T20 વર્લ્ડ કપમાં આ ગુજરાતીઓએ ડંકો વગાડ્યો:બુમરાહ-અક્ષર-હાર્દિક સાથે બેટિંગ કોચ સિતાંશુ પણ ભારતના હીરો રહ્યા, જાણો તેઓએ કઈ રીતે ભારતને ચેમ્પિયન બનાવ્યું

Last Updated: March 8, 2026By

ઈન્ડિયા…ઈન્ડિયા…ઈન્ડિયા…ભારતે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજીવાર ટાઇટલ જીત્યું. ટીમ ઈન્ડિયાએ ઓવરઓલ ત્રીજી વખત ચેમ્પિયન બનીને અનેક રેકોર્ડ બનાવ્યા. ભારતીય ટીમની આ જબરદસ્ત જીતમાં ઘણા હીરોઝ રહ્યા. સંજુ સેમસન પ્લેયર ઑફ ધ મેચ બન્યો. તો વરુણ ચક્રવર્તી ભારત માટે ટૉપ વિકેટ રહ્યો. શિવમ દુબેએ પણ સતત સારું પ્રદર્શન કર્યું. આ બધા વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરના પણ વખાણ કરી રહ્યા છે. આ ઈન્ડિયન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર ગુજ્જુઓની ચોકડી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને બેટિંગ કોચ સિતાંશુ કોટકની. 1. જસપ્રીત બુમરાહ: ભારતીય બોલિંગ ડિપાર્ટમેન્ટનો ‘સચિન તેંડુલકર’ જરા કલ્પના કરો કે જે મેચમાં એક ટીમે 255 રન બનાવ્યા હોય, એ મેચમાં એક બોલર માત્ર 3.8ની ઇકોનોમીથી બોલિંગ કરે તો. પણ આવું કરી બતાવ્યું છે ટીમ ઈન્ડિયાના કરોડરજ્જુ સમાન જસપ્રીત બુમરાહે. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપીને મેચને પલટી નાખી. સેમિફાઈનલમાં પણ 254 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ઇંગ્લેન્ડે 15 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવી લીધા હતા. તે સમયે સેમ કરન 5 અને જેકબ બેથેલ 81 રન પર બેટિંગ કરી રહ્યા હતા. મેચ ઇંગ્લેન્ડના પક્ષમાં જતી દેખાઈ રહી હતી, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે જસપ્રીત બુમરાહને બોલ આપ્યો. બુમરાહે આ ઓવરમાં માત્ર 8 રન આપ્યા, જેનાથી ઇંગ્લેન્ડ પર દબાણ આવ્યું. આ પછીની ઓવરમાં અર્શદીપ સિંહે 16 રન ખર્ચ કરી દીધા. અહીંથી ઇંગ્લેન્ડને 18 બોલમાં 45 રન બનાવવાના હતા. બુમરાહે દબાણભરી પરિસ્થિતિઓમાં શાનદાર બોલિંગ કરતા માત્ર 6 રન આપ્યા અને ભારતને મેચમાં પાછું લાવ્યું. આનો ફાયદો 19મી ઓવરમાં હાર્દિક પંડ્યાને મળ્યો. પંડ્યાના બોલ પર સેમ કરન (18 રન) તિલક વર્માને કેચ આપી બેઠો. આ પછી મેચ ભારતના હાથમાં આવી ગઈ. 14 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે 176 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરતી વખતે બુમરાહે સૈમ અયુબ (6 રન) અને કેપ્ટન સલમાન અલી આગા (4 રન)ને એક જ ઓવરમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. આ પછી પાકિસ્તાનની ટીમ ઉભરી શકી નહીં અને 61 રનથી મેચ હારી ગઈ. આ જીત સાથે ભારતે સુપર-8માં સ્થાન બનાવ્યું હતું. બુમરાહ અત્યાર સુધી 7 મેચમાં 10 વિકેટ લઈ ચૂક્યા છે. 2. હાર્દિકનું આખી ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડ પરફોર્મન્સ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકે આ આખી ટુર્નામેન્ટમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. તેણે 9 મેચમાં એક ફિફ્ટીની મદદથી 217 રન બનાવ્યા. 160.74ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. આટલું જ નહીં, પંડ્યાએ 9 વિકેટ પણ ઝડપી. