T20 વર્લ્ડ કપમાં ભારતની સેમિફાઈનલની આશા જીવંત:બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું, શેફાલી વર્માની ફિફ્ટી, રાધા યાદવે 3 વિકેટ ઝડપી

Last Updated: June 28, 2026By

વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને સેમિફાઈનલની આશાઓ જીવંત રાખી છે. માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 136 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે શેફાલી વર્માના 53 રન અને યાસ્તિકા ભાટિયાના 23 રનની મદદથી 16.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. શેફાલીએ 34 બોલમાં 53 રનની ઇનિંગ રમી ભારત માટે શેફાલી વર્માએ 34 બોલમાં 53 રનની ઇનિંગ રમી. જેમિમાહ રોડ્રિગ્સે 26 અને યાસ્તિકા ભાટિયાએ 23 રન બનાવ્યા. જોકે, ભારતે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌર 13 રન બનાવીને અણનમ રહી. બાંગ્લાદેશ તરફથી રિતુ મોનીએ 2 વિકેટ લીધી, જ્યારે મારુફા અખ્તર, રાબિયા ખાન અને નાહીદા અખ્તરને 1-1 સફળતા મળી. ભારતે આ મેચ 19 બોલ બાકી રહેતા 5 વિકેટે જીતી લીધી. રાધાએ 3 અને શ્રી ચરણીએ 2 વિકેટ લીધી આ પહેલા, બાંગ્લાદેશ તરફથી જુઆરિયા ફિરદૌસે (33) અને કેપ્ટન નિગાર સુલતાનાએ (32) મહત્વની ઇનિંગ્સ રમી હતી. ભારતે શરૂઆતની ઓવરોમાં ચાર કેચ છોડ્યા, પરંતુ પછીથી કમબેક કર્યું. ટીમ માટે રાધા યાદવે 3, શ્રી ચરણીએ 2, જ્યારે રેણુકા સિંહ અને નંદની શર્માએ 1-1 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને નંદની શર્મા બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, શોર્ના અખ્તર, રાબેયા ખાન, નાહિદા અકટર, સંજીદા અખ્તર મેઘલા અને મારુફા અખ્તર.