇન્ડીઝ, ઈટાલી, ઇંગ્લેન્ડ અને નેપાળની ટીમો છે. ટૉપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય કરશે. સ્કોટલેન્ડની 15 સભ્યોની ટીમ:
રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રુસ, મેથ્યુ ક્રોસ, બ્રેડ કરી, ઓલી ડેવિડસન, ક્રિસ ગ્રીવ્સ, ઝૈનુલ્લાહ ઇહસાન, માઇકલ જોન્સ, માઇકલ લીસ્ક, ફિનલે મેકક્રેથ, બ્રેન્ડન મેકમુલેન, જ્યોર્જ મુન્સે, સફયાન શરીફ, માર્ક વોટ, બ્રેડ વ્હીલ. રિઝર્વ ખેલાડીઓ: જેસ્પર ડેવિડસન, જેક જાર્વિસ.