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેણે 12 બોલમાં 225ના સ્ટ્રાઇક રેટથી 27 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 250ને પાર પહોંચાડ્યો. બોલિંગ કરતી વખતે ફરીથી પહેલા જ બોલ પર ફિલ સોલ્ટની વિકેટ લીધી. તેણે 19મી ઓવરમાં માત્ર 9 રન આપ્યા અને ઇંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. બેટિંગની વાત કરીએ તો ભારત માટે સુપર-8ની ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે મેચ હતી, તે કોઈપણ ભોગે જીતવી પડે તેમ જ હતી. ત્યારે એ મેચમાં હાર્દિકે 217.3ની સ્ટ્રાઈક રેટથી માત્ર 23 બોલમાં 50 રનની નોટઆઉટ ઇનિંગ રમી. જેમાં તેણે 4 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. આ મેચમાં તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 3. અક્ષર પટેલે આવીને મેચ પલટી અક્ષર પટેલે 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે ફરી તેણે તેનું પુનરાવર્તન કર્યું છે. ઈન્ડિયન ટીમના આ સ્ટાર ઓલરાઉન્ડરને આ વખતે બેટિંગ ભલે મળી શકી નથી. પણ તેણે બોલિંગ અને ખાસ કરીને ફિલ્ડિંગથી જ ભારતીય ટીમને મેચ જિતાડી છે. તેની બોલિંગની વાત કરીએ તો આ વર્લ્ડ કપમાં અક્ષરે 11 વિકેટ લીધી છે. જેમાં પાકિસ્તાન,નામિબિયા અને USA સામે 2-2 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં પણ તેણે 1 વિકેટ લીધી અને ફાઈનલમાં તો તેણે કમાલ જ કરી દીધો. ફિન એલન જેવા ડેન્જરસ બેટરને પેવેલિયન ભેગો કરીને કિવી ટીમની કમર તોડી નાખી. ટુર્નામેન્ટની ફાઈનલમાં તેણે 3 વિકેટ લીધી. ફિલ્ડિંગમાં તો આપણે સેમિફાઈનલમાં જ જોઈ લીધું કે તેના કેચથી મેચ કેવી રીતે પલટાઈ ગઈ. ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુકનો કેચ તે પોઇન્ટ પરથી ઊંધી દિશામાં દોડીને 24 મીટર દોડીને ડાઇવ મારીને કેચ ઝડપ્યો. આ ઉપરાંત, જ્યારે વિલ જેક્સ જેકબ બેથેલ સાથે સેટ થઈ ગયો હતો, ત્યારે તેણે બાઉન્ડરી પર દોડીને કૂદકો મારીને બોલને ઝડપ્યો, પણ સંતુલિત ન રહેતા ટાઇણ પર બોલને હવામાં નાખ્યો, ત્યાં અંદર ઊભેલા દુબેએ સરળતાથી કેચ કર્યો. તેની આ જબરદસ્ત ફિલ્ડિંગના કારણે જ ભારત ફાઈનલમાં પહોંચી શક્યું. અક્ષરના ક્રિકેટ કરિયર વિશે તો આપણે જાણીએ જ છીએ, પણ તે કઈ રીતે આમાં આવ્યો તે વિશે થોડું જાણીએ…. બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતો અમદાવાદથી 60 કિલોમીટર દૂર નડિયાદમાં એક નાનકડા બંગલા ‘રાજકિરણ’માં એક સામાન્ય પરિવારમાં જન્મેલા અક્ષર પટેલ શરૂઆતથી જ ભણવામાં તેજસ્વી હતો. તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ભણી-ગણીને એન્જિનિયર બને. અક્ષર જ્યારે 12 વર્ષના હતા ત્યારે તેની પાસે રમતગમત અથવા અભ્યાસમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ હતો, તે સમયે તેણે રમતને પસંદ કરી. વર્ષ 1996-2015 સુધી ખેડા જિલ્લા ક્રિકેટના સચિવ અને સહ-સચિવ રહી ચૂકેલા સંજયભાઈ પટેલે અક્ષરની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી અને તેના પિતાને મનાવ્યા કે તે અક્ષરને ક્રિકેટર બનવા દે. 14 વર્ષની ઉંમરે કોચિંગ શરૂ કર્યું સંજયભાઈ પટેલે અક્ષર પટેલને 14 વર્ષની ઉંમરથી જ કોચિંગ આપવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં, જુનિયર લેવલ પર તે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર હતો. સામાન્ય રીતે જ્યારે તેની ટીમ મેચ જીતી જતી, ત્યારે તે મજાક-મસ્તીમાં ડાબોડી સ્પિન બોલિંગ કરતો હતો. તે દેખાવમાં દુબળો અને પોતાની ઉંમરના હિસાબે ઊંચો હતો. તેની એક્યુરસીને કારણે તેને વિકેટો મળવા લાગી. અક્ષર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં ‘મેન ઓફ ધ સિરીઝ’ રહ્યા હતા. તેમને બેસ્ટ બેટર અને બેસ્ટ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારપછી જ અક્ષરે લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ શરૂ કરી હતી. આ રીતે કરી ક્રિકેટમાં શરૂઆત કરી અક્ષર જ્યારે 17-18 વર્ષના હતો, ત્યારે તેણે બેંગલુરુમાં NCAમાં 21 દિવસના કેમ્પમાં ભાગ લીધો હતો. અક્ષર પટેલ પોતાના રાજ્યમાંથી આ કેમ્પમાં જનારો પ્રથમ વ્યક્તિ હતો. વર્ષ 2012માં રણજી ટ્રોફીમાં અક્ષર પટેલે ગુજરાત માટે ડેબ્યૂ કર્યું હતું. અહીં તેણે પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો. જૂન 2014માં તેણે ઢાકામાં ભારત માટે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ જુલાઈ 2015માં તેણે T20માં ડેબ્યૂ કર્યું. અક્ષર પટેલ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ પાંચ કે તેથી વધુ વિકેટ લેનારા છઠ્ઠા ભારતીય સ્પિનર બન્યો હતો. 4. કોટકે ઘણા ખેલાડીઓની બેટિંગ સુધારી, સેમસન પર કામ કર્યું આ આખી ટુર્નામેન્ટમાં જે નામ સૌથી વધુ ચર્ચામાં હોવું જોઈએ, તો તે છે રાજકોટના અને હાલમાં ઈન્ડિયન ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકનું. સિતાંશુએ ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ખરાબ પરફોર્મન્સ કરીને આવેલી ભારતીય ટીમની બેટિંગ પર કામ કર્યું. આપણે તેની બેટિંગ કોચમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા. ટીમ એશિયા કપ પણ જીતી અને સાથે-સાથે અનેક બાઇલેટરલ સિરીઝ પણ જીતી. આ આખી ટુર્નામેન્ટમાં ભારતના અલગ-અલગ હીરો બન્યા છે. કોઈ દિવસ શિવમે પોતાની બેટિંગથી જાદુ દેખાડ્યો, તો કોઈ દિવસે હાર્દિકે. છેલ્લે તો સંજુ સેમસન જ છવાયેલો જોવા મળ્યો. ત્યારે આ બધાની બેટિંગ પર સિતાંશુએ પણ કામ કર્યું છે. જેમ ખેલાડીઓ કોઈ ટ્રોફી માટે હકદાર હોય છે, તેમ કોચ પણ તેટલા જ હકદાર હોય છે. લક્ષ્મણ અને દ્રવિડ બંનેના ખાસ સિત્તાંશુ કોટકે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં મુખ્ય બેટિંગ કોચ તરીકે ઘણા ભારતીય ખેલાડીઓ સાથે કામ કર્યું છે. ટેકનિકલ રીતે મજબૂત હોવા ઉપરાંત, સિત્તાંશુએ ઈન્ડિયા-એ અને નેશનલ ટીમ બંનેને કોચિંગ આપ્યું છે. જ્યારે પણ રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજો રજા પર હોય ત્યારે કોચિંગની જવાબદારી સિત્તાંશુ કોટક જ સંભાળતા હતા. સિત્તાંશુ કોટક 2024માં ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ ગયા હતા, જ્યાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી 10 મહિનાના વિરામ બાદ જસપ્રીત બુમરાહે વાપસી કરી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો ખડકલો ખડક્યો સિત્તાંશુ હરગોવિંદભાઈ કોટકનો જન્મ 19 ઓક્ટોબર 1972ના રોજ રાજકોટમાં થયો હતો. ડાબોડી બેટર સિત્તાંશુ કોટક ડોમેસ્ટિક સર્કિટમાં સૌરાષ્ટ્ર માટે શાનદાર રન સ્કોરર હતા. કારકિર્દી દરમિયાન તેમણે 130 પ્રથમ શ્રેણી મેચોમાં 41.76ની પ્રભાવશાળી સરેરાશ સાથે 8061 રન બનાવ્યા હતા. બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું હતું. તેમણે સૌરાષ્ટ્ર માટે 70 વિકેટ ઝડપી હતી. નિવૃત્તિ બાદ કોચિંગની શરૂઆત 2013માં ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કોટક કોચિંગ ક્ષેત્રે આવ્યા. તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) બંને પાસેથી લેવલ 1 અને 2 કોચિંગ કોર્સ પૂરો કરીને શરૂઆત કરી. ઓક્ટોબર 2014માં તેઓ સૌરાષ્ટ્ર ટીમના કોચ બન્યા. તેમના કોચિંગ હેઠળ સૌરાષ્ટ્રએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી, જેમાં 2020ની રણજી ટ્રોફી ફાઈનલ જીતવાનો પણ સમાવેશ થાય છે. 2019માં બન્યા ઈન્ડિયા-Aના કોચ રાહુલ દ્રવિડ પછી, ઑગસ્ટ 2019માં તેમને ઈન્ડિયા-A ટીમના હેડ કોચ બનાવ્યા હતા. કોટકે અન્ય જવાબદારીઓ પણ નિભાવી હતી. 2016માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત લાયન્સ માટે આસિસ્ટન્ટ કોચ અને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં બેટિંગ કોચ તરીકે કામ કર્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટ કારકિર્દી (ખેલાડી તરીકે) સિતાંશુ કોટકે 1992 થી 2013 સુધી સૌરાષ્ટ્ર માટે પ્રથમ શ્રેણી ક્રિકેટ રમી હતી. તેમણે 130 પ્રથમ શ્રેણી મેચોમાં 41.76ની સરેરાશથી 8,061 રન બનાવ્યા, જેમાં 15 સેન્ચુરી અને 55 ફિફ્ટી સામેલ છે. તેમણે 89 લિસ્ટ-A મેચોમાં 3000 થી વધુ રન બનાવ્યા છે. તેઓ ડાબોડી બેટર અને ઉપયોગી બોલર રહ્યા છે, જેમણે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 70 વિકેટ પણ લીધી છે. કોચિંગ કારકિર્દી નિવૃત્તિ પછી કોટકે ફૂલ ટાઇમના કોચિંગમાં પ્રવેશ કર્યો અને સૌરાષ્ટ્રની ટીમને કોચિંગ આપ્યું, જે બાદ તેઓ NCAમાં બેટિંગ કોચ બન્યા. સિતાંશુના કોચિંગ હેઠળ જ સૌરાષ્ટ્રએ 2020માં રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. તેઓ 2019 થી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) સાથે જોડાયેલા છે અને ઈન્ડિયા-A ટીમના હેડ કોચ તરીકે બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. 2017માં તેઓ ગુજરાત લાયન્સના આસિસ્ટન્ટ કોચ હતા. 2023માં રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં આયર્લેન્ડ પ્રવાસ પર તેઓ ભારતીય સિનિયર ટીમના કોચ પણ રહ્યા છે. BCCIએ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફમાં તેમને ઇંગ્લેન્ડ સિરીઝ (2025) અને ત્યારબાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટર્સના ખરાબ પ્રદર્શન બાદ તેમને ટીમમાં ટેકનિકલ સુધારા અને ખેલાડીઓના માઇન્ડસેટ પર કામ કરવા માટે લાવવામાં આવ્યા છે. સિતાંશુએ ટીમ ઈન્ડિયા સાથેની તેમની ભૂમિકામાં સંજુ સેમસનની ટેકનિક પર કામ કર્યું છે અને તેઓ રિંકુ સિંહના મેનેજમેન્ટમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આપણે ગુજરાતીની વાત કરીએ છીએ તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમનું નામ પણ એક ગુજરાતી પાછળ જ રખાયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ PM મોદીના નામ પાછળ રખાયું છે. તો બીજી તરફ, ICC ચેરમેન પણ ગુજરાતી જ છે. અગાઉ BCCIના સેક્રેટરી રહી ચૂકેલા અને હાલમાં ICCના ચેરમેન તરીકે ફરજ બજાવતા જય શાહ પણ ગુજરાતી જ છે. એટલે આમ જોવા જઈએ તો આ આખી ટુર્નામેન્ટમાં ગુજરાતીઓનો જ ડંકો વાગતો જોવા મળ્યો છે